Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કચ્છના દાનેશ્વરી કર્ણ જગડુશા દાતાર

કચ્છના દાનેશ્વરી કર્ણ જગડુશા દાતાર

28 January, 2020 01:53 PM IST | Kutch
Vasant Maru

કચ્છના દાનેશ્વરી કર્ણ જગડુશા દાતાર

દાનેશ્વરી કર્ણ જગડુશા દાતાર

દાનેશ્વરી કર્ણ જગડુશા દાતાર


મહાનગર મુંબઈના વિકાસ અને સેવાકાર્યોમાં કચ્છી દાનવીરોએ અદ્ભુત ફાળો આપ્યો છે. મુંબઈવાસીઓ માટે કાયદાકીય સલાહ અને કોર્ટ-કચેરીના ચક્કર મોંઘી જણસ ગણાય છે, પણ કચ્છી  એડ્વોકેટ અસોસીએશન દ્વારા કચ્છી-બિનકચ્છી લોકોને મફત કાયદાકીય સલાહ આપવામાં આવે છે. સરકારી કચેરીઓમાંથી માહિતી મેળવવી એ લોઢાના ચણા ચાવવા જેવી અઘરી વાત છે, પણ તરુણ મિત્ર મંડળ મુંબઈના વિવિધ વિસ્તારોમાં આરટીઆઇ સેન્ટર ચલાવી હજારો લોકોને ન્યાય અપાવવા સંઘર્ષ કરે છે. કચ્છ યુવક સંઘની રકતદાન શિબિરો દ્વારા મુંબઈની સરકારી અને બિનસરકારી હૉસ્પિટલ્સમાં લોહીનો માતબર પુરવઠો પૂરો પડાય છે, જેનો લાભ સીધો ગરીબ દર્દીઓને મળે છે.

મુંબઈમાં પોતાનું ઘર લેવું એ સપનું કહેવાય છે, પણ છેલ્લાં થોડાં વર્ષોમાં ‘કચ્છી જૈન ફાઉન્ડેશન’ દ્વારા ૧૮૦૦ જેટલા કુટુંબોને ૧૦૦ કરોડના માતબર ખર્ચે ઘર પૂરાં પાડવામાં આવ્યાં છે. આંખો ફાટી જાય એવો આ આંકડો છે!



કચ્છી દાનેશ્વરીઓના દાનથી ધબકતી મારુ હૉસ્પિટલ,  હીરામોંઘી હૉસ્પિટલ, સોમૈયા હૉસ્પિટલ,  માનવ કલ્યાણ કેન્દ્ર,  બિદડા સર્વોદય ટ્રસ્ટ કે ભોજાય હૉસ્પિટલ દ્વારા વંચિતોની સેવા થાય છે. તો જેની અચૂક નોંધ લેવી પડે એ ભચાઉની વાગડ વેલ્ફેર હૉસ્પિટલ ભચાઉ પાસેના હાઇવે પર છે. અંદાજે ત્રણસો કિલોમીટરના પરિઘમાં આટલી આધુનિક હૉસ્પિટલ નથી. જ્યાં વિનામૂલ્યે અથવા સાવ નજીવા દરે મોટા ઑપરેશન થાય છે. ૨૦૦૧ના ધરતીકંપમાં નામશેષ થઈ ગયેલી હૉસ્પિટલ ફિનિક્સ પક્ષીની જેમ ફરી ઊભી થઈ ગઈ. વાગડ વેલ્ફેર હૉસ્પિટલ  હાઈવે પર થતા અકસ્માત માટે કે વાગડ પંથકના દૂર-દૂરનાં ગામડાઓના દરદીઓ માટે અતિ ઉપયોગી સાબિત થઈ છે.


કલ્યાણના તરુણભાઈ નાગડા કલ્યાણની આસપાસ આવેલા આદિવાસી ગામડાઓના ગરીબોને ભોજન દાન કરે છે. એ જ પ્રકારનું કાર્ય ડોમ્બિવલીના દિનેશભાઈ શેઠિયા સાથીદારો સાથે ડોમ્બિવલીમાં કરે છે. મુલુંડના સુમતિ ગ્રુપના વિનોદભાઈ ત્વચાદાન માટે ભગીરથ કાર્ય કરે છે, તો કેઈએમ, વાડિયા અને તાતા હૉસ્પિટલના બહારગામથી આવેલા દરદીઓ અને એમના સ્વજનો માટે વીરુભાઈ શાહ, હરખચંદ સાવલા, ડૉ. ઇલાબેન નરસાણા ભોજનની સેવા પૂરી પાડે છે. દવા કે ઑપરેશનના ખર્ચ માટે દાનવીરો પાસેથી દાન મેળવી આપે છે. મુલુંડના કુલિનકાંતભાઈ લુઠિયા પોતાની ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકેની ધીકતી પ્રેક્ટિકલ છોડી, માનવ સેવા માટે પ્રચંડ કાર્ય કરી માનવમિત્ર તરીકે વિખ્યાત થયા છે. કચ્છીઓ પાસે મુંબઈમાં એક પણ ઢોર નથી, છતાં દાન દ્વારા કચ્છની સોએક જેટલી પાંજરાપોળો ચલાવે છે.

કચ્છીઓના વિવિધ પ્રકારની સેવાઓનો ઉલ્લેખ એટલા માટે કર્યો છે કે સેવા અને દાનના આ સંસ્કારો કચ્છીઓ પાસે આવ્યા છે ક્યાંથી? ઇતિહાસના પાના ઊથલાવતા જ આઠસો વર્ષ પહેલાંના  પ્રખ્યાત દાનેશ્વરી જગડુશા દાતારનું નામ બહાર આવે છે. જેમણે માત્ર કચ્છમાં જ નહીં સમગ્ર હિન્દુસ્તાનના કારમા દુકાળમાં વંચિતોની સેવા કરેલી. વાગડ વિસ્તારમાં આવેલા કંથકોટમાં સોળશાહ અને લક્ષ્મીદેવી નામનું જૈન દંપતી રહેતું હતું. સોળશાહ કંથકોટમાં ખેતીનું કાર્ય કરતા હતા. સમય જતાં માંડવી બંદરે અને પછી ભદ્રાવતી નગરીએ (આજના ભદ્રેસર તીર્થ)માં સ્થાયી થયા. એમના ત્રણ પુત્રો હતા. મોટા પુત્રનું નામ હતું જગડુશા.


જગડુશાના લગ્ન યશોમતી નામની સ્વરૂપવાન અને સંસ્કારી કન્યા સાથે થયાં. સાધુ-સંતો અને દુખિયારાઓની સેવા કરવાના ઉમદા કાર્યો આ દંપતી દ્વારા કરવામાં આવતા. એક દંતકથા મુજબ જગડુશાને ઠોકર વાગવાથી તેજથી ઝળહળતો પથ્થર રસ્તા પરથી મળ્યો હતો. એ પથ્થરમાં કીમતી હીરા-મોતી હતા એને કારણે જગડુશાએ ખેતી છોડી વેપાર શરૂ કર્યો. તો બીજી એક દંતકથા મુજબ એકવાર જગડુશા પોતાના ખેતરમાં વાવણીનું કામ કરતા હતા ત્યારે કેટલાક ભૂખ્યા સાધુઓનું ટોળું ત્યાંથી પસાર થયું. સેવાની ભાવનાથી  જગડુશાએ વાવણી માટે લાવેલી જુવાર સાધુઓને આપી દીધી, અને ખેતરમાં કાંકરાની વાવણી કરી ઘરે પાછા ફર્યા - અને જાણે ચમત્કાર થયો! થોડા સમયમાં એમનું ખેતર પાકથી લહેરાવા લાગ્યું એ ખેતરમાં જુવારના ડૂંડામાં મોતી પાક્યા હતા. જગડુશા અત્યંત શ્રીમંત બની ગયા અને એમની સેવાપ્રવૃતિને વેગ મળ્યો.

જગડુશા માનતા કે અચાનક આવી પડેલો આ ધનલાભ નિયતીની કોઈ ચોક્કસ યોજનાને કારણે થયો છે, પરંતુ જો પોતાને પુત્ર જન્મશે તો કદાચ આ ધન મોજશોખમાં વાપરી નાખશે. એટલે કુળદેવીની આરાધના કરી અને ક્યારેય પુત્ર ન જન્મે એવું વરદાન માગ્યું! પરિણામે એમના ઘરે સંતાનરૂપે પ્રતિમતી નામે એક સ્વરૂપવાન કન્યા જન્મી.

શ્રીમંત બનેલા જગડુશાએ પરદેશ સાથે વેપાર શરૂ કર્યો. એના માટે મોટી સંખ્યામાં પોતાના વહાણો વસાવ્યાં, દરિયા માર્ગે કપાસ, તેજાના, અનાજનો વેપાર આફ્રિકા, પર્શિયા, અરેબિયા ઇત્યાદિ દેશો સાથે શરૂ કર્યો, એનાથી મબલક ધન કમાયા. આ ધનના પોતે માત્ર રખેવાળ છે એમ માની સાદગીથી જીવન વિતાવતા.

જગડુશા દાતાર જેટલા દયાવાન-દાનવીર હતા એટલા જ બહાદુર હતા. પીઠાદેવ નામના રાજાએ આક્રમણ કરી ભદ્રેસરના કિલ્લાની દીવાલો તોડી નાખી પણ પરાક્રમી જગડુશાએ રાતોરાત કિલ્લાની દીવાલો ફરીથી બાંધવાનું કાર્ય શરૂ કર્યું. એથી ક્રોધિત થયેલા રાજાના દૂતે આવીને જગડુશાને સંદેશ આપ્યો કે ‘જ્યારે ગધેડાના માથે શીંગડા ઊગે ત્યારે જ ભદ્રેસરના કિલ્લાની દીવાલ બાંધજે.’ જગડુશાએ દીવાલ બાંધવાનું કાર્ય પૂરું કરી ગધેડાનું એક શિલ્પ બનાવી, એ ગધેડાના શિલ્પ પર સોનાના શીંગડા મઢાવી રાજા પીઠાદેવને મોકલી આપ્યું. એ સમયના ચાલુક્ય વંશના રાજા ભીમદેવ સોલંકીની મદદથી રાજા પીઠાદેવનો સામનો કરી કચ્છમાંથી ભગાવ્યો.

ભદ્રેસર તીર્થ આજે પચ્ચીસો વર્ષ જૂનું તીર્થ છે. આ પવિત્ર તીર્થમાં જગડુશાએ ઘણા વિદ્વાન પંડિતો, સાધુ, ભગવંતોને બોલાવી ધર્મપ્રચારનું કાર્ય શરૂ કર્યું. એમની આજ્ઞાથી અનેક જગ્યાઓએ દેરાસરો-ઉપાશ્રયો બંધાવ્યાં, અનેક ગામોમાં પાણીના કૂવાઓ બંધાવ્યા,  બગીચા બનાવ્યા, હિંદુ મંદિરોનાં જિર્ણોદ્વાર કર્યાં. મુસ્લિમ વેપારીઓ માટે એક મસ્જિદ પણ બંધાવી જે આજે પણ ભદ્રેસર ગામમાં ઊભી છે. એ મસ્જિદ ભારતની જૂની મસ્જિદ ગણાય છે.

  સર્વધર્મમાં સમભાવના સિદ્ધાંતોને વરેલા જગડુશા અહિંસાના જબરા પૂજારી હતા. પોરબંદર નજીક મિયાણી ગામની ટેકરી પર હરિસિદ્ધિદેવીનું મંદિર હતું. દેવીનું મુખ દરિયા તરફ હોવાથી ત્યાંથી પસાર થતાં વહાણોને નુકસાન થતું. ક્યારેક ડૂબી પણ જતાં. એટલે પોતાનાં વહાણોની સલામતી માટે દેવીની આરાધના કરી, પ્રસન્ન થયેલા દેવી પાસે વરદાન માગ્યું કે ટેકરી પરથી તળેટીમાં બિરાજમાન થાય. હરિસિદ્ધિદેવી તળેટીમાં બિરાજમાન થવા તૈયાર તો થયાં પણ પશુ બલિદાનની માગણી કરી. અહિંસાના પૂજારી જગડુશા બલિદાનમાં પશુને બદલે પોતાનો જીવ આપવા તૈયાર થયા. અહિંસા માટેની લાગણીથી પ્રસન્ન થઈ દેવી તળેટીમાં બિરાજમાન થવા તૈયાર થયાં. આજે પણ એ મંદિર પોરબંદર નજીક મિયાણી ગામની ટેકરી પર તળેટીની ઊંચાઈએ બિરાજમાન છે. એમાં જગડુશા દાતારનું પૂતળું પણ દેવીની બાજુમાં બિરાજમાન છે.

ચાલુક્ય વંશના રાજા વિશળદેવના રાજ્યાભિષેક વખતે કીમતી રત્નો ભેટ આપી રાજા સાથે મૈત્રી કરી જે જીવનપર્યંત ચાલી. નસીબ,  પુરુષાર્થ અને રાજાની મીઠી નજરને કારણે એમનો વેપાર અનેક ગણો વધી ગયો. એટલે ઘણી જગ્યાઓએ ધર્મશાળા, ગૌશાળાઓ,  અન્નક્ષેત્રો શરૂ કર્યાં. ગરીબ કન્યાઓનાં લગ્ન કરાવી આપતા,  બેકાર યુવાનો માટે રોજી-રોટીની વ્યવસ્થા કરતા,  બીમારીઓ માટે ઔષધ શાળાઓ શરૂ કરી.

 એક વખત પરમદેવસુરી નામના જ્ઞાની યતિમહારાજ ભદ્રેસર પધાર્યા. જગડુશાનું કપાળ જોઈ ભવિષ્ય ભાખ્યું કે આવનાર કપરા સમયમાં જગડુશા લાખો લોકોની નિઃસ્વાર્થ સેવા કરી કીર્તિના કોટડા બાંધશે. પરમદેવસૂરિજીએ જગડુશાને આદેશ આપ્યો કે પોતાનાં વહાણો દ્વારા દેશ-પરદેશમાંથી અનાજ ભેગું કરી એને મોટા મોટા ભંડારોમાં સાચવી રાખે. આખા હિંદમાં કારમા દુકાળનાં એંધાણ છે. તેમની આજ્ઞાથી જગડુશાએ મોટા મોટા સાતસો કોઠારો અનાજથી ભરી દીધાં અને થોડા સમય પછી કારમો દુકાળ પડ્યો.

 આ દુકાળની શરૂઆતમાં મનુષ્યો સૂકા પાંદડા ખાઈને,  માટી ખાઈને કે ગમેતેમ કરીને દિવસો કાઢવા લાગ્યા. પશુઓ પાણી અને ઘાસચારા વગર તરફડવા લાગ્યા. ત્રણ વર્ષ ચાલેલા એ દુકાળના કપરા સમયમાં એક દ્રુમમાં (ચાલુક્ય રાજ્યનું ચલણ) ૧૩ કે ૧૪ ચણાના દાણા મળતા. એવા કપરા સમયે જગડુશાએ પોતાનાં વહાણો દ્વારા પરદેશથી પાણી મગાવી લોકોને અને પશુઓને આપવાની જબરી વ્યવસ્થા ગોઠવી. પોતાના અનાજના ભંડાર ખુલ્લા મૂકી દીધા. મિત્રરાજા વિશળદેવની મદદથી કચ્છ ઉપરાંત, દિલ્હી, સિંધ, અવંતિ, કાશી જેવાં અસંખ્ય રાજ્યોને વિનામૂલ્યે અનાજ પૂરું પાડી લાખો જીવ બચાવી લીધા અને કચ્છના જગડુશા દાતાર તરીકે ભારતભરમાં પ્રસિદ્ધ થઈ ગયા. દુકાળ પૂરો થયો ત્યાં સુધી ધન અને ધાન્ય લૂંટાવતા રહ્યા.

એમની દીકરી પ્રતિમતિ યુવાન વયે વિધવા થતાં જગડુશા શોકાતુર બની ગયા. લાડકી દીકરી પ્રતિમતિના આત્મકલ્યાણ માટે જિનમંદિરો બંધાવ્યાં. અન્નક્ષેત્રો, ધર્મશાળાઓ ચાલુ રાખી. જરૂરિયાતમંદો માટે સંપત્તિ વાપરવા લાગ્યા પણ સંપત્તિ ખૂટતી જ નહોતી એટલે એમણે ચાંપશી નામના તેજસ્વી યુવાનને દત્તક લીધો. ત્યારે ગુર્જરભૂમિ પર મહંમદ બેગડા નામના ક્રૂર પાદશાહનો ઉદય થયો અને જગડુશા દાતારના જીવનનો અસ્ત થયો. આજની કચ્છી દાનવીરતાનો વારસો જેમની પાસેથી આવ્યો છે એ જગડુશા દાતારનો પરિચય મિડ- ડેના વાચકોને કરાવવાનો પ્રયત્ન કર્યો છે.

 જગડુશા દાતારથી પ્રેરાઈને મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં કચ્છના ગઢસીસા ગામના સ્વ. મોરારજી હીરજી દેઢિયાએ જગડુશાનગર નામની એક વસાહત ઊભી કરી છે. મોરારજીબાપાના પુત્રો પ્રફુલભાઈ દેઢિયા તથા જિતેન્દ્રભાઈ દેઢિયા પિતાને પગલે ચાલી ગઢસીસા તથા મુંબઈમાં દાનધર્મ નિભાવી રહ્યા છે. જગડુશા દાતારની કર્મભૂમિ ભદ્રેસર(ભદ્રાવતી નગરીથી) આશરે ત્રણેક કિલોમીટર દૂર વડાલા નામનું ગામ છે એની અહીં નોંધ લેવા જેવી છે. આ વડાલા ગામમાં આઠકોટી નાની પક્ષ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના તેજસ્વી આચાર્ય પૂજ્ય રાઘવજીસ્વામીને વિશેષ વહાલ હતું. નાની પક્ષ સ્થાનકવાસી સંપ્રદાયના સાધુઓને આચાર્યપદની પદવી વડાલામાં જ અપાય છે. નાટ્યકાર વિજય ગાલા, નૃત્ય દિગ્દર્શક શૈલેષ સોની તથા સેવા સમાજ નામની માતબર સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખ મનીષ ગાલા આ ગામના છે. ગામના નાકે પ્રસિદ્ધ ચકેશ્વરી દેવીનું મંદિર છે તો ગામની અંદર ધણીબાવા નામના પ્રસિદ્ધ પીરનું મંદિર છે. રમેશભાઈ સોનીએ ધણીબાવાના સેવક તરીકે મંદિરની પુનઃપ્રતિષ્ઠા કરી છે. વડાલામાં કચ્છનાં ગામડાઓનું સૌથી જૂનું એવું ચારસો વર્ષનું જૈન દેરાસર છે. આ ચમત્કારી દેરાસરનાં દર્શને હવે યાત્રાળુઓનો પ્રવાહ શરૂ થયો છે. નાટ્યકાર મિત્ર વિજય ગાલાને કારણે આ લખનારને પણ આ પ્રભાવશાળી દેરાસરનાં દર્શન કરવાનો લાભ અનેક વાર મળ્યો છે. જગડુશા દાતારની ભૂમિ ભદ્રેસર તીર્થમાં ભારતભરમાંથી યાત્રાળુઓ પ્રાચીન દેરાસરનાં દર્શન કરવા આવે છે એની નોંધ લઈ વિરમું છું. - અસ્તુ.

Whatsapp-channel Whatsapp-channel

28 January, 2020 01:53 PM IST | Kutch | Vasant Maru

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK