આઝાદી જોઈએ છે, પરંતુ શું એને પચાવવાની સમજદારી છે?

Published: Dec 09, 2019, 14:35 IST | Falguni Jadia | Mumbai

હૈદરાબાદમાં થયેલી બળાત્કારની ઘટના બાદ સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ બની ગયેલા સમાજના આગેવાનો એ જ સોશ્યલ મીડિયાનો ઉપયોગ આવી ઘટનાઓનું ફૉલોઅપ કરવા માટે કેમ નથી કરતા? વ

જસ્ટિસ પ્રિયંકા રેડ્ડી
જસ્ટિસ પ્રિયંકા રેડ્ડી

હૈદરાબાદમાં થયેલી બળાત્કારની ઘટના બાદ સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ બની ગયેલા સમાજના આગેવાનો એ જ સોશ્યલ મીડિયાનો ઉપયોગ આવી ઘટનાઓનું ફૉલોઅપ કરવા માટે કેમ નથી કરતા? વળી એ જ સોશ્યલ મીડિયા પર પીરસવામાં આવતું એન્ટરટેઇનમેન્ટ પચાવવાની આપણી ક્ષમતા છે? ચાલો કેટલાક સવાલો પોતાની જાતને પણ પૂછી જોઈએ...

હાલમાં હૈદરાબાદમાં ૨૭ વર્ષની ડૉક્ટરના બળાત્કાર બાદ હત્યાના ઘૃણાસ્પદ કિસ્સા પછી ફરી એક વાર આખા દેશમાં રોષનો જુવાળ ફાટી નીકળ્યો. રાજનેતાઓથી માંડીને સામાન્ય જનતાનો આક્રોશ રસ્તાઓ પર તથા સોશ્યલ મીડિયા પર ઊભરાયો. ઘટનાની સંવેદનશીલતાને ધ્યાનમાં લેતાં પોલીસે પણ ૪૮ કલાકમાં આરોપીઓને શોધીને પોતાના તાબામાં લઈ લીધા અને એન્કાઉન્ટરમાં એ ચારેય માર્યા ગયા. આ કેસનો ફેંસલો તો આવી ગયો, પણ ન્યાય થયો ખરો? બાકી કેસોમાં શું થાય છે?

હંમેશાં થતું હોય છે એમ સરકારી ઑફિસોમાં તથા પોલીસ ખાતામાં રોજિંદા દરે જમા થતી ફાઇલોના ખડકલા નીચે ટૂંક જ સમયમાં આ ફાઇલ દબાઈ જશે, સોશ્યલ મીડિયા તથા સમાચારોમાં પણ ધીમે-ધીમે એનો વંટોળ શમી જશે અને લોકો રાબેતા મુજબ પોતાનાં કામે  લાગી જશે.

બળાત્કારની ઘટનાઓ હંમેશાંથી દરેક સમાજની અત્યંત શરમજનક બાબત રહી છે. ૨૦૧૨માં પણ દિલ્હીમાં બળાત્કારનો આવો જ એક અત્યંત ઘૃણાસ્પદ કિસ્સો બન્યો હતો જે આગળ જતાં નિર્ભયા હત્યાકાંડ તરીકે બહુચર્ચીત બન્યો હતો. ત્યારે પણ આમ જનતાથી માંડી સેલિબ્રિટીસ તથા રાજકીય નેતાઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા. વૉટ્સઍપ, ટ‍્વિટર તથા ફેસબુક જેવાં સોશ્યલ મીડિયાનાં માધ્યમો પર સેંકડો મેસેજિસ ફરવા માંડ્યા હતા. એ સમયે પણ ગુનેગારોની બેશરમી તથા ગુનાની સંવેદનશીલતાને જોઈ આરોપીઓને ત્વરિત સજા આપી દેવામાં આવી હતી. સાથે જ દેશભરની મહિલાઓની સુરક્ષાનું ધ્યાન રાખવા નિર્ભયા ફન્ડ બનાવવા સુધીનાં અનેક પગલાં પણ લેવામાં આવ્યાં હતાં.

તો પછી સવાલ થાય છે કે આટઆટલું થયું એમ છતાં દેશમાં બળાત્કારના કિસ્સાનું પ્રમાણ હજી પણ ઘટ્યું કેમ નથી? બલકે હૈદરાબાદના ઉપરોક્ત કિસ્સાના એક અઠવાડિયાની અંદર જ તામિલનાડુમાં ચાર શેતાનોએ એક મહિલાની આબરૂ લૂંટી, રાંચીના વીઆઇપી ઝોન નજીકથી એક વિદ્યાર્થિનીનું અપહરણ કરી ૧૨ હવસખોરોએ બંદૂકની અણી પર તેનો સામૂહિક બળાત્કાર કર્યો. ગુજરાતના વડોદરા શહેરની એક સગીર વયની બાળકી પર પણ આ જ સિતમ થયો. અરે, રાજસ્થાનના કોટા શહેરમાં રહેતી એક મહિલાના બળાત્કારીમાં તો હજીય એટલી હિંમત છે કે જેલમાંથી જમાનત પર બહાર નીકળતાં જ તે તરત તે મહિલા તથા તેના પતિ પર આક્રમણ કરી શકે છે. આ ઘટનાઓ તથા ૨૦૧૨ પછી પોલીસના ચોપડે નોંધાયેલા તથા ન નોંધાયેલા કિસ્સાઓના આંકડાઓ લોકોના માનસ પર સરકારે લીધેલાં પગલાંઓ તથા કાયદાના ડરનો શું અને કેટલો પ્રભાવ પડ્યો છે એ સાફ દર્શાવે છે.

કારણ, હકીકત એ છે કે કાયદાનો ભય આવા ગુનેગારોનું રૂંવાડું પણ ફરકાવી શક્યો નથી, કેસો હજી પણ અદાલતોમાં ગોકળગાયની ગતિએ આગળ વધી રહ્યા છે અને કહેવાતા નિર્ભયા ફન્ડના પૂરા પૈસા પણ સરકારો વાપરી શકી નથી. આવામાં પ્રશ્ન થાય કે આવી કોઈ પણ ઘટના બાદ તાબડતોબ સોશ્યલ મીડિયા પર પોતાની તલવારો લઈને નીકળી પડતા રાજનેતાઓ અને સમાજના આગેવાનો પાછળથી ક્યાં ગાયબ થઈ જાય છે? કેમ આમાંના કોઈ મહિના-બે મહિના રહીને આવા કેસના ફૉલોઅપ માટે સોશ્યલ મીડિયાનો સહારો લેતા નથી? કેમ તેઓ બદલાતી ઋતુ પ્રમાણે પોતાની ડિજિટલ દુનિયામાં નવા-નવા મુદ્દા પર માત્ર પોતાની હાજરી નોંધાવામાં વ્યસ્ત થઈ જાય છે? શિયાળામાં પ્રદૂષણ, ઉનાળામાં પાણીની અછત અને કિસાનની બેહાલી, ચોમાસામાં પૂરની મદદ કે દુકાળની રિલીફ તથા લથડી ગયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બરબાદી, કોઈ સ્કૅમ થાય ત્યારે એની સામે ઝુંબેશ, ચૂંટણી પહેલાં એને લગતો પ્રચાર, આવા નવા-નવા ટ્રેન્ડ નેતાઓના ટ‍્વિટર તથા પોસ્ટમાં જોવા મળતાં હોય છે, પરંતુ શું એટલા માત્રથી તેમની જવાબદારીઓ પતી જાય છે?

આપણે ભારતીયોએ એક વાત સમજવાની જરૂર છે. સોશ્યલ મીડિયાનો જન્મ પૃથ્વીના જે ભાગમાં થયો અર્થાત્ અમેરિકા અને યુરોપ જેવા વિકસિત દેશોમાં એવા ઘણા મુદ્દા છે, જેની સામે પ્રજાએ ઝૂઝવું પડતું નથી, કારણ કે જીવનની અમુક મૂળભૂત સુવિધા અને અધિકારો ત્યાંના નાગરિકોને જન્મથી જ મળતા આવ્યા છે. સામાજિક સુરક્ષા, શિક્ષણ, સ્વાસ્થ્ય સંબંધી સુવિધાઓ જેવી બાબતોમાં આ દેશોમાં સોશ્યલ મીડિયાના ઉદય પહેલાં જ ખાસ્સી પ્રગતિ થઈ ચૂકી હતી, પરંતુ ભારત કે એશિયા-આફ્રિકાના અન્ય વિકાસશીલ દેશોમાં સોશ્યલ મીડિયા ઘણી વખત સમાજના આગેવાનો માટે પોતાની ખરી કામગીરી બજાવવાના સ્થાને પોતાનો વિરોધ માત્ર નોંધાવવાનો પર્યાય બની જતો હોય છે.

વળી સોશ્યલ મીડિયાની બાબતમાં ઇન્ટરનેટના આ યુગમાં દરેક સમાજની પરિપક્વતા પણ મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે. થોડા સમય પહેલાં જ સમાચાર આવ્યા હતા કે સરકારે ઓટીટી પ્લૅટફૉર્મ એટલે ઍમેઝૉન, નેટફ્લિક્સ તથા હૉટસ્ટાર જેવાં માધ્યમો પર પીરસવામાં આવતાં પ્રસારણો પર સેન્સરશિપ લાગુ કરવાનો પ્રસ્તાવ પડતો મૂક્યો છે. આ સારી બાબત છે. દરેકને વ્યક્તિગત પસંદગી તથા અભિવ્યક્તિનો અધિકાર હોવો જ જોઈએ, પરંતુ સામે પક્ષે લોકોએ પણ પોતાની જાતને પૂછવાની જરૂર છે કે શું તેમના સમાજનો દરેક વર્ગ યોગ્ય અને અયોગ્ય વચ્ચેનો ફરક સમજવા જેટલી પરિપક્વતા ધરાવે છે? આવાં પ્લૅટફૉર્મ્સ પર સેન્સરશિપ ન હોવાને પગલે સામાન્ય ટીવી ચૅનલોના પ્રમાણમાં વધુ બોલ્ડ દૃશ્યો જોવાં મળે છે. આજના ડેટા એક્સપ્લોઝનના દોરમાં જ્યાં ભારતમાં સ્માર્ટ ફોનની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે ત્યારે શું જોવું અને શું ન જોવું એની સંપૂર્ણ જવાબદારી ગ્રાહકો પર છોડી દેવામાં આવે તો શું આવી આઝાદી ભારત જેવા વિશાળ દેશમાં ક્યારેક ખતરનાક પુરવાર ન થઈ શકે? મુંબઈ કે દિલ્હીમાં રહેતા કૉલેજિયનો તથા હરિયાણા કે યુપી-પંજાબમાં રહેતા યુવાનો જ્યારે આવાં દૃશ્યો જોતાં હોય છે ત્યારે શું તેમની વિચારશૈલી તથા જીવન પ્રત્યેનો અભિગમ એકસમાન હોય છે? આવામાં ગેરમાર્ગે દોરવાયેલી કોઈ વ્યક્તિ ફરી વાર નિર્ભયા કે હૈદરાબાદકાંડ જેવા જઘન્ય અપરાધનો આરોપી નહીં બની જાય એની ખાતરી શું?

આ પણ વાંચો : ધો ડાલા : પણ કોઈને મારવું એ જોખમની બાબત ગણાય

ચોક્કસ, ભારત એક આગળ વધી રહેલો વિકાસશીલ દેશ છે, પરંતુ આપણા પાડોશમાં જ ચીન કે રશિયા જેવા દેશોમાં સરકારો ત્યાંની પ્રજાને જોતાં સંપૂર્ણ ઇન્ટરનેટ ફ્રીડમ આપતા ગભરાય છે. જોકે, તેમના મનમાં આ ડર માટે સામાજિક કારણોની સાથે રાજકીય કારણો પણ જવાબદાર હોય છે, પરંતુ અહીં આશય તેમની પૉલિસીનાં વખાણ કરવાનો નથી, બલકે એ પ્રશ્ન ઉઠાવવાનો છે કે રોજના બળાત્કાર, હત્યા, છેડતી જેવા અપરાધો સામે હારી જતા ભારત જેવા વિશાળ સમાજમાં આપણે સોશ્યલ મીડિયા તથા ઇન્ટરનેટનો ઉપયોગ સ્વતંત્રપણે કરવા દઈએ એ યોગ્ય છે, પરંતુ એનાં બહાનાં હેઠળ નેતાઓથી માંડીને નાગરિકો પોતાની મૂળ જવાબદારીથી છટકી ન જાય એનું ધ્યાન રાખવાની જવાબદારી કોની?

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK