અપોલો 11 : માનવીની ઊંચી છલાંગની ગોલ્ડન જ્યુબિલી

Published: Jul 14, 2019, 14:11 IST | વર્ષા ચિતલિયા | મુંબઈ

૧૮૯૬થી ૨૦૧૬ની ઑલિમ્પિક ગેમ્સની અનેક વસ્તુઓ તેઓ ધરાવે છે.

અપોલો 11નું કલેક્શન
અપોલો 11નું કલેક્શન

૨૦૧૯ની ૨૦ જુલાઈએ અપોલો ૧૧ મિશનને ૫૦ વર્ષ પૂરાં થશે. અમેરિકાના અંતરીક્ષયાન અપોલો ૧૧ દ્વારા માનવીએ ચંદ્રની ધરતી પર પ્રથમ પગ મૂક્યો હતો. નાસાનું આ મિશન એક ઐતિહાસિક ઘટના છે. અપોલો એ અમેરિકાની અંતરીક્ષ સંસ્થા નાસા દ્વારા સ્થાપિત અવકાશયાનોની જુદી-જુદી શૃંખલા છે જે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જૉન એફ કેનેડીને સમર્પિત છે. તેમણે ચંદ્રની ધરતી પર માનવ અવકાશયાન મોકલવાનું સ્વપ્ન જોયું હતું. અપોલો ૧૧ પ્રથમ એવું ચંદ્રયાન હતું જેણે માનવને લઈને ચંદ્રની ધરતી પર સફળ ઉતરાણ કર્યું હતું. ૧૯૬૯થી ૧૯૭૪ દરમ્યાન અપોલો શૃંખલાના વિવિધ અવકાશયાને ઉડાન ભરી હતી. અમેરિકાના અપોલો અભિયાન હેઠળ મોકલવામાં આવેલાં વિવિધ યાનોમાંથી અપોલો ૧૧ નાસાના માનવ મિશનનું પાંચમું તેમ જ ચંદ્રની ધરતી પર ઉતરાણ કરનાર ત્રીજું યાન હતું. આ પહેલાં અમેરિકાએ માનવરહિત બે અવકાશયાન ચંદ્ર પર મોકલ્યાં હતાં. ૧૯૬૯ની ૧૬ જુલાઈએ સવારે ૯.૩૨ વાગ્યે કેનેડી અંતરીક્ષ કેન્દ્ર પરથી માનવને લઈને ચંદ્ર તરફ પ્રયાણ કરનારા અપોલો ૧૧ની ઉડાનને જોવા ૧૦ લાખ લોકો નજીકના દરિયાકિનારે તેમ જ માર્ગ પર એકત્ર થયા હતા. આશરે ૬૦ કરોડ લોકોએ ટીવી પર લાઇવ ટેલિકાસ્ટ જોયું હતું. ઉડાનની ૧૨ મિનિટ બાદ અપોલો ૧૧ પૃથ્વીની કક્ષામાં પ્રવેશ્યું હતું. ૧૯૬૯ની ૨૦ જુલાઈએ રાતે ૮.૧૭ વાગ્યે એ‌ને ચંદ્ર પર ઉતારવામાં આવ્યું હતું. માનવીની આ ઊંચી છલાંગ સુવર્ણ અક્ષરે લખાયેલી ઘટના છે. ત્યાર બાદ નાસા દ્વારા અંતરીક્ષમાં ૬ વખત અપોલો યાન મોકલવામાં આવ્યાં હતાં જેમાંથી પાંચ યાનને ચંદ્રની ધરતી પર ઊતરવામાં સફળતા મળી હતી. ૭૦ના દાયકા બાદ ૨૦૦૭ સુધી પૃથ્વીની નીચલી કક્ષામાં ભ્રમણ માટે કોઈ યાન મોકલવામાં આવ્યું નહોતું.

સાંતાક્રુઝના નિકુંજ શાહ પાસે છે મિશન અપોલો 11નાં કલેક્શન
ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રૉન્ગના હસ્તાક્ષરવાળા ઓરિજિનલ ફોટોગ્રાફ્સ, અવકાશયાને જ્યાં અવતરણ કર્યું હતું એ સ્થળનો નકશો, સ્પેસક્રાફ્ટ્સ કોલમ્બિયા અને લુનાર મૉડ્યુલ ઇગલના પાર્ટ્સમાંથી બનાવેલા મેડલ્સ સહિત આ ઐતિહાસિક ઘટના સાથે સંકળાયેલી અનેક અલભ્ય ચીજવસ્તુઓનો સંગ્રહ સાંતાક્રુઝમાં રહેતા નિકુંજ શાહ પાસે છે.
દશા શ્રીમાળી વૈષ્ણવ જ્ઞાતિના ૬૧ વર્ષના નિકુંજભાઈનો હોલસેલ પેપરનો વ્યવસાય છે. છેલ્લાં આઠેક વર્ષથી આ પ્રકારની ચીજવસ્તુનો સંગ્રહ કરવાની તેમણે શરૂઆત કરી છે. પોતાના આ જુદા જ પ્રકારના શોખ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘૧૯૬૯માં જ્યારે ચંદ્ર પર પ્રથમ ઉતરાણ થયું ત્યારે ડેટ્રોઇટમાં રહેતા મારા કાકાએ આ ઘટનાના કેટલાક ફોટોગ્રાફ્સ મોકલ્યા હતા. ત્યારથી આવા મિશન વિશે વધુ જાણવાની જિજ્ઞાસા થઈ હતી. થોડાં વર્ષ પહેલાં એક મિત્ર દ્વારા જાણ થઈ કે મિશન અપોલો ૧૧નું અમુક કલેક્શન અવેલેબલ છે. ત્યારથી નીલ આર્મસ્ટ્રૉન્ગના પુત્રો તેમ જ વિશ્વભરના અન્ય સંગ્રહકો પાસેથી આ બધી વસ્તુ પ્રાપ્ત કરી છે. મારા કલેક્શનમાં તમામ વસ્તુઓ સર્ટિફાઇડ છે.
અવકાશયાન કોલમ્બિયા પરની હિટશીલ્ડ અને ફોઇલ, અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ રિચર્ડ નિકસન, નીલ આર્મસ્ટ્રૉન્ગ, એડવિન ઓલ્ડ્રિન અને માઇકલ કોલિન્સના હસ્તાક્ષરવાળી તકતી જેની એક કૉપી ચંદ્ર પર મૂકવામાં આવી છે એ પણ નિકુંજભાઈ પાસે છે. આ ઉપરાંત ચંદ્ર અવતરણના પ્રથમ દિવસે બહાર પાડવામાં આવેલા કવર્સ અને સ્ટૅમ્પ્સ પણ તેમની પાસે છે જેના પર નાસાના એન્જિનિયર્સના હસ્તાક્ષર છે. આ ઘટનાને ‘લૉસ ઍન્જલસ ટાઇમ્સ’એ ૧૯૬૯ની ૨૧ જુલાઈએ કવર કરી હતી એની કૉપી તેમ જ ૨૦ ઑગસ્ટના દિવસે ‘લાઇફ’ મૅગેઝિન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી કવર-સ્ટોરીની કૉપી પણ તેમણે સાચવી રાખી છે.
મિશન અપોલો ૧૧ પૂર્ણ થયા બાદ ૧૯૬૯ની ૧૩ ઑગસ્ટે અમેરિકાના પ્રેસિડેન્ટ રિચર્ડ નિકસને ત્રણેય અવકાશયાત્રીના સન્માનમાં જે કાર્યક્રમનું આયોજન કર્યું હતું એનાં ઇન્વિટેશન કાર્ડ, ડિનરનું મેન્યૂ, મહેમાનોની યાદી અને સન્માનના ઓરિજિનલ ફોટોગ્રાફ પણ તેમના કલેક્શનમાં છે. નીલ આર્મસ્ટ્રૉન્ગના પુત્રો રીક અને માર્ક પાસેથી તેમણે અમુક વસ્તુઓ પ્રાપ્ત કરી છે. આ ઘટનાના કલેક્શન ઉપરાંત તેમની પાસે પ્રાચીન સિક્કાઓ અને જૂની નોટોનો સંગ્રહ પણ છે. ૧૮૯૬થી ૨૦૧૬ની ઑલિમ્પિક ગેમ્સની અનેક વસ્તુઓ તેઓ ધરાવે છે. પત્ની પ્રજ્ઞાબહેન, પુત્ર સુમીત અને પુત્રવધૂ ઈશા તેમ જ નાના પુત્ર રાહુલની સહાયથી તેમણે આ તમામ વસ્તુઓ એકઠી કરી છે.

આ પણ વાંચો : જાણો આજ-કાલ શું કરી રહ્યા છે 'હમ પાંચ'ના કલાકારો?

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK