વસઈની ખાડી પરનો પુલ આખરે ભંગારમાં જશે

Published: 29th September, 2011 19:27 IST

વસઈની ખાડી પર નવો પુલ બન્યા બાદ રેલવેનો જૂનો પુલ હળવાં વાહનોની આવનજાવન માટે ઉપયોગમાં લેવામાં આવે તો વસઈ-વિરારવાસીઓના સમયની સાથે બળતણની પણ એટલી જ બચત થાય. આ માટે સરકાર સમક્ષ ઘણી રજૂઆત કર્યા બાદ એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી)ને આ બાબત સોંપવાની સાથે બજેટ પણ ફાળવવામાં આવ્યું.

 

વસઈની ખાડી પરના જૂના પુલ પરથી જ્યારે લોકલ પસાર થતી હતી ત્યારનું દૃશ્ય.

જોકે હવે એમએસઆરડીસીએ (મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન) આપેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે હળવાં વાહનો માટે આ પુલનો ઉપયોગ કરી શકાય એવો રસ્તો બનાવવાનું આર્થિક રીતે પોસાય
એમ નથી.

પશ્ચિમ રેલવેનાં નાયગાંવ અને વસઈ સ્ટેશન વચ્ચે પશ્ચિમ રેલવેએ બે નવા પુલ બનાવ્યા બાદ બ્રિટિશ કાળમાં બનેલા જૂના પુલને વાહનવ્યવહાર માટે બંધ કર્યો. ત્યાર બાદ રેલવેએ પુલને તોડી નાખવાનો નિર્ણય કર્યો. જોકે જૂના પુલનો ઉપયોગ હળવાં વાહનો માટે કરવામાં આવે તો સમયની સાથે ઈંધણની પણ ઘણી બચત થાય એવી દલીલ કરી પુલ ફરી શરૂ કરવાની માગણી કરવામાં આવી હતી. જો પુલ તૈયાર થાય તો ભાઈંદર-દહિસર માર્ગે ઠેઠ મુંબઈ સહેલાઈથી જઈ શકાય. અત્યારે વસઈ જનારને અમદાવાદ હાઇવે થઈને પ્રવાસ કરવો પડે છે.


આ માટેની લોકોની માગણીને ધ્યાનમાં રાખી એમએમઆરડીએએ પુલ શરૂ કરવા માટે ૧૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી. જોકે આ સાથે જૂના પુલ પરથી વાહનોની અવરજવર શક્ય છે કે નહીં એનો સર્વે કરવા એમએસઆરડીસીને જણાવવામાં આવ્યું હતું. લાખોનો ખર્ચ કર્યા બાદ એમએસઆરડીસીએ પત્ર લખી એમએમઆરડીએને જાણ કરી કે પુલનો ઉપયોગ થઈ શકે એમ નથી, કારણ કે પુલના રિપેરિંગમાં ભારે ખર્ચ કરવો પડે જે પરવડે એવો નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK