ખુશખબર: રશિયાએ બનાવી વિશ્વની સૌથી પહેલી કોરોના વેક્સિન

Published: 11th August, 2020 16:04 IST | Gujarati Mid-day Online Correspondent | Moscow

રાષ્ટ્રપતિ પુતિને કહ્યું: અમે વેક્સિન રજીસ્ટર્ડ કરાવી, સૌથી પહેલા દીકરીને આપી

તસવીર સૌજન્ય: ટ્વીટર
તસવીર સૌજન્ય: ટ્વીટર

કોરોના વાયરસ (COVID-19)ની વેક્સિન બનાવવામાં વિશ્વના બધા જ દેશોને પાછળ મૂકીને રશિયાએ બાજી મારી લીધી છે. મંગળવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જાહેરાત કરીને કહ્યું છે કે, અમે કોરોનાની એક સુરક્ષિત વેક્સિન બનાવી લીધી છે અને તેને રજીસ્ટર્ડ પણ કરાવી છે. સૌથી પહેલા મેં મારી દીકરીને આ વેક્સિન લગાવડાવી હતી. આ વેક્સિનને નિર્ધારિત કાર્યક્રમ હેઠળ રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલય અને રેગ્યુલેટરી બોડીની મંજૂરી મળી ગઈ છે. રશિયાનું કહેવું છે કે, વેક્સિનના દરેક જરૂરી ટ્રાયલ કરવામાં આવી રહ્યાં છે.

રશિયાની વેક્સિન 'Gam-Covid-Vac Lyo'ને રક્ષા મંત્રાલય અને ગામાલેયા નેશનલ સેન્ટર ફોર રિસર્ચ ઓન એપિડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજીએ સાથે મળીને તૈયાર કરી છે. આ વિશ્વની સૌથી પહેલી વેક્સિન હોવાનો દાવો કરવામા આવ્યો છે. સપ્ટેમ્બરમાં તેનુ ઉત્પાદન કરીને ઓક્ટોબર સુધી લોકો સુધી પહોંચાડવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. રશિયાએ એક મહિના પહેલા સંકેત આપ્યા હતા કે તેઓ વેક્સિન ટ્રાયલમાં સૌથી આગળ છે અને દસથી બાર ઓગસ્ટની વચ્ચે વેક્સિન રજીસ્ટર્ડ કરાવી લેશે. જોકે આ વેક્સિન અંગે અમેરિકા અને બ્રિટન રશિયા પર ભરોસો કરતા નથી. રશિયા પર વેક્સિનનો ફોર્મ્યુલા ચોરી કરવાના આરોપ પણ લગાડવામાં આવી રહ્યાં છે.

રશિયાની ન્યૂઝ એજન્સી તાસના જણાવ્યા પ્રમાણે, મંગળવારે દેશના ટોચના અધિકારીઓ સાથે બેઠકમાં રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે, જ્યાં સુધી મને ખબર છે, આજે સવારે વિશ્વમાં પહેલી વખત કોરોનાવાયરસથી બચાવ માટે એક વેક્સિન રજીસ્ટર્ડ કરાવી લેવામાં આવી છે. પુતિને સ્વાસ્થ્ય મંત્રી મિખાઇલ મુરાશકોને આ મામલે વિસ્તૃત જાણકારી આપવા માટે કહ્યું છે. મુરાશકોએ કહ્યું હતું કે, મને જાણકારી આપવામા આવી છે કે આપણી વેક્સિન સારા પ્રભાવ સાથે કામ કરે છે અને સારી ઇમ્યુનિટિ ઉત્પન્ન કરે છે. તેના માટે જરૂરી બધા ટ્રાયલ પૂર્ણ કરવામા આવ્યા છે.

રશિયાના રક્ષા મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, વેક્સિન ટ્રાયલના પરિણામ સામે છે. તેમાં સારી ઇમ્યુનિટી વિકસિત થવાના પ્રમાણ મળ્યા છે. વોલન્ટિયર્સમાં કોઇ નેગેટિવ સાઇડ ઇફેક્ટ દેખાયા નથી. એટલું જ નહીં, રશિયાએ દાવો કર્યો છે કે તેમણે કોરોનાની જે વેક્સિન તૈયાર કરી છે તે ક્લિનિકલ ટ્રાયલમાં 100 ટકા સફળ રહી છે. ટ્રાયલના રિપોર્ટ પ્રમાણે, જે વોલન્ટિયર્સને વેક્સિન આપવામા આવી હતી તેમની અંદર વાયરસ વિરુદ્ધ લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ વિકસિત થઈ છે.

રશિયાની યોજના છે કે, સૌથી પહેલાં આ વેક્સિન હેલ્થ વેકર્સને આપવામાં આવશે. આ પછી ઘરડા લોકોને આપવામાં આવશે. મોસ્કોએ ઘણા દેશોને પણ વેક્સીન સપ્લાઇ કરવાની વાત કરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK