અરે! મને કેમ કંટાળો નથી આવતો?

Published: Jul 28, 2020, 09:44 IST | Taru Kajaria | Mumbai

મારી આવડત કે કુશળતાથી મારી કંપનીને લાભ કરાવું ત્યારે જો હું કૉમ્પિટન્ટ પ્રોફેશનલ તરીકે પ્રાઉડ ફીલ કરતી હોઉં તો મારી એ જ લાક્ષણિકતાઓનો મારા ઘર કે પરિવાર માટે ઉપયોગ કરું ત્યારે હું ગર્વ કેમ ન અનુભવું?

'હું તો કાગળિયાં લખી લખી થાકી

કાનુડા તારા મનમાં નથી

આવા શિયાળાના ચાર-ચાર મહિના આવ્યા

મારાં કાળજડાં ઠરી ઠરી જાય રે,

કાનુડા તારા મનમાં નથી’

આજે સવારથી આ લોકગીત ગણગણું છું. આ ગીતમાં કાનુડાની પ્રતીક્ષા ઉત્કટપણે વ્યક્ત થઈ છે. કાનુડાને કેટલા બધા પત્રો લખ્યા પણ ન તેનો કોઈ જવાબ આવે છે કે ન કોઈ સંદેશ એટલું જ નહીં, તે તો જાણે કંઈ જાણતો જ નથી કે કોઈ તેની આટલી તીવ્રતાથી પ્રતીક્ષા કરી રહ્યું છે! ટાઢ, તડકો કે વરસાદની ઝડીની તમા કર્યા વગર રાધાજી કાનુડાની રાહમાં અહીંથી ત્યહીં ભટકે છે. શિયાળાની ઠંડીમાં તેનું કાળજું ઠરી જાય કે કાળઝાળ ઉનાળાની ગરમીમાં તેના પગ દાઝી જાય કે વરસાદમાં તેની ચૂંદડી ભીંજાઈ જાય તો પણ કાનુડાને તો કંઈ પડી જ નથી જાણે!

હકીકતમાં અહીં વ્યક્ત થયેલી તીવ્ર પ્રતીક્ષા, એનો કોઈ પ્રતિસાદ ન મળવો કે ઈવન એની નોંધ પણ ન લેવાવી – એ બધી જે સ્થિતિ છે એને અનુલક્ષીને જ આ ગીત હોઠે ચડી ગયું છે. સાંભળીને કદાચ હસવું આવશે પણ આ ગીત મને આપણી હાલની સ્થિતિ સંદર્ભે સાંભરે છે! હા, આપણી પ્રતીક્ષા કોવિડ-19ના (ખરેખર તો એનું નામ લેવાનું પણ મન નથી થતું) જવા માટેની છે. ફેબ્રુઆરી–માર્ચથી આવેલો આ વણનોતર્યો અને અણગમતો મહેમાન ક્યારે વિદાય લે એની સૌ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ પાંચ મહિનામાં આપણે પણ લગભગ ત્રણ નહીં તો બે ઋતુઓ તો જોઈ જ લીધી. શિયાળો, ઉનાળો અને ચોમાસું. પણ આ મહામારી તો વિદાય થવાને બદલે રોજ ને રોજ વધુ વિકરાળ રૂપ ધારણ કરતી જાય છે.

આટલા બધા મહિના ઘરની અંદર જ રહેવાનું, એક પણ દિવસ બહાર નીકળ્યા વગર એક્સામટું ઘરમાં રહેવાનું પહેલી વાર બન્યું છે. આજુબાજુ અને જેની પણ સાથે વાત થાય તેના મોઢે ક્યારેક ને ક્યારેક તો એક વાક્ય જરૂર સાંભળવા મળે છે : ‘ભઈ હવે તો બહુ થયું. કંટાળી ગયા ઘરમાં ગોંધાઈને. થાકી ગયા ચોકા-બર્તન, ઝાડુ-પોતાં, કપડાં અને રસોડાથી.’ કોઈને રાંધવાનો તો કોઈને વાસણ માંજવાનો કંટાળો આવે છે, પણ ખાવાનો કંટાળો નથી આવતો. આ બધી વાતોમાં એક ફ્રેન્ડ પાસેથી કંઈક જુદું સાંભળવા મળ્યું. તે પ્રોફેશનલ છે. હમણાં વર્ક ફ્રૉમ હોમ છે એટલે ઑફિસનું કામ તો કરે જ છે, પણ ઘરના વધારાના કામ વિશે તેનો નજરિયો તદ્દન નિરાળો લાગે છે.

તે કહે કે બધાની વાતો સાંભળું ત્યારે મને મારા વિશે નવાઈ લાગે કે યાર, મને તો કામ કરવામાં કંટાળો નથી આવતો. ઊલટું રોજ જે કામ કરું એ કઈ રીતે વધુ ઇફેક્ટિવ અને બહેતર રીતે કરું એના નિતનવા કીમિયા હું શોધું છું. રસોડામાં ચીજોની સાફસૂફી કે ગોઠવણી પર ખાસ ધ્યાન આપું જેથી કામની ચીજો ઝડપથી અને સહેલાઈથી મળી જાય. આથી ચાર કામ કરવાનાં હોય તો બીજાં વધારાનાં પાંચ કામ નીકળી આવે, પણ હું મજેથી કરું! રોજની રસોઈમાં સૅલડ કે બૉઇલ્ડ વેજિટેબલ્સ કે સૂપ જેવા પોષક આહારનો ક્વોટા હોય જ. દાળ બનાવું કે શાક, દરેક વખતે જુદી-જુદી રીતે કરવાની ટ્રાય કરું. લેફ્ટઓવર રસોઈમાંથી નવી-નવી સ્વાદિષ્ટ વરાઇટી બનાવું. મારું કિચન ઝીરો-વેસ્ટ કિચન છે. ઘરમાં બધા ટેસથી ખાય છે અને આ

ચાર-પાંચ મહિનાથી બધાનું સ્વાસ્થ્ય પણ ખૂબ સારું છે. આનાથી મને ખૂબ જ સંતોષ થાય છે.

તેની વાત સાંભળીને ઘણાને નવાઈ લાગે, પરંતુ આ ઉપરાંત તેણે જે કહ્યું એ વિચારતા કરી દે એવું હતું. તેણે કહ્યું કે મારી બહેનને મારું ઘરકામનું આ ઇન્વૉલ્વમેન્ટ જોઈને ચિંતા થાય છે. તે કહે છે કે તું આ બધામાં તારી એનર્જી અને ટાઇમ શું કામ વેસ્ટ કરે છે? તેના મતે આ બધું તદ્દન મિડલક્લાસ લાગે છે! તેણે તેની બહેનને કહ્યું કે પ્લીઝ, મારી ચિંતા કરવાનું રહેવા દો અને મારા ઘર તથા પરિવાર માટે તાજી રસોઈ બનાવવાથી અને એ એન્જૉય કરવાથી જો હું મિડલક્લાસ બની જતી હોઉં તો ભલે. મારા પતિ અને પુત્રએ અગાઉ કદી નહોતાં કર્યાં એ બધાં કામો - કપડાં ધોવાથી લઈને ઝાડુ-પોતાં અને માંજવાનાં કામો હસતાં-હસતાં કરે છે. નીચેથી શાકભાજી, દૂધ કે ગ્રોસરી લાવે છે અને હું પ્રેમ તથા રસપૂર્વક રસોઈ બનાવું છું. ઘરનું બધું મૅનેજમેન્ટ કરું છું. હું અને મારા કુટુંબીજનો આવા કપરા સમયમાં પણ ખુશ રહીએ છીએ. સાજા-સારા અને સંતુષ્ટ છીએ. અને એ માટે કોઈ મને મિડલક્લાસ ગણે તો મને એની પરવા નથી. મને તો ઑફિસમાં મારા કામનું ઍપ્રીશિયેશન થાય એવો જ સંતોષ

આમાંથી પણ મળે છે. મારી આવડત કે કુશળતાથી મારી કંપનીને લાભ કરાવું ત્યારે જો હું કૉમ્પિટન્ટ પ્રોફેશનલ તરીકે પ્રાઉડ ફીલ કરતી હોઉં તો મારી એ જ લાક્ષણિકતાઓનો મારા ઘર કે પરિવાર માટે ઉપયોગ કરું ત્યારે હું ગર્વ કેમ ન અનુભવું? ઘરકામ  એટલે ઊતરતી કક્ષાનું કામ એવું હું માનતી નથી. અને પોતાના સ્વજનો, જેને આપણે પ્રેમ કરતા હોઈએ તેમના માટે કંઈક કરવું એટલે આપણું શોષણ એવી વાહિયાત દલીલો કરીને મારા આનંદને અભડાવતી નથી.’

એ ફ્રેન્ડની વાતે ઘણી બારીઓ ખોલી આપી. જે મહેમાનની વિદાયની પ્રાર્થના કરતી હતી તેને મનોમન થૅન્ક્સ પણ કહી દીધા.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK