અમે તો નક્કી કર્યું કે ચક્રવર્તીનો આખો સેટ લઈને કલકત્તા જઈશું

Published: 13th October, 2020 15:22 IST | Sanjay Goradia | Mumbai

‘ચક્રવર્તી’ નાટકના એક શોમાં સીડી પરથી ઊતરતાં જેડી પડ્યો અને એને હેરલાઇન ફ્રૅક્ચર આવ્યું એટલે અમારે રિપ્લેસમેન્ટ શોધવાનો વારો આવ્યો.

નાટક ‘ચક્રવર્તી’ના એક દૃશ્યમાં વ્હીલચૅરમાં અમિત દિવેટિયા અને મનીષા કનોજિયા.
નાટક ‘ચક્રવર્તી’ના એક દૃશ્યમાં વ્હીલચૅરમાં અમિત દિવેટિયા અને મનીષા કનોજિયા.

‘એક કલાક પછી શો છે અને એનું રિપ્લેસમેન્ટ મારે કરવાનું છે?’
‘ચક્રવર્તી’ નાટકના એક શોમાં સીડી પરથી ઊતરતાં જેડી પડ્યો અને એને હેરલાઇન ફ્રૅક્ચર આવ્યું એટલે અમારે રિપ્લેસમેન્ટ શોધવાનો વારો આવ્યો. બપોરના શોમાં જેડી સાથે દુર્ઘટના ઘટી અને રાતે જ અમારો શો હતો. અમે દીપક દવેનો કૉન્ટૅક્ટ કર્યો અને શો માટે કહ્યું કે તરત જ તેની આ પ્રતિક્રિયા હતી.
‘એક કલાક પછી શો છે અને એનું રિપ્લેસમેન્ટ મારે કરવાનું છે?’
મેં હા પાડી અને થોડા શો સાચવી લેવા કહ્યું. દીપક ત્યારે બહુ બિઝી હતો એટલે મેં તેને કહ્યું કે સાથોસાથ પછી અમે જેડીની જગ્યાએ બીજા કોઈ કલાકારને શોધી લઈશું, પણ આજ રાતના શો સહિત થોડા શો સાચવી લે. દીપક ગભરાયા વિના કે પછી કોઈ જાતના લાડ વિના તરત જ કામે લાગી ગયો. સ્ક્રિપ્ટ બોલાતી જાય અને દીપક આખેઆખાં પાનાં મગજમાં સ્ટોર કરતો જાય. એક કલાકમાં તો દીપકે આખી સ્ક્રિપ્ટ એવી રેડી કરી નાખી કે સ્ટેજ પર ઊતર્યા પછી કોઈને કળાવા પણ દીધું નહીં કે એ રિપ્લેસમેન્ટ છે અને આ ભૂમિકા તેણે માત્ર એક કલાકમાં તૈયારી કરી છે. મિત્રો, મારે એક વાત કહેવી છે. ગુજરાતી રંગભૂમિની આ ખાસિયત છે, આ જ ખૂબી છે. ભલે એકબીજાના દુશ્મન હોય, ભલે એકબીજાનાં મોઢાં જોવા ન માગતા હોય, પણ જ્યારે કોઈને મદદની જરૂર હોય ત્યારે કોઈ જાતની શેહશરમ કે પછી સંકોચ વિના બધા ભેગા થઈ જાય. દીપક દવે આજે હયાત નથી અને એમ છતાં મારે કહેવું છે ઃ થૅન્ક યુ વેરી મચ દીપક, તું જ્યાં હોય ત્યાં મારો આ આભાર તારા સુધી પહોંચે એવી રંગદેવતાને મારી પ્રાર્થના.
દીપકે શો સાચવી લીધા પણ જ્યાં સુધી જેડી પથારીમાંથી ઊભો ન થાય ત્યાં સુધી અમારે તેનું રિપ્લેસમેન્ટ તો શોધવાનું જ હતું એટલે અમે હિતેન મહેતાને વાત કરી. હા, આજનો ગુજરાતી ફિલ્મનો સુપરસ્ટાર હિતેનકુમાર. એ સમયે હિતેન હજી હિતેનકુમાર નહોતો બન્યો અને તેની ગુજરાતી ફિલ્મોની સફર શરૂ થઈ નહોતી. અમે હિતેનને મળ્યા અને હિતેનને કહ્યું કે તારે થોડા શો પૂરતું નાટક કરવું પડશે. હિતેને ખેલદિલીપૂર્વક હા પાડી અને પછી વ્યવસ્થિત રિહર્સલ્સ લઈ પૂરી તૈયારી સાથે તેણે દીપકને જવાબદારીમાંથી મુક્ત કર્યો.
આરામ પછી જેડી ફરીથી ‘ચક્રવર્તી’માં જોડાઈ ગયો અને મેં કહ્યું હતું એમ લાઇનસર ‘ચક્રવર્તી’ના ચૅરિટી શો ચાલતા રહ્યા. ‘ચક્રવર્તી’ માટે અમને કલકત્તા ગુજરાતી ક્લબમાંથી પણ નાટક માટે ઇન્વિટેશન આવ્યું હતું, પણ ખાટલે મોટી ખોડ કે આટલો મોટો તોતિંગ સેટ કલકત્તામાં બનાવવો કઈ રીતે?
કલકત્તા ગુજરાતી ક્લબની તમને વાત કરું તો આ સંસ્થા ૫૦ વર્ષથી કાર્યરત છે. કલકત્તામાં નવરાત્રિના દિવસોને ‘પૂજાના દિવસો’ કહેવામાં આવે છે. આ પૂજાના દિવસોમાં કલકત્તા ગુજરાતી ક્લબ મુંબઈથી ત્રણથી ચાર નાટકો બોલાવે અને એના શો કરે. ત્રણ નાટક હોય તો એક લોકડાયરાનો કે પછી ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ હોય અને જો એવો કોઈ કાર્યક્રમ ન મળે તો ચાર નાટકના શો કરે. જે નાટકને ત્યાં બોલાવવામાં આવે એ નાટકના સેટ પણ એ લોકો ત્યાં કલકત્તામાં જ બનાવી લેતા હોય છે. સેટ સારા અને અદ્દલોઅદ્દલ એવા જ બનાવતા હોય છે જેવા ઓરિજિનલ નાટકમાં હોય. નવરાત્રિના પૂજાના દિવસોમાં જ અમને ‘ચક્રવર્તી’ ભજવવાનું આમંત્રણ મળ્યું. ‘ચક્રવર્તી’નો સેટ બનાવવો ડિફિકલ્ટ પણ હતો. એ સેટ ત્યાં બનાવવાનું કામ સહેલું નહોતું એટલે અમે એમને નાછૂટકે કહ્યું કે અમે શો માટે આવી નહીં શકીએ, પણ જો તમે આખો સેટ મુંબઈથી મગાવવા રાજી હો તો અમે નાટક ભજવવા તૈયાર છીએ. મિત્રો, ‘ચક્રવર્તી’માં જેટલું મહત્ત્વનું યોગદાન કલાકારોનું હતું એટલું જ મહત્ત્વનું યોગદાન સેટનું પણ હતું. અમે નાટકના શો માટે અખતરો કરી ન શકીએ. વાત તેમને પણ સમજાઈ અને તેમણે અમને કહ્યું કે તમે ટ્રકમાં સેટ લઈ આવો. આપણે તો થઈ ગયા રાજી.
મેં તમને અગાઉ કહ્યું એમ, અમે એ વખતે સાવ નવા-નવા એટલે અમને ખબર નહીં કે ભાવતાલ શું હોય કે અમુક પ્રકારના છૂપા ખર્ચાઓ કેવા આવતા હોય. એ લોકોએ તો અમારા પર છોડીને કહી દીધું કે તમે અમને કહી દો કુલ ખર્ચ કેટલો થશે એટલે આપણે ફાઇનલ કરી લઈએ. અમે તો ટ્રાન્સપોર્ટવાળા પાસેથી લમસમ ખર્ચ જાણી લીધો, બીજી બેત્રણ જગ્યાએ ખર્ચ વિશે વાત કરીને કહી દીધું કે આટલો ખર્ચ થશે, જે અમારી મોટી ભૂલ. ઍક્ચ્યુઅલી મુંબઈથી કલકત્તા ટ્રક લઈને જવાનો વિચાર જ ખોટો હતો. આ રૂટ પર ઓછામાં ઓછા ૧૦ ટોલનાકાં આવે, જકાત આવે અને એ સિવાયનાં ચેકિંગ પણ જુદાં. એ બધાની પરમિશન, વધારે ચંચુપાત ન કરે અને ટ્રક જલદી રવાના થાય એનું ધ્યાન રાખીને આપવામાં આવતી કટકી અને આવા બધા ખર્ચની ગણતરી જ અમને ખબર નહીં અને એને લીધે એ બધો ખર્ચ અમારા માથે આવ્યો. અધૂરામાં પૂરું, બન્યું એવું કે કલકત્તા શો માટે જવાના હતા એના ચાર દિવસ અગાઉ અમને પુણેનો શો મળ્યો. અમે એ શો પણ લઈ લીધો. નક્કી કર્યું કે ટીમના બધા સભ્યો ટ્રેનમાં પુણે જાય, ત્યાંથી પાછા મુંબઈ આવી જાય અને સેટનો ટ્રક પુણેથી સીધો કલકત્તા રવાના થઈ જાય.
પુણે માટે ટ્રક ભાડે કરવાનું કામ કોઈને સોંપ્યું જે બેજવાબદાર નીકળ્યો, જેની ખબર મને મોડેથી પડી. એમાં બન્યું એવું કે હું અને ઍક્ટર નીતિન ત્રિવેદી બપોરે પુણે જવા માટે ટ્રેન પકડવા વીટી જતા હતા તો રસ્તામાં મને એમ જ વિચાર આવ્યો કે ટ્રક ક્યારે રવાના થયો છે એના વિશે જાણી લઈએ. મેં નીતિનને કહ્યું કે આપણે વડાલા સેટવાળાને ત્યાં જઈને વીટી જઈએ. વડાલા પહોંચ્યા ત્યારે ખબર પડી કે ટ્રકમાં સામાન ભરવાનું હજી શરૂ જ થયું છે. મારા મોતિયા મરી ગયા. જો આ જ ઝડપથી કામ ચાલે તો કોઈ કાળે ટ્રક રાતે ૧૨ વાગ્યા પહેલાં પુણે ન પહોંચે. મેં નીતિનને કહ્યું કે પુણેમાં આજે રાતે શો કરવો હોય તો હવે મારે ટ્રકમાં આવવું પડશે, બાકી આજનો શો કૅન્સલ થશે. બેટર છે કે તું રવાના થા, હું આ લોકો સાથે આવું છું.
મેં નીતિનને ટૅક્સીમાં સ્ટેશન રવાના કર્યો અને હું ત્યાં ઊતરી ગયો. બધો સામાન ચડાવવાના કામે હું પણ લાગી ગયો અને બધું ભરાઈ ગયું એટલે ટ્રકમાં ડ્રાઇવરની બાજુમાં હું પણ ગોઠવાઈ ગયો. ચોમાસાના દિવસો. ગમે ત્યારે વરસાદ આવે એવું વાતાવરણ હતું. મેં ડ્રાઇવરને કહી દીધું કે આપણે એક પણ હૉલ્ટ કરવાનો નથી, ફટાફટ ગાડી મારી મૂક.
માંડ-માંડ અમે રાતે ૯ વાગ્યે પુણેના ઑડિટોરિયમ પહોંચ્યા. ત્યાં પણ સેટ ફટાફટ ઉપર ચડાવીને નાટક શરૂ કર્યું અને રાતે શો પૂરો થયા પછી પાછો સેટ ટ્રકમાં ચડાવીને ટ્રકને કલકત્તા રવાના કર્યો. કહેવાનો ભાવાર્થ એ જ કે અમને આવડતું નહોતું, અમે ગાંઠનાં ગોપીચંદન કરીને શીખી રહ્યા હતા, પણ એ સમયે શીખેલી એકેક વાત એટલી સરસ રીતે જીવનમાં આજે કામ લાગે છે કે દુનિયાની કોઈ અવ્વલ દરજ્જાની યુનિવર્સિટીનું પુસ્તકિયું જ્ઞાન પણ પાછું પડે. શીખવામાં ક્યારેય કોઈ નાનપ અનુભવવી નહીં. યાદ રાખજો મિત્રો, જે સમયે શીખવાનું કે સ્વીકારવાનું છોડી દેશો એ સમયે તમારો અંગત વિકાસ અટકી જશે.
સમય પસાર થતાં ‘ચક્રવર્તી’માંથી વૈશાલી ઠક્કર નીકળી ગઈ, વૈશાલીને તેના રોલથી સંતોષ નહોતો. વૈશાલીની જગ્યાએ અમે હિતેનકુમારની વાઇફ સોનલ મહેતાને લાવ્યા. જો હું ભૂલતો ન હોઉં તો સોનલનું પહેલું અને છેલ્લું નાટક એટલે ‘ચક્રવર્તી’. એ પછી તેણે ક્યારેય કોઈ નાટક
કર્યું નથી.
એક વખત નાટક તૈયાર થઈ જાય, રિલીઝ થઈ જાય અને નાટકના શો લાઇનસર ગોઠવાઈ જાય એટલે સામાન્ય સંજોગોમાં મારું કામ ઓછું થઈ જાય. એ પછીનાં કામમાં થિયેટરની ડેટ્સ ઍડ્જસ્ટ કરવાની અને નાટકના શો વેચવાનું કામ કૌસ્તુભ ત્રિવેદીનું રહેતું એટલે હું ઘણોખરો ફ્રી થઈ જતો. મારા આ ફ્રી સમયની દિનચર્યા એવી રહે કે સવારે જાગો પછી આરામથી દોઢ-બે કલાક છાપાં વાંચો, ચા-નાસ્તો કરો અને પછી નાહવા જવાનું. નાહીધોઈને ટીવી જોવા બેસવાનું અને પછી બપોરનું લંચ. બપોરે જમવા બેસું એ પહેલાં બેડરૂમનું એસી ચાલુ કરી દેવાનું જેથી રૂમ ઠંડીગાર થઈ જાય. જમીને તરત જ સૂઈ જવાનું. આરામથી બે કલાકની ઊંઘ લઈને ચાર-પાંચ વાગ્યે જાગવાનું અને પછી ચા-બિસ્કિટ ખાઈ, ફ્રેશ થઈ ભાઈદાસ પર જવાનું અને નહીં તો મારા નાટકનો શો હોય તો એ શો અટેન્ડ કરવા જવાનું. એ સમયે અમે અમારા નાટક નિર્માણનું ફલક બહુ વધાર્યું નહોતું. વર્ષમાં એક કે બે નાટકથી વધારે નાટક અમે બનાવતા નહીં અને એટલે મારી પાસે પુષ્કળ ટાઇમ રહેતો. આ વાત હું શું કામ કરું છું એની સ્પષ્ટતા સાથે મળીશું આવતા મંગળવારે, પણ ત્યાં સુધી મિત્રો પ્લીઝ ઘરમાં રહેજો અને કામ વિના બહાર ન નીકળતા. લૉકડાઉન ખૂલ્યું છે, કોરોના ગયો નથી.

જોકસમ્રાટ
મંદીની હદ તો ત્યારે થઈ જ્યારે સુલભ શૌચાલયવાળા ભાઈએ કહ્યુંઃ ઘણા દિવસે આવ્યા, હમણાં ખાતાપીતા નથી કે શું?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK