સંબંધોથી આપણે કે આપણા થકી સંબંધો?

Published: 3rd January, 2020 18:57 IST | rashmin shah | Mumbai Desk

સોશ્યલ સાયન્સ : વાત તો પહેલી જ સાચી છે, પણ આત્મશ્લાઘા વચ્ચે ભૂલી જવાય છે અને આપણા થકી સંબંધો છે એવું માની લેવામાં આવે છે. આ ભૂલ ભારે પડે અને એની સમજ આવે ત્યાં સુધીમાં આપણે ઘણુંબધું ગુમાવી ચૂક્યા હોઈએ છીએ

તમે છો એટલે સંબંધો છે એવું હોય જ નહીં. સંબંધો થકી જ તમારી હયાતી હોય. સંબંધો થકી જ તમારું અસ્તિત્વ હોય અને સંબંધો દ્વારા જ તમારું મૂલ્ય અકબંધ રહેતું હોય છે, પણ ના, એવું માનવું નથી અને માનવું નથી એટલે તૂટતા સંબંધોની કરચો ખૂંચતી નથી. એ જ્યારે પણ ખૂંપે, જ્યારે એની કણક વાગે ત્યારે મોડું એટલું થઈ ગયું હોય છે કે સંબંધોની સાથે આત્મીયતા કેળવી શકાતી નથી.

સ્વીકારી લો, માની લો કે તમે સંબંધો થકી છો. તમારા થકી સંબંધો નથી જ નથી. જો આ સ્વીકારશો તો જ સંબંધોનું મૂલ્ય સમજાશે. જો આ કબૂલીને એનો અમલ કરી શકશો તો જ આજુબાજુમાં રહેલી લાગણીઓની હૂંફને અનુભવી શકશો અને જો આ સ્વીકારીને ચાલશો તો જ આજુબાજુમાં રહેલા સ્નેહને પારખી શકશો, પણ ધારો કે એ ન થયું, ધારો કે એવું માન્યું કે તમારા થકી સંબંધો છે તો એક કાળમીંઢ ખાલીપો તમારી આજુબાજુ પથરાઈ જશે અને એ ખાલીપો તમને કનડવાનું કામ અવિરતપણે ચાલુ કરી દેશે. ખાલીપા વચ્ચે કોઈ આવીને તમને આ જ વાત સમજાવવાની કોશિશ કરશે તો તમને એ વાત ગળે નથી ઊતરવાની, તમને નથી સમજાવાનું કે જીવનનો કોઈ સંબંધ તમારા થકી ન હોઈ શકે, કોઈ સંબંધને તમે જન્મ ન આપી શકો. સંબંધ જ તમને જન્મ આપે અને એ જ વાતને સહજ રીતે નહીં સ્વીકારી શકો તો ચોક્કસ અને ચોક્કસ હેરાન થવાનું તમારા પક્ષે આવશે, તમારા પક્ષે હેરાનગતિ પણ આવશે અને તમારા પક્ષે દુખી થવાનું પણ આવશે.
સંબંધોને મહત્ત્વ આપવું પડે. જાત કરતાં પણ વધારે મહત્ત્વ આપવું પડે અને સ્વ કે હુંકારને પડતો મૂકીને મહત્ત્વ આપવું પડે. જ્યારે પણ હુંપણાને ઓગાળીને સંબંધોને જાળવવામાં આવ્યા છે ત્યારે સંબંધોની સાથોસાથ તમારી અંગત મહત્ત્વતા પણ ખીલી છે. જ્યારે પણ ‘સ્વ’ને ભૂલીને સંબંધોને સાચવવામાં આવ્યા છે ત્યારે ‘સ્વ’નું મૂલ્ય અદકેરું થયું છે, પણ એ થઈ નથી રહ્યું, જાતને ભૂલીને સંબંધોને સાચવવાની આવડત ક્યાંક ને ક્યાંક ખોવાઈ રહી છે. આ આવડત ફરીથી કેળવવી પડશે, જો તમને સંબંધોનું મૂલ્ય અકબંધ રાખવું હશે તો તમારે એ આવડત કેળવવી પડશે અને આ આવડત કેળવતાં પહેલાં તમારે એ પણ યાદ કરી લેવાની જરૂર છે કે માણસ સામાજિક પ્રાણી છે અને માણસની સામાજિકતા સંબંધો સાથે જોડાયેલી છે.
જો સંબંધો નહીં હોય તો તમારી સામાજિકતા સામે પ્રશ્નાર્થ ઊભો થશે, જો સંબંધોનું મહત્ત્વ નહીં જાળવી શકતા હો તો તમારા સામાજિક ઉત્તરદાયિત્વ સામે મસમોટી શંકા ઊભી થશે. આ શંકા, આ પ્રશ્નાર્થ એ જીવન નથી. તમારો અંગત મત એ જિંદગી નથી, તમારો અભિપ્રાય એ માત્ર અભિપ્રાય છે, પરમ સત્ય નથી. જો મરોડ મેળવવાની ક્ષમતા ન રહેતી હોય તો સ્વભાવને યોગ ક્લાસમાં જૉઇન કરો, જો સ્થિતિસ્થાપકતા સ્વભાવની હોય તો એને જિમનાં મહાકાય લોખંડી સાધનો આપો, પણ જડ થઈ ગયેલા સ્વભાવનું મારણ શોધો. એ મારણ જ તમને જીવતા રાખવાનું કામ કરશે. જક્કી બની ગયેલો સ્વભાવ જ તમારા અસ્તિત્વને નાબૂદ કરવાનું કામ કરે છે, જો જક્કીપણું છોડીને લચકદાર સ્વભાવને અપનાવશો તો જ તમારો સ્વીકાર થશે.
સ્વીકારની એક સરળ વ્યાખ્યા છે. જો તમે સ્વીકારી શકો તો તમારો સ્વીકાર શક્ય બને. જો તમે અસ્વીકારની માનસિકતા રાખશો તો જગતનો કોઈ સંબંધ તમને સ્વીકારી નહીં શકે. જો તમે તમારા જડપણાને વળગેલા રહ્યા તો જગતનો એક પણ મરોડદાર સ્વભાવ તમને અપનાવી નહીં શકે અને એ પછી પણ ધારો કે, ધારો કે તમે નસીબદાર છો અને તમારા જડ સ્વભાવને સ્વીકારવામાં આવી રહ્યા છે તો એમાં જાતને સાચી માનવાની કે પોતે સત્યના પક્ષે આવી ગયા એવું ધારવાની ભૂલ કરવી નહીં. ઘણી વખત ઝઘડા એવા હેતુથી પણ રદ થઈ જતા હોય છે કે ટાળી દેવામાં આવતા હોય છે જેમાં સામેની વ્યક્તિને ત્રાસ છૂટતો હોય. ત્રાસને કારણે અવગણવામાં આવતા ઝઘડાઓને પોતાની જીત માનનારા હંમેશાં એવા માનસિક વમળ વચ્ચે અટવાયેલા હોય છે કે સંબંધો તેના થકી ટકી રહ્યા છે. ના, બિલકુલ નહીં અને ક્યારેય નહીં. ટકી રહેલા એ સંબંધોમાં વિવશતા હોય છે, ટકી રહેલા એ સંબંધોમાં લાચારી અને મજબૂરી હોય છે. ક્યાંક ને ક્યાંક પ્રેમનો અતિરેક હોય છે અને એટલે જ એ ટકી રહ્યા છે. દીકરાનું મોઢું જોવા ટળવળતી મા બિચારી જુદા રહેતા દીકરાના ઘરે આવે ત્યારે ભૂતકાળમાં પોતે સાચી હતી એવું માનનારી વહુ હકીકતમાં તો પોતાના સ્વભાવને હુંકારનું ઇજન આપતી હોય છે. આ ઇજન, આ ઈંધણ અધોગતિની ચરમસીમા છે, ત્યાંથી કોઈ કોઈને પાછું લાવી શકતું નથી, પાછું લાવી શક્યું નથી અને ક્યારેય લાવી શકવાનું પણ નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK