કિન્ડરગાર્ટન સ્કૂલમાં શુક્રવારે થયેલા શૂટઆઉટની ઘટનામાં જો સ્કૂલની કેટલીક ટીચરોએ સમયસૂચકતા વાપરી ન હોત કે બહાદુરી દર્શાવી ન હોત તો મૃત્યુઆંક અનેક ગણો વધારે થઈ શક્યો હોત. જાતનું બલિદાન આપીને હિંમતપૂર્વક બાળકોને બચાવનાર સ્કૂલની એક ટીચરની અમેરિકનો ભારોભાર પ્રશંસા કરી રહ્યા છે.
સૅન્ડી હુક એલિમેન્ટરી સ્કૂલમાં ભણાવતી ૨૭ વર્ષની વિક્ટોરિયા સોટો નામની ટીચરે હત્યાકાંડ વખતે પોતાની જાતનું બલિદાન આપીને બાળકોને બચાવ્યાં હતાં. ગનમૅન ઍડમ લેન્ઝા જ્યારે અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યો હતો ત્યારે ફાયરિંગનો અવાજ સાંભળીને વિક્ટોરિયાએ તેના ક્લાસનાં બાળકોને કપર્બોડમાં પૂરી દીધાં હતાં. એટલું જ નહીં, જ્યારે પાગલ લેન્ઝા ગોળીઓ વરસાવતો આવ્યો ત્યારે વિક્ટોરિયા હિંમતપૂર્વક તેની આગળ ધસી ગઈ હતી. બાદમાં લેન્ઝાએ ફાયર કરલી બુલેટ્સથી ગંભીર રીતે ઘવાયેલી વિક્ટોરિયા ક્લાસરૂમ પાસે જ ફસડાઈ પડી હતી અને તેનું ત્યાં જ મોત થયું હતું. ચ્યુઇંગમ ચાવતાં-ચાવતાં ભણાવતી વિક્ટોરિયા બાળકોમાં અત્યંત ફેમસ હતી. આમ તો ટીચર્સને ક્લાસરૂમમાં ચ્યુઇંગ ખાવાની પરવાનગી હોતી નથી, પણ વિક્ટોરિયા તેના સિનિયર્સની નારાજગીને અવગણીને પોતાની આદતને વળગી રહી હતી. તે છેલ્લાં પાંચ વર્ષથી આ સ્કૂલમાં ભણાવતી હતી. સ્કૂલની અન્ય ટીચરોએ પણ ગોળીબારનો અવાજ સાંભળીને ક્લાસનો દરવાજો બંધ કરી દીધો હતો અને શક્ય એટલાં બાળકોને કબાટમાં સંતાડી દીધાં હતાં.