Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એક મુઠ્ઠી અજવાળું પાથરનારા વેલજીબાપા

એક મુઠ્ઠી અજવાળું પાથરનારા વેલજીબાપા

26 November, 2019 04:32 PM IST | Kutch
Vasant Maru

એક મુઠ્ઠી અજવાળું પાથરનારા વેલજીબાપા

વેલજીબાપા

વેલજીબાપા


અંદાજે ઈસવી સન ૧૮૦૦માં સિદ્ધિવિનાયક મંદિર બંધાયું. સિદ્ધિવિનાયક મંદિર બાંધનાર દેવુતાઈ પાટીલ નામની આગરી મહિલા માતંગ ગાંવની આગેવાન હતી. અંદાજે હજારેક વર્ષ પહેલાં પાટણ (ગુજરાત)ના રાજા ભીમદેવ સોલંકીએ મહિકાવી (હાલનું માહિમ)માં રાજધાની સ્થાપી મુંબઈને જન્મ આપ્યો. મહિકાવી (માહિમ)થી થોડે દૂર એક ટાપુ પર ભીમદેવ સોલંકી પોતાના હાથી બાંધતો અને હાથી એટલે કે માતંગ રાખવાની જગ્યા પરથી એ વિસ્તાર માટુંગા તરીકે ઓળખાવા લાગ્યો. એ માટુંગા મુંબઈનો પહેલા પ્લાન્ડ (આયોજિત) પરા તરીકે ૧૯૦૦માં વિકાસ પામ્યો. એ માટે ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટે યોજના બનાવી અને એના ઉપક્રમે કચ્છના બારોઈ ગામના શ્રી લખમશી નપુએ માટુંગા રસિડેન્શિયલ અસોસિએશનમાં સક્રિય ભાગ ભજવ્યો. પરિણામે એ સમયનું પરું માટુંગા આજે મધ્ય મુંબઈની શાન ગણાય છે.

લખમશીબાપાનો જન્મ આજથી ૧૭૩ વર્ષ પહેલાં કચ્છના બારોઈ ગામ મુન્દ્રા તાલુકામાં થયો. કચ્છમાં ખપ પૂરતું શિક્ષણ મેળવી મુંબઈ આવ્યા અને નપુ નેણશી કંપનીમાં જોડાઈ ધંધાનો વિકાસ કર્યો.



આજથી ૧૫૦ વર્ષ પહેલાં લખમશીબાપાએ પોતાના સાથીદારોના સથવારે ભિંડીબજારમાં સ્થાનકવાસી જૈન મહાજન નામની અદ્‍ભુત સંસ્થા શરૂ કરી. ૧૨૮ વર્ષ પહેલાં એમણે શ્રી ક. વી.ઓ. સ્થાનકવાસી જૈન મહાજન માટે ચિંચપોકલી વિસ્તારમાં ૫૦૦૦ વારના પ્લૉટ પર મહાજનવાડી શરૂ કરી જે આજે ચિંચપોકલી મહાજનવાડી તરીકે પ્રખ્યાત છે.


લખમશીબાપાએ ૧૯૦૬માં ‘ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બર’ જેવી વિખ્યાત સંસ્થા શરૂ કરવા મુખ્ય ભાગ ભજવ્યો હતો, તો દેશી વેપારીઓનાં હિત માટે ‘ધી ગ્રેન મર્ચન્ટ અસોસિએશન’ની સ્થાપના ૧૮૯૯માં કરી હતી. ૧૯૦૪માં મુંબઈ કૉર્પોરેશનના ‘બી’ વૉર્ડમાં ચૂંટણી જીતી નગરસેવક તરીકે બોરીબંદર અને આસપાસના વિસ્તારના વિકાસ માટે જબ્બર કાર્ય કર્યું હતું. ઇસવી સન ૧૯૦૭માં દેશી બૅન્કિંગની શરૂઆત થઈ. દેશની સૌપ્રથમ દેશી બૅન્ક ‘ઇન્ડિયન સ્પીશી બૅન્ક’માં ડિરેક્ટરપદે રહી બૅન્કિંગનો પાયો નાખ્યો.

આ લખમશીબાપાના પુત્ર વેલજીબાપા આધુનિક ક.વી.ઓ. સમાજના સ્વપ્નદ્રષ્ટા ગણાય છે. ખીમજી માડણ ભુજપુરિયા, કાકુભાઈ જેવા અનેક નામાંકિત કાર્યકરોને સાથે રાખી સમાજના દરેક ક્ષેત્રે હરણફાળ ભરી. પિતા લખમશીભાઈ શિક્ષણને બહુ મહત્ત્વ આપતા એટલે આજથી અંદાજે સવાસો વર્ષ પહેલાં પુત્ર વેલજી અને પુત્રી રતનબાઈને માટુંગાથી બોરીબંદર ટ્રેનમાં ભણવા મોકલતા. દીકરીને ભણાવવાનો કન્સેપ્ટ એ જમાનામાં બહુ આગળ પડતો હતો. હોશિયાર વેલજીબાપાએ કચ્છી સમાજના પ્રથમ બૅરિસ્ટર તરીકે ડિગ્રી પ્રાપ્ત કરી. સમગ્ર સમાજમાં આટલા ઉચ્ચ સ્તરે ભણતર પ્રાપ્ત કરનાર પ્રથમ હોવાથી તેના હરખમાં લખમશીબાપા અને તેમના સાથીદારોએ એ સમયમાં મોટી કહેવાય એમ ૧૨૫૦૦ રૂપિયાથી ધનજી દેવશી કેળવણી ફન્ડની સ્થાપના કરી, જે આજ સુધી અવિરતપણે વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરી જ્ઞાતિમાં કેળવણી ક્ષેત્રે નોંધનીય સેવા કરે છે.


બૅરિસ્ટર થયા બાદ સૉલિસિટર બનવા માગતા વેલજીબાપા પર આફત આવી પડી. પિતા લખમશીભાઈનું નાની વયે અવસાન થયું અને વ્યવસાયની જવાબદારી આવી પડતાં નાના ભાઈ જાદવજી સાથે પેઢીમાં જોડાયા, પણ ધંધાની જવાબદારી જાદવજીભાઈએ ઉપાડી લેતાં વેલજીબાપાને કેળવણી ક્ષેત્રે કામ કરવા ઘણી મોકળાશ મળી. કચ્છનાં ગામડાંઓમાં શિક્ષણના અભાવે આમતેમ સમય પસાર કરતાં બાળકો માટે મુંબઈમાં માટુંગા બોર્ડિંગની શરૂઆત કરી જે હીરજી ભોજરાજ તરીકે ઓળખાય છે. સંગીતકાર કલ્યાણજી-આણંદજી જેવા અનેક નામી લોકો ત્યાં રહીને ભણ્યા. વિશ્વમાં એવો એક પણ દેશ નહીં હોય જ્યાં માટુંગા બોર્ડિંગમાં રહીને ભણેલા વિદ્યાર્થીઓ ન રહેતા હોય.

અંગ્રેજોના સમયમાં ઘણી અંગ્રેજી કે દેશી શાળાઓ હતી, પણ આધુનિક શિક્ષણની સાથે-સાથે જૈન સંસ્કાર બાળકોને મળે એ માટે વેલજીબાપાએ ચિંચપોકલી મહાજનવાડી પરિસરમાં આજથી ૧૦૨ વર્ષ પહેલાં ૩૧ વિદ્યાર્થીઓને લઈ શાળા શરૂ કરી, બાપા જાતે લોકફાળો ઉઘરાવવા લતે-લતે જતા અને ફાળો આપનારને સમજાવતા કે તમારા ફાળાથી સ્કૂલ શરૂ થઈ છે એટલે સ્કૂલ તમારી થઈ, માટે તમે તમારા છોકરાઓને ભણવા મોકલો. અવનવી રીતે વાલીઓને સમજાવીને છોકરાઓને સ્કૂલમાં દાખલ કરતાં, કારણ કે એ સમયે સામાન્ય સમજ એ હતી કે વધુ ભણીને શું કરવું છે? આખરે તો દુકાનમાં પડીકાં જ બાંધવાનાં છેને. સમય જતાં છોકરીઓને પણ શિક્ષણ મળે એ માટે પ્રેમજી દેવજી કન્યાશાળા વિભાગ શરૂ કર્યો. એ સમયમાં કન્યાને શિક્ષણ મળે એ ક્રાન્તિકારી વાત હતી.

બાપાએ દાદર-માટુંગા વચ્ચે, કાળે માસ્તર, બી. એન. વૈદ્ય ઇત્યાદિ સાથે મળી ‘ઇન્ડિયન એજ્યુકેશન સોસાયટી’ શરૂ કરી જે આજે ‘કિંગ જ્યૉર્જ સ્કૂલ’ તરીકે પ્રખ્યાત છે. ચિંચપોકલી સ્કૂલ શરૂ કરતાં પહેલાં બાપાએ વડીલોનું ઋણ કેળવવા પોતાના ગામ બારોઈમાં છેક ૧૯૨૦માં લખમશી નપુ સ્કૂલ અને ૧૯૩૧માં વેલબાઈ કન્યાશાળા શરૂ કરી. શિક્ષણક્ષેત્રે જાણે ચમત્કાર સર્જ્યો. તેમના પુત્રો પ્રેમજીભાઈ અને કલ્યાણજીભાઈએ પણ આવાં સમાજકાર્યોમાં ઊંડો રસ લીધો હતો.

વેલજીબાપાએ મા ભોમની સ્વતંત્રતા માટે પણ ખૂબ સક્રિય કાર્ય કર્યું હતું. એ વખતે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જમનાલાલ બજાજ સાથે સારો સંબંધ અને સંપર્ક હતો એટલે જ ગાંધીજીના આગ્રહથી વેલજીબાપાએ કૉન્ગ્રેસનું ખજાનચીપદ સ્વીકાર્યું. સ્વતંત્રતાની ચળવળમાં શહીદ થયેલા કે જેલવાસ ભોગવતા સેનાનીઓના કુટુંબની દેખભાળ રાખવા શરૂ થયેલું ‘તિલક સ્વરાજ્ય ફન્ડ’ માટે ગાંધીજીને કોરો ચેક લખી આપ્યો હતો. ૧૯૩૨ની સત્યાગ્રહની લડાઈમાં ભૂગર્ભમાં રહીને બાપાએ આંદોલનને પીઠબળ આપ્યું હતું. તેમની ભૂગર્ભ ચળવળની ખબર પડતાં અંગ્રેજોએ તેમને જેલમાં નાખી દીધા હતા.

પિતા લખમશીબાપાની જેમ જ ૧૯૧૯માં તેઓ મુંબઈ મ્યુનિસિપાલિટીના ‘બી’ વૉર્ડમાં ચૂંટાઈ આવ્યા હતા. પોતે સધ્ધર વેપારી હોવા છતાં ગાંધીજીની પ્રબળ અસર હોવાથી અસંખ્ય સામાજિક સંસ્થાઓના વહીવટ કરકસર અને ચીવટપૂર્વક કરતા.

એક વાર બાપા કેશવ દેવજી નામના સદ્ગૃહસ્થ સાથે રસ્તા પરથી પસાર થતી વખતે વિચિત્ર વેશધારી પુરુષને જોઈ શંકા જવાથી તપાસ કરી ત્યારે ખબર પડી કે તે પુરુષ નહીં, પણ કોઈ અનાથ સ્ત્રી હતી. તે અનાથ સ્ત્રીને કોઈ ગુંડો વેચવા લઈ જતો હતો. એ સ્ત્રીને ગુંડા પાસેથી છોડાવી લીધી ત્યારે મનમાં નિરાધાર મહિલાઓને આશ્રય આપવાનો વિચાર આવ્યો. પરિણામે લાલા લજપતરાયના માર્ગદર્શનમાં શ્રદ્ધાનંદ અનાથ મહિલા આશ્રમ ૯૨ વર્ષ પહેલાં માટુંગામાં સ્થાપી નિરાધાર સ્ત્રીઓને આત્મહત્યા કરતી અટકાવવાનું સરસ કામ કર્યું. એ જ રીતે નિરાધાર કે કુંવારી માતા દ્વારા ત્યજાયેલાં બાળકો માટે ભુલાભાઈ દેસાઈના સથવારે ‘હિન્દુ દિન દયાલ સંઘ’ શરૂ કરી અનાથ આશ્રમ શરૂ કર્યો.

આઝાદી પહેલાં કેળવણી અને રાજકીય જનજાગૃતિની સાથે-સાથે વ્યાયામ-પ્રવૃત્તિનું મહત્ત્વ વધ્યું એટલે માટુંગા અને આસપાસ રહેતા લોકો માટે પ્રખ્યાત ‘માટુંગા હિન્દુ જિમખાના’ની શરૂઆત વેલજીબાપાએ કરી. બાપાએ સામાજિક સુધારણા માટે વિખ્યાત કચ્છી સંસ્થા ‘સેવા સમાજ’ની સ્થાપના માટે મુખ્ય ભૂમિકા ભજવી. દેરાવાસી મહાજન અને સ્થાનકવાસી મહાજનના સથવારે ખીમજી માડણ ભોજપુરિયાનાં સ્વપ્ન સાકાર કરવા કચ્છી સાદ પત્રિકા (કચ્છી ખબરપત્રિકા) શરૂ કરી કચ્છી સમાજમાં સંદેશવ્યવસ્થા ઊભી કરી. અખબારની જેમ રોજ-રોજ કચ્છીઓના ઘરે પહોંચતી આ સાદ પત્રિકા કચ્છી જૈન સમાજના વિકાસમાં અદ્ભુત યોગદાન આપ્યું છે. એ જ રીતે જમશેદજી જીજીભોય સાથે મળીને ચેમ્બુર અને ભિવંડીમાં પાંજરાપોળો શરૂ કરી. જવાહરલાલજી મહારાજસાહેબ વિહાર કરી મુંબઈ તરફ આવતા હતા ત્યારે કુર્લા પાસે કસાઈવાડે જતાં જનાવરોને જોઈને મહારાજસાહેબનું દિલ અનુકંપાથી ભરાઈ ગયું અને વિહાર અટકાવીને ઘાટકોપર પાછા ફર્યા. ત્યારે તેમના ઉપદેશથી વેલજીબાપાની આગેવાનીમાં ‘ઘાટકોપર સાર્વજનિક જીવદયા સંસ્થા’ સ્થપાઈ. એટલું જ નહીં, પ્રસિદ્ધ સંસ્થા ‘સોસાયટી ફૉર પ્રિવેન્શન ઑફ ક્રૂઅલ્ટી ટુ ઍનિમલ’ની મૅનેજિંગ કમિટીમાં રહી જાનવરો પર અત્યાચાર અટકાવવાનું કાર્ય કર્યું.

વેલજીબાપાના પૌત્ર ડૉ. અજય વિશ્રાણી સ્થાનકવાસી મહાજન, ધનજી દેવશી કેળવણી ફન્ડ અને લાયન્સ ક્લબ ઑફ કિંગ્સ સર્કલમાં વર્ષોથી સક્રિય છે, તો તેમના પરપૌત્ર સુનીલ શરદ વિશ્રાણી ફિલ્મ અને નાટકક્ષેત્રે અને સુશીલ વિશ્રાણી સંગીતક્ષેત્રે સક્રિય છે. માટુંગા સ્ટેશન પાસેના રોડને લખમશીબાપાનું નામ આપીને સુધરાઈએ તથા સ્થાનકવાસી મહાજને ચિંચપોકલી સ્કૂલના એક વિભાગને વેલજી લખમશી નપુ હાઈ સ્કૂલ નામ આપીને અંજલિ આપી છે. સમાજના દરેક ક્ષેત્રમાં એક મુઠ્ઠી અજવાળું પાથરનાર વેલજીબાપાને ‘મિડ-ડે’ની કચ્છી કૉલમ વતી માનાંજલિ આપી વિરમું છું. અસ્તુ.

Whatsapp-channel Whatsapp-channel

26 November, 2019 04:32 PM IST | Kutch | Vasant Maru

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK