Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમ : શબની અવદશા

કૉલમ : શબની અવદશા

13 April, 2019 12:03 PM IST |
વર્ષા ચિતલિયા

કૉલમ : શબની અવદશા

શબ

શબ


થોડા મહિનાઓ પહેલાં મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત સાયન હૉસ્પિટલના મડદાંઘરના ઍરકન્ડિશનમાં યાંત્રિક ખામી સર્જાતાં હૉસ્પિટલના સત્તાવાળાઓને એંસી જેટલાં શબનો તાત્કાલિક નિકાલ કરવાની ફરજ પડી હતી. પોલીસતપાસ ચાલુ હોય અથવા પરિવારની શોધ ચાલતી હોય એવાં કેટલાંક શબને અન્ય હૉસ્પિટલનાં મડદાંઘરમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યારે બાકીના મૃતકોના અંતિમસંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. હૉસ્પિટલના વહીવટી તંત્રે તરત જ નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓને જાણ કરી હતી કે તેઓ હવે વધુ બૉડી સ્વીકારી શકે એમ નથી. આવી ઘટના છાશવારે બનતી હોય છે. હૉસ્પિટલોના શબગૃહમાં ખડકાતી અસંખ્ય લાશોની કાળજી લેવી અને સમયમર્યાદા પૂરી થયા બાદ એનો નિકાલ કરવો એ આ શહેરની અનેક સમસ્યાઓમાંની એક છે.

મૃતદેહોને સાચવવા અને એના નિકાલ માટે અનેક પ્રકારના પડકારોના સંદર્ભમાં સંબંધિત અધિકારીઓ અને સામાજિક કાર્યકર સાથે થયેલી ચર્ચા પ્રસ્તુત છે.



બૉડી આવે ક્યાંથી?


Any body comes through police and goes through police એમ જણાવતાં મુંબઈ પોલીસનાં પાંચ પોસ્ટમૉર્ટમ સેન્ટરના વડા ડૉ. એસ. એમ પાટીલ કહે છે, ‘મડદાંઘરમાં આવતી કોઈ પણ બૉડી પોલીસ મારફત જ આવે છે અને એનો નિકાલ કરવાની જવાબદારી પણ એની જ હોય છે. જ્યાં સુધી સરકારી ઑર્ડર ન આવે ત્યાં સુધી એને મડદાંઘરમાં સાચવી રાખવી પડે છે. મુંબઈની હદમાં આવેલાં ૯૪ પોલીસ-સ્ટેશનની કામગીરીને વ્યવસ્થિત પાર પાડવા કુલ ૧૦ પોસ્ટમૉર્ટમ સેન્ટર છે. એમાંથી ભગવતી, સિદ્ધાર્થ, રાજાવાડી, કૂપર અને જે. જે. એમ પાંચ મહત્વનાં સેન્ટરની કામગીરી મારી નિગરાણી હેઠળ થાય છે. દરેક સેન્ટર પર ચાર ડૉક્ટરની નિમણુંક કરવામાં આવી છે. અકસ્માત, આત્મહત્યા, મર્ડર અથવા માનવ સર્જિત અથવા કુદરતી આફત જેવી કટોકટીના સમયે પોલીસ બૉડી લઈને આવે એટલે સૌથી પહેલાં પોસ્ટમૉર્ટમ થાય. પોલીસતપાસમાં જરૂર હોય તો મૃતદેહનો ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવે છે. અનઆઇડેન્ટિફાઇ એટલે ન ઓળખાયેલી અને અનક્લેઇમ્ડ એટલે નધણિયાતી બૉડીને જુદી-જુદી રાખવામાં આવે છે. સિદ્ધાર્થમાં રોજની સરેરાશ પાંચ, કૂપરમાં છ, જે.જે.માં બે, ભગવતીમાં દસ અને રાજાવાડીમાં પંદર બૉડી આવતી હોય છે.’

કેટલા દિવસનો કાયદો


સરકારી ઠરાવ અનુસાર સાત દિવસ બાદ બૉડી ડિસ્પોસ્ડ કરી શકાય છે. મોટા ભાગે પાંચથી સાત દિવસમાં કેસ ઉકેલાઈ જતા હોય છે, પરંતુ કોઈક વાર બેથી ત્રણ મહિના પણ લાગી જાય. લાંબો સમય સુધી બૉડી રાખવાની હોય તો એને એમ્બેલમિંગ કરીને રાખવામાં આવે છે એમ જણાવતાં ડૉ. એસ. એમ. પાટીલ કહે છે, ‘આ એક રાસાયણિક પ્રક્રિયા છે, જેમાં શરીરમાંથી લોહી કાઢી અમુક પ્રકારનાં રસાયણો ઇન્જેક્ટ કરવામાં આવે છે. કસાબની સાથે આવેલા મુંબઈ હુમલાના અન્ય નવ આરોપીની બૉડીને એમ્બેલમિંગ કરીને જે. જે હૉસ્ટિપલના મડદાંઘરમાં અઢાર મહિના સાચવીને રાખવામાં આવ્યાં હતાં. સમયમર્યાદા પૂરી થયા બાદ જે પોલીસ-સ્ટેશનનો કેસ હોય એને અમે સૂચિત કરી દઈએ છીએ. તેઓ મૃતદેહના અંતિમસંસ્કાર કરી દે છે. આ સિવાય ૧૯૪૯ના કાયદાનુસાર મેડિકલ કૉલેજને પણ મૃતદેહ સોંપવામાં આવે છે. એક મતૃદેહ માટે અમે કૉલેજ પાસેથી ૨૫૦૦ રૂપિયા લઈએ છીએ. અમે દરેક પરિસ્થિતિને પહોંચી વળીએ છીએ, પરંતુ કુદરતી આફત, માનવસર્જિત હોનારતો અને બૉમ્બબ્લાસ્ટ જેવી ઘટના ઘટે ત્યારે અમારી સામે પડકારો વધી જાય છે. ૨૦૦૭માં મુંબઈમાં પૂર આવ્યો ત્યારે એકસાથે ૫૭૮ બૉડી આવી હતી.’

રાજાવાડી હૉસ્પિટલ

રાજાવાડીમાં વર્ષે ૨૬૦૦થી ૨૭૦૦ બૉડી આવે છે, જે મુંબઈમાં હાઈએસ્ટ છે. એમાંથી ૭૦ ટકા બૉડી ક્લેમ થઈ જાય છે તેથી લાંબો સમય સાચવવાની આવશ્યકતા પડતી નથી. મુંબઈનાં તમામ સેન્ટરમાંથી રાજાવાડી હૉસ્પિટલ પર સૌથી વધુ ભાર પડતો હોવાનું કારણ શું? આ સંદર્ભે વાત કરતાં રાજાવાડી પોસ્ટમૉર્ટમ સેન્ટરના મુખ્ય અધિકારી શિવાજી પાટીલ કહે છે, ‘વેસ્ટર્ન ઝોનમાં વધુ પોસ્ટમૉર્ટમ સેન્ટર છે, જ્યારે સેન્ટ્રલમાં માત્ર રાજાવાડી જ છે. આ ઉપરાંત અમારી હૉસ્પિટલની હદમાં ૩૫ પોલીસ-સ્ટેશન આવે છે તેથી લૉડ વધુ પડે છે. અહીં બૉડીની અવરજવર સતત ચાલ્યા કરે છે. સરેરાશ જોવા જઈએ તો અઠવાડિયે એક કેસ તો મર્ડરનો જ હોય છે. મર્ડરના કેસમાં અમે રાત્રે બૉડીને મડદાંઘરમાં મૂકી દઈએ છીએ અને બીજા દિવસે પોસ્ટમૉર્ટમ કરવામાં આવે છે. બાકીના કેસમાં તાબડતોબ પોસ્ટમૉર્ટમ કરી આપવાનું હોય. એક પોસ્ટમૉર્ટમ કરતાં અમને એકથી દોઢ કલાકનો સમય લાગે છે. બૉડીને એમ્બેલમિંગ કરવાની પરવાનગી માત્ર જે. જે હૉસ્પિટલ પાસે જ છે. આ સિવાય બધાં જ મડદાંઘરમાં ચાર ડિગ્રી તાપમાનમાં બૉડીને સાચવી રાખવામાં આવે છે. કોઈ પણ પ્રકારની ટેક્નિકલ ખામી સર્જાય તો એના સમારકામની જવાબદારી હૉસ્પિટલની હોય છે. આવી ઘટનાઓ બનતી હોય છે, પણ બે-ચાર કલાકમાં સૉલ્વ થઈ જાય છે. જો કદાચ વધુ સમય લાગે તો અમે પોલીસ-સ્ટેશનને સૂચના આપીએ. હૉસ્પિટલમાં શબવાહિની હાજર જ હોય એટલે તરત બીજે ખસેડી શકાય છે.’

હાઇજિન

મડદાંઘરોમાં સબડતા મૃતદેહોની દશા એરેરાટી ઊપજાવે એવી હોય છે. એકની ઉપર એક ખડકી દીધેલા મૃતદેહોની આસપાસ દોડાદોડ કરતા ઉંદરો એને ચાવી જાય છે, ખોતરી નાખે છે. લાંબા સમય સુધી સાચવી રાખેલું શબ ધીમે-ધીમે ક્ષીણ થતું જાય છે અને બચે છે માત્ર અવશેષો. ચોમાસાની મોસમમાં તો એટલી તીવ્ર ગંધ આવે છે કે તમે ક્ષણિક પણ ત્યાં ઊભા ન રહી શકો. જરા વિચારો, એ કર્મચારીઓનું શું થતું હશે જેઓ મડદાંઘરની રખેવાળી કરતા હશે? નામ ન આપવાની શરતે વાત કરતાં એક હૅન્ડલરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ક્ષમતા કરતાં વધુ બૉડી રાખવાને કારણે અમને ખૂબ હેરાનગતિ થાય છે. અમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની પ્રશાસનને પડી નથી. ફેસમાસ્ક અને એપ્રન જેવી જરૂરિયાતની વસ્તુ પણ નિયમિત આપવામાં આવતી નથી. હાથમાં ગ્લવ્ઝ પર્હેયા વગર બૉડીને ખસેડીએ છીએ. મડદાને ઓઢાડવામાં આવેલી ચાદરો વાસ મારતી હોય છે. કેટલીક વાર અમને ઊલટી પણ થઈ જાય છે. ઉંદરોનો તો એટલોબધો ત્રાસ છે કે વાત ન પૂછો. આ બાબતે અનેક ફરિયાદો કર્યા છતાં અમારી વાત બહેરા કાને અથડાય છે. આવકનાં બીજાં સાધનો ન હોવાને કારણે જીવ જોખમમાં મૂકીને પણ અમે આ કામ કરીએ છીએ.’

મડદાઘરના કર્મચારીઓના આરોગ્યની કાળજી વિશે સ્પષ્ટતા આપતાં ડૉ. એસ. એમ. પાટીલ કહે છે, ‘મડદાઘરમાં બૉડીને કૅબિનેટમાં જ રાખવામાં આવે છે. આ જગ્યા સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ આ બધી વાતોથી ટેવાયેલા છે. મડદાંઘરની રખેવાળી કરતાં કર્મચારીઓનો દર ત્રણ મહિને મેડિકલ ટેસ્ટ થાય છે. તેમના આરોગ્ય કાર્ડમાં બધી વિગતો લખવામાં આવે છે. આવશ્યક જણાય તો ક્લિનિકલ ટેસ્ટ પણ થાય. તેમના આરોગ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે.’

રેલવે અકસ્માત

વસ્તીથી ફાટફાટ થતા મુંબઈમાં કીડી-મકોડાંની જેમ લોકો લોકલ ટ્રેનમાં ચડે છે. ટ્રેન અકસ્માતમાં રોજ કેટલાં મર્યા, તેમના મૃતદેહનું શું થયું, પરિવારને જાણ થઈ કે નહીં, આ બધું જાણવાની ભાગ્યે જ કોઈને પડી હોય છે. ઘણાં વર્ષ સુધી કુર્લા રેલવે સ્ટેશન પર લાવારિસ લાશનો નિકાલ કરવાની ડ્યુટી બજાવનારા અને હાલમાં દાદર ખાતે તૈનાત રેલવે પોલીસ ફોર્સનાં મહિલા કોન્સ્ટેબલ નયના દિવેકર કહે છે, ‘રેલ અકસ્માતમાં મૃત્યુ પામેલી વ્યક્તિની ઓળખ ન થાય તો તેમની અંતિમવિધિ અમારે જ કરવી પડે છે. અકસ્માત થાય એટલે સૌથી પહેલાં બૉડીને તાબામાં લેવા માટેનું અનાઉન્સમેન્ટ થાય. ત્યાર બાદ પંચનામું થાય. મૃત્યુ પામનાર વ્યક્તિનાં ખિસ્સાં કે પર્સ ફંફોળીને જોઈએ કે આધાર કાર્ડ, પૅન કાર્ડ કે અન્ય રીતે ઓળખ થતી હોય તો. શબ વિકૃત થઈ ગયું હોય અથવા કોઈ રીતે ઓળખ ન થાય તો અમે અખબારમાં ફોટો પણ આપીએ. જે સ્ટેશન પર અકસ્માત થયો હોય એના અધિકાર ક્ષેત્રમાં આવતા પોલીસ-સ્ટેશનમાં રિપોર્ટ લખાવી લાવારિસ શબને રાજાવાડી, સાયન, કેઈએમ એમ કોઈ પણ સરકારી હૉસ્પિટલના મડદાંઘરમાં મૂકવામાં આવે છે. રેલવે અકસ્માતના કેસમાં મૃતદેહને લેવા કોઈ ન આવે તો કાયદાનુસાર સાતમા દિવસે અંતિમસંસ્કાર કરી શકાય છે, પરંતુ મરનારની અંતિમવિધિ પરિવારના હાથે થાય એવા હેતુથી અમે વધુ પાંચ-સાત દિવસ પ્રયાસો ચાલુ રાખીએ છીએ. શબની જાળવણીનો ખર્ચ જે તે હૉસ્પિટલ દ્વારા ઉપાડવામાં આવે છે. જ્યારે કન્ફર્મ થઈ જાય કે લાશ લાવારિસ છે ત્યારે ડૉક્ટરી તપાસમાં જાણવા મળ્યા મુજબ ધર્મ અનુસાર સ્મશાનભૂમિ અથવા તો કબ્રસ્તાનમાં અંતિમવિધિ કરવામાં આવે છે. મારી ગણતરી પ્રમાણે કુર્લામાં દર વર્ષે પાંચસો જેટલા રેલ અકસ્માત થાય છે. એમાંથી અંદાજે સો જેટલા મૃતકોનાં શબને લેવા ક્યારેય કોઈ આવતું નથી. છેલ્લાં પાંચ વર્ષમાં મેં મારા હાથે પાંચસો જેટલા લાવારિસ મૃતદેહના અંતિમસંસ્કાર કર્યા છે. આ કામ માટે અમને એક હજાર રૂપિયા ફાળવવામાં આવે છે. આટલા પૈસામાં અંતિમવિધિ કરવી મુશ્કેલ બને તો આ ઉમદા કાર્ય માટે અમે અમારાં ખિસ્સાંમાં હાથ નાખતાં પણ અચકાતાં નથી.’

એક કેસ વિશે વાત કરતાં નયના કહે છે, ‘ભારતભરમાંથી રોજ હજારો લોકો અહીં રોજીરોટીની તલાશમાં આવે છે અને કાળનો કોળિયો બની જાય છે. થોડા સમય પહેલાં ટ્રેન નીચે આવી જતાં એક પુરુષનું મૃત્યુ થઈ ગયું હતું. અનેક પ્રયાસો બાદ અમને તેના પરિવારને શોધવામાં સફળતા મળી હતી. એ બિહારથી મુંબઈ આવ્યો હતો. હવે થયું એવું કે ઘરમાં પૈસા આપવામાં નાટક કરતો હતો તેથી પત્નીને તેનામાં રસ નહોતો. પરિવાર અહીં આવીને શબ સ્વીકારવા તૈયાર ન થયો એટલે અમારી ટીમ બિહાર ગઈ. તેની પત્નીને કહ્યું કે મુંબઈ આવવાનો અને શબને બિહાર લઈ જવા માટેનો તમામ ખર્ચ અમે ઉપાડીશું, પણ તમે ચાલો અને તમારા પતિના મૃતદેહને લઈ જાઓ. તે માની જ નહીં. અમને કહે, મેરા આદમી મર ગયા, અબ ઉસકા ઔર મેરા કિસ્સા ખતમ હુઆ. આખરે અમારે જ અંતિમસંસ્કાર કરવા પડ્યા હતા. આવા તો અનેક કિસ્સા બને છે, જેમાં પરિવાર પણ સાથ નથી આપતો.’

એનજીઓની ભૂમિકા

આ શહેરમાં માનવતા મરી પરવારી છે. પરિવારની બીમાર વ્યક્તિને પણ લોકો ભલે મરતો, ભાંગી જંજાળ સમજીને તરછોડી દેતા હોય છે એવો આક્રોશ વ્યક્ત કરતાં બિનસરકારી સંસ્થા અમન ટ્રસ્ટના સંસ્થાપક અબ્દુલ ગની કહે છે, ‘ટીબી હૉસ્પિટલ, સાયન હૉસ્પિટલ, જે. જે, નાયર અને સેન્ટ જ્યૉર્જ હૉસ્પિટલમાં મૂકવામાં આવેલા પેશન્ટનાં અસ્વીકૃત શબ મોટા ભાગે અમને જ સોંપવામાં આવે છે. વર્ષ ૨૦૦૮થી અત્યાર સુધીમાં અમે ત્રણસો જેટલાં શબની અંતિમવિધિ કરી છે. મારો અનુભવ કહે છે કે મડદાંઘરોમાં રાખવામાં આવેલાં ૬૦ ટકાથી વધુ શબ ટીબી અને એચઆઇવી પેશન્ટનાં જ હોય છે. એ સિવાય રસ્તે રઝળતા ડ્રગ્સ-ઍડિક્ટ અને કેટલાક કેસમાં બહારગામથી મુંબઈ સારવાર માટે આવેલા કૅન્સરના દરદી પણ હોય છે. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઘરમાં કોઈને બીમારી લાગુ પડે એટલે પરિવારના સભ્યો તેને સારવાર માટે ટીબી હૉસ્પિટલમાં મૂકી આવે. પછી એ લોકો ક્યારેય પાછું વળીને જોતા નથી કે વ્યક્તિ જીવતી છે કે મરી ગઈ.’

શિવરીની ટીબી હૉસ્પિટલ મેડિકલ સ્ટુડન્ટ્સના અભ્યાસ માટે ડેડ બૉડી ફાળવતું મુખ્ય કેન્દ્ર છે એમ જણાવતાં અબ્દુલભાઈ કહે છે, ‘ટીબી પેશન્ટનું મૃત્યુ થાય એટલે હૉસ્પિટલના સત્તાવાળા તેને દાખલ કરવા આવેલી વ્યક્તિનો સંપર્ક કરવાનો પ્રયાસ કરે. મોટા ભાગે ફોન બંધ જ આવે. એક અઠવાડિયા સુધી અલગ અલગ સમયે કૉન્ટૅક્ટ કરવાનો પ્રયાસ કરે. આ તમામ બાબતનો રેકોર્ડ રાખવામાં આવે. ઘણી વાર પરિવારના સભ્યો જ હાથ ઊંચા કરીને કહી દે કે અમારે બૉડી નથી જોઈતી તમારે જે કરવું હોય એ કરો. ત્યાર બાદ બૉડીનું પોસ્ટમૉર્ટમ કરી મેડિકલ કૉલેજને હૅન્ડઓવર કરવાની પ્રક્રિયા શરૂ થાય. એ લોકો એક્ઝામિનેશન કરે, જુએ કે બૉડીની કન્ડિશન કેવી છે. અભ્યાસ માટે કામ લાગે એમ ન હોય તો એ લોકો પણ ન સ્વીકારે. છેલ્લે બૉડીને હૉસ્પિટલના મડદાંઘરમાં ખડકી દેવામાં આવે છે. પંદર દિવસ થાય એટલે હૉસ્પિટલના સત્તાવાળા પોલીસને જાણ કરે કે અમારે ત્યાં જગ્યા નથી, તમે બૉડીનો નિકાલ કરો. બૉડીના નિકાલને લઈને બન્ને વચ્ચે તૂ તૂ મૈં મૈં ચાલ્યા કરે. કોઈ જવાબદારી લેવા તૈયાર ન થાય.’

અહીં અમારો રોલ શરૂ થાય છે. ફરી વાતનો દોર હાથમાં લેતાં અબ્દુલભાઈ કહે છે, ‘અમે તેમને કહીએ કે શબ અમને સોંપી દો. મૃતકના ધર્મ અનુસાર અમે અંતિમવિધિ કરીશું. કાયદાકીય પેપર તૈયાર કરવામાં એ લોકો અમને બીજા દસ દિવસ દોડાવે. બૉડીનો કાર્ડ નંબર, એડીઆર નંબર (ઍક્સિડન્ટ ડેથ રિપોર્ટ) સહિત તમામ બાબતોની વિગતવાર નોંધણી કર્યા બાદ બૉડી રિલીઝ કરે. આ આખી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધીમાં મૃત્યુને અંદાજે દોઢેક મહિનો થઈ ગયો હોય. અમને પેશન્ટની બૉડી સોંપવામાં આવે છે એટલે તેમનો ધર્મ ખબર હોય છે. મુસ્લિમ હોય તો હું જાતે કબ્રસ્તાનમાં જઈને દફનાવી આવું અને હિન્દુ હોય તો અમારી સંસ્થા સાથે જોડાયેલા કાર્યકરો સ્મશાનભૂમિમાં જાય છે. આ કામ કરવા પાછળનો અમારો હેતુ એટલો જ કે મૃત્યુ પામનારની અંતિમવિધિ તેના ધર્મ અનુસાર અને ગૌરવભેર થાય. આ માટે જે પણ ખર્ચ થાય છે એ અમે બધા મળીને ભોગવી લઈએ છીએ. એક વખત અમને દોઢ વર્ષ જૂની બૉડી સોંપવામાં આવી હતી. શબ એટલું કોહવાઈ ગયું હતું કે જ્યારે એને હાથ લગાવ્યો ત્યારે ચામડી હાથમાં આવી ગઈ હતી. તમને કહી દઉં કે આ કામ બહુ અઘરું છે. ઉપરવાલે કી રહમ હૈ ઇસલિયે હમ યહ કામ કર લેતે હૈ. મડદાંઘરમાંથી જ્યારે શબ રિલીઝ થાય ત્યારે ગંધાતું હોય. નાકમાં એવી વાસ પેસી જાય કે ચાર દિવસ તમે જમી ન શકો. દોઢ વર્ષે સોંપવામાં આવેલા શબમાંથી તો એટલી તીવ્ર દુર્ગંધ આવતી હતી કે પાંચ વાર નાહ્યા બાદ પણ મારા પોતાના શરીરમાંથી વાસ આવતી હતી.’

ક્વૉટ

લાંબા સમય સુધી બૉડીને સાચવવા એમ્બેલમિંગ કરવામાં આવે છે. આ એક રાસાયણિક પ્રક્રિયા છે, જેમાં શરીરમાંથી લોહી કાઢી રસાયણો ઇન્જેક્ટ કરવામાં આવે છે. કસાબની સાથે આવેલા મુંબઈ હુમલાના અન્ય નવ આરોપીની બૉડીને એમ્બેલમિંગ કરીને જે. જે હૉસ્ટિપલના મડદાંઘરમાં અઢાર મહિના સાચવીને રાખવામાં આવ્યા હતા. -ડૉ. એસ. એમ. પાટીલ, મુંબઈ પોલીસ-સર્જન

મોટા ભાગનાં પોસ્ટમૉર્ટમ સેન્ટર વેસ્ટર્ન ઝોનમાં આવેલાં છે તેથી પોલીસ-સ્ટેશન વિભાજિત થઈ જાય છે, જ્યારે સેન્ટ્રલ ઝોનમાં પાંત્રીસ પોલીસ-સ્ટેશન વચ્ચે માત્ર રાજાવાડી હૉસ્પિટલ જ છે. અહીં વર્ષે ૨૬૦૦થી ૨૭૦૦ બૉડી આવે છે. -શિવાજી પાટીલ, રાજાવાડી સેન્ટરના ઇન્ચાર્જ

ટીબી અને એચઆઇવીના પેશન્ટને હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા બાદ પરિવારના સભ્યો પાછું વળીને જોતાં નથી કે વ્યક્તિ જીવતી છે કે મરી ગઈ. અમે આવા અસ્વીકૃત મૃતકોની અંતિમવિધિ તેના ધર્મ અનુસાર કરી માનવધર્મ નિભાવીએ છીએ. -અબ્દુલ ગની, સામાજિક કાર્યકર

કુર્લા જેવા વ્યસ્ત રેલવે સ્ટેશન પર વર્ષે પાંચસો વ્યક્તિ અકસ્માતનો ભોગ બને છે. આમાંથી અંદાજે સો જેટલા મૃતદેહને લેવા કોઈ આવતું નથી. તેમના શબને સાતથી પંદર દિવસ સુધી મડદાંઘરમાં સંઘરી રાખ્યા બાદ કાનૂની પ્રક્રિયા આટોપી અંતિમસંસ્કાર કરી દઈએ છીએ. -નયના દિવેકર, રેલવે પોલીસ-કૉન્સ્ટેબલ


મુંબઈની નજીક આવેલા થાણે જિલ્લાના પોસ્ટમૉર્ટમ સેન્ટરની દશા પણ સારી તો નથી જ. થાણે સિવિલ હૉસ્પિટલના મડદાંઘરની ક્ષમતા ૧૨ની છે, પરંતુ અહીં કાયમ ૪૦થી ૪૫ બૉડી ખડકી રાખવામાં આવતી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

(૨૭ માર્ચ, ૨૦૧૯ સુધીના આંકડા)

 પોસ્ટમૉર્ટમ સેન્ટર  કૅપેસિટી  ટોટલ બૉડી  ન ઓળખાયેલી મેડિકલ કૉલેજ માટે 
 જે.જે  84 38  14  02
 રાજાવાડી  67  77  27  50
 ભગવતી 45  73  38  35 
 કૂપર 56 68 22  46 
 સિદ્ધાર્થ  18 10  06  04 


આ પણ વાંચો : પર્ફેક્શનની જરૂરિયાત: ભૂલ સ્વીકારો, તેનું પુનરાવર્તન ક્યારેય માફ ન કરો

પોલીસ વેબસાઇટથી હેલ્પ મળી : નીલેશ બારિયા, ખાર

ખારમાં રહેતા ૬૨ વર્ષના દિનેશ બારિયાનો મૃતદેહ સોળમા દિવસે કેઈએમ હૉસ્પિટલના મડદાંઘરમાંથી મળ્યો હતો. તેમનું ડેથ કઈ રીતે થયું અને મૃતદેહની ભાળ ક્યાંથી મળી એ આખા ઘટનાક્રમ વિશે મિડ-ડે સાથે વાતચીત કરતાં તેમના ભત્રીજા નીલેશ બારિયા કહે છે, ‘વાસ્તવમાં તેમને ભૂલી જવાની બીમારી હતી. તેઓ પહેલાં પણ ઘણી વાર ખોવાઈ ગયા હતા. સવારથી ગાર્ડનમાં બેસવાનું અને બપોરે જમવાના સમયે ઘરે આવી જવાનો તેમનો નિત્યક્રમ હતો. નવેમ્બર, ૨૦૧૮ના અંતે તેઓ સમયસર ઘરે ન આવ્યા એટલે હંમેશાંની જેમ અમે શોધખોળ આદરી. છેલ્લે પોલીસમાં ફરિયાદ નોંધાવી. કાયદા મુજબ મિસિંગની ફરિયાદને ચોવીસ કલાક થાય પછી પોલીસ કાર્યવાહી આગળ વધે. એક તરફ અમે હૉસ્પિટલો અને મડદાંઘરની મુલાકાત લેતા હતા અને બીજી તરફ પોલીસ પણ તેમને શોધી રહી હતી. દરમ્યાન અમે સાયન હૉસ્પિટલમાં ગયા તો એક પોલીસ-ઇન્સ્પેક્ટરે સલાહ આપી કે મુંબઈ પોલીસની વેબસાઇટ પર અનક્લેમ્ડ બૉડીના ફોટા તપાસો. એમાં અમને કાકાનો ફોટો દેખાયો. નીચે દાદર પોલીસનો કૉન્ટૅક્ટ નંબર લખેલો હતો. પોલીસ-સ્ટેશનમાં હાજર કૉન્સ્ટેબલ અમને કેઈએમ લઈ ગયો. જોગાનુજોગ એ જ દિવસે બૉડીને તેઓ ડિસ્પોસ્ડ કરવા લઈ જવાના હતા. તેમની સાથે બીજી બે બૉડી પણ શબવાહિનીમાં મૂકવા તૈયાર હતી. પોલીસે અમને જણાવ્યું હતું કે ચિંચપોકલી પર રેલવે ક્રોસિંગ કરતાં તેમનો અકસ્માત થયો હતો. ચહેરા પર જમણી બાજુ ટ્રેનનો ફટકો પડ્યો હતો એ જગ્યાએ ટાંકા લેવામાં આવ્યા હતા એટલું જ, બાકી બૉડીને ઓળખી શકાય એવી રીતે સાચવીને રાખવામાં આવી હતી. વેબસાઇટના કારણે અમને તેમની અંતિમવિધિ કરવા મળી હતી.’

Whatsapp-channel Whatsapp-channel

13 April, 2019 12:03 PM IST | | વર્ષા ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK