Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સમ રહેવાની શીખ સાંભરે છે ત્યારે...

સમ રહેવાની શીખ સાંભરે છે ત્યારે...

03 November, 2020 04:16 PM IST | Mumbai
Taru Kajaria

સમ રહેવાની શીખ સાંભરે છે ત્યારે...

તો રાગને સમ રાખતાં શીખવું એ જ સાચા સુખનો માર્ગ છેને?

તો રાગને સમ રાખતાં શીખવું એ જ સાચા સુખનો માર્ગ છેને?


દિવાળી અગાઉના દિવસોમાં ખાસ પ્રકારનાં જીવડાં બત્તી પાસે ઊભરાય છે, પણ અમારે ત્યાં છેલ્લા થોડા દિવસથી બ્રાઉન રંગનાં નાનકડાં પતંગિયાનો ઉપદ્રવ વધી ગયો છે. મોટા ભાગે સાંજે દીવા-બત્તી થાય ત્યારે એનાં ધાડાં ઘરમાં ઘૂસી જાય અને પછી પ્રકાશની આસપાસ હુંફરિયું ખાય. બીજા ઓરડામાં તો બત્તી બંધ કરી શકીએ, પરંતુ રસોડામાં તો રસોઈનો સમય હોય એટલે બત્તી રાખવી જ પડે અને બત્તી હોય એટલે આ ટબૂકડાંઓ બધાં ત્યાં ચોંટે. રસોઈમાં કે રાત્રે જમતી વખતે ભાણાંમાં ન પડી જાય એનો ખાસ ખ્યાલ રાખવો પડે. રાત્રે બધા સૂવા જાય અને બધી જ બત્તીઓ બંધ થાય પછી જ બારીઓ ખોલી શકાય. આમ આ આ ટચૂકડા એકરંગી પતંગાનું આક્રમણ ચાલુ હતું એ દરમિયાન એક દિવસ કંઈક જુદું બન્યું.
એક દિવસ એમનું આગમન ન થયું, પણ અચાનક સાંજે ઝીણાં-ઝીણાં જીવડાં ઘરમાં બત્તીની આસપાસ ઘુમરાવા લાગ્યાં. અને થોડી જ વારમાં તો એકે-એક લાઇટ પાસે સેંકડોની સંખ્યામાં એ ઝીણકાં જીવડાંના ટોળાં બાઝ્યાં હતા. લાઇટ બંધ કરી એટલે થોડી વારમાં દીવાલ પરથી એમની ભીડ પાંખી પડી ગઈ. પણ નીચે નજર કરી તો સેંકડો-હજારો જીવડાં મૃતઃપ્રાય અવસ્થામાં જમીન પર ખરી પડ્યાં હતાં. એમાં કેટલાંક જીવતાં હતાં, કેટલાંક તરફડિયાં મારી રહ્યાં હતાં અને ઢગલો ભરીને નિશ્ચેત અવસ્થામાં પડ્યાં હતાં. ત્રણથી ચાર વાર ઝાડુ કાઢવું પડ્યું. એમને જોઈને વિચાર આવ્યો કે આ મૂરખાઓ શા માટે જીવ ગુમાવવા આવતાં હશે? ત્યાં નાનકડી પૌત્રી બોલી, એ બહુ નાનાં છેને એટલે નથી સમજતાં. મેં કહ્યું, પેલાં પતંગિયાં તો મોટાં છે તોય નથી સમજતાં. પણ એ શબ્દો બોલતી વખતે જ વિચાર આવ્યો કે આપણે માનવો તો આ બધા જીવોથી કેટલા બધા મોટા છીએ તોય આપણે પણ આવી કેટલી બધી હરકતો કરીએ છીએ. એ જોઈને અનુભવ, સમજણ અને જ્ઞાનમાં આપણાથી મોટાઓ પણ કદાચ આપણા માટે આમ જ વિચારતા હશેને! દુન્યવી માયાને જિંદગીની સચ્ચાઈ સમજી લેવાની ભૂલ કરનારા આપણે પણ આ નાનકડા જીવની જેમ જ પટકાઈએ છીએને! તેમ છતાં ફરી એ જ દિશા ભણી દોડીએ છીએ.
જ્ઞાનીઓ કહી-કહીને થાક્યા તોય રાગ-દ્વેષ, મોહ-માયાના આકર્ષણથી મુક્ત થવાનું આપણે પણ ક્યાં શીખીએ છીએ? મને યાદ આવે છે અમે નાનાં હતાં ત્યારે બા સાથેની વાતોમાં અવારનવાર એક વાક્ય આવતું : ‘બેટા, સુખમાં છલકાઈ ન જાઈએ, દુ:ખમાં ડૂકી ન જાઈએ. સર્વ સ્થિતિમાં સમ રહીએ.’ ત્યારે હું હંમેશાં બા સામે દલીલ કરતી કે સુખ હોય ત્યારે પૂરેપૂરું ખૂલીને માણવાનું શા માટે નહીં? દુ:ખ આવે ત્યારે બાની સલાહ સાંભરતી અને લાગતું કે હા રે, બાની વાતમાં દમ છે. જીવનમંત્ર જેવું બાપુજીનું વાક્ય ‘યહ ભી કબ તક?’ પણ નજર સામે આવીને ત્યારે મનને સધિયારો બંધાવતું. પણ સાચું કહું, આ બધી સમજણ એ દુ:ખની પળોમાં ઉદ્ભવતી અને બા કહેતી એમ ‘ડૂકી જવામાંથી’ બચી જવાતું. પરંતુ ખુશીના અવસરમાં તો સમ રહેવાની શીખનો અમલ થઈ શકતો નહોતો. મન દલીલ કરતું કે દુ:ખોથી ભરેલી આ દુનિયામાં સુખના કે ખુશ થવાના જે મોકા મળે એ ઝડપી લેવા જોઈએ એટલું જ નહીં, ક્યારેક તો ઘરમાંથી કોઈએ પરીક્ષા આપી હોય કે સ્પર્ધામાં ભાગ લીધો હોય અને પર્ફોર્મન્સ સરસ થયો હોય કે કલાકાર દીકરાનું ઑડિશન સરસ ગયું હોય તો એના સરસ પરિણામની કલ્પના કરીને પણ રાજી-રાજી થઉં. મતલબ કે ખુશીનો પ્રસંગ આવવાની કે બનવાની શક્યતા જ માત્ર હોય, પાકી ખાતરી ન હોય તો પણ એ શક્યતાનેય ચગળીને માણી લઉં. ઘણી વાર મન દલીલ પણ કરે કે સફળતા નહીં મળે તો? નિષ્ફળતા મળશે તો પછી દુ:ખ નહીં થાય? ત્યારે હું વળતી દલીલ કરું કે સુખની કલ્પના કરવાની તક મળી છે તો એને પણ ઝીલી લેવાની મજા છે. અને ખરેખર કદી નિષ્ફળતાના સમાચાર આવે તો હું કહું કે જોયું, આમ છતાંય આપણે તો મજા લઈ લીધીને!
જોકે વરસો વીતતાં જાય છે તેમ-તેમ બાની વાતની નિતાંત સત્યતા વધુ ને વધુ સમજાતી જાય છે. કેમ કે સુખને દિલ ભરીને માણ્યું હોય એવી વ્યક્તિઓને દુ:ખ પણ એટલી જ વિપુલ માત્રામાં સ્પર્શ કરવાની હિમ્મત કરે છે. ક્યારેક એની પ્રચંડતા સામે તદ્દન પામર બની જવાય છે. અને ત્યારે ‘સમ’ રહેવાની શીખ સાંભરે છે. પ્રકાશ પ્રત્યેના આકર્ષણથી ખેંચાઈને ખુવાર થઈ જતાં પેલાં નાનકડાં જીવડાં અને ફૂદાંને જોઈને આ બધા વિચારો મનમાં ઊગ્યા. થયું, માણસ તો એમની સરખામણીએ કેટલો મોટો છે તોય ક્યારે સમજે છે આ સત્ય! કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ માટેનો રાગ ગમે એટલો મીઠો, મજાનો અનુભવ કરાવનાર હોય તો પણ ક્યારેક એ જ રાગ માણસને અસહ્ય પરિસ્થિતિમાં ધકેલી દેતો હોય છે. તો રાગને સમ રાખતાં શીખવું એ જ સાચા સુખનો માર્ગ છેને?
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2020 04:16 PM IST | Mumbai | Taru Kajaria

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK