હું આજે જે કંઈ છું; તેનો શ્રેય જાય છે કલ્યાણજી-આણંદજીને: જૉની લીવર

Published: Apr 21, 2019, 14:59 IST | રજની મહેતા

કલ્યાણજી-આણંદજીની જોડીએ અનેક કળાકરોને પ્લૅટફૉર્મ આપીને તેમની સાચી પ્રતિભાનો પરિચય કરાવ્યો છે. આવા જ એક કળાકાર છે જૉની લીવર. આ બેજોડ હાસ્ય કલાકર સાથેની મારી મુલાકાત અંધેરી, લિન્ક રોડ પર તેમના આલીશાન ફ્લૅટમાં થઈ

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

વો જબ યાદ આયે

Giving is not just about making a donation, it is about making a difference

- kathy kelvin

સામાન્ય રીતે સખાવત શબ્દની વ્યાખ્યા એવી થાય કે તમે દાન-પુણ્ય કરો; જરૂરી વ્યક્તિઓને સહાય કરો, સમાજ ઉપયોગી કાર્ય કરો; તેને સખાવત કહેવાય. સમાજની પ્રગતિ માટે આવા સખાવતી માણસો ખૂબ જ જરૂરી છે. મોટા ભાગની ઇમારતો પર તેના દાતાઓનાં નામની તકતીઓ હોય છે. ગુપ્ત દાન કહી શકાય એમ; અપવાદરૂપે અમુક દાનશ્રેષ્ઠીઓ, મકાનને બદલે, માણસોને ઊભા કરતા હોય છે, અને તેમને એક નવી ઓળખ આપે છે. જ્યારે એક વ્યક્તિને, તેની સાચી ઓળખ આપવામાં મદદ કરીએ ત્યારે દુનિયાને કંઈ ફરક પડતો નથી, પરંતુ તે વ્યક્તિની આખી દુનિયા બદલાઈ જાય છે.

કલ્યાણજી-આણંદજીની જોડીએ અનેક કળાકરોને પ્લૅટફૉર્મ આપીને તેમની સાચી પ્રતિભાનો પરિચય કરાવ્યો છે. આવા જ એક કળાકાર છે જૉની લીવર. આ બેજોડ હાસ્ય કલાકર સાથેની મારી મુલાકાત અંધેરી, લિન્ક રોડ પર તેમના આલીશાન ફ્લૅટમાં થઈ. આ પહેલાં ફિલ્મોમાં અને સ્ટેજ શોમાં તેમની કૉમેડીને ભરપૂર માણી છે, પરંતુ રૂબરૂ મુલાકાત પહેલી વાર થતી હતી. તેમના ફ્લૅટની બહાર ચાર્લી ચૅપ્લિનનાં મોટાં પોસ્ટર જોઈને અહેસાસ થાય કે ચૅપ્લિન તેમના પ્રેરણાસ્ત્રોત રહ્યા હશે.

મને ઉમળકાથી આવકાર આપતાં તેમણે પૂછ્યું. ‘અહીં પહોંચતાં તકલીફ નથી પાડીને?’ મેં કહ્યું, ‘હું ભૂલતો ન હોઉં તો ભૂપેન્દર સિંહ અને મિતાલી આ જ બિલ્ડિંગમાં રહે છે. વર્ષો પહેલાં મારી મુલાકાત અહીં જ થઈ હતી.’ ઔપચારિક વાતો પૂરી થઈ એટલે મને તેમણે ગુજરાતીમાં જ પૂછ્યું, ‘બાપુ, શું લેશો. ચા કે ઠંડુ? નાસ્તામાં શું ચાલશે?’ આ સાંભળી મારા હાવભાવ જોઈ આગળ કહ્યું, ‘આ તો કચ્છી માડું સાથેની સંગતને કારણે ગુજરાતી બોલવાની આદત પડી છે.’ મેં કહ્યું, ‘ચા સાથે ગાંઠિયાની જુગલબંદી કરવા હું સાથે જ લઈ આવ્યો છું.’ (એમ કહેવાય છે કે way to a man's heart is through his stomuch એ હકીકત સાકાર કરવા, કોઈ પણ વ્યક્તિ સાથેની પહેલી મુલાકાત સમયે ઘાટકોપરના પ્રસિદ્ધ હરિભાઈ કંદોઈનું ફરસાણ અને મીઠાઈ મને સારી મદદ કરે છે.) આમ એક હળવા વાતાવરણમાં અમારી વાતો શરૂ થઈ.

‘મારી ઉંમર 19-20 વર્ષની હશે ત્યારથી હું કલ્યાણજીભાઈ અને આણંદજીભાઈને ઓળખું છું. તે દિવસોમાં હું સ્ટેજ પર મિમિક્રી કરતો. કામકાજ ખાસ નહોતું એટલે ફુરસદના સમયે હું તેમના મ્યુઝિક હૉલ પર જતો. કલ્યાણજીભાઈ સાથે કૉમેડી અને હ્યુમરની વાતો થતી. હ્યુમરની અનેક બુક્સ મને આપતા. તેમની પાસેથી નવા-નવા અનેક જોક્સ મળતા. મને કહેતા, ‘તારે આ આઇટમ પર મિમિક્રી કરવી જોઈએ, તે આઇટમ પર મિમિક્રી કરવી જોઈએ. તારી પાસે કોઈ નવી હ્યુમર આવી હોય તો સંભળાવ.’ મને તેમની પાસેથી ખૂબ શીખવા મળ્યું. હાસ્ય ઉપરાંત જીવનની ફિલોસૉફી અને બીજા અનેક વિષયોની જાણકારી મને ત્યાં મળતી. ધર્મ, જીવન, પરિવાર, દુનિયાદારી અને જીવનનાં અનેક પાસાંઓની જાણકારી આ બન્ને ભાઈઓ સાથેની વાતચીતમાં મને મળતી. 1978-79 લંડન અને દુબઈની મારી પહેલી ફૉરેનની ટ્રિપ તેમની સાથે થઈ. મારી પહેલી ઑડિયો કૅસેટ, મારી પહેલી ફિલ્મ; આ દરેક માટે કલ્યાણજી-આણંદજી નિમિત્ત બન્યા છે. તેમની સાથે દેશ-વિદેશમાં અનેક સ્ટેજ શો કર્યા છે. એક જ વાક્યમાં કહેવું હોય તો આજે હું જે કંઈ છું, તેનું સંપૂર્ણ શ્રેય આ બન્ને ભાઈઓને જાય છે.’

‘મારા જીવનનો જે ટર્નિંગ પૉઇન્ટ હતો તે મુંબઈનો હૉપ 86નો શો હતો. એ શોમાં શરૂઆતમાં હું નહોતો, કારણ કે ત્યાં મોટા મોટા કળાકારો પર્ફોર્મ કરવાના હતા. તે જ દિવસે સવારે હું એક શો માટે વાપી જવાનો હતો. દુર્ભાગ્યવશ એવું થયું કે અમારી ગાડીનો અકસ્માત થયો. મારી સાથેના મ્યુઝિશ્યન અને કળાકારોને ઈજા થઈ. તે લોકો શો કરવા જઈ શકે તેમ નહોતા. ઈશ્વરકૃપાથી મને એક ઉઝરડો પણ ન પડ્યો. ત્યાંનો શો કૅન્સલ થયો અને હું મુંબઈ પાછો આવ્યો. મેં આવીને વાત કરી કે આજે આવું થયું છે અને હું બચી ગયો. તો આણંદજીભાઈ કહે, ‘સાંજે શો પર આવી જા.’ ત્યાં પહોંચ્યો, પરંતુ મારી પાસે આર્ટિસ્ટનો બેજ નહોતો એટલે આણંદજીભાઈએ એક વર્કરનો બેજ આપીને મને બૅક સ્ટેજમાં બેસાડ્યો. ઇન્ડસ્ટ્રીના વર્કર્સના લાભાર્થે આ શો હતો. આખી ઇન્ડસ્ટ્રી ત્યાં હાજર હતી. તે દિવસે લક્ષ્મીકાંત -પ્યારેલાલ, આર. ડી. બર્મન, બપ્પી લહેરી અને કલ્યાણજી-આણંદ જી; આ ચાર સંગીતકારોનાં ગીતોની રજૂઆત થવાની હતી. એક સંગીતકારની રજૂઆત બાદ ટી. વી. સિરિયલના કળાકારોની સ્કિટની રજૂઆત થતી. બન્યું એવું કે તે સમયે પ્રેક્ષકોને મજા નહોતી આવતી. આણંદજીભાઈએ આ જોયું એટલે મને કહે, ‘દસ મિનિટ કે લિયે સ્ટેજ પર જા, ઔર ધમાલ કરકે વાપિસ આ જા.’ હું આ માટે તૈયાર નહોતો. હું તો આરામથી બૅક સ્ટેજમાં બેસી; અહોભાવથી, ઇન્ડસ્ટ્રીના મહાન કળાકરોને જોઈને મારી જાતને ધન્ય માનતો હતો. આમ પણ હું સાદા પેન્ટ-શર્ટમાં આવ્યો હતો. મોઢા પર બે દિવસની દાઢી હતી. લગભગ ધક્કો મારતાં તેમણે કહ્યું, ‘જા, આજ લોગો કો બતા દે કે તૂં કૌન હૈ.’ અને હું સ્ટેજ પર ગયો.

તે દિવસોમાં જુનિયર મહેમૂદ અને જગદીપની બોલબાલા હતી. હું તો સાવ નવોસવો હતો. મારી મિમિક્રી પ્રેક્ષકોને એટલી પસંદ આવી કે મારી આઇટમ પૂરી કરી જતો હતો ત્યાં લોકોએ ‘વન્સ મોર, વન્સ મોર, જૉની, જૉની’ કહીને મને પાછો બોલાવ્યો. તે રાતે મને જે રિસ્પોન્સ મળ્યો તે અનબિલીવેબલ હતો. બીજે દિવસે શોનાં એટલાં વખાણ થયાં કે અમિતાભ બચ્ચનની સાથે હેડલાઇન્સમાં જૉની લીવરનું નામ આવી ગયું. આ શો જેવો બીજો શો, આજ સુધી થયો નથી. તે દિવસના પર્ફોર્મન્સને કારણે ઇન્ડસ્ટ્રીમાં લોકો મને ઓળખતા થયા, અને મને મારી પહેલી ફિલ્મ ‘દર્દ કા રિશ્તા’ મળી. આ શો પછી જયારે હું પહેલી વાર ફિલ્મના સેટ પર ગયો તો શ્રીદેવી લોકોને પૂછે કે આ જૉની લીવર છે કોણ? મારે તેને મળવું છે?’ મને મળીને કહે, ‘શોમાં તમારી મિમિક્રીનાં જે વખાણ થયાં છે તે મેં સાંભળ્યાં. મને થયું આજે તમને રૂબરૂ મળી અભિનંદન આપું.’ હું તો માની નહોતો શકતો કે આટલી મોટી હિરોઇન મને સામેથી આવીને અભિનંદન આપશે. આમ આપણી ગાડી ચાલવા લાગી. ત્યાર બાદ મેં અનેક ફિલ્મોમાં રોલ કર્યા.’

જૉની લીવર સાથેની આ મારી પહેલી મુલાકાત હતી. આ વાતો કરતી વખતે ‘કલ્યાણજી-આણંદજી પ્રત્યેનો અહોભાવ તેમના ચહેરા અને વાણીમાં સ્પસ્ટ દેખાતો હતો. ચા, નાસ્તો કરતાં મેં પૂછ્યું કે આ બન્ને ભાઈઓની સાથેનું અંગત સમીકરણ આજ સુધી બરકરાર છે તેનું ખાસ કારણ શું છે? એના જવાબમાં તે કહે છે, ‘કલ્યાણજીભાઈની એક ખાસિયત હતી. તે કદી ગુસ્સે ન થતા. દરેકની વાત શાંતિથી સાંભળે. દરેકના લેવલ સુધી જઈને તેની સાથે સંવાદ કરે. તેમની સેન્સ ઑફ હ્યુમર કમાલની હતી. મને કહે, ‘તારા જેવો માણસ આજ સુધી જોયો નથી.’ મારો લીન પિરિયડ હતો ત્યારે મને કહેતા, ‘ફલાણા પ્રોડ્યુસરને વાત કરી છે, તેને મળી આવજે.’ હું કહેતો, ‘તેમને એક વાર મળ્યો છું; મને જામતું નથી.’ ઈશ્વર પર મને એટલો ભરોસો છે કે મારી જાતને મેં કદી ઇનસિક્યૉર માની નથી. મારો પહેલો સ્ટેજ શો મને યાદ આવે છે. મારી ઉંમર હતી 18 વર્ષની. નાના ગ્રુપમાં અને મિત્રો સામે હું મિમિક્રી કરતો. સ્ટેજ પર ચાન્સ મળ્યો એટલે હું ખુશ હતો. બન્યું એવું કે સ્ટેજ પર જતાં જ હું નવર્સે થઈ ગયો. પગ ધ્રૂજવા લાગ્યા. લોકોએ મારો હુરિયો બોલાવ્યો. હું તો ડરીને ત્યાંથી ભાગ્યો. રડવું આવી ગયું. મનમાં થયું, મારા પિતાજીની જેમ હિન્દુસ્તાન લીવરની નોકરી કરીને જ જીવન ગુજારવું પડશે. (તે દિવસોમાં જૉની વ્હીસ્કી નામે એક આર્ટિસ્ટ ફેમસ હતો એટલે જૉની લીવર નામ પસંદ કર્યું.) ત્યાં તો એક ચમત્કાર થયો. હું રાતના નિરાશ થઈને સૂવાનો પ્રયત્ન કરતો હતો ત્યાં શરીરમાં ધ્રૂજારી આવવા લાગી. પરસેવો વળી ગયો. ઈશ્વર જાણે મારી સાથે વાત કરતા હોય એમ મને આભાસ થાય.મને કહે, ‘ડર નહીં. તને આ ફીલ્ડમાં જ સફળતા મળશે. ગમે તેટલી મહેનત કરવી પડે, ડરીને ભાગતો નહીં. હું તારી સાથે છું.’ (ઈશ્વર સાથેનું જૉની લીવરનું જે કનેક્શન છે તે કિસ્સા મને આણંદજીભાઈએ કહ્યા છે એ વાત તમારી સાથે આવતા રવિવારે શેર કરીશું.)

‘તે દિવસોમાં કલ્યાણજીભાઈ સાથે મજા આવે, મસ્તી કરાય, પણ આણંદજીભાઈ સાથે સંભાળવું પડે. ટૂરમાં સાથે ગયા હોઈએ તો એમ લાગે આ વ્યક્તિ બહુ કડક છે, પરંતુ જેમ સમય જતો ગયો તેમ ખબર પડી કે તે કેટલા પ્રેમાળ છે. તે દિવસોમાં હું એટલો મૅચ્યોર નહોતો એટલે તેમના સાચા વ્યક્તિત્વને સમજતાં સમય લાગ્યો. શરૂઆતના દિવસોમાં તેમની સાથે ટૂરમાં જતા હોઈએ એટલે મસ્તી-મજાકમાં આપણી જવાબદારીનો ખ્યાલ ન રહે. તે સમયે, એક વડીલની જેમ ગુસ્સો કરે અથવા ખખડાવે, ત્યારે ગમે નહીં, પરંતુ જેમ માબાપ, સંતાનોની સંભાળ રાખે, તેમ અમને સાચવ્યા છે. મને ખૂબ પ્રેમ આપ્યો છે. પછી તો હું બન્ને ભાઈઓનો ફૅમીલી મેમ્બર બની ગયો. આણંદજીભાઈની કડવી લાગતી શિખામણો મારા ભલા માટે હતી તેની સમજ આવી ત્યારે તેમના માટે માન વધી ગયું. કલ્યાણજીભાઈ માંદા હતા અને હૉસ્પિટલમાં જવાની આનાકાની કરતા હતા. હું તેમને મળવા ગયો અને કહ્યું કે તમારે હૉસ્પિટલમાં જવું જ પડશે, ત્યારે છેવટે હા પાડી. આ બન્ને ભાઈઓ અને પરિવાર સાથે લાગે છે, ગયા જન્મનું કોઈ ઋણાનુબંધ હશે. સાચા અર્થમાં આ બન્ને ભાઈઓ મારા જીવનમાં ફ્રેન્ડ, ફિલોસૉફર અને ગાઇડ બનીને આવ્યા છે.’

મારી અને જૉની લીવરની વાતો ચાલતી હતી ત્યાં તેમણે કહ્યું, ‘તમારે ક્યાં જવું છે? મારે મુંબઈ જવું છે. સમય હોય તો સાથે આવો; આપણે આણંદજીભાઈને સરપ્રાઇઝ આપીએ.’ અને અમે બન્ને મુંબઈ તરફ નીકળ્યા. રસ્તામાં મને જૉની લીવરના વ્યક્તિત્વનું એક એવું પાસું જાણવા મળ્યું કે જેની કલ્પના જ નહોતી. અમારી વાતો થતી હતી તે દરમ્યાન મેં અમારી સંસ્થા ‘સંકેત’ અને તેના કાર્યક્રમો વિશે જાણકારી આપી હતી. મને કહે, ‘તમે સંગીતના જાણકાર અને શોખીન છો એટલે જ તમને સાથે લીધા છે. તમને મારી પસંદનાં થોડાં ગીત સંભળાવું.’ અને જે ગીત શરૂ થયું તે હતું, ‘નાજુક નાજુક બદન મોરા, હાય ચુભ ચુભ જાય તોરે નૈન સાંવરિયા.’ ફિલ્મ ‘ઔલાદ’માં ચિત્રગુપ્તના સંગીતમાં લતા મંગેશકર, મોહમ્મદ રફી અને કોરસના અવાજમાં રેકર્ડ થયેલું આ ગીત કર્ણપ્રિય જરૂર છે, પરંતુ એટલું લોકપ્રિય નથી. જોકે અમારા જેવા સંગીતપ્રેમીઓને આવાં ઉફરાં ગીતોમાં જ વધુ રસ હોય છે. મર્સિડીઝ ગાડીની અફલાતૂન સાઉન્ડ સિસ્ટમમાં આ ગીત સાંભળતાં જૉની લીવરની મસ્તીભરી અદાઓ મેં મારા મોબાઇલમાં રેર્કોડ કરી છે. ગીત ગાતાં તે જે રીતે લતા મંગેશકર અને મોહમ્મદ રફીના અવાજની બારીકીઓને દાદ આપે તે જોઈને મને થયું કે, ખરેખર આ માણસ ઘાયલ, સંગીતપ્રેમી છે.

મને કહે, ‘હું ટ્રાવેલ કરતો હોઉં ત્યારે આ ગીતો મારો સાથ આપતાં હોય છે. જૂનાં ગીતોમાં જે મજા હતી તે આજકાલના ગીતોમાં નથી. એ કવિતા, એ સંગીત, એ ગાયકી, દિલને જે સુકુન આપતી હતી તે વાત આજે નથી. મારી પસંદનાં ગીતો પણ તેમણે સાંભળ્યાં. મને પૂછે, ‘કેવળ ફિલ્મસંગીત જ સાંભળો કે બીજું કંઈ સાંભળો છો? મહેંદી હસન ગમે છે?’ મેં કહ્યું, ‘હું તો તેમનો આશિક છું.’
‘વાહ, યે બાત હુઈ ના.’ એટલું કહીને તેમની પસંદની એક ગઝલ શરૂ કરી. મને કહે, ‘ધ્યાનથી સાંભળજો. આ ગઝલનો દરેક શેર લાજવાબ છે.’ ખરેખર મહેંદી હસનની એક એક નાયાબ ગઝલ હતી . ગાયકીને દાદ આપવા સાથે મુશ્કેલ ઉદૂર્‍ શબ્દનો અર્થ પણ સમજાવે. આ સાથે જગજિત સિંહ, ગુલામ અલી, તલત મહેમૂદ અને બીજી અનેક ગઝલ અમે સાંભળી. એક મશહૂર હાસ્ય કલાકાર, ફિલ્મસંગીત અને ગઝલને, આટલી તન્મયતાથી માણતો હોય તે વાત કદાચ કોઈએ કહી હોત તો હું માની ન શકત . ..તે દિવસે તેમના સંગીત વિશેના જ્ઞાન અને બારીકીઓની જાણકારીથી હું ખૂબ જ પ્રભાવિત થયો. જે ગહેરાઈ અને ઊંડાણથી, ગાયકીની તે તારીફ કરતા હતા, અલગ અલગ ગાયકોની ખૂબીઓનું વિfલેષણ કરતા હતા તે જોઈને એમ લાગે કે સંગીતના કોઈ ઊંડા અભ્યાસુ સાથે તમે ગુફ્તેગૂ કરી રહ્યા છો.

 

આ પણ વાંચો: કલ્યાણજી-આણંદજીની સૂઝ-બુઝનો મોટો ફાળો હતો Hope 86ના બે મેગા શોની સફળતા પાછળ

 

મેં પ્રશ્ન કર્યો, ‘તમારી સંગીતની આટલી સમજ જોઈ મને લાગે છે કે તમે જરૂર વ્યવસ્થિત તાલીમ લીધી હશે.’ મારા આ સવાલનો જે જવાબ મળ્યો તે સાંભળી મને વધુ એક આર્ય થયું. એ વાત આવતા રવિવારે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK