મુંબઈ ડ્રગ્સના ભરડામાંથી મુક્ત થશે?

Published: Aug 17, 2019, 08:57 IST | વર્ષા ચિતલિયા | મુંબઈ ડેસ્ક

ડ્રગ્સના રવાડે ચડાવી યંગ ગર્લ્સને પ્રોસ્ટિટ્યુશનમાં ધકેલવાનો બિઝનેસ પણ ફૂલ્યોફાલ્યો છે ત્યારે કેફી દ્રવ્યોની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલા પેડલરો યુવા પેઢીને કઈ રીતે ટ્રૅપ કરે છે, તેમને નશામાંથી ઉગારવાની દિશામાં કેવા પ્રયાસો થઈ રહ્યા છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

તાજેતરમાં બૉલીવુડ નિર્માતા કરણ જોહરની પાર્ટીમાં રણબીર કપૂર, દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર અને વિકી કૌશલ સહિત અનેક ફિલ્મી કલાકારોએ ડ્રગ્સનું સેવન કર્યું હોવાની વાતો સાંભળવા મળી હતી. આ પાર્ટીનો એક વિડિયો ટ્વિટર પર શૅર કરવામાં આવ્યો હતો. એના ગણતરીના દિવસો પહેલાં જ ભારતના ટેસ્ટ ઓપનર પૃથ્વી શૉને ડોપિંગના ભંગ બદલ આઠ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પૃથ્વીએ સ્નાયુઓને મજબૂત બનાવતું ટબ્યુર્ટલાઇન નામનું પ્રતિબંધિત ડ્રગ લીધું હોવાનું પુરવાર થતાં આ પગલું લેવામાં આવ્યું છે.

ગ્લૅમર ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોમાં કેફી દ્રવ્યોનું સેવન સામાન્ય બાબત છે એવા ભ્રમમાં નહીં રહેતા. માત્ર સેલિબ્રિટીઝ જ નહીં મધ્યમ વર્ગના યુવાનો પણ નશાના બંધાણી થતા જાય છે. થોડા દિવસ પહેલાં કાંિદવલીના ટીનેજરે તેરમા માળેથી કૂદીને જીવ આપી દીધો. ઓગણીસ વર્ષના ટીનેજરની આત્મહત્યાની પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે તેને ડ્રગ્સની લત લાગી હતી. ડ્રગ્સના સકંજામાંથી પુત્રને બહાર કાઢવા પેરન્ટ્સે તેને ઘરમાં પૂરી રાખતાં ટીનેજરે પોતાનું જીવન ટૂંકાવી દીધું. છાશવારે બનતી આવી ઘટનાઓ સૂચવે છે કે દેશનાં અન્ય મહાનગરોની જેમ હવે મુંબઈના યુવાનો ડ્રગ્સના ભરડામાં આવી ગયા છે. લેટ નાઇટ પાર્ટી, હુક્કા પાર્લર અને ક્લબ કલ્ચરથી પ્રભાવિત યુવા પેઢી સિગારેટનો કશ ખેંચતાં ક્યારે ચરસ અને ગાંજા જેવા માદક પદાર્થના રવાડે ચડી જાય છે એની પરિવારને જાણ થતી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર ડ્રગ્સનું સેવન કરવા માટે તેઓ બેથી ત્રણ કલાકના સાતેક હજાર રૂપિયા ચૂકવી ફાર્મ હાઉસ અથવા હોટેલની રૂમ ભાડે રાખે છે. નશાના બંધાણી યુવાનોને ઉગારવાના અનેક પ્રયત્નો કરવામાં આવે છે, પરંતુ બહુ ઓછા કિસ્સામાં સફળતા મળે છે.

ટ્રૅપ કઈ રીતે?
ભારતમાં વ્યસન નવી વાત નથી. એક આંકડા અનુસાર આપણા દેશમાં ૭૫ ટકા ઘરોમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ નશાની બંધાણી જોવા મળે છે પછી એ નશો તમાકુનો હોય, દારૂનો કે પછી ડ્રગ્સનો. ડ્રગ્સ ઍડિક્શનમાં અત્યાર સુધી દિલ્હી અને પંજાબ ટૉપ પર રહ્યાં છે. હવે મુંબઈ પણ સકંજામાં આવી ગયું છે. પીઅર પ્રેશર, કિશોરાવસ્થાની અપરિપક્વતા, બેજવાબદાર પેરન્ટ્સ, મૉડર્ન લાઇફ-સ્ટાઇલ જેવાં અનેક કારણોસર મુંબઈના યુવાનોમાં નશાનું પ્રમાણ વધ્યું છે.

ડ્રગ માફિયાઓ યુવાનોને કઈ રીતે ટ્રૅપ કરે છે એ સંદર્ભે વાત કરતાં રિટાયર્ડ આઇપીએસ ઑફિસર, ડ્રગ્સ ઍન્ડ ક્રાઇમના પ્રોજેક્ટ કો-ઑિર્ડનેટર તેમ જ તાતા ઇન્સ્ટિટ્યુટના ચૅરપર્સન ડૉ. પી. એમ. નાયર કહે છે, ‘માત્ર મુંબઈમાં જ નહીં આખા હિન્દુસ્તાનમાં આ સમસ્યા વકરી રહી છે. ખાસ કરીને બિહાર અને પંજાબની હાલત સૌથી ખરાબ છે. યંગ જનરેશન કો ટ્રૅપ કરને કે કાફી તરિકે ડેવલપ કિએ ગએ હૈં. ઝીરો ઇન્વેસ્ટમેન્ટ કા બિઝનેસ હૈ યે. સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકોને ટ્રૅપ કરવાનો અને કૉલેજમાં ભણતા ટીનેજરોને ટ્રૅપ કરવાનો રસ્તો જુદો છે. ડ્રગ માફિયાઓ દ્વારા બાળકોની સાઇકોલૉજીને સમજવા માટે ખાસ તાલીમ આપે છે. સ્કૂલ સ્ટુડન્ટ્સને તેઓ ખૂબ જ ઓછી માત્રામાં ડ્રગ્સ આપે છે. સ્કૂલની બહારની દુકાનોમાં મળતી આઇસ કૅન્ડી, ચૉકલેટ્સ અને આઇસક્રીમ જેવી વસ્તુમાં ડ્રગ્સ ભેળવી તેમને એક્સાઇટમેન્ટનો અનુભવ કરાવવામાં આવે છે. યંગ સ્ટુડન્ટ્સને પૈસાની લાલચ આપી ફોસલાવવામાં આવે છે. પેડલરો તેમને કહે કે ભાઈ આ પૅકેટ ફલાણી જગ્યાએ પહોંચાડી આવ તો તને પૈસા મળશે. આજની જનરેશનને રાતોરાત પૈસા કમાઈ લેવા છે. પૈસા કમાવાનો શૉર્ટકટ ફાવી જાય એટલે કાં તો ડ્રગ્સ વેચવાના ધંધામાં ફસાઈ જાય કાં ડ્રગ્સના રવાડે ચડી જાય.’

ડ્રગ્સના કારણે દેહવ્યવસાયનો ધંધો પણ ફૂલ્યોફાલ્યો છે. હ્યુમન ટ્રાફિકિંગ દ્વારા પ્રોસ્ટિટ્યુશનના બિઝનેસમાં ધકેલવામાં આવતી યુવતીઓને ઉગારવાની દિશામાં ઉલ્લેખનીય કામગીરી બજાવનાર અને વૈશ્વિક સ્તરે જેમની નોંધ લેવાઈ છે એવા રેસ્ક્યુ ફાઉન્ડેશનનાં પ્રેસિડન્ટ અને સીઈઓ ત્રિવેણી આચાર્ય આ સંદર્ભે માહિતી આપતાં કહે છે, ‘બિઅર બાર, પબ અને ક્લબિંગમાં જઈ નશો કરતી યુવતીઓને ડ્રગ્સના માધ્યમથી આડકતરી રીતે દેહવ્યવસાયના ધંધામાં ધકેલવામાં આવે છે એવી માહિતી અમને પ્રાપ્ત થઈ છે. એક સમયે માત્ર ગરીબ પરિવારની યુવતીઓને ફોસલાવીને અથવા તેમનાં મા-બાપને પૈસા આપી તેને ખરીદીને દેહવ્યવસાયના ધંધામાં ધકેલવામાં આવતી હતી. અમે આવી લાચાર યુવતીઓને રેસ્ક્યુ કરવાનું કાર્ય કરીએ છીએ. હવે મુંબઈ અને દેશની અન્ય મેટ્રો સિટીની યુવતીઓને ખાસ કરીને કૉલેજ ગોઇંગ ગર્લ્સને ડ્રગ્સના રવાડે ચડાવી પ્રોસ્ટિટ્યુશનમાં ધકેલવામાં આવી રહી હોવાના કેટલાક કિસ્સા સામે આવ્યા છે. થોડા સમય પહેલાં અમે આવી જ એક યંગ ગર્લને રેસ્ક્યુ કરી હતી.’

કેસની વિગત વિશે વાત કરતાં ત્રિવેણી આગળ કહે છે, ‘નશાની બંધાણી આ છોકરી ખૂબ જ દેખાવડી હતી. તેને ડ્રગ્સની એવી લત લાગી હતી કે જો ન મળે તો ટળવળવા લાગે. હવે ડ્રગ્સ ખરીદવા માટે રોજ-રોજ આટલા બધા પૈસા ક્યાંથી આવે? આખરે ડ્રગ્સ ખરીદવાના પૈસા માટે તેણે પ્રોસ્ટિટ્યુશનના બિઝનેસમાં સરન્ડર કરવું પડ્યું. અમે તેને ઉગારીને ડી-ઍડિક્શનની ટ્રીટમેન્ટ કરાવી. સારવાર બાદ તે નૉર્મલ થઈ ગઈ, પરંતુ પરિવાર તેને સ્વીકારવા તૈયાર ન થયો. કાયદા પ્રમાણે અમારા હાથ પણ બંધાયેલા છે. અઢાર વર્ષની વય બાદ અમે તેને શેલ્ટરમાં રાખી ન શકીએ. ઘણી વાર બહાર નીકળ્યા બાદ તેઓ ફરીથી પૈસા કમાવાનો શૉર્ટ કટ શોધી કાઢે છે. આવી છોકરીઓ રેડલાઇટ એરિયામાં કામ નથી કરતી. તેઓ સામાન્ય જીવન જ જીવે છે. જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે પોતાની મરજીથી આ કામ કરે છે.’

પોલીસ શું કરે છે?
મુંબઈની કેટલીક કૉલેજોના કૅમ્પસમાં જ ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય છે તો શું પોલીસ અને સરકાર ઊંઘે છે? થોડા સમય પહેલાં રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સ્વીકાર્યું હતું કે મુંબઈના યુવાનો ઝડપથી નશાના બંધાણી થતા જાય છે. યુવાધનને નશામાંથી ઉગારવા તેમણે મુંબઈ વિભાગના નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોને મજબૂત બનાવવાની બાંયધરી આપી છે. આ વર્ષના પ્રથમ સાત મહિનામાં જ મુંબઈ પોલીસે રૂપિયા ચાળીસ કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જોકે ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા નેટવર્કનો ખાતમો બોલાવવા મુંબઈ પોલીસના પ્રયાસો ચાલી રહ્યા છે.

ગયા મહિને ડ્રગ્સ-ફ્રી મુંબઈ ઝુંબેશ હેઠળ ટૂ વીક મૉન્સૂન સ્પેશ્યલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં છાપો મારી ૬૧૩.૩૬૪ કિલો ગાંજો, ૪.૦૪૨ કિલો ૩૯ મિલીગ્રામ એમડી, ૧૭.૧૩ ગ્રામ ૧૭૦ મિલીગ્રામ કોકેન, ૧.૩૬૦ ગ્રામ ૫ મિલીગ્રામ બ્રાઉન શુગર, બે કિલો ૧૦ ગ્રામ ચરસ, ૪.૬૨૨ ગ્રામ ૨૨ મિલીગ્રામ હેરોઇન, ૨૧ બ્લુ ટૅબ્લેટ્સ, ૧૨ બૉટલ (૧૦૦ મિલીલીટરની એક) પ્લેનટીઅસ, ૨૦ બૉક્સ (એક બૉક્સમાં ૩૦ પૅકેટ) આલ્કો, ૭૦ બૉટલ (૧૦૦ મિલીલીટરની એક) કફ સિરપ અને અન્ય ડ્રગ્સ મળી આશરે ૭.૬૩ કરોડ રૂપિયાની કિંમતનાં કેફી દ્રવ્યો જપ્ત કરવામાં આવ્યાં છે.

આ ભયંકર ગુનામાં સંડોવાયેલા ગુનેગારોને સાણસામાં લેવાની સાથે મુંબઈ પોલીસે નશાના બંધાણીઓ સામે પણ કડક કાર્યવાહી કરી છે. પંદર દિવસમાં ૧૩૬૪ ડ્રગ ઍડિક્ટને પકડવામાં આવ્યા છે જેમાં મોટા ભાગના ડ્રગ ઍડિક્ટ યુવાનો છે. સરકાર અને ઍન્ટિ-નાર્કોટિક્સ વિભાગ ડ્રગ માફિયાઓની પાછળ આદું ખાઈને પડી ગયો છે એવું અત્યારે તો જણાઈ રહ્યું છે, પરંતુ આંખો પહોળી થઈ જાય અને મગજ ચકરાવે ચડી જાય એવા આંકડા ચિંતા ઉપજાવે છે.

પોલીસ અને ઍન્ટિ-નાર્કોટિક્સ વિભાગ એની રીતે કામ કરી જ રહ્યા છે, પરંતુ સામાજિક અવેરનેસ જરૂરી છે એમ જણાવતાં ડૉ. પી. એમ. નાયર કહે છે, ‘ડ્રગ ઍડિક્ટ યુવાનો સામાજિક પ્રવાહમાંથી લગભગ ફેંકાઈ જ જાય છે. બહારની દુનિયામાં વધુ રહેવા લાગે એટલે ફૅમિલી સાથેના ઇમોશનલ અટૅચમેન્ટને અસર થાય. પૈસાની તંગીના કારણે માનસિક રીતે હતાશ થઈ જાય. સાઇકોલૉજિકલ, ઇકૉનૉમિકલ, સોશ્યલ અને ઇમોશનલ એમ ચાર રીતની સમસ્યા વધી જાય છે. કામધંધામાં જીવ ન ચોંટે તેથી પ્રોડક્ટિવિટીને અસર થાય. વ્યક્તિ જ્યારે ડિપેન્ડેબલ બની જાય છે ત્યારે એનો ઓવરઑલ પ્રોગ્રેસ અટકી જાય. સૌથી પહેલાં પેરન્ટ્સે જાગ્રત થવાનું છે. તમારું સંતાન રોજ-રોજ સ્કૂલની બહાર આઇસક્રીમ ખાતું હોય અને ચોક્કસ પ્રકારની આઇસક્રીમનો ચસકો લાગ્યો હોય તો ખણખોદ કરવી જ જોઈએ. શિક્ષકોનો રોલ માત્ર ક્લાસરૂમ પૂરતો મર્યાદિત ન હોવો જોઈએ. સમયાંતરે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન થવું જોઈએ. પોલીસ, પેરન્ટ્સ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ અને કમ્યુનિટીના એકસરખા એફર્ટથી જ યુવાનોને ઉગારી શકાશે.’

રીહૅબ સેન્ટર
વ્યસન એવો જટીલ રોગ છે જેની સારવાર ખૂબ જ સંયમ માગી લે છે. એક વાર એની ચુંગાલમાં ફસાયા બાદ વ્યક્તિને પોતાની વર્તણૂકનું ભાન રહેતું નથી. નશાની અસરમાં વ્યક્તિ અવિચારી પગલું ભરી જીવન બરબાદ કરી નાખે છે. કેટલાક કેસમાં જીવ ગુમાવી બેસે છે. સામાજિક પ્રવાહમાંથી ફેંકાઈ ગયેલા નશાના બંધાણીઓના પુનર્વસન માટે સરકારી ધોરણે અનેક પ્રયાસો ચાલે છે. બિનસરકારી સંસ્થાઓ અને સામાજિક કાર્યકરો પણ સારું કામ કરી રહ્યાં છે.

ડ્રગ ઍડિક્ટને નશામુક્ત કરવાની દિશામાં કાર્યરત પેડર રોડના શાહ ડી-ઍડિક્શન ઍન્ડ રીહૅબિલિટેશન સર્વિસિસના કાઉન્સેલર જતીશ શાહ આ સંદર્ભે વાત કરતાં કહે છે, ‘અમારી પાસે આવતા ડ્રગ ઍડિક્ટના નવ્વાણું ટકા કેસમાં પેરન્ટ્સ તેમનાં યંગ સંતાનોને લઈને આવે છે. સૌથી પહેલાં તો અમે તેમનું અસેસમેન્ટ લઈએ, પૂછતાછ કરીએ. સામાન્ય રીતે તેઓ સ્વીકારતા જ નથી કે ડ્રગ્સ લે છે. સ્વીકારે નહીં એટલે યુરીનસ્ક્રી ફૉર ડ્રગ્સ પરીક્ષણ કરાવવું પડે. આ પરીક્ષણમાં નિકોટીન (સિગારેટ) સહિત નવ પ્રકારના ડ્રગ્સની માત્રા જાણી શકાય. આ રિપોર્ટ એક કલાકમાં જ આવી જાયછે. પૉઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ સૌપ્રથમ બૉડી ડિટૉક્સિફાઇડ (પ્રોસેસ ઑફ રિમૂવિંગ પૉઇઝન) માટે તેમને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવા પડે છે. ત્યાર બાદ વિડિયો, સાઇટ્સ અને વાતચીતના માધ્યમથી એક મહિનો કાઉન્સેલિંગ ચાલે. આ ગાળા દરમ્યાન પેરન્ટ્સનું પણ કાઉન્સેલિંગ થાય. પેરન્ટ્સ માટે અમારી પહેલી શરત એ હોય છે કે હાથ નહીં ઉપાડવાનો. પૉકેટમની ઓછી કરવી, સ્કૂલમાંથી લેવા-મૂકવા જાતે જવું જેથી પુત્ર રસ્તામાં ઊભો ન રહી શકે જેવી બાબતો મહત્ત્વની હોય છે. ડ્રગ્સ ન મળે એટલે બેચેની થવા લાગે, હાર્ટ બીટ્સ ફાસ્ટ થાય, પરસેવો વળે, ગભરામણ થાય, જૉઇન્ટ્સમાં દુખાવો થાય. આ બધું સહન ન થાય એટલે છુપાઈને ફરીથી ચાલુ કરે. આવા સમયે તેમને મેડિકેશન પર રાખવા પડે. ઇન્ટ્રાવિનસ, સલાઇન, ગ્લુકોઝ, થાયામાઇન, મલ્ટિવિટામિનની ગોળીઓ અને જરૂર પડે તો માઇલ્ડ ટ્રાન્સટ્રાન્ક્વિલાઇઝર (ઊંઘ આવે) આપવું પડે. એ પછી પણ નશો ન છૂટે તો ચાર મહિના માટે રીહૅબિલિટેશન સેન્ટરમાં મોકલવા પડે.’

નશામુક્તિ કેન્દ્ર વિશે વધુ માહિતી આપતાં જતીશ શાહ કહે છે, ‘દારૂના નશા માટે આલ્કોહૉલિક એનોનમસ અને ડ્રગ્સ માટે નાર્કોટિક એનોનમસ સેન્ટર હોય છે. જોકે બન્ને જગ્યાએ પ્રોગ્રામ સરખા જ હોય. આખો દિવસ તેઓ વિવિધ પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહે એ રીતે પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યા હોય. રવિવારે ખાસ ગ્રુપ ડિસ્કશન પ્રોગ્રામ હોય. એમાં માત્ર પેશન્ટ જ ભાગ લે છે. નશામુક્તિ માટે આવેલા પેશન્ટ સાથે એના ભરડામાંથી બહાર નીકળી સાજા થઈ ગયેલા પેશન્ટ તેમની ભયાનક જર્ની અને એમાંથી કઈ રીતે બહાર આવ્યા એ વિશે વાત કરે છે ત્યારે ડ્રગ ઍડિક્ટના મનમાં આશા જાગે છે. તેમને થાય છે કે જો આ લોકો ફરીથી જીવન જીવી શકતા હોય તો અમે પણ જીવી શકીશું. આ હોપ બહુ કામ કરે છે.’

એક વાર સાજા થઈ ગયા પછી ફરીથી ડ્રગ્સના રવાડે ચડનારા કેટલા? આ વિશે વાત કરતાં જતીશ શાહ કહે છે, ‘આલ્કોહૉલિક સેન્ટરમાં આવનારા લોકોમાં પચાસ ટકા મધ્યમ અથવા મોટી ઉંમરના હોય છે જ્યારે નાર્કોટિકમાં યુવાનોની સંખ્યા વધુ હોય છે. મારો અનુભવ કહે છે કે મુંબઈમાં ૭૫ ટકા યુવાનોએ કૉલેજકાળમાં કમ સે કમ એક વાર ડ્રગ્સનું સેવન કર્યું હોય છે. એમાંથી ૧૫ ટકા ડ્રગ ઍડિક્ટ બની જાય છે. એ પંદર ટકામાંથી પાંચ ટકા નશેબાજ કહી શકાય એવા હોય છે. નશેબાજની સારવાર ખૂબ જ ધીરજ માગી લે છે. અનેક પ્રકારના અભ્યાસો બાદ પણ એમાંથી ૨૫ ટકા ઍડિક્ટ ક્યારેય બહાર આવતા નથી. તેઓ કાયમ માટે બરબાદ થઈ જાય છે.’

સેન્ટ્રલ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો શું છે?

ભારતીય બંધારણના આર્ટિકલ ૪૭માં સમાવિષ્ટ નાર્કોટિક ડ્રગ્સ (કેફી પદાર્થો) અને સાયકોટ્રોપિક પદાર્થો પરની રાષ્ટ્રીય નીતિ આધારિત બંધારણીય જોગવાઈઓનો દેશનાં તમામ રાજ્યોમાં સંપૂર્ણ અમલ થાય એના પર દેખરેખ રાખવા સેન્ટ્રલ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ની રચના કરવામાં આવી છે. એનું મુખ્ય મથક દિલ્હીમાં છે. બ્યુરોનો હેતુ ઑલ ઇન્ડિયા લેવલ પર ડ્રગ્સની હેરાફેરી સામે લડવાનો છે. દિલ્હી ઉપરાંત મુંબઈ, કલકત્તા, ચેન્નઈ, લખનઉ, જોધપુર, ચંડીગઢ, જમ્મુ, અમદાવાદ, બૅન્ગલોર અને પટનામાં એની શાખા કાર્યરત છે. આ બ્યુરો ઇન્ડિયન પોલીસ સર્વિસ (આઇપીએસ) અથવા ઇન્ડિયન રેવન્યુ સર્વિસ (આઇઆરએસ)ના અધિકારીની નિગરાણી હેઠળ કસ્ટમ્સ ઍન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ, જીએસટી, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન, સેન્ટ્રલ ઇકૉનૉમિક ઇન્ટેલિજન્સ બ્યુરો અને રાજ્ય પોલીસ વિભાગ સંયુક્તપણે કામ કરે છે. એનસીબી ભારતની કાયદા અમલીકરણ એજન્સીના કર્મચારીઓને ડ્રગ્સની હેરાફેરી સામે લડવાની તાલીમ આપે છે. ભારતની સરહદ પર વિદેશી તસ્કરો દ્વારા થતી કેફી દ્રવ્યોની દાણચોરીના પૉઇન્ટ (સ્થળો) શોધવા એનસીબી સતત ચાંપતી નજર રાખે છે.

નૅશનલ ઍક્શન પ્લાન
દેશની યુવા પેઢીને નશાની ચુંગાલમાંથી ઉગારવા સોશ્યલ જિસ્ટસ ઍન્ડ એમ્પાવરમેન્ટ મંત્રાલયે આ વર્ષની શરૂઆતમાં અસરકારક ઍક્શન પ્લાન તૈયાર કર્યો છે, જેમાં વ્યસનમુક્તિ અને અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન જેવા મુખ્ય મુદ્દા પર ધ્યાન આપવામાં આવશે. જાન્યુઆરી મહિનામાં નૅશનલ ડ્રગ ડિમાન્ડ રિડક્શન પૉલિસીનો મુસદ્દો કૅબિનેટમાંથી પાછો ખેંચ્યા બાદ નવેસરથી ડિઝાઇન કરવામાં આવેલા ૨૦૧૮-૨૦૨૩ નૅશનલ ઍક્શન પ્લાનમાં કેન્દ્ર, રાજ્ય અને એનજીઓના સંયુક્ત પ્રયાસથી સ્કૂલ અને કૉલેજોમાં નશાનાં દુષ્પરિણામો વિશે સમજાવતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સોશ્યલ, પ્રિન્ટ અને ડિજિટલ મીડિયાના માધ્યમથી જાગૃતતા લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે.

આ યોજના હેઠળ કેફી દવાઓ (કેટલીક દવાઓમાં નશો ચડે એવા પદાર્થોની માત્રા વધુ હોય છે), પેઇનકિલર્સ અને સ્નાયુઓના દરદમાં રાહત આપતી દવાઓના વેચાણને નિયંત્રિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. એઇમ્સની નિગરાણી હેઠળ નૅશનલ ડ્રગ્સ ડિપેન્ડન્સ ટ્રીટમેન્ટ સેન્ટર દ્વારા દવાઓના દુરુપયોગ અને પૅટર્ન પર નૅશનલ સર્વે હાથ ધરવામાં આવશે. ઍક્શન પ્લાનના અમલ પર નજર રાખવા સામાજિક ન્યાય મંત્રાલયના સચિવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં આરોગ્ય, માનવ સંસાધન વિકાસ, મહિલા અને બાળવિકાસ, ગૃહ મંત્રાયલના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સેન્ટ્રલ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો શું છે?
ભારતીય બંધારણના આર્ટિકલ ૪૭માં સમાવિષ્ટ નાર્કોટિક ડ્રગ્સ (કેફી પદાર્થો) અને સાયકોટ્રોપિક પદાર્થો પરની રાષ્ટ્રીય નીતિ આધારિત બંધારણીય જોગવાઈઓનો દેશનાં તમામ રાજ્યોમાં સંપૂર્ણ અમલ થાય એના પર દેખરેખ રાખવા સેન્ટ્રલ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ની રચના કરવામાં આવી છે. એનું મુખ્ય મથક દિલ્હીમાં છે. બ્યુરોનો હેતુ ઑલ ઇન્ડિયા લેવલ પર ડ્રગ્સની હેરાફેરી સામે લડવાનો છે. દિલ્હી ઉપરાંત મુંબઈ, કલકત્તા, ચેન્નઈ, લખનઉ, જોધપુર, ચંડીગઢ, જમ્મુ, અમદાવાદ, બૅન્ગલોર અને પટનામાં એની શાખા કાર્યરત છે. આ બ્યુરો ઇન્ડિયન પોલીસ સર્વિસ (આઇપીએસ) અથવા ઇન્ડિયન રેવન્યુ સર્વિસ (આઇઆરએસ)ના અધિકારીની નિગરાણી હેઠળ કસ્ટમ્સ ઍન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ, જીએસટી, સેન્ટ્રલ બ્યુરો અૉફ ઇન્વેસ્ટિગેશન, સેન્ટ્રલ ઇકૉનૉમિક ઇન્ટેલિજન્સ બ્યુરો અને રાજ્ય પોલીસ વિભાગ સંયુક્તપણે કામ કરે છે. એનસીબી ભારતની કાયદા અમલીકરણ એજન્સીના કર્મચારીઓને ડ્રગ્સની હેરાફેરી સામે લડવાની તાલીમ આપે છે. ભારતની સરહદ પર વિદેશી તસ્કરો દ્વારા થતી કેફી દ્રવ્યોની દાણચોરીના પૉઇન્ટ (સ્થળો) શોધવા એનસીબી સતત ચાંપતી નજર રાખે છે.

નૅશનલ ઍક્શન પ્લાન
દેશની યુવા પેઢીને નશાની ચુંગાલમાંથી ઉગારવા સોશ્યલ જિસ્ટસ ઍન્ડ એમ્પાવરમેન્ટ મંત્રાલયે આ વર્ષની શરૂઆતમાં અસરકારક ઍક્શન પ્લાન તૈયાર કર્યો છે, જેમાં વ્યસનમુક્તિ અને અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન જેવા મુખ્ય મુદ્દા પર ધ્યાન આપવામાં આવશે. જાન્યુઆરી મહિનામાં નૅશનલ ડ્રગ ડિમાન્ડ રિડક્શન પૉિલસીનો મુસદ્દો કૅબિનેટમાંથી પાછો ખેંચ્યા બાદ નવેસરથી ડિઝાઇન કરવામાં આવેલા ૨૦૧૮-૨૦૨૩ નૅશનલ ઍક્શન પ્લાનમાં કેન્દ્ર, રાજ્ય અને એનજીઓના સંયુક્ત પ્રયાસથી સ્કૂલ અને કૉલેજોમાં નશાનાં દુષ્પરિણામો વિશે સમજાવતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સોશ્યલ, પ્રિન્ટ અને ડિજિટલ મીડિયાના માધ્યમથી જાગૃતતા લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે.

આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

આ યોજના હેઠળ કેફી દવાઓ (કેટલીક દવાઓમાં નશો ચડે એવા પદાર્થોની માત્રા વધુ હોય છે), પેઇનકિલર્સ અને સ્નાયુઓના દરદમાં રાહત આપતી દવાઓના વેચાણને નિયંત્રિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. એઇમ્સની નિગરાણી હેઠળ નૅશનલ ડ્રગ્સ ડિપેન્ડન્સ ટ્રીટમેન્ટ સેન્ટર દ્વારા દવાઓના દુરુપયોગ અને પૅટર્ન પર નૅશનલ સર્વે હાથ ધરવામાં આવશે. ઍક્શન પ્લાનના અમલ પર નજર રાખવા સામાજિક ન્યાય મંત્રાલયના સચિવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં આરોગ્ય, માનવ સંસાધન વિકાસ, મહિલા અને બાળવિકાસ, ગૃહ મંત્રાયલના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK