દુશ્મનોં કે સિતમ કા ખૌફ નહીં હમેં, હમ તો દોસ્તોં કે ખફા હોને સે ડરતે હૈ

Published: 26th October, 2020 20:39 IST | Pravin Solanki | Mumbai

ગુનાહ કરકે સજા સે ડરતે હૈં, ઝહર પી કે દવા સે ડરતે હૈં; દુશ્મનોં કે સિતમ કા ખૌફ નહીં હમેં, હમ તો દોસ્તોં કે ખફા હોને સે ડરતે હૈં

અદાલતમાં ચાલતા આટાપાટાની ઝાંખી થાય એને કારણે જ સત્ય ઘટનાઓની રહસ્યશ્રેણી રજૂ કરી!
અદાલતમાં ચાલતા આટાપાટાની ઝાંખી થાય એને કારણે જ સત્ય ઘટનાઓની રહસ્યશ્રેણી રજૂ કરી!

સંસ્કૃતમાં એક સરસ વજનદાર શબ્દ છે ‘હાતોપાદાન.’ કેટલાક લોકો શું પસંદ કરવું અને શું છોડી દેવું એ વિવેક જાણતા નથી. એ વિવેક એટલે ‘હાતોપાદાન.’ આરુષી મર્ડરકેસની એટલીબધી જુદી-જુદી થિયરી, કહાણી, અનુમાનો કે તર્ક-વિતર્કો છે કે શું લખવું અને શું છોડી દેવું એ નક્કી કરવું મુશ્કેલ છે.
રાજેશ તલવાર પુરાવા નષ્ટ કરીને રાતે બે વાગ્યે પાછા આવ્યા, સવારે નોકરાણી ભારતી આવી અને પછી શું નાટક થયાં એ આપણે જોઈ ગયા છીએ.
સીબીઆઇની બીજી ટીમે પોતાની આ કહાણી અદાલતમાં પેશ કરીને ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો. આ રિપોર્ટમાં સીધી રીતે કોઈ પુરાવા નહોતા, પરંતુ આરોપીઓ કસુરવાર છે એ દિશામાં સંકેત હતો. ૨૦૧૧ની ૨૫ જાન્યુઆરીએ તલવાર-દંપતીએ પ્રસ્તુત ક્લોઝર રિપોર્ટનો વિરોધ કર્યો. અદાલતે પણ ક્લોઝર રિપોર્ટ આંશિક રીતે નકાર્યો, પણ આરોપી દોષી હોવાનો સંકેત માન્ય રાખીને તેમના પર આરોપનામું ઘડ્યું. ૨૦૧૨ની ૧૧ જૂને સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટમાં ટ્રાયલ શરૂ થઈ અને ૨૦૧૩ની ૨૫ નવેમ્બરે બન્નેને આજીવન કેદની સજા ફરમાવી. જાન્યુઆરી ૨૦૧૪માં તલવાર-દંપતીએ અલાહાબાદ હાઈ કોર્ટના દરવાજા ખખડાવ્યા અને ૨૦૧૭માં હાઈ કોર્ટે બન્નેને શંકાનો લાભ આપીને મુક્ત કરી દીધાં.
અદાલતે એમ ન કહ્યું‍ કે આરોપી નિર્દોષ છે, પણ દોષી છે એના પૂરતા પુરાવા નથી. અહીં નરોવા કુંજરો વા થયું, પણ દ્રોણાચાર્ય હણાયા નહીં, ઊગરી ગયા.
કાઠિયાવાડી કહેવત છે, ‘કાં બાપ બતાવ, કાં શ્રાદ્ધ કર.’ સીબીઆઇ પાસે ન બાપ હતો ન શ્રાદ્ધ કરવાના સંજોગો.
અપરાધ એક સીધી વાત છે અને અદાલત અટપટી વાત છે. આપણને જે નરી આંખે દેખાય છે એ ક્યારેક અદાલતમાં આભાસી પણ પુરવાર થયું છે. ક્યારેક એમ લાગે છે કે અપરાધ કરવો એ ખૂબ સરળ કામ છે, પણ અપરાધ સાબિત કરવો એ અઘરામાં અઘરું કામ છે. કારણ? કાયદાઓની આંટીઘૂંટી. સામાન્ય માણસોનું મગજ બહેર મારી જાય. આપણામાં કહેવાય છે કે ભગવાન કોઈને અદાલતનો ઉંબરો અને હૉસ્પિટલનો ખાટલો ન બતાવે.
આપણા બંધારણમાં એક કલમ છે એ વિશે બહુ ઓછા લોકોએ વિચાર્યું હશે. બંધારણમાં કોઈને અન્યાય ન થાય એની જોગવાઈ છે, બધાને ન્યાય મળે એની નહીં. એટલે અદાલતમાં જે આવે છે એ ચુકાદો (જજમેન્ટ) હોય છે, ન્યાય નહીં (જસ્ટિસ) નહીં.
કોઈ પણ કેસમાં ન્યાયાધીશ બે વાત પર ખાસ ભાર આપતા હોય છે. એક તો આરોપીને અપરાધી ઠરાવવાના પુરાવા શું છે? પુરાવા બે પ્રકારના હોય છે, દાર્શનિક અને સાંયોગિક! દાર્શનિક એટલે હિન્દી ફિલ્મમાં આપણે અવારનવાર સાંભળેલો શબ્દ ‘ચશ્મદીદ ગવાહ! ઘટનાને નજરોનજર જોનાર સાક્ષી કે ઘટનાસ્થળે હાજર રહેલી વ્યક્તિ! અને સાંયોગિક પુરાવા એટલે સંજોગાધીન પુરાવા. અપરાધને પુષ્ટિ આપે એવા સંજોગો, એવી વાત, એવાં કારણો.
ન્યાયાધીશ બીજી એ વાત પર ધ્યાન આપે છે કે અપરાધ કરવાનું કારણ શું? મોટિવ, ઇરાદો, અપરાધ કરવા પાછળ અપરાધીને શું લાભ હતો? અથવા ગેરલાભ ન થાય એનું કારણ હતું?
એક તારણ એવું છે કે સામાન્ય લોકો ઘણી બધી અસામાન્ય વાતો જાણે છે, સમજે છે, પણ કાયદાકીય જ્ઞાન મેળવવામાં બહુ ઓછો રસ ધરાવતા હોય છે. દેશના એક જાગ્રત નાગરિક તરીકે પોતાના હક અને ફરજો પ્રત્યે બેદરકાર હોય છે. લોકમાનસ ‘ન્યાય’ માટેનું વિચિત્ર અર્થઘટન કરતા જણાયા છે. પોતાની તરફેણમાં આવે એ ન્યાય, બાકી અન્યાય.
આપણે ત્યાં વાતાવરણ એવું છે કે જે કાયદા વધુપડતા નરમ હોય એનું પાલન થતું નથી અને વધુ પડતા કડક હોય એનો અમલ થતો નથી. કાયદાઓનો કોઈ અંત જ નથી અને એના અમલનો કોઈ પ્રારંભ નથી.
જનમાનસમાં એક એવી માન્યતા ઘર કરી ગઈ છે કે કાયદાઓ માત્ર ગરીબ-આમજનતા માટે જ છે. ધનવાનો કાયદો ખરીદી શકે છે અને સત્તાધીશો પોતાની તરફેણમાં કાયદાઓ બદલી શકે છે. આ એક ભ્રામક છતાં વ્યાપક માન્યતા છે. પ્રમાણમાં આપણું ન્યાયતંત્ર ઘણું જ સાબૂત છે તકલીફ ફક્ત એટલી જ છે કે અદાલતી પ્રક્રિયા અને ટેક્નિકાલિટી એટલીબધી અટપટી છે કે સામાન્ય લોકોને કાયદા પ્રત્યે નફરત થઈ ગઈ છે.
એક દાખલારૂપે વિચાર કરો. ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરાજીની હત્યા છડેચોક થઈ હતી. ઘણાએ બનાવ નજરોનજર જોયો હતો છતાં અદાલતમાં એ ખટલો કેટલાં વર્ષ ચાલ્યો? જે જોયું છે, જગજાહેર છે એ અદાલતમાં પુરવાર કરવું પડે છે. સત્યને સત્ય તરીકે સાબિત કરવું પડે છે. ઘણી વાર એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે સત્યને સત્ય તરીકે સાબિત કરવામાં અસત્યની મદદ લેવી પડે છે.
મેં ઘણાં રહસ્ય નાટકો લખ્યાં છે. મશહૂર ક્રિમિનલ લૉયર સ્વ. હર્ષદ પોન્ડા અમારા મિત્ર હતા. હું અને કાંતિ મડિયા અવારનવાર નાટક માટે કાયદાકીય સલાહ લેવા કોલાબાના તેમના નિવાસસ્થાને જતા અને તેઓ રસપૂર્વક વિસ્તારથી સલાહ આપતા પણ ખરા. તેમણે કહેલું એક વાક્ય આજેય હું ભૂલ્યો નથી અને ભવિષ્યમાં ભુલાય એવું પણ નથી. વાક્ય છે, ‘CRIME IS THE TRUTH AND LAW IS A HYPOCRISY’ - અપરાધ સત્ય છે, સનાતન છે, કાયદો
ઢોંગ છે.’
આ વાક્ય પર અડધો કલાક અમારી ચર્ચા ચાલી. એક પક્ષે હું અને મડિયા, બીજા પક્ષે પોન્ડાસાહેબ. આ વાક્યનો વિશાળ અર્થ કરતાં તેમણે કહ્યું કે ‘કાનૂન એ સંસ્કૃત સમાજની શોધ હતી. અપરાધ પુરાતન કાળથી ચાલ્યો આવે છે. મોટી માછલીનું નાની માછલીને ગળી જવું કે નબળા પર સબળાનું હાવી થવું એ સહજ હતું. અપરાધ એ માણસના જીવનનું એક અવિભાજ્ય અને અનિવાર્ય અંગ છે. દુનિયામાં તેને ટકી રહેવાનું છે, વળી માણસની સૌથી પહેલી ઇચ્છા પોતાનું સુખ, પોતાની સગવડ કાયમ કરવાની હોય છે અને એ સુખ અને સગવડ મેળવવાના રસ્તા સીધા નથી હોતા.
ખેર ખૂબ દલીલો થઈ, પણ છેવટે તો તેઓ વકીલને! એક નંબરના વકીલ. તેમની એક વાતે અમે બન્ને મેત થઈ ગયા. તેમણે કહ્યું, ‘જેટલા અપરાધો સમાજ સામે આવે છે એના કરતાં દસ ગણા અપરાધ છાનાછપના થાય છે જેની કોઈ નોંધ નથી લેવાતી, કોઈ ફરિયાદ નથી થતી. એને માટે કોઈ અદાલત નથી હોતી, કોઈ ન્યાયાધીશ નથી હોતો. પોતે જ અપરાધી, પોતે જ અદાલત અને પોતે જ ન્યાયાધીશ. અંધારામાં થતા અપરાધો પ્રકાશમાં આવે છે, પ્રકાશમાં થયેલા અપરાધો અંધકારની ખાઈમાં ગરક થઈ જાય છે.
બીજી એક અગત્યની વાત તેમણે કહી. સરકાર કાયદો ઘડે છે. પોલીસ તંત્ર એનો અમલ કરે અને વકીલો જે-તે કાયદાનું અર્થઘટન કરે. આપણે ત્યાં ખાટલે મોટી ખોડ એ છે કે કાયદાનો અમલ કરનારા તંત્ર પાસે કાયદા વિશેનું જ્ઞાન બહુ જ ઓછું હોય છે, ભાગ્યે જ તેમને એ વિશે તાલીમ અપાય છે. એ જ રીતે જેમને ભાગે કાયદાનું અર્થઘટન કરવાનું કામ આવે છે તેઓ કાયદાના મૂળ હેતુનો અભ્યાસ કરવાને બદલે એમાં રહેલી છટકબારીનો અભ્યાસ વધારે કરે છે! વકીલોની સફળતાનો ઊંચો આંક કાયદામાં રહેલી ટેક્નિકલ ત્રુટિઓ પણ વધારે હોય છે.
મૂળભૂત વાત એ છે કે આપણું વર્તન દેશના એક જાગ્રત નાગરિક તરીકેનું નહીં, પણ સમાજ કે કુટુંબના એક સભ્ય તરીકેનું સીમિત રહ્યું છે. કોઈ વ્યક્તિએ અપરાધ નજર સામે થતા જોયો હોય, એ વિશે કશુંક જાણતો હોય તો તે સામે ચાલીને પોલીસને માહિતી આપવા જશે ખરો? ન જ જાય! નથી જ જતો. ‘પારકી પંચાતમાં કોણ પડે’નું વલણ બહુ સામાન્ય અને સ્વાભાવિક છે. કાયદાઓની પ્રક્રિયા જ એવી છે કે નાગરિકધર્મ બજાવવા જતાં ઊલમાંથી ચૂલમાં પડ્યાનો અહેસાસ થાય.
ઍડ્વોકેટ ભરત ઓઝા, જેઓ મારા મિત્ર અને પોન્ડાજીના શિષ્ય પણ છે તેમણે કહેલી વાત પણ વિચાર માગી લે એવી છે. તેઓ કહે છે કે અદાલતમાં જે પુરવાર થાય એ જ સત્ય. ઘટના પછી ત્રણ સત્યો અસ્તિત્વમાં આવે ઃ (૧) ઘટનાનું નિરપેક્ષ સત્ય, (૨) લોકોએ માનેલું સત્ય, (૩) અદાલતમાં પુરાવાના આધારે પુરવાર થાય એ સત્ય. ધારો કે એક વ્યક્તિનું ઝબ્બાનું ખિસ્સું કપાયું છે. અદાલતમાં વકીલ પુરવાર કરે છે કે ફરિયાદીના ઝબ્બાને ખિસ્સું જ નહોતું તો કપાવાનો સવાલ જ ક્યાં ઉદ્ભવે?
એક વેપારી અનાજમાં જીવલેણ ભેળસેળ કરતાં પકડાયો, પરંતુ પંચનામા વખતે સાક્ષી તરીકે કોઈ હાજર ન રહ્યું. આવા સમયે પોલીસે પોતાના પગારદાર કે પોતે ઊભા કરેલા સાક્ષીને પંચ તરીકે બોલાવ્યો. કેસ વખતે વેપારીના વકીલે એ વ્યક્તિને ક્રૉસ કરતાં પૂછ્યું, ‘પંચ તરીકે તમે સેવા આપી એ બદલ ધન્યવાદ. આવી સેવા બહુ ઓછા લોકો કરે છે. આપ આ સેવા પહેલી વાર આપો છો?’
‘ના સાહેબ, ઘણી વાર આપી છે.’ પંચે પોરસાતાં કહ્યું.
‘ઘણી વાર? માનવામાં નથી આવતું.’
‘પૂછો ઇન્સ્પેક્ટરસાહેબને, જ્યારે-જ્યારે બોલાવે છે ત્યારે-ત્યારે હાજર રહું છું કે નહીં?’ અને વકીલ ન્યાયાધીશ તરફ સૂચક રીતે હસીને કહી દે છે, ‘ધૅટ્સ ઑલ યૉર ઑનર.’
આ તો મામૂલી અને નાના દાખલા છે. મોટા કેસમાં મોટાં ટેક્નિકલ કારણોને લીધે અપરાધીઓ છૂટી જાય છે. ન્યાયતંત્રને આવી લાચારીને કારણે બદનામી વહોરવી પડે છે. છેલ્લે...
અદાલતમાં ચાલતા આટાપાટાની ઝાંખી થાય એને કારણે જ સત્ય ઘટનાઓની રહસ્યશ્રેણી રજૂ કરી!

સમાપન
એક ચોરે ચોરી કરી. અદાલતમાં તેના બાહોશ વકીલે દલીલ કરતાં કહ્યું, ‘નામદાર, મારો અસીલ ઘરમાં ઘૂસ્યો જ નથી. બેડરૂમની બારી ખુલ્લી હતી એમાંથી જમણો હાથ નાખીને ટેબલ પરથી કીમતી ચીજો ઉઠાવી છે.’
હવે, મારા અસીલનો જમણો હાથ એ મારો અસીલ નથી. જમણો હાથ તેના શરીરનું નાનકડું અંગ છે. એ નાનકડા અંગે કરેલા અપરાધની શિક્ષા આખા શરીરને કેમ અપાય?
ન્યાયાધીશે કહ્યું, ‘ઠીક છે, તમારા તર્ક અનુસાર તમારા અસીલનો જમણો હાથ અદાલતમાં જમા કરાવી દો.’ અને ચોરે પોતાનો બનાવટી નકલી જમણો હાથ કાઢીને ન્યાયાધીશ સામે મૂકી દીધો!

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK