Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > બેસ્ટ ફાર્ટ સ્પર્ધા સામે ડૉક્ટરોનું રેડ સિગ્નલ

બેસ્ટ ફાર્ટ સ્પર્ધા સામે ડૉક્ટરોનું રેડ સિગ્નલ

19 September, 2019 08:47 AM IST | સુરત
વિનોદકુમાર મેનન

બેસ્ટ ફાર્ટ સ્પર્ધા સામે ડૉક્ટરોનું રેડ સિગ્નલ

યતિન સંગોઈ અને મૂલ સંઘવી

યતિન સંગોઈ અને મૂલ સંઘવી


સુરતમાં યોજાયેલી વાછૂટની સ્પર્ધાએ સમગ્ર રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું છે. અનેક ઠેકાણેથી વિવિધ પ્રકારના પ્રત્યાઘાત વચ્ચે મુંબઈના ડૉક્ટરોએ જણાવ્યું છે કે પેટમાં વાયુ પેદા કરવાના પ્રયત્ન અને વાયુને લાંબા વખત સુધી રોકી રાખવાથી મુશ્કેલી ઊભી થઈ શકે છે. એ સ્પર્ધામાં ભાગ લેનારાઓને નજીકના ભવિષ્યમાં ગૅસ્ટ્રોઇન્ટેસ્ટિનલ પ્રોબ્લેમ્સ થવાની શક્યતા રહે છે. ડૉક્ટરો હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને હૃદયરોગના દરદીઓને આવી સ્પર્ધાથી દૂર રહેવાની સલાહ આપે છે.

તાતા મેમોરિયલ હૉસ્પિટલના ચીફ હેપેટોબાઇલરી સર્જન ડૉ. મહેશ ગોયલે કહ્યું હતું કે ‘વાછૂટ કુદરતી ક્રિયા છે. વાયુને લાંબા વખત સુધી રોકી રાખવાના પ્રયત્નોને પાચનતંત્ર સહન કરી શકે નહીં.



સ્પર્ધાના આયોજકો ચણાના લોટની વાનગીઓ, વાયુ પેદા કરતાં શાકભાજી, પાચક ચૂર્ણો વગેરે ખાવાનું પ્રોત્સાહન આપે છે, પરંતુ એવા પદાર્થો વધારે ખાવાથી અને વાછૂટ રોકવાથી પાચનતંત્ર પર અવળી અસર થાય છે. એવા આહાર- પ્રયોગોથી અપચો, પિત્તપ્રકોપ (એસિડીટી), ઝાડા, મરડો, ડિહાઈડ્રેશન, પેટમાં ગોળા ઊઠવા, ઉબકા આવવા વગેરે સમસ્યાઓ ઊભી થઈ શકે છે. બાળકોને આવી સ્પર્ધામાં સામેલ થવા પર પ્રતિબંધ મુકાવો જોઈએ. જેમને પાચનતંત્રની વ્યાધિઓ અને હાઈપર ટેન્શન હોય એ લોકો પાચકચૂર્ણ ઘણા પ્રમાણમાં ખાય તો અચાનક બ્લડપ્રેશર વધી શકે છે. જો બાવીસ સપ્ટેમ્બરે આવી સ્પર્ધા યોજાય તો પણ સ્પર્ધકોને તપાસવા માટે તબીબી સંગઠનની મદદ લેવી જોઈએ.’


ગૅસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સર્જન ડૉ. કેતન વાઘોલકરે આવી સ્પર્ધાઓ અત્યંત જોખમી હોવાના અભિપ્રાય સાથે સંમતિ દર્શાવતાં જણાવ્યું હતું કે ‘વિજ્ઞાનની દૃષ્ટિએ આવી સ્પર્ધા તાર્કિક નથી. એમાં અમુક સંજોગોમાં જીવનું જોખમ ઊભું થઈ શકે છે. તબીબી નિગરાણી અત્યંત આવશ્યક છે. પેટમાં વધારે પડતો વાયુ પેદા થતાં આરોગ્ય માટે મોટું જોખમ ઊભું થઈ શકે છે. અતિશય વાયુ પેટમાં અવરોધ પેદા કરી શકે છે. એ સ્થિતિમાં હૃદયરોગના દરદીઓને મોટી છાતીમાં મુંઝારો થતાં હાર્ટ અટૅકની શક્યતા વધે છે. ડાયાબિટીસના દરદીઓના આંતરડાની કામગીરી ધીમી પડી હોય છે અને વાયુ રોકી રાખવાથી આંતરડાની કામગીરી સાવ અટકી પડે એવી શક્યતા હોય છે.’

વાછૂટ સ્પર્ધાના આયોજક ૩૬ વર્ષના મૂલ સંઘવીએ જણાવ્યું હતું કે ‘મારા ૪૦ વર્ષીય પાર્ટનર યતિન સંગોઈને ફિલ્મ જોતાં જોતાં અચાનક વાછૂટ થઈ ત્યારે એમના બાળકે તીવ્ર પ્રત્યાઘાત વ્યક્ત કર્યો હતો. બીજી મિનિટે યતિને મને ફોન કરીને એ અનુભવ વર્ણવ્યો અને આવી સ્પર્ધા યોજવાનો વિચાર દર્શાવ્યો. એ વખતે તો મેં અણગમો વ્યક્ત કર્યો, પરંતુ થોડા વખત પછી મને એવું લાગ્યું કે કેટલાક લોકોને સામેલ કરીને આવી સ્પર્ધાનું આયોજન રસપ્રદ રહેશે. મેં સોશ્યલ મીડિયામાં પોસ્ટ લખી અને આખા દેશમાંથી લોકોએ આવી ઇવેન્ટ્સ એમનાં શહેરોમાં યોજવાની માગણી કરી. છેક દુબઈ, અમેરિકા અને ઑસ્ટ્રેલિયાથી લોકો પૂછપરછ કરવા માંડ્યા.’


આ પણ વાંચો : કપડાં લેવા માટે લોકો પાસે રૂપિયાનાં ફાંફાં, બૅન્કે લૉન આપવાનું શરૂ કર્યું

કોઈ મોટું આયોજન કરી રહ્યા હોવાનું સમજાતાં મૂલ સંઘવી અને યતિન સંગોઈએ એ વિચારના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી રાઇટ્સ માટે અરજી કરી. મૂલ સંઘવીએ કહ્યું કે ‘સ્પર્ધામાં સૌથી લાંબી વાછૂટ, સૌથી મોટા અવાજમાં વાછૂટ અને સંગીતમય વાછૂટ એમ ત્રણ કૅટેગરી રાખવામાં આવી છે. એના પૉસ્ટર્સ છપાવ્યાં અને નિર્ણાયકોની પૅનલમાં ડૉક્ટરને પણ રાખ્યા છે. માઇક્રોફોન અને ફાર્ટ ઇન્ટેન્સિટી ડિટેક્ટર પણ રાખવામાં આવશે.’

Whatsapp-channel Whatsapp-channel

19 September, 2019 08:47 AM IST | સુરત | વિનોદકુમાર મેનન

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK