Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જીત તમારા લોહીમાં છે, આઝાદી પછી હવે કોરોના પર જીત મેળવવાની છે

જીત તમારા લોહીમાં છે, આઝાદી પછી હવે કોરોના પર જીત મેળવવાની છે

25 April, 2020 08:18 PM IST | Mumbai Desk
Sanjay Raval

જીત તમારા લોહીમાં છે, આઝાદી પછી હવે કોરોના પર જીત મેળવવાની છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજે આખો દેશ એક થઈ ગયો છે. ખરેખર આ એક બહુ સારું ચિહ્‍ન છે. ભલે અલગ-અલગ જ્ઞાતિ, ધર્મ કે પ્રાંતના હોઈએ. રંગ અને રૂપથી એકબીજાથી અલગ હોઈએ, વિચારો અલગ હોય અને વિચારધારા પણ એકમેકથી સાવ વિખૂટી હોય પણ આજે જ્યારે દેશની સામે કપરા સંજોગ આવ્યા છે ત્યારે બધાને એક થવાની જરૂર હતી અને લોકોએ પણ એ જ કર્યું. કોઈ જાતના આગ્રહ વિના, લાલચમાં આવ્યા વિના એક થઈને ઊભી રહી ગઈ. માત્ર એક થઈને વાત માની છે એટલું જ નહીં, બીજાને મદદ કરવાની બાબતમાં પણ બધા એક થઈ ગયા છે. દરેક જગ્યાએથી મદદ આવી રહી છે અને નાનું-મોટું પણ બહોળી સંખ્યામાં એવું યોગદાન આવી રહ્યું છે કે આપણને ખરેખર આપણા દેશના લોકો પર માન થઈ જાય. આજે જ્યારે આખી દુનિયા કોરોના નામના ઘાતક શત્રુ સામે લડી રહી છે ત્યારે ભારત ખરેખર અલગ તરી આવ્યું છે. 

વસુદૈવ કુટુમ્બકમ્.
વિશ્વઆખું મારું કુટુંબ, જગતઆખો મારો પરિવાર અને આ જ ભાવના, આપણા આ જ સંસ્કાર હવે દુનિયાઆખી જોઈ રહી છે. જે છે એ મારું નહીં, પણ આપણું છે અને એ આપણું આવા સંકટ સમયે જ કામ લાગે એવું જે આપણે કહેતા આવ્યા છીએ એ હવે આપણે સૌકોઈને દેખાડી રહ્યા છીએ, દેખાડી રહ્યા છીએ અને યર્થાથ પણ પુરવાર કરી રહ્યા છીએ. હું તો કહીશ કે ધન્ય છે આ જનતા. ધન્ય છે આ પ્રજા. તેમને ખાલી હાકલ પાડવી પડે છે એ વધુ એક વખત એણે પુરવાર કરી બતાવ્યું. તમે જુઓ, દરેક બીજા અપાર્ટમેન્ટમાં, સોસાયટીમાં અત્યારે સેવાના યજ્ઞ ચાલુ થઈ ગયા છે અને એકધારા પ્રજ્વળી રહ્યા છે. અરે, માત્ર સેવાની વાત પણ નથી. દિલથી સેવા થઈ રહી છે અને પૂરા ખંતથી કામ થાય છે.
માત્ર જરૂરિયાતમંદો જ શું કામ, પોલીસને રાતના સમયે ચા-નાસ્તો મળી રહે એ માટે કામ કરવામાં આવે છે, તો સફાઈકામદારોને સવારના પહોરમાં ચા-નાસ્તો આપવા સોસાયટીમાં નીચે આવી જનારા મર્દ અને વીરલાઓ પણ આપણે ત્યાં છે. બપોરે રસ્તા પર ફરજ બજાવતા પોલીસ-કર્મચારીઓને તાપ સામે રક્ષણ મળી રહે એ માટે ઓઆરએસ પહોંચાડનારાઓ પણ આ જ દેશમાં છે. ધન્ય છે આ ધરતી. કહેવું જ પડે અને સ્વીકારવું જ પડે. સમયે ઝઘડી લેનારાઓ, સમય આવ્યે એક થઈને અડીખમ બની તકલીફ સામે ઊભા રહી જાય એનું નામ જ માનવધર્મ અને આ ધર્મ નિભાવવામાં આપણો દેશ વધુ એક વાર ફુલ્લી પાસ થયો છે.
કોરોના વાઇરસ ચાઇનામાં ડિસેમ્બરમાં ફેલાવાનું શરૂ થયું અને ૧ર જાન્યુઆરીએ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને જાહેરાત કરી કે આ પેન્ડેમિક સિચુએશન છે, વાઇરસ બહુ જલદીથી ફેલાઈ રહ્યો છે. જાન્યુઆરીમાં પહેલી વાર ભારતમાં કોરોના વાઇરસનો કેસ જોવા મળ્યો અને પછી ધીમે-ધીમે ચાઇના સિવાયના દેશો પણ કોરોનાની અડફેટમાં આવી ગયા. ભારત પણ એમાં બાકાત નહોતું અને એ પછી પણ ભારત બીજા દેશો જેવી કફોડી પરિસ્થિતિમાં નથી મુકાયું. યુરોપ અને ઇટલી તમે જોશો તો તમને આ વાત બરાબર સમજાશે. અમેરિકા સાથે સરખામણી કરવાની જરૂર નથી, કારણ કે અમેરિકા અને ભારતની વિચારધારા જુદી-જુદી રહી છે અને બન્ને દેશોની જરૂરિયાત પણ જુદી છે અને બન્ને દેશોના શાસકોની માનસિકતા પણ ડિફરન્ટ છે.
અમેરિકા સિવાયના દેશોની સાથે ભારતની સરખામણી કરીને જોઈ લેવું હોય તો જોઈ લો તમે. ભારતે આ સિચુએશનને જે રીતે હૅન્ડલ કરી છે એ ખરેખર તારીફને પાત્ર છે. વિશ્વના બીજા વિકસિત દેશોથી ભારત સંપૂર્ણપણે અલગ તરી આવ્યું છે અને એ જ અત્યારે જોવાનું છે. આ દેશની એકતા જનતા કરફ્યુમાં દેખાઈ આવી અને એ પછી લૉકડાઉનના સમયમાં પણ લોકો બહુ સંયમથી રહ્યા છે.
યાદ રાખજો કે આપણે વિકસિત દેશ નથી, આપણે વિકાસશીલ દેશ છીએ અને આપણે હજી ઘણું આગળ જવાનું બાકી છે. એવા સમયે આ પ્રકારની બીમારી કે વાઇરસ આપણા દેશ પર ત્રાટકે ત્યારે શું થાય એ આપણે જોઈ રહ્યા છીએ, પણ, પણ જે રીતે ભારત આ વાઇરસ સામે લડત લડી રહ્યો છે એ જોતાં એવું લાગે કે ભારત ખરેખર વિકસિત દેશ બની ગયો છે. દુનિયાના વિકસિત દેશો પણ કોરોના સામે ઝીંક નથી ઝીલી શક્યા ત્યારે ભારતની કોરોના સામે ઊભા રહેવાની જે રીત છે એ ખરેખર માનને પાત્ર છે. તમને માનવામાં ન આવતું હોય તો બીજા દેશોના કોરોના-પેશન્ટ્સના ફીગર્સ જુઓ અને ભારતની દોઢ અબજની વસ્તી સામે જે મુજબના આંકડા સામે આવી રહ્યા છે એ જુઓ. સાચું કહું તમને, ભારત આ લડાઈ ધીરે-ધીરે જીતી રહ્યું છે. આપણે જીતી નથી ગયા, આપણે જીતની નજીક છીએ એવું કહી શકીએ પણ હા, એનો અર્થ એવો પણ નથી કે આ લડાઈ પૂરી થઈ ગઈ છે. ના, આ લડત લાંબી ચાલવાની છે એ નક્કી છે અને એમાં ભારત એક અલગ જ શક્તિ તરીકે ઊભરી આવશે એવું અત્યારે તો લાગી રહ્યું છે અને વિશ્વાસ પણ એવો જ છે કે એવું જ બનશે.
પોલીસ, ડૉક્ટર્સ, સ્ટાફ, સરકારી અધિકારીઓ અને ખાસ કરીને ગ્રાઉન્ડ સ્ટાફ જે સતત ભય વચ્ચે પણ મદદ કરવા તત્પર રહે છે. એક કહેવત છે, ‘ઝાઝા હાથ રળિયામણા’ અને એ જ આજે આપણે સાર્થક કરી રહ્યા છીએ.
લોકો ઘરની અંદર રહીને આ રોગને ટક્કર આપી રહ્યા છે તો ગવર્નમેન્ટ અને આપણે માટે બહાર ખડેપગે ઊભા રહેલા સુપરગાર્ડ્સ કોરોનાને આગળ વધતો અટકાવવામાં બરાબર લાગેલા છે. આ લડાઈ લાંબી ચાલશે, જ્યાં સુધી આ વાઇરસનું મારણ નહીં મળે. કાં તો એ કુદરતી રીતે મરવો જોઈશે અને કાં તો એ વૅક્સિન કે કોઈ દવાથી જવો જોઈએ. જ્યાં સુધી એ ન મળે ત્યાં સુધી તમારે એની સામે લડવાની તાકાત એકત્રિત કરવાની છે. બહુ જરૂરી છે આ કામ.
રોગપ્રતિકારક શક્તિ વધારવાના ઘરગથ્થુ ઉપાયો આપણે ત્યાં વર્ષોથી છે અને એ જ ઉપાયો આજે દુનિયાઆખી અપનાવવા લાગી છે. આપણી પાસે ઘરમાં જે દવા છે એ દવાની શક્તિનું મૂલ્ય પણ વિશ્વઆખું પામી ગયું છે. હળદર, આદું, તુલસીનાં પાન અને અજમા જેવી અકસીર દવા આપણા ઘરમાં હોય છે અને આ બધાના ઉપયોગથી શરીરમાં એક પ્રકારની ઍન્ટિ-વાઇરસ એનર્જી જનરેટ થાય છે. કહેવાનો અર્થ એ છે કે આપણે જે રીતે આ રોગ સામે, આ વાઇરસ સામે લડી રહ્યા છીએ એ વિશ્વમાં એક દાખલો બેસાડી દેશે.
કહ્યું એમ, આપણી આ લડત લાંબી ચાલવાની છે અને એ લાંબી લડતની તૈયારી રાખવાની છે. ધારો કે આવતા સમયમાં આપણે ત્યાં લૉકડાઉન ખૂલી જાય તો પણ આપણે સ્વૈચ્છિક લૉકડાઉનને અપનાવેલું રાખવાનું છે. બિનજરૂરી ભટકવા જવાનું છોડવું પડશે અને અર્થહીન રખડવાનું બંધ કરવું પડશે. સોશ્યલ હીરો આપણને સરકારે આપી દીધા અને પોલીસથી માંડીને ડૉક્ટર, સફાઈ કામદારોએ પોતાની ફરજ બજાવી છે, તો સામા પક્ષે તમે પણ તમારી ફરજ નિભાવી છે, પરંતુ આવતા સમયમાં પણ એ ફરજને અકબંધ રાખવાની છે. લૉકડાઉન પછી જો તમે કાબૂમાં નહીં રહો તો આ પોલીસ કે ડૉક્ટરને રાહત મળવાની નથી. હું તો કહીશ કે લૉકડાઉન ખૂલ્યા પછી અને રાહત દેખાયા પછી એવી રીતે આપણે જીવવાનું છે કે આ ડૉક્ટર અને પોલીસ આરામ પર ચાલ્યા જાય તો પણ જરાસરખુંય તેમને ટેન્શન ન રહે. આ લડત જીતવાની છે અને જીતની આપણને બધાને આદત છે. આઝાદી સમયથી, આપણે લડી લેવાનો સ્વભાવ ધરાવીએ છીએ. આ જ સ્વભાવને હવે આપણે નવેસરથી આપણી આદત બનાવીને દુનિયાને દેખાડી દેવાનું છે. દુનિયા તમને જોઈ રહી છે અને એટલે જ આજે જગતભરમાં ભારતનાં વખાણ થઈ રહ્યાં છે. આ વખાણ મારાં છે, તમારાં છે. ભૂલતાં નહીં આ વખાણ એકેએક ભારતીયનાં છે.
જય હિન્દ.


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2020 08:18 PM IST | Mumbai Desk | Sanjay Raval

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK