Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જલદી કામ પર ચડી જવાનું મન થાય છેને?

જલદી કામ પર ચડી જવાનું મન થાય છેને?

17 May, 2020 06:42 PM IST | Mumbai Desk
Kana Bantwa

જલદી કામ પર ચડી જવાનું મન થાય છેને?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


માણસ કેટલો સમય નવરો બેસી રહી શકે? કેટલો સમય ઘરકૂકડો થઈને રહી શકે? માણસ સ્વભાવે જ ઉદ્યમી પ્રાણી છે, કીડી જેવો. તેને કંઈક ને કંઈક કરવાનું જોઈએ. તે કામ કરીને ક્યારેય થાકતો નથી, પણ કાંઈ ન કરીને થાકી જાય છે. અકર્મણ્ય માણસની પ્રકૃતિ નથી. નહીંતર લૉકડાઉનમાં બે મહિના ઘરમાં બેસીને માણસ એટલો ખુશ હોત કે લૉકડાઉન લંબાય એની પ્રાર્થના કરતો હોત. મહારાષ્ટ્રમાં તો લૉકડાઉન ૩૧ મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે, બેસો હજી એક પખવાડિયું ઘરમાં. લોકો ઘરમાં રહીને કંટાળી શા માટે જાય છે? કંટાળો શું ચીજ છે? આ અરબી શબ્દનો યોગ્ય પર્યાય ગુજરાતીમાં નથી. નીરસતા, ઉદાસી વગેરે નજીકના પર્યાય છે પણ એક્ઝૅક્ટ પર્યાય નથી. હિન્દી કે સંસ્કૃતમાં પણ નજીકના પર્યાય જ છે. આવું કેમ? અંગ્રેજીમાં ચોટડૂક પર્યાય મળે છે, બોરડમ. આ શબ્દ પણ દોઢસોએક વર્ષથી જ પ્રચલિત થયો છે. જૂના સમયમાં કંટાળો કે બોરડમ શબ્દ નહોતો એનું કારણ એ હતું કે જીવનની આપાધાપીમાં માણસ નવરો જ નહોતો રહેતો. કંટાળી જવાનો પણ સમય નહોતો માણસ પાસે, હવે સમય છે. સમય ક્યાં પસાર કરવો, ટાઇમ કઈ રીતે કિલ કરવો એ પ્રશ્ન છે. કંટાળો એ સમૃદ્ધિમાંથી જન્મેલી ચીજ છે, સાહ્યબીમાંથી પેદા થયેલો દાનવ છે. એકધારાપણું કંટાળાનું ઘોડિયું છે. કશું નવું ન થાય તો માણસ એકની એક ઘરેડથી કંટાળી જાય છે. કરવા માટે કંઈ કામ ન હોવું એ કંટાળાને ઊગી ઊઠવા માટેની સૌથી અનુકૂળ ભૂમિ છે.

બાણાસુરની સુંદર કથા પુરાણોમાં કહેવાઈ છે. મહાન શિવભક્ત બાણાસુરે મહાદેવને પ્રસન્ન કરીને પાર્વતીના પુત્રનું પદ પ્રાપ્ત કર્યું હતું, શંકર અને કાર્તિકેય ખુદ તેની નગરીનું રક્ષણ કરતા. બાણાસુરને ૧૦૦૦ હાથ હતા. મહાપરાક્રમી બાણાસુરે લડવા આવેલા રાવણને પકડીને પોતાના મહેલના ભંડકિયામાં પૂરી દીધો હતો અને ઇન્દ્ર પણ તેનાથી ડરતો. આવો બાણાસુર અનેક વિજયો પછી કોઈ લડવાવાળું ન મળવાથી કંટાળી ગયો હતો. ૧૦૦૦ હાથની તાકાત અને ત્રણે લોકમાં કોઈ લડનાર નહીં. કેવી ગજબ યુયુત્સુ વૃત્તિ હશે કે કંટાળેલો બાણાસુર પહોંચ્યો શિવજી પાસે અને કહ્યું કે કોઈ લડનાર નથી મળતો એટલે હું કંટાળી ગયો છું. મને કોઈ લડનાર શોધી આપો નહીંતર હું તમારી સાથે લડીશ. મહાદેવે તેની ધૃષ્ટતા જોઈને કહ્યું કે તને લડનાર મળશે, જે તારા આ ૧૦૦૦ હાથ કાપી નાખશે. શાપ જેવું આ વરદાન સાંભળીને બાણાસુર ખુશ થતો થતો રવાના થયો. બાણાસુરની વાર્તા તો આગળ ચાલે છે. તેની દીકરી ઉષા શંકર-પાર્વતીની કામક્રીડા જોઈ ગઈ એટલે તેનામાં કામવૃત્તિ એટલી પ્રબળ બની ગઈ કે કામજ્વર લાગુ પડ્યો. એ બધી વાર્તા પછી ક્યારેક કરીશું. બાણાસુર જેવો મહાપ્રતાપી રાક્ષસ પણ લડવાનું કામ ન મળે તો કંટાળી જાય.
આપણે ત્યાં કહેવત છે કે નવરો બેઠો નખ્ખોદ વાળે. બીજી એક એવી જ કહેવત છે, નવરા મનના તુક્કા ઘણા. એક અદ્ભુત રૂઢિપ્રયોગ છે, નવરાને નિરાંત નહીં. વિરોધાભાસી લાગે વાંચતાં. નવરોધૂપ બેઠો હોય, કોઈ કામધંધો ન હોય તેને નિરાંત હોવી જોઈએને? પણ નિરાંત હોતી નથી. નિરાંત અને નવરાશ બેય સમાનાર્થી લાગે, પણ છે નહીં. નિરાંત તો વ્યસ્તતામાં પણ હોઈ શકે. નિરાંત મનની એવી સ્થિતિ છે જ્યાં શાંતિ છે. મન ઉદ્વિગ્ન નથી, જીવ હેઠો બેઠેલો છે. સમય હોય તો પણ નિરાંત ન હોઈ શકે, અને છે પણ એવું જ. લગભગ બે મહિનાના લૉકડાઉન દરમ્યાન તમને નિરાંત હતી ખરી? સાચું કહેજો, નહોતીને? નવરું મગજ શેતાનનું ઘર હોય છે એટલે નવરો કાંઈક ખુરાફાત કરે જ. અત્યારે મોટા ભાગના લોકો નવરા બેઠા છે. સાવ નવરા. નિરુદ્યમી. કશું જ ન કરતા હોય એવા, સાવ ફ્રી. અકર્મણ્ય. અકર્મી. અકર્મીનો એક અર્થ કશું કામ નહીં કરનાર એવો પણ છે. ભગવદ્ગીતામાં કૃષ્ણ કર્મનું મહત્ત્વ સમજાવતાં કર્મ, અકર્મ અને વિકર્મ એવા ત્રણ ભાગ પાડે છે. સત્યાસના નામે કામધંધો છોડી દેનારાઓ વધી પડ્યા હશે એટલે કૃષ્ણએ ભગવદ્ગીતામાં કર્મનું મહત્ત્વ પ્રસ્થાપિત કર્યું છે. કામને કર્મયોગ કહીને એની પ્રતિષ્ઠા કરી છે. કર્મયોગો વિશિષ્યતે કહીને જ્ઞાનના માર્ગ કરતાં કર્મનો માર્ગ વધુ સારો છે એવું સમજાવ્યું છે. કર્મ અને અકર્મની વાત કરતાં પહેલાં કૃષ્ણએ સુંદર સ્પષ્ટતા કરી છે કે કર્મ શું અને અકર્મ શું એમાં વિદ્વાનો પણ મૂંઝાઈ જાય છે. કૃષ્ણ સાચા છે. ગીતામાં અકર્મ શેને કહેવામાં આવ્યું છે એ બાબતે વિદ્વાનોએ લાંબોલચક વિતંડાવાદ કર્યો છે. આપણે એમાં પડવું નથી. આપણે તો અકર્મની વાત કરવી છે. કર્મથી નિવૃત્તિ જેને કહેવાય છે એ અકર્મ. કામ કરવામાં ન આવે એ અકર્મ. અને એવી નવરા હોવાની સ્થિતિ એટલે અકર્મણ્ય. પોતાની મેળે કે મજબૂરીથી નવરા હોવું કે નવરા રહેવું એ ખરેખર થકવી નાખે એવું છે. એ પણ એક મુશ્કેલ કામ જ છે.
  આખો દેશ લગભગ બે મહિનાથી ઘરમાં ભરાઈને બેઠો છે. કશું જ કામ નથી એટલે ઘરકામમાં મદદ કરે છે. થોડા દિવસ તો વાસણ ધોતા ફોટો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને બહુ મજા લીધી, પણ હવે તો એનો પણ કંટાળો આવે છે. વાસણ ધોતા કે સફાઈ કરતા કે પોતાં મારતા કેટલા ફોટો પોસ્ટ કરવાના? એમાં તો મૉનોટોની વહેલી આવે. એટલે આવી જ ગઈ. અંતાક્ષરી રમી રમીને પણ થાકી ગયા. હવે કરવું શું? હવે ખબર પડી કે ઘણાને તો કોઈ શોખ જ નહોતા. શોખ જેવી કોઈ ચીજ જ જીવનમાં ન હોય તે શું કરે? જેને શોખ હોય તે પણ કેટલો સમય કરે ? સંગીતનો શોખ હોય તો પણ એ કાંઈ બે મહિના સતત ન થાય. શોખ મોટા ભાગે બહુ ઓછો સમય લેનાર પ્રવૃત્તિ હોય. એવી પ્રવૃત્તિ જેમાં મજબૂરી ન હોય, મજા હોય. એટલે એ પ્રવૃત્તિ હળવાશ આપે, રિલૅક્સ કરે, આનંદ આપે. એમાં જો બંધન આવી જાય તો એ પ્રવૃત્તિ શોખ ન રહે, કામ બની જાય. અને કામ થાક આપે, કંટાળો આપે, ઉબ આપે, નીરસતા આપે. એટલે ઘરમાં રહીને થાય એવા શોખ પૂરા થઈ ગયા. હવે શું? કશું જ નહીં? સોસાયટીમાં ટોળટપ્પા મારવા એકઠા પણ થઈ શકાતું નથી. ફોન પર વાતો કરીને પણ થાકી ગયા. વિડિયો-કૉલ પણ વધારે પડતા થઈ ગયા.
હવે માણસને કામ જોઈએ છે. હવે પ્રવૃત્તિની જરૂર છે. હવે ઉદ્યમની આવશ્યકતા છે. પ્રવૃત્તિ વગર હવે અકારું લાગે છે. આ જ તો માણસની મજા છે. તેને પ્રવૃત્તિનો નશો છે. તેને પ્રવૃત્તિનું પૅશન છે. તેને કામ વગર ચેન નથી પડતું. પેલા વાર્તાના જીનની જેમ માણસને નવરો નહીં રહેવાનું વરદાન છે. દરેક કામ માણસ મજબૂરીથી, પેટ ભરવા માટે, કમાવા માટે, ભવિષ્ય સલામત કરવા માટે જ કરે છે એવું નથી. પ્રવૃત્તિ માણસનો સ્વભાવ છે. તેને કોઈ ફાયદો નહીં હોય, કોઈ આવક નહીં હોય તો પણ પ્રવૃત્તિ કરશે. પ્રવૃત્તિ માણસના મનનો ખોરાક પણ છે અને સંજીવની પણ છે. માણસનું મન કંઈક કર્યા વગર રહી શકતું નથી. એને અપડેટ થવા માટે, પોતાના વિકાસ માટે પ્રવૃત્તિની જરૂર પડે છે. એટલે જ માણસ નિરુદ્દેશ પ્રવૃત્તિ કરી શકે. કશા જ દેખીતા કારણ વગર રખડપટ્ટી કરી શકે, ફરી શકે, સેવા કરી શકે, કામ કરી શકે. કોઈ ઉદ્દેશ ન હોય તો પણ પ્રવૃત્તિ કરતા રહેવાની પ્રકૃતિને કારણે માણસ શોધક બન્યો છે, નિરીક્ષક બન્યો છે, નવું કરનાર બન્યો છે. પથ્થર અથડાવીને આગ પ્રગટાવતાં પણ તે એ જ રીતે સાવ કારણ વગરની પ્રવૃત્તિમાંથી જ શીખ્યો હશે.
  આટલા દિવસ નવરા બેઠા પછી સમજાયું હશે કે કામ કરીને જેટલો થાક નથી લાગતો એટલો નવરાશથી લાગે છે. કામ કરતા હતા ત્યારે જેટલા પ્રફુલ્લિત હતા એટલા અત્યારે નથી. કામમાં વ્યસ્ત હતા ત્યારે મન જેટલું સ્વસ્થ હતું એટલું અત્યારે નથી. શરીર જેટલું ફિટ હતું એટલું અત્યારે નથી. ઑફિસ, દુકાન, ફૅક્ટરી, ગોડાઉન કે કામની દરેક જગ્યાથી તમે એવા ટેવાઈ ગયા હો કે હવે એને મિસ કરો છો. આપણે ત્યાં એક કહેવત છે કે ખીલો સૂંઘવા જવું. રોજની જગ્યાએ આદતવશ જવું એટલે ખીલો સૂંઘવા જવું. પશુઓને જે ખીલા સાથે બાંધવામાં આવે એની એટલી આદત પડી ગઈ હોય કે તેને અન્યત્ર લઈ જવામાં આવે તો પણ સાંજ પડ્યે પોતાના ખીલે પહોંચી જાય. માણસ પણ ખીલો સૂંઘવા ટેવાયેલો છે. તેને કામ બોલાવે છે.
 લૉકડાઉન તો ગમે એ રીતે ખૂલી જ જશે. આમ કાંઈ ઘરમાં પુરાઈ રહીને બરબાદ થઈ જવાય નહીં. કામ માટે બહાર નીકળવું જ પડે, કોરોના સામે લડવું પડે અને એટલે જ હવે સરકાર લૉકડાઉનને હળવું બનાવી રહી છે. જ્યાં જોખમ ઓછું છે ત્યાં કામકાજ શરૂ થઈ રહ્યું છે. અમુક લોકો વર્ક ફ્રૉમ હોમ કરી રહ્યા છે. કોરોના કાબબૂમાં નથી આવ્યો, પણ હવે અર્થતંત્ર ખાતર પણ લૉકડાઉનમાં ઢીલ આપવી જરૂરી છે. તમે પણ કંટાળ્યા હશો ઘરમાં બેસી રહીને. હવે બહુ રાહ જોવાની નથી, ફરીથી ચેતનાનો સંચાર થઈ રહ્યો છે, ધબકવાનું શરૂ થઈ ગયું છે. માનવ ફરી બેઠો થઈ રહ્યો છે પ્રકૃતિને પહોંચી વળવા માટે. બેસ્ટ ઑફ લક, જિંદગી.


Whatsapp-channel Whatsapp-channel

17 May, 2020 06:42 PM IST | Mumbai Desk | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK