વસઈ-વિરારમાં સમસ્યા વીજળીની

Published: 6th September, 2012 06:50 IST

રોજ ૭ કલાક લાઇટ ન હોય, ક્યારેક આખી રાત નહીં : રહેવાસીઓ આંદોલનના મૂડમાં

no-lightપ્રીતિ ખુમાણ

એક-બે કલાક વીજળી જાય તો સમજાય, પણ સાત કલાકથી પણ વધારે સમય સુધી ઘરમાં વીજળી ન હોય તો રહેવું કેમ? આ સવાલ આજે વસઈ-વિરારમાં રહેતા એકેએક રહેવાસીઓ કરે છે. અહીંના રહેવાસીઓ ૭ કલાકથી પણ વધુ જતી વીજળીની સમસ્યાથી એટલા ત્રાહિમામ થઈ ગયા છે કે હવે તો જોરદાર આંદોલન કરી રસ્તા પર ઊતરવાનું પણ નક્કી કરી લીધું છે. ઘરે મહેમાનોને ઇન્વાઇટ પણ નથી કરી શકાતા અને લાઇટની સમસ્યાને કારણે બાળકોના અભ્યાસ પર ભારે અસર થઈ હોવાથી વાલીઓ પણ ભારે પરેશાન થઈ ગયા છે.

લાઇટ વગર ઘરમાં કેવી રીતે રહેવું એમ જણાવતાં નાલાસોપારા-ઈસ્ટના આચોલે રોડ પર રહેતા જયેશ કારાણીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘કલાકો સુધી ઘરમાં લાઇટ વગર બેસવું તો કઈ રીતે બેસવું? છેલ્લા લગભગ ૧૩ દિવસથી તો વસઈ-વિરારમાં લાઇટ વધુ સમય સુધી જવાની સમસ્યા ખૂબ વધી ગઈ છે. સવારે ૩થી ૪ કલાક લાઇટ જાય તો રાતે ૩ કલાક જાય એમ ૭ કલાકથી પણ વધારે સમય સુધી ઘરમાં લાઇટ નથી હોતી. આ કારણે ઘરમાં બેસવાનું પણ મન થતું નથી. કેટલીયે વાર સંબંધિત વિભાગોમાં ફોન કરી આ વિશે ફરિયાદ કરવામાં આવી રહી છે પણ કોઈ ધ્યાન આપતું નથી. હવે આ ત્રાસથી અમે એટલા કંટાળ્યાં છીએ કે હવે જો ટૂંક સમયમાં આ બાબતે કોઈ ઉકેલ ન આવ્યો તો અહીંના રહેવાસીઓએ જોરદાર આંદોલન કરવાનું નક્કી કરી લીધું છે.’

આખી-આખી રાત સૂઈ શકતા નથી એમ જણાવતાં વિરાર-વેસ્ટની વિવા કૉલેજની બાજુમાં રહેતા રામ આહિરે કહ્યું હતું કે ‘લાઇટ વારંવાર જવાનો ત્રાસ એટલો વધ્યો છે કે હવે તો અસહ્ય બન્યો છે. શુક્રવારે જ સાંજે ૭ વાગ્યે લાઇટ ગઈ અને બીજા દિવસે સવારે ૬ વાગ્યે લાઇટ આવી. આમ આખી રાત લાઇટ જવાના કારણે મચ્છરોનો અસહ્ય ત્રાસ પણ સહન કરવો પડે છે. મારા ઘરે ૮૦ વર્ષના મારા પિતા સાથે રહે છે. તેઓ હૅન્ડિકેપ છે. લાઇટ ન હોવાને કારણે ઘરથી નીચે ઊતરી શકતા નથી અને આખો દિવસ લાઇટ ન હોવાને તેમને પણ ભારે તકલીફ થાય છે. અમે મહેમાનોને ઘરે ઇન્વાઇટ કરી જ શકતા નથી. મારી બહેન વિલે પાર્લેમાં જ રહે છે એમ છતાંય લાઇટની સમસ્યાને કારણે એ વર્ષમાં એક જ વાર આવે છે. આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે આવી જગ્યાએ રહેવું પડે છે નહીં તો ક્યારના બીજે રહેવા ચાલ્યા જાત.’

બાળકોના અભ્યાસ પર ખાસી એવી અસર થઈ રહી છે એમ જણાવતાં નાલાસોપારા-ઈસ્ટમાં તુલિંજ રોડ પર રહેતા સંજય સાવલાએ કહ્યું હતું કે ‘અમે મધ્યમ વર્ગના હોવાથી જનરેટર કે બૅટરીનો ઉપયોગ કરી શકતા નથી. તેથી નાછૂટકે આખો દિવસ ગરમીમાં બેસવું પડે છે. મીણબત્તી અને ફાનસની મદદથી આખો દિવસ કાઢીએ છીએ. આના કારણે સ્કૂલમાં ભણતાં બાળકોના અભ્યાસ પર ખૂબ અસર થઈ રહી છે. બાળકો ઘરમાં બેસીને ભણે તો કેવી રીતે ભણે? લાઇટ ન હોવાને કારણે રાતે સૂઈ નથી શકાતું કે સવારે ઊભા થઈને બીજું કોઈ કામ બરાબર કરી શકાતું નથી. તેથી જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.’

ચોરીના ભયે હેરાન કરી મૂક્યો છે એમ જણાવતાં નાલાસોપારા-ઈસ્ટના ટાંકી રોડ પાસે રહેતા કાનજી મારુએ કહ્યું હતું કે ‘કામકાજથી થાકીને આવીએ અને ઘરમાં લાઇટ ન હોય તો કેવી હાલત થાય એ તો સમજી શકાય એમ છે. લાઇટ ન હોવાને કારણે એરિયામાં અંધારું રહે છે તેથી ચોરી થવાનો ભય ખૂબ જ રહે છે. હાલમાં જ અમારા એરિયામાંથી ૮ દિવસ પહેલાં જ લીધેલું નવું ઍક્ટિવા ચોરાઈ ગયું હતું. અંધારાનો ફાયદો લઈને ચોરો આરામથી ચોરી કરી નાસી જવાની શક્યતા હોવાને કારણે રાતે ઊંઘ પણ આવતી નથી. તેથી હવે આ ત્રાસથી છૂટકારો લાવવા નાગરિકોએ રસ્તા પર ઊતરવું પડશે.’

નાલાસોપારામાં મહાવિતરણની ઑફિસમાં તોડફોડ

મોડી રાતે વારંવાર લાઇટ જતી હોવાના ત્રાસથી શુક્રવારે મોડી રાતે લગભગ ૧ વાગ્યાની આસપાસ નાલાસોપારામાં આવેલા મહાવિતરણના કાર્યાલયમાં તોડફોડ કરીને રહેવાસીઓએ આગ લગાડી હતી. રોજેરોજ વીજળી ન હોવાનો એટલો ત્રાસ હોય છે કે લોકો કંટાળ્યાં છે. એમાં વળી મહાવિતરણના કાર્યાલયમાં સંપર્ક કરીને પૂછતાં કોઈ બરાબર જવાબ મળતો ન હોવાથી રહેવાસીઓ ત્રાહિમામ થઈ ગયા છે. આથી રોષે ભરાયેલા લોકોએ ગાલાનગરમાં આવેલા મહાવિતરણના કાર્યાલયને તોડફોડ કરી આગ લગાડી હતી. તસવીર : હનીફ પટેલ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK