એક પછી એક, પૃથ્વી પરના સિતારાઓ સ્વર્ગમાં સિધાવ્યા. શું સ્વર્ગમાં અંધારું છવાયું હશે?

Published: May 21, 2020, 21:25 IST | Latesh Shah | Mumbai

આપણું તો ભઈ એવું- એ રસપ્રદ માણસ અને ડ્રામેટિક ઘટનાની ઓગણીસો બોતેર (૧૯૭૨)ની ઇસ્ટમેન કલરવાળી વારતા હું તમને કહીશ જ, કારણકે મારા જીવનનો ટર્નિંગ પૉઇન્ટ હતો

રૂબી પટેલ અને બરજોર પટેલ.
રૂબી પટેલ અને બરજોર પટેલ.

ગયા અંકમાં મેં એક લમ્બુની વાત કરી હતી. એ મને મળવા કે. સી. કૉલેજમાં આવ્યો. મારું આંતરકૉલેજ સ્પર્ધા માટેનું નાટક ડાયરેક્ટ કરવા આવ્યો હતો, એ છ ફૂટ એક ઇંચનો માણસ મારી બાજુમાં આવીને ઊભો રહી ગયો, તાડ જેવો ઊંચો માણસ, ટોપ એન્ગલથી  બોલ્યો, ‘હું લતેશ શાહને મળી શકું?’ હું કૅન્ટિનમાં ચા પીતો બેઠો હતો. મેં માથું ઊંચું કર્યું, મને લમ્બુનો ચહેરો દેખાયો સાથે બેકગ્રાઉન્ડમાં કેન્ટિનની દીવાલ નહીં, છત દેખાઈ. એનો હુલિયો જોઈને એક સેકન્ડ લાગ્યું કે કોઈએ એને મને મારવા મોકલ્યો કે શું? વાળ વિખરાયેલા, લૂઝ જીન્સ અને ફેડેડ ટી-શર્ટ અને સ્લીપર પહેરેલો એ મુફલિસ કે ઓલિયો લાગે...પણ કે. સી.નું નામ બદનામ એટલે કદાચ છૂપા વેશે કોઈ ભાઈનો સાગરીત તો નથી આવ્યો ને! એ શંકા સાથે મેં ધ્રુજારીવાળા પણ કૉન્ફિડન્ટ અવાજ સાથે પૂછ્યું, ‘એનું શું કામ છે.’ લમ્બુએ કહ્યું, ‘મારે એનું નાટક ડાયરેક્ટ કરવાનું છે, મને નલિન છેડાએ મોકલ્યો છે.’  મારો શ્વાસ ટાઢો થયો. ‘કોણ તમે?’  મેં પૂછ્યું. 

એ રસપ્રદ માણસ અને ડ્રામેટિક ઘટનાની ઓગણીસો બોતેર (૧૯૭૨)ની ઇસ્ટમેન કલરવાળી વારતા હું તમને કહીશ જ, કારણકે મારા જીવનનો ટર્નિંગ પૉઇન્ટ હતો, પણ થોડીવાર માટે બે હજાર વીસ(૨૦૨૦)માં આવી જઈએ. જે રીતે એક-એક વિકેટ પડી રહી છે એ સાંભળીને આઘાતજનક આશ્ચર્ય થાય છે કે ઇરફાન ખાન જેવો સરસ અૅક્ટર ઊપડી ગયો, રિશી કપૂર જેવા નેચરલ અભિનેતાને સ્વર્ગે ઝગમગાવા બોલાવી લીધો. એ ઓછા પડ્યા હોય એમ ગુજરાતી તખતાની (પદ્મવિભૂષણ આપી શકાય એવી સમર્થ અભિનેત્રી) નંબર વન અભિનેત્રી રુબી પટેલને આમંત્રણ આપી તેડાવી લીધી. બે હીરો અને એક હિરોઇનની કહાણી કોણ લખશે, રત્નાકર મતકરી પર પસંદગીનો કળશ ઢોળાયો. 
આટલા બધા સ્ટાર્સ એક સાથે બોલાવી લેવાનું કારણ શું? શું સ્વર્ગમાં, રિલાયન્સ કે અદાણીએ વાયર કાપી નાખી અંધારું કરી નાખ્યું? એમની સાથે વાટાઘાટ પાર ન પડી, જેથી સ્વયમ પ્રકાશિત સિતારાઓને બોલાવવા પડ્યા? પ્રભુ દયા કરો, આમ પણ પૃથ્વી પર સ્વપ્રકાશિત સિતારા ગણ્યાગાંઠ્યા છે, જેમને અૅક્ટર કે લેખક કહી શકાય. તમારે લઈ જવા હતા તો ઝગમગતા કપડાં ને વિગો પહેરી કાર્બનકૉપી, ઝેરોક્ષ કોપી સિતારાઓને લઈ જવા હતા. 
મારે આજે (પદ્મવિભૂષણ, મારા હિસાબે) રુબી પટેલની વાત કરવી છે. જે એમને ઓળખતા નથી એવા પ્રેક્ષકોને આ અસામાન્ય અદાકારાની મારે ઓળખાણ કરાવવી છે. આઇએનટી  પારસી વિન્ગની અદ્ભુત અભિનેત્રી, શિસ્તપ્રિય, વિનયી, સરળ સ્વભાવની અને વર્સેટાઇલ અૅક્ટ્રેસ, એવી ઓળખાણ આપી શકાય. મારા જીવનનું મેં જોયેલું, પહેલું ફુલલેન્થ નાટક ‘ઘેર ઘૂઘરો ને ગોટાળો’ પ્રવીણ જોષીએ ડાયરેક્ટ કર્યું હતું. ત્યારે જ મને થયેલું કે આટલી ઉત્કૃષ્ટ અૅક્ટ્રેસ તો કોઈ હોઈ જ ન શકે. ત્યાર બાદ રુબી પટેલનાં લગભગ મેં બધાં નાટકો જોયાં હશે. હેલો ઇન્સ્પેકટર, તેમુલ, છાનુંને છપનું કંઈ થાય નહીં, મારી દીકરી દીવાની, તારું મારું બકલીયું. એક સીન મને હજી યાદ છે. ઘેર ઘૂઘરો ને ગોટાળોમાં રૂબી ઘર છોડીને જાય છે, કંઈ બોલતાં નથી. એમના લૂક અને એક્સપ્રેશન, એમાં એટલી ડેપ્થ હતી. હાર્ટ ટચિંગ સીન. એ સીન જોવા મેં એ નાટક ત્રણ વાર જોયું હશે. સરખામણી ન કરવી જોઈએ, પણ હું સંતુ રંગીલીમાં નાનકડો રોલ કરતો હતો, એટલે આ સરખામણી રાગદ્વેષ વગર કરવાનું મન થાય છે. સંતુ રંગીલીમાં  સંતુ ઘર છોડીને જાય છે મૌન સાથે. બન્નેની સેમ મૂવમેન્ટ હતી. મને રુબી પટેલનો અભિનય વધુ અસરકારક લાગ્યો હતો. રુબી પટેલ જે ઊંચા દરજ્જાનાં અભિનેત્રી હતાં, એમને કેમ આઇએનટીએ અંડર રેટેડ રાખ્યાં એ મને આજ સુધી સમજ નથી પડી. કૉમેડીમાં તો એમના જેવી ટાઈમિંગ અને પ્લેસિંગની સેન્સ આજે પણ બહુ જવલ્લે જ દેખાય.  બરજોર પટેલ અને રુબી પટેલે પારસી ગુજરાતી રંગભૂમિને જીવંત રાખેલી. એ ગયા દુબઈ અને પારસી ગુજરાતી રંગભૂમિ ડૂબી  ગઈ. દિન્યાર કોન્ટ્રાકટરને પદ્મશ્રી મળ્યું એ ખૂબ ખુશીની વાત છે. રુબી પટેલને પણ મળવું જ જોઈએ. રુબીબેન, હું મારા તરફથી દિલથી પદ્મવિભૂષણ આપું છું, પ્લીઝ સ્વીકારજો, આઈ નો યુ આર વર્થ ઈટ. સરસ અભિનેત્રી શેહનાઝ પટેલની મમ્મી, રુબી પટેલ, વચ્ચે વીસ વર્ષ થિયેટરથી દૂર રહ્યાં એ એક દુઃખદ ઘટના છે. બરજોર પટેલને દુબઈમાં ખલીજ ટાઈમ્સ અંગ્રેજીમાં શરૂ કરવાની તક મળી હતી એટલે રૂબી અને બરજોર પટેલ બન્ને વીસ વર્ષ દુબઈ  રહ્યાં. રૂબીજી, મારી આપને વિનંતી છે કે પુનર્જન્મ લઈને ફરીથી ગુજરાતી રંગભૂમિને ખોળે પધારો એવી જ અભ્યર્થના. બીજા સિતારાની વાત કરવી છે એ લેખક રત્નાકર મતકરી વિશે છે. મરાઠી  લેખક હતા.  પ્રવીણ સોલંકી, અરવિંદ ઠક્કર (મારા હિસાબે અત્યાર સુધીના ગુજરાતી રંગભૂમિના સર્વશ્રેષ્ઠ દિગ્દર્શક) સાથે  રત્નાકર મતકરી, બૅન્ક ઑફ ઇન્ડિયામાં કામ કરતા હતા. જેમના ઘણાં નાટકો ગુજરાતીમાં રૂપાંતર અને અનુવાદ થયાં. મરાઠી  નાટ્યલેખકોમાં બહુ મોટું નામ ધરાવતા રત્નાકર મતકરીના પુષ્કળ નાટકો મરાઠી અને ગુજરાતીમાં હિટ થયાં છે. સાલસ, નિખાલસ સ્વભાવના રત્નાકર મતકરીને મળ્યો તો હું આશ્ચર્યચકિત થઈ ગયો, આટલો મોટો લેખક, પણ અહમનો એક છાંટોય એનામાં ન જડે. પહેલાં મારું મૌલિક નાટક ‘ચિત્કાર’એ મરાઠીમાં રૂપાંતર કરવાના હતા. કોઈ કારણસર ન કરી શક્યા. ચિત્કાર મરાઠીમાં અનુવાદ  ડૉ. અનિલ બંદીવડેકર અને મનોહર કાટદરે (‘આપણું તો ભાઈ એવું’ નાટકનાં મૂળ લેખક જેનો અનુવાદ પરેશ રાવલ અને તીરથ વિદ્યાર્થીએ કર્યો હતો.)એ કર્યું. ત્યારથી મારી એમની સાથે દોસ્તી થઈ ગઈ હતી. મારી સાથે ખૂલીને તેમણે લખેલાં નાટકોની ચર્ચા કરતાં. લગભગ નાટકો કોઈને કોઈ અંગ્રેજી કૃતિમાંથી પ્રેરણા પામેલાં હોય, પણ રૂપાંતર એટલું બધું મરાઠી વાતાવરણ અને સંસ્કૃતિમાં કરતાં કે ખબર જ ના પડે કે આ નાટક ઑરિજિનલ નથી. જો કે એ મને ક્યારેય સમજ નથી પડી કે લેખકો જ લેખકોને કેમ કાતરી નાખે. કોઈ મૂળ લેખકોનું નામ જ ન આપે. કમસેકમ અનુવાદ કે રૂપાંતરકાર લખે. એમ તો લખી જ શકાય કે ફલાણા નાટકમાંથી પ્રેરિત છે, પણ લેખકો ગણાતા મોટાભાગના મહાશયો લઘુતાગ્રંથિના શિકાર  હોય છે.  મરાઠીમાં તો બધા મૂળ લેખક જ લખવાની જાણે પ્રથા પડી ગઈ છે. જ્યારે નેવું ટકા નાટકો ઉઠાંતરી જ હોય. રત્નાકર મતકરીનું ઘણું કામ મૌલિક હતું. એમણે ૨૨ ત્રિઅંકી નાટકો લખ્યાં, અનેક એકાંકીઓ લખ્યાં, ૨૦ કથાસંગ્રહ લખ્યાં, ૩ નવલકથા લખી. 

તેમની લેખક તરીકે શરૂઆત ૧૬ વર્ષની વયે થઈ. તેમણે ૧૯૫૫માં ‘વેડી માણસં’ નામના પ્રથમ એકાંકીથી લેખન ક્ષેત્રે પદાર્પણ કર્યું.  
તેમને અનેક રાષ્ટ્રીય પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા છે (બાબુલ ભાવસારના લેખમાંથી ઇન્ફોર્મેશન મળી. આભાર) બહુ બધાં ગુજરાતી નાટકો એમનાં મરાઠી નાટકોમાંથી અનુવાદ પામ્યાં. ‘પરણેલાં છે કોને કહીએ’, ‘કોરી આંખો અને ભીનાં હૈયા’, ‘કમોસમી કોયલ ટહુકી’, ‘ચાર દિવસ પ્રેમના’ વગેરે. અને બીજાં અનેક નાટકો ગુજરાતી, હિન્દીમાં થયાં. એમની દીકરી સુપ્રિયા મતકરીએ મારા નિર્માણ હેઠળ, અરવિંદ ઠકકર દિગ્દર્શિત ‘હેલો ઇન્સ્પેકટર’માં મુખ્ય ભૂમિકા ભજવી. રત્નાકર મતકરીને  મરાઠી ‘ચિત્કાર’ બહુ જ ગમેલું. ત્યારથી અમારી ગાઢ દોસ્તી થઈ હતી. સવિતા પ્રભુણે અને ઉદય ટીકેકર મુખ્ય ભૂમિકામાં હતાં. 
રત્નાકર મતકરી લેખક તરીકે ખરા અર્થમાં સિતારા હતા. રુબી પટેલ મુઠી ઊંચેરી વ્યક્તિ અને હાથવેંત ઊંચેરાં અભિનેત્રી હતાં. જેટલું લખીએ એમના વિષે એટલું ઓછું છે. 
 હે પ્રભુ, ઉપર અજવાળું પથરાઈ ગયું હોય તો અમારા ઝગમગતા ક્રિએટિવ અને ટેલન્ટેડ કલાકારોને પરત મોકલાવી આપો. 
ખરેખર કોરોના સમયમાં ઇરફાન ખાન, રિશી કપૂર, રૂબી પટેલ અને રત્નાકર મતકરીની એક્ઝિટ પચાવવી બહુ જ અઘરી છે. 
પ્રભુ સૌ સ્વયંપ્રકાશિત કલાકારોને ત્યાં સરસ રીતે સાચવજે. એમને કલાકાર સ્વરૂપે જ પાછા મોકલાવજે એટલી જ પ્રાર્થના. 
હવે મૂળ વાત પર આવીએ - ૧૯૭૨ના વર્ષમાં કે. સી. કૉલેજમાં આવેલા લાંબા મુફલિસ માણસની વાત. એ માથા પર ઊભો હતો એટલે મારે નછૂટકે તેમને સામેની ખુરશી પર બેસવાનું આમંત્રણ આપવું પડ્યું. ચા મગાવવી પડી. તેમને  પૂછ્યું, ‘કયું  નાટક કરાવશો, તો એમનો જવાબ રમૂજી હતો. મને કહે ‘ખબર નથી.’ મેં મુંઝાઈને કહ્યું, ‘તમને ખબર છે ને આવતાં અઠવાડિયે ઑલ ઇન્ડિયા એકાંકી સ્પર્ધામાં ભજવવાનું છે?’
મને કહે ‘ના.’ માર્યા  ઠાર. ટેન્શન શરૂ થઈ ગયું. મેં પૂછ્યું, ‘તો હવે શું કરશું?.’ મને કહે ‘નાટક નહીં થાય. એન્ટ્રી કૅન્સલ કરી નાખો.’ મેં કહ્યું ‘શું?’ એ ચાના  શાંતિથી સબડકા બોલાવવા લાગ્યા. નાટક તો કરવું જ હતું. પછી શું થયું? કહું આવતાં ગુરુવારે. પ્રોમિસ. 

માણો અને મોજ કરો
જાણો અને જલસા કરો
જીવનમાં જલસો એટલે જે અને જેમ જ્યારે મળે ત્યારે અને તેમ વગર ફરિયાદે સ્વીકારતા શીખવું. ઘરમાં છો તો એકબીજાને સહન કરતાં શીખવું અને મોજ માણવી. સમજ્યા. 
એકબીજાને માણો અને મોજ માણો 
એકબીજાને જાણો અને જલસા કરો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK