વૉટર મૅનેજમેન્ટ:તમને નથી લાગતું કે હવે આ ટૉપિકના સમર ક્લાસ શરૂ કરવા જોઈએ?

Published: Dec 11, 2019, 10:42 IST | Manoj Joshi | Mumbai Desk

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

વૉટર મૅનેજમેન્ટની વાત કરતાં પહેલાં વાત કરવી છે તમને ઇઝરાયલની. જગતઆખાને ટપક પદ્ધતિ એટલે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ આપી હોય તો એ ઇઝરાયલ છે. ઇઝરાયલને આજે કોઈ જાતની સમસ્યાનો સામનો નથી કરવો પડતો, પણ એક સમય હતો કે ઇઝરાયલ દસકાઓ સુધી દુષ્કાળગ્રસ્ત સ્થિતિને જોતું હતું. એક સમય હતો જ્યારે ઇઝરાયલ પાણીના એક-એક ટીપા માટે વલખાં મારતું હતું અને એને લીધે ઇઝરાયલનું આર્થિક અને સામાજિક જીવન કફોડી પરિસ્થિતિમાં મુકાઈ ગયું હતું, પણ ઇઝરાયલને એમાંથી બહાર લાવવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ પાણીએ કર્યું, વૉટર મૅનેજમેન્ટ સિસ્ટમે કર્યું અને વૉટર મૅનેજમેન્ટ દ્વારા આખા ઇઝરાયલની સિકલ બદલી નાખી. વૉટર મૅનેજમેન્ટ એ હદે મહત્ત્વ ધરાવે છે. આપણે આ વાત સમજવી પડશે અને માત્ર સમજવાથી નહીં ચાલે, આપણે એને જીવનમાં પણ ઉતારવી પડશે. જો વૉટર મૅનેજમેન્ટ અને ચોમાસાના દિવસોમાં વૉટર હાર્વેસ્ટિંગ કરવામાં નહીં આવે તો એ દિવસ વધારે દૂર નહીં રહે કે તરસ્યા મરવું પડે અને પાણી માટે યુદ્ધ લડવા નીકળવું પડે. જ્યારે ઊપજ ન હોય ત્યારે જરૂરિયાતને થોડી સંકુચિત બનાવવી પડે. પાણીનો પ્રશ્ન આવતા સમયમાં વધુ મોટો થશે અને એ મોટા થયેલા પ્રશ્ન સામે ટકી રહેવા માટે અત્યારથી જ વૉટર મૅનેજમેન્ટને ફૉલો કરતા જવું પડશે.

આપણે વૉટર મૅનેજમેન્ટના સેમિનાર કરીએ છીએ, પણ એ સેમિનાર ઑફિસરો માટે થાય છે. વૉટર મૅનેજમેન્ટ માટેના લેખ લખાય છે અને જનજાગૃતિ માટે ટીવી-ઍડ્સ કરીએ છીએ, પણ એ મુદ્દો એટલેથી પૂરો નથી થતો. યાદ રાખજો એક વાત કે પાણી સાથે જો કોઈને સૌથી વધારે પનારો હોય તો એ મહિલાઓને છે અને સૉરી પણ સૌથી વધારે પાણીનો વેડફાટ પણ મહિલાઓ દ્વારા જ થતો રહ્યો છે. માનવામાં ન આવતું હોય તો આજથી જ આ બાબતમાં નોંધ કરવાનું શરૂ કરી દેજો. તમને દેખાશે કે રસોઈ બનાવવા કે ઘરકામ માટે આવતી સર્વન્ટ એ પ્રકારે પાણીનો ઉપયોગ કરે છે જાણે આપણને આપણા પૂર્વજોએ વારસામાં બે-ચાર નદી લખી આપી હોય. વૉટર મૅનેજમેન્ટની સૌથી પહેલી શરૂઆત અહીંથી કરવી પડશે અને ઘરમેળે જ પાણીનો વપરાશ ઓછામાં ઓછો થાય એ પ્રકારની સિસ્ટમ ઉપયોગમાં મૂકવી પડશે. વૉટર મૅનેજમેન્ટમાં જ કહેવાયેલી અને ઉમદા કહેવાય એવી એક બીજી વાત પણ મને કહેવી છે. વૉટર મૅનેજમેન્ટમાં પાણીની બચત કરવા વિશે તો કહેવાયું જ છે, પણ સાથોસાથ પાણીના રીયુઝનો એટલે કે વારંવારના ઉપયોગ વિશે પણ કહેવાયું છે, પણ એની વાતો કરતાં પહેલાં એ વાત સમજવી પડશે તમારે કે વૉટર મૅનેજમેન્ટને અસરકારક રીતે અને જીવનમાં સીધો અમલ થાય એ પ્રકારે સમજણ આપવી પડશે. આ કામ સરકારનું છે એવું ધારવું ખોટું છે. આ કામ સરકાર કે પ્રશાસન કરે એવી અપેક્ષા રાખીને બેસવાને બદલે સામાજિક સંસ્થાઓ કે સામાજિક કાર્યકરો આગળ વધીને વૉટર મૅનેજમેન્ટ માટે કાર્ય કરે એ ખૂબ જરૂરી છે. જો તમે ઇચ્છતા હો કે પાણી માટે પાણીપતની લડાઈ ન થાય તો આજે જ પાણીના ઉપયોગ વિશે સમજો અને શીખો. જો પરિવાર માટે મની મૅનેજમેન્ટ આવશ્યક હોય તો માત્ર પરિવાર માટે જ નહીં, સમાજ માટે અને દેશ માટે પણ વૉટર મૅનેજમેન્ટ આવશ્યક અને અનિવાર્ય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK