રિયલ વર્લ્ડ અને વર્ચ્યુઅલ વર્લ્ડ: આઇસીયુની બહાર જેઓ ઊભા છે તેઓ તમારા સ્વજન છે, ભૂલતા નહીં

Published: Sep 09, 2020, 12:58 IST | Manoj Joshi | Mumbai

કોરોનાને કારણે આ વાસ્તવિકતા સૌકોઈની આંખ સામે આવી ગઈ. લૉકડાઉન પહેલાં આપણે એ સ્તરે વર્ચ્યુઅલ દુનિયા સાથે, કાલ્પનિક વિશ્વમાં જોડાઈ ગયા હતા કે આપણી સાથે રહેતા અને આપણે માટે જીવતા લોકોને બહુ પાછળ છોડી દીધા હતા.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

હમણાં વૉટ્સઍપ પર એક મેસેજ આવ્યો. આમ તો આ મેસેજ કદાચ બીજી વાર આવ્યો, પણ એમ છતાં ગઈ કાલે ફરીથી મેસેજ વાંચીને ખરેખર મજા આવી ગઈ. મેસેજ વાંચવા જેવો છે, જીવનમાં ઉતારવા જેવો છે અને એનો અમલ પણ આજથી જ કરવા જેવો છે. આપણી વાત આગળ વધે એ પહેલાં આપણે વાત કરીએ એ મેસેજની...
‘૪૮૯૨ ફેસબુક -ફ્રેન્ડ્સ, ૨૨૫૫ વૉટ્સઍપ-કૉન્ટૅક્ટ્સ, ૧૯૧૦ ટ્વિટર-ફૉલોઅર્સ અને આઇસીયુની બહાર ૩ વ્યક્તિ. મહેરબાની કરીને વર્ચ્યુઅલ દુનિયામાંથી બહાર આવો અને ફૅમિલી સાથે જોડાઓ.’
આ આજની વાસ્તવિકતા છે અને આ વાસ્તવિકતા સૌકોઈની સામે છે. લૉકડાઉને આ હકીકત આંખ સામે લાવીને મૂકી દીધી. કોરોનાને કારણે આ વાસ્તવિકતા સૌકોઈની આંખ સામે આવી ગઈ. લૉકડાઉન પહેલાં આપણે એ સ્તરે વર્ચ્યુઅલ દુનિયા સાથે, કાલ્પનિક વિશ્વમાં જોડાઈ ગયા હતા કે આપણી સાથે રહેતા અને આપણે માટે જીવતા લોકોને બહુ પાછળ છોડી દીધા હતા. આજે પણ એવું છે. અનેક ઘરોમાં એવું છે કે બધા સાથે બેઠા છે અને એ પછી પણ સૌકોઈની આંગળીઓ વૉટ્સઍપ, ફેસબુક અને અન્ય સોશ્યલ મીડિયાના પોતાના કે પછી અન્યના પેજ પર ફરી રહી છે.
વૉટ્સઍપ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને એવાં બીજાં બધાં સોશ્યલ મેસેન્જર જ આપણું જગત બની ગયું છે. વાઇફ બાજુમાં બેસીને બે શબ્દની વાત કરવા માટે તડપતી હોય છે અને આપણે ઑફિસમાં જૉબ કરતી છોકરીને જીવન કેવી રીતે જીવવું એની સમજણ આપવાનું કામ કરતા હોઈએ છીએ. દીકરો ઘરમાં એક શબ્દ બોલશે એવી અપેક્ષાએ મા આખો દિવસ દરવાજા પર નજર રાખીને બેસી રહે છે અને ઘરમાં આવ્યા પછી દીકરો ફેસબુક પર મધર્સ ડેની ચર્ચામાં વ્યસ્ત હોય છે. આવી જ પરિસ્થિતિ બાપુજીની છે અને આવી જ અવસ્થા બાળકોની છે. બીજાનાં બાળકોના ફોટોગ્રાફને ફેસબુક પર લાઇક કરવામાં મગ્ન એવા યંગ પપ્પાને ખબર નથી કે તેનું સંતાન તેની પાસે હૂંફની એક ઘડી માગે છે અને તે તેને આપી શકતો નથી, કારણ કે આ વ્યસન છે અને આ વ્યસનની લત હવે બહુ આકરી બનતી જાય છે. દારૂ અને તમાકુનું જે વ્યસન છે એ વ્યસનને હું આ સોશ્યલ મીડિયાના વળગણની સરખામણીએ હળવું અને નબળું ગણું છું, કારણ કે એ શોધવા જવું પડે છે અને એનું સેવન કરવું પડે છે, પણ આ સોશ્યલ મીડિયાનું વળગણ તો એ સ્તરે હાજરાહજૂર છે કે એને રોકવું પણ હવે અઘરું થઈ ગયું છે. આ વ્યસનમાંથી બહાર આવવાની સજાગતા આપણે જ કેળવવી પડશે, જો એવું ન કરી શક્યા તો આપણે સામાજિક સ્તરે ખતમ થઈ જઈશું અને એ દિવસો પણ દૂર નથી જ, કારણ કે અત્યારે પણ પરિસ્થિતિ તો એવી જ છે કે આપણે બધી જ દિશાએથી કપાવા માંડ્યા છીએ. વાઇફ પણ આપણો કૉન્ટૅક્ટ વૉટ્સઍપ પર કરે છે અને દીકરીએ પણ પપ્પાના ફોટોગ્રાફને ફેસબુક પર જ લાઇક કરીને સંતોષ માની લેવો પડે છે. લૉકડાઉને સમજાવ્યું કે કોણ તમારું છે અને કોણ પરાયું. બહેતર છે કે આ વાતને જીવનભર હવે મનમાં રાખીએ અને ગંભીર બનીને સોશ્યલ મીડિયાની ગટરમાંથી બહાર આવીએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK