Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગવર્નરની ગોળી અને સિંહનો શિકાર

ગવર્નરની ગોળી અને સિંહનો શિકાર

13 September, 2020 06:14 PM IST | Mumbai
Dr Dinkar Joshi

ગવર્નરની ગોળી અને સિંહનો શિકાર

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


ગુજરાતી ભાષા અને સાહિત્યમાં શ્રી કિસનસિંહ ચાવડાનું પ્રદાન ખૂબ જાણીતું છે. ગયા સૈકાના ગણનાપાત્ર સર્જકોમાં ‌તેમનું યોગદાન રહ્યું છે. દેશની આઝાદી પહેલાં જે ૫૬૨ રજવાડાંઓ હતાં એ પૈકી કેટલાંક રાજ્યોમાં કિસન‌સિંહે નોકરી કરી હતી. આ નોકરીના સમય દરમ્યાન તેમણે જે કેટલીક ઘટનાઓનો અનુભવ લીધો હતો એના વિશે એક પુસ્તક લખ્યું છે. આ પુસ્તકનું નામ ‘અમાસના તારા’ છે. ‍

આ પુસ્તકમાં તેમણે પોતાના જે અનુભવોની વાત આલેખી છે એમાં ‌સિંહના શિકારની વાત ભારે રસપ્રદ છે. જે રાજ્યોમાં જંગલો હતાં અને જ્યાં સિંહોનો વસવાટ હતો ત્યાં રાજાઓ પોતે અવારનવાર ‌સિંહનો શિકાર કરવા જતા. આ ઉપરાંત દેશના અંગ્રેજ હાકેમો એટલે કે ગવર્નરો ક્યારેક શિકાર કરવા માટે કાર્યક્રમ ગોઠવતા અને આ રાજાઓ તેમને ખુશ કરવા જંગલમાં શિકારની બધી વ્યવસ્થા ગોઠવી કાઢતા. શિકારની આ વ્યવસ્થા ગોઠવાતી કિસન‌સિંહે નજરે જોઈ હતી. જંગલમાં અમુક ચોક્કસ સ્થળે સિંહ આવે એના માટે મારણની વ્યવસ્થા થતી. ‌સિંહને એના શિકાર તરફ આકર્ષવા ભેંસ કે બકરા મારણના સ્થળે બાંધવામાં આવતાં. આ મારણના સ્થળની આસપાસ પણ થોડા-થોડા અંતરે માંચડા બાંધવામાં આવતા. આ માંચડાઓ પર રાજ્યના શિકારીઓ બંદૂક લઈને બેસી જાય. એ માંચડો રાજા અથવા ગવર્નર માટે ખાસ બાંધવામાં આવતો. બધુ ગોઠવાઈ જાય. ગવર્નર અને શિકારીઓ પણ પોતપોતાના માંચડામાં બેસી જાય. સિંહ મારણ માટે આવે અને શિકાર શરૂ કરે. બરાબર એ વખતે સિગ્નલ આપવામાં આવે અને ગવર્નર કે રાજા સહિત બધા માંચડામાંથી બંદૂકોની ગોળીઓ ફટાફટ છૂટે. ગવર્નરની ગોળી પણ આ બધામાં એક હોય.



હવે આટલી બધી ગોળીઓ એકસાથે છૂટે તો સિંહ તો ઠેકાણે થઈ જ જાય. પેલા શિકારીઓ અને ગવર્નરસાહેબ માંચડેથી નીચે ઊતરે. બધી ગોળીઓ સિંહને વાગી હોય કે ન વાગી હોય પણ ગવર્નરની ગોળીથી જ સિંહનો શિકાર થયો છે એવું માનવામાં આવે અને પછી સિંહ પાસે બંદૂક લઈને ઊભેલા ગવર્નરના ફોટો પાડવામાં આવે. આ પછી ગવર્નરસાહેબ જંગલની થોડીક સહેલગાહ કરે અને હાજર રહેલા સેવકો સિંહનું માપ લે. સિંહ જેટલો લાંબો એટલું શિકારનું મહત્ત્વ વધારે.


કિસનસિંહ લખે છે કે આવા એક શિકાર વખતે પોતે ત્યાં હાજર હતા. સિપાઈઓએ સિંહનું માપ લીધું અને ગવર્નરસાહેબને જાણ કરી કે સિંહ સાડાબાર ફુટનો હતો. ગવર્નરસાહેબ પ્રસન્ન થઈ ગયા. વાહ, આવડો માટો સિંહ પોતે એક જ ગોળીથી ખતમ કરી નાખ્યો. કિસનસિંહને આ ગોળી વિશે તો કંઈ કહેવાનું નહોતું. બધી ગોળીઓમાંથી જશ ગવર્નરની ગોળીને જ આપવાનો હતો, પણ સિંહની આ લંબાઈ વિશે તેમને થોડીક શંકા ગઈ. સિંહ સાડાબાર ફુટનો લાગતો નહોતો એટલે કિસનસિંહે સિપાઈઓની મદદથી માપપટ્ટી લઈને સિંહનું માપ ફરી વાર લીધું. તેમણે જોયું કે માપ બરાબર સાચું હતું. સિંહ બરાબર સાડાબાર ફુટનો જ લાંબો હતો. આ સચ્ચાઈ નજરોનજર જોયા પછી પણ આ સાડાબારી ફુટ કિસનસિંહના ગળે ઊતરતા નહોતા. તેમણે આમ જોયું, તેમ જોયું, સિપાઈઓ સામે જોયું ત્યારે એક સિપાઈએ તેમની પાસે હળવેકથી આવીને કાનમાં કહ્યું, ‘બાબુજી, આ માપપટ્ટીના મૂળમાં જુઓ, ત્રણ ફુટથી જ શરૂ થાય છે.’

આપણા વહેવારિક સંબંધોમાં પણ સાડાબાર ફુટનું માપ આપણે સૌએ આત્મસાત કરી લીધું છે. આપણે કોઈ પણ ગોળીને આપણી માનીને શિકારનો જશ લઈએ છીએ કે પછી માપપટ્ટીના તગડાને એકડો બનાવીને હાંકે રાખીએ છીએ. આ બન્નેને સાચું માની લઈએ છીએ. આ બનાવટી સત્ય આપણને ગમે છે. આપણે સૌ આ સત્ય બનાવટી છે એ જાણીએ છીએ. હું પણ જાણું, તું પણ જાણે અને સૌકોઈ જાણે છતાં એને અસત્ય કોઈ ન કહે.


રાજાએ કપડાં નહોતાં પહેર્યાં અને તેની સવારી નીકળી ત્યારે કહેવામાં આવ્યં કે રાજાએ એવાં દૈવી વસ્ત્રો પહેર્યાં છે કે જેનાં મા-બાપ પવિત્ર હશે તેને જ આ વસ્ત્રો દેખાશે. કોણ પોતાનાં મા-બાપને અપવિત્ર ઠરાવે? નાગો રાજા આખા શહેરમાં ફર્યો ત્યારે એક નાનકડા બાળકે તાળીઓ પાડીને જોરથી કહ્યું, ‘રાજા નાગો, રાજા નાગો.’

આપણા વ્યવહારિક જીવનમાં સત્ય અને અસત્ય સામેની આપણી જાણકારીને પોતાનાં માતા-‌પિતાની પવિત્રતાના મૂલે મૂલવીએ છીએ. પોતાનાં માતા-પિતાને અપવિત્ર કોણ ઠરાવે? આમ સત્ય ઢંકાયેલું રહે છે અને અસત્ય સત્ય બનીને આપણા બનીને આપણા જ માથામાં ટાપલીઓ મારે છે. આપણે આ ટાપલીઓને સંગીતની સુરાવલિ સમજીને માણીએ છીએ.

સત્ય, અસત્યની ઘડભાંજને આપણે ક્યાં-ક્યાં જોઈએ છીએ એના રોજિંદા જીવનમાં એકબે પ્રસંગો જોઈએ.

તમે ઉતાવળે-ઉતાવળે રસ્તા પરથી જઈ રહ્યા છો. સામેથી તમારા એક સ્નેહી સ્વજન આવી રહ્યા છે અને તમે બન્ને એકબીજાને જોઈને હસી પડો છો. ‘હેલ્લો, હલ્લો’ કરતા ઊભા રહો છો, પરસ્પર હાથ મિલાવો છો અને પછી લગભગ એક જ સવાલ સામસામા પૂછો છો - ‘કેમ છો કનુભાઈ? કેમ છો મનુભાઈ?’ અને પછી એકી સાથે એકસરખો જ જવાબ આપો છો - ‘મજામાં, મજામાં’ અને પછી તરત જ પરસ્પરને બીજો સવાલ કરો છો - ‘ઘરે બધા કેમ છે?’ અને તરત જ પરસ્પરને એકસરખો જવાબ આપી દો છો - ‘બસ, બધા લહેરમાં છે. આનંદમંગળ.’

વાસ્તવમાં તમે ડૉક્ટર પાસે જઈ રહ્યા છો. તમારા દાંતનો દુખાવો અસહ્ય થઈ ગયો છે. તમે મજામાં નથી. એ જ રીતે તમને મળેલા ભાઈ પણ મજામાં નથી. તેમના પુત્રને કૂતરું કરડ્યું હોવાથી ડૉક્ટરે લખી આપેલી દવા લેવા જઈ રહ્યા છે. બન્ને રોકાયેલા છે, ઉતાવળમાં છે અને છતાં વ્યવહારિક વાતમાં તો આ મજા જ ઊભી રહે છે. આ ઊભેલી મજાને મળી પાછા જય-જય કરીને બન્ને જણ ચાલવા માંડો છો.

આમાં કશું ખોટું નથી. જો પરસ્પર વિવેક જાળવવા માટે બનાવટી જવાબ ન આપો તો રોજેરોજ ભારે ગરબડ થાય. અહીં અસત્યનો આશરો સત્ય કરતાં પણ વધુ સલામત થઈ જાય. ગવર્નરનો સિંહ સાડાબાર ફુટનો જ હોય, એને બે ફુટ વધારવાને બદલે બે ફુટ ઘટાડ્યો હોય તો રજવાડું સીધું ચાલે નહીં.

એવો જ બીજો રોજિંદા વ્યવહારનો દાખલો સંભારવા જેવો છે. તમારે ત્યાં કશોક પ્રસંગ ઊજવાઈ રહ્યો છે. આ પ્રસંગ લગ્ન કે એવો કોઈક સામાજિક વ્યવહારનો હોઈ શકે. લગ્ન મંડપથી માંડીને હજાર કામ કરેલી મુદતમાં પતાવવાનાં હોય. એમાં સૌથી પહેલું કામ તો તમારા ઘરે આવેલા આ પ્રસંગની રાહ જોઈ રહેલા સંબંધીઓનું હોય. આ સંબંધીઓ તમારાથી રિસાયેલા હોય. કંઈને કંઈ કારણસર વીતેલા દિવસોમાં તેમને વાંકું પડેલું જ હોય. હવે આ સંબંધીઓ લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહીને શોભામાં અભિવૃદ્ધિ કરવાની આનાકાની કરશે. તમારે તેમને સમજાવવાના. આ સમજાવટ ઉપરાંત કુમકુમ પત્રિકા છપાવવાની છે, કેટરર્સને મળવાનું છે વગેરે-વગેરે.

તમે જેને કુમકુમ પત્રિકા આપવા જાઓ છો એ પણ તમારાં સગાં છે, સ્નેહી છે, સ્વજન છે. પત્રિકા હાથમાં લઈને તમને હસતા ચહેરે કહેશે, ‘વાહ, બહુ સરસ. અમે જરૂર આવી પહોંચીશું. કંઈ કામકાજ હોય તો કહેજો.’ હવે તેમની વાત સાંભળીને જો તમે સાચી માની લેશો અને લગ્ન પ્રસંગેનું કોઈ કામ તેમને સોંપશો તો તરત જ કહેશે, ‘હમણાં ઘરમાં થોડીક તકલીફ છે એટલે મારાથી તો ત્યાં નહીં જવાય. બીજું કંઈ હોય તો કહેજો.’

તમને તરત જ થાય કે ભલા માણસ, કામ સોંપવાની વાત તેં જ કરી હતી. મેં સોંપ્યું ત્યારે તેં હાથ ઊંચા કરી દીધા. હવે આ પહેલું કામ જ તું કરતો નથી ત્યાં તને બીજું કામ કેમ સોંપાય?’

જીવનમાં ડગલેને પગલે ગવર્નરની બંદૂકની ગોળી અને સાડાબાર ફુટના ‌સિંહ વચ્ચે જ આપણે જીવવાનું છે. એમાં કિસનસિંહ અને પેલો સિપાઈ બે વચ્ચે પસંદગી તમારે કરવાની છે.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝ પેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

13 September, 2020 06:14 PM IST | Mumbai | Dr Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK