દસ વર્ષમાં મુંબઈમાં વાહનોની સંખ્યા થઈ ડબલ

Published: Dec 28, 2019, 13:53 IST | Mumbai

નવા રસ્તાઓનો અભાવ અને વાહનોની સંખ્યામાં ૧૦૦ ટકા જેટલા વધારાને લીધે મુંબઈગરાઓ ટ્રાફિક જૅમથી ત્રસ્તઃ દાયકામાં ૨૨ લાખ ટૂ-વ્હીલર અને ૫.૧ લાખ ફોર-વ્હીલરનો વધારો થયો

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

છેલ્લાં કેટલાંક વર્ષથી મુંબઈનો ટ્રાફિક માથાનો દુખાવો બની ગયો છે. પાંચ-સાત કિલોમીટરનો રસ્તો કાપવા માટે પણ ઘણી વાર કલાકો લાગી જાય છે. આ સ્થિતિ પાછળનું મૂળ કારણ જાણવા મળ્યું છે. મુંબઈમાં વાહનોની નોંધણી બાબતના આંકડા જાહેર કરાયા છે, જેમાં ૧૦ વર્ષમાં શહેરમાં વાહનોની સંખ્યા ૧૦૯ ટકા એટલે કે બમણી થઈ ગઈ હોવાનું જણાયું છે. આ આંકડા ૨૦૦૯-૧૦થી નવેમ્બર ૨૦૧૯ સુધીનાં દસ વર્ષના છે.

દસ વર્ષમાં મુંબઈમાં નવાં ૨૨ લાખ ટૂ-વ્હીલર વધ્યાં છે એટલે કે એક કિલોમીટરના અંતરે ૧૧૦૦ ટૂ-વ્હીલર દોડે છે. ફોર-વ્હીલરની સંખ્યા પણ ૧૦.૬ લાખ છે. ૨૦૦૯-૧૦માં મુંબઈમાં ૫.૧ લાખ ફોર-વ્હીલર હતાં એટલે કે ૧૦ વર્ષમાં મુંબઈમાં ફોર-વ્હીલર વાહનોમાં ૧૦૯ ટકા વધારો થયો છે. વાહનોમાં થયેલા ધરખમ વધારા સામે રસ્તા પહેલાં હતા એટલા જ હોવાથી ટ્રાફિકની સમસ્યા, પાર્કિંગની મુશ્કેલી, ધ્વનિ અને વાયુપ્રદૂષણમાં ભયંકર વધારો થયો છે.

મુંબઈ મોબિલીટી ફોરમના એ. વી. શેનોયે કહ્યું હતું કે મુંબઈમાં રસ્તાની વાહનો વહન કરવાની ક્ષમતા ક્યારનીય ખતમ થઈ ગઈ છે. આથી પ્રશાસને સાર્વજનિક વાહનવ્યવહાર અને ખાનગી વાહનો વચ્ચે તાલમેલ રાખવાનું મહત્ત્વનું બન્યું છે. વાહન ઉદ્યોગથી રોજગાર નિર્માણ થવાની સાથે ઉદ્યોગને પ્રોત્સાહન મળે છે, પરંતુ સરકારે રસ્તા પરનો ભાર હળવો કરવા સાર્વજનિક વાહનવ્યવહાર વધારવા વિશે વિચારવું જોઈએ. એક બસમાં ૯થી ૧૦ કારના પ્રવાસીઓ મુસાફરી કરી શકે છે.

૨૫થી ૩૦ વર્ષની ઉંમરના ગ્રાહકોની ખરીદશક્તિમાં થઈ રહેલો વધારો, વાહનોની કિંમતમાં ઘટાડો અને લોન સરળતાથી મળી જતી હોવાને લીધે ખાનગી વાહનોની સંખ્યામાં વધારા પાછળનું મુખ્ય કારણ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK