Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કુદરતને નુકસાન કર્યા વગર ગણેશજીને બિરાજમાન કરવાનો અનુભવ પૂછો આ ભક્તોને

કુદરતને નુકસાન કર્યા વગર ગણેશજીને બિરાજમાન કરવાનો અનુભવ પૂછો આ ભક્તોને

31 August, 2019 12:28 PM IST | મુંબઈ ડેસ્ક
વર્ષા ચિતલિયા

કુદરતને નુકસાન કર્યા વગર ગણેશજીને બિરાજમાન કરવાનો અનુભવ પૂછો આ ભક્તોને

દીપ પારેખના ઘરે પૂંઠામાંથી બનાવેલા મહાપ્રભુજીનની ચોર્યાસી બેઠકજીનાં દર્શન.

દીપ પારેખના ઘરે પૂંઠામાંથી બનાવેલા મહાપ્રભુજીનની ચોર્યાસી બેઠકજીનાં દર્શન.


છેલ્લાં થોડાં વર્ષોથી પર્યાવરણ અને પ્રદૂષણ બાબતે ગણેશભક્તોમાં અવેરનેસ આવતાં ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિ લેવાનો ટ્રેન્ડ વધ્યો છે ખરો, પરંતુ આજે પણ હજારો એવા ભક્તો છે જેમનું માનવું છે કે ચારેકોર લાઇટિંગ અને અવનવી થીમના ડેકોરેશનની વચ્ચે ડાયમન્ડની ઝળકતી જ્વેલરી અને ઝગમગતા પીતાંબર સાથે સિંહાસન પર રાજાધિરાજની જેમ બિરાજમાન ગણપતિબાપ્પાનો જે મોભો પીઓપીની મૂર્તિમાં જોવા મળે છે એવી મજા ઇકો-ફ્રેન્ડ્લી ગણેશજીમાં આવતી નથી. ચાલો જોઈએ, પર્યાવરણની સુરક્ષા કાજે આવી વિચારધારામાંથી બહાર આવો અને જુઓ આ ભક્તોના ઘરે બિરાજતા ઇકો-ફ્રેન્ડ્લી બાપ્પાનો દબદબો.

દૂર્વાના આસન પર બિરાજમાન અષ્ટવિનાયક સ્વરૂપ જ જોઈએ આ ગણેશભક્તને
છેલ્લાં ૧૪ વર્ષથી અમારા ઘરે ગૌરી સાથે બાપ્પાની પધરામણી થાય છે એમ જણાવતાં ફાલ્ગુની ગોરડિયા કહે છે, ‘મને ગણપતિબાપ્પા પર એટલી શ્રદ્ધા છે કે પ્રથમ વર્ષથી જ અષ્ટવિનાયક સિવાય કોઈ સ્વરૂપ લેતી નથી. શરૂઆતનાં સાત વર્ષ અમે પીઓપીની મૂર્તિ લાવ્યા હતા. વિસર્જનના બીજા દિવસે કિનારા પર જે ગંદકી જોવા મળે છે અને માછલાંઓ મરી જાય છે એના ફોટા અખબારોમાં જોઈને અરેરાટી ઊપજવા લાગી. થયું કે આપણે આટલી શ્રદ્ધાપૂર્વક બાપ્પાની પૂજા કરીએ પછી આ દૃશ્યો જોવા મળે તો કોઈ અર્થ નથી. ખાસ કરીને મારી દીકરીને ઍનિમલ માટે સૉફ્ટ કૉર્નર છે. બીચ પર ફરવા ગયા હોઈએ તો હૉર્સ રાઇડિંગ પણ ન કરે. છેલ્લા સાત વર્ષથી માટીમાંથી બનાવેલી મૂર્તિ જ લાવીએ છીએ.’



રાયગડ જિલ્લાના પેણના કુશળ કારીગરો પાસે મૂર્તિ બનાવવાનો
આગ્રહ રાખું છું એમ શ્રદ્ધાપૂર્વક જણાવતાં ફાલ્ગુની કહે છે, ‘માટીની ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિ હાથેથી ઘડવામાં આવે છે. બાપ્પાની મૂર્તિ ઘડાતી હોય ત્યારે હું કારીગરના માથા પર ઊભી રહું. કારીગરોને પણ ખબર છે કે હું કચકચ કરવા આવીશ. મૂર્તિ માટે અલીબાગથી નેચરલ કલર્સ અમે જ લાવીને આપીએ છીએ. બાપ્પાનું આસન દૂર્વાનું હોય. ડેકોરેશનમાં એમ્બ્રૉઇડરી કરેલી પિછવાઈ વધુ ગમે. સાત દિવસના વિસર્જન બાદ એમાંથી બે દીકરીનાં ફ્રૉક સિવડાવી ઇસ્કૉન મંદિરમાં આપી દઈએ. એ જ રીતે ગૌરીનાં આભૂષણો અને સાડી પણ ડોનેટ કરવાનાં. બાપ્પાની મૂર્તિ તો કારીગરો જ બનાવે, પણ ગૌરીને હું જાતે ઘાટ આપું. આસોપાલવ, આંબાનાં પાન અને ઘરના કૂંડાની માટીમાંથી ગૌરી બને. વિસર્જન તળાવમાં કરીએ. આ સિવાય અમે એક નિયમ વર્ષોથી પાળ્યો છે. ભગવાનને એ જ ભોગ ધરાવવામાં આવે જે અષ્ટવિનાયકમાં ધરાય છે અને આરતીનો સમય પણ મંદિરના સમય સાથે ફિક્સ. આ બાબત હું જરાય બાંધછોડ કરતી નથી.’


પુણેના દગડૂશેઠનો રુઆબ મુંબઈમાં જોવો હોય તો પહોંચી જાઓ નાનાચોક
ગણપતિબાપ્પા અમારા ઘરે પધાર્યા એને આ વખતે બાવીસ વર્ષ પૂરાં થશે એવું ઉમંગભેર જણાવતાં નાનાચોક વિસ્તારમાં રહેતાં અર્ચના શાહ કહે છે, ‘પુણેના રાજાધિરાજ દગડૂશેઠનો મોભો તમને અમારા ઘરે જોવા મળશે. સાથે શ્રીગણેશજીની પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ પણ બિરાજે છે. પ્રથમવાર જ્યારે બાપ્પાની પધરામણીનો વિચાર કર્યો ત્યારે ઘણા લોકોએ અમને સલાહ આપી હતી કે ભગવાનની મૂર્તિ માટીમાંથી બનેલી હોય એવી લેજો, પીઓપીની મૂર્તિ ઓગળતી નથી. એ વખતે જોકે ઇકો-ફ્રેન્ડ્લી જેવી અવેરનેસ નહોતી. જેમ-જેમ આ બાબત સભાનતા આવતી ગઈ અમને આનંદ થયો કે ચાલો, આપણે પહેલેથી જ ઇકો-ફ્રેન્ડ્લી લાવીએ છીએ. કલર્સની બાબતમાં વેન્ડર પર ભરોસો મૂકીએ છીએ. અમને શરૂઆતથી જ માટીની મૂર્તિ અને ફ્રેશ ફ્લાવરનું કૉમ્બિનેશન ખૂબ ગમે છે. ગુલાબ, ચંપો, ગુલછડીની લળીઓ વગેરે અનેક પ્રકારનાં ફૂલ માર્કેટમાં સહેલાઈથી મળી રહે છે. ડેકોરેશનમાં ચેન્જિસ થાય, પણ હોય ફ્રેશ ફ્લાવર જ. હા, ઝગમગાટ બાપ્પાની ફરતે લાઇટિંગ કરીએ, પણ એને પધરાવવાની ન હોય એટલે દરિયાના જીવોને કોઈ નુકસાન ન થાય.’

વિસર્જન માટે અમારો દિવસ ફિક્સ નથી હોતો એમ જણાવતાં અર્ચના આગળ કહે છે, ‘રિદ્ધિ-સિદ્ધિ બિરાજે છે એટલે ગૌરી વિસર્જનનો દિવસ જ પકડીએ. એ દિવસ તિથિ અને વાર પ્રમાણે બદલાતો હોય છે. જે દિવસે ગૌરીની વિદાય થાય એ જ દિવસે અમે વિસર્જન કરીએ. ત્રણેય મૂર્તિ અને ડેકોરેશન નૅચરલ વસ્તુમાંથી બનાવેલાં હોય તેથી કોઈ પણ પાણીમાં પધરાવો, ઓગળતાં વાર લાગતી નથી.’


ઇકો-ફ્રેન્ડલી ગણપતિબાપ્પા સાથે રામાયણની થીમ
ગણપતિબાપ્પાની પધરામણી થવાની હોય ત્યારે કાંદિવલીમાં રહેતા દીપ પારેખના ઘરમાં મહિના અગાઉથી કાકા-બાપાના બધા કઝિન્સની ધમાચકડી જામે. સવારે ચાર-ચાર વાગ્યા સુધી જાગવાનું અને કરવાનું શું ? તો જવાબમાં દીપ કહે છે, ‘ડેકોરેશન, એ પણ ઇકો-ફ્રેન્ડ્લી. બાપ્પા ઇકો-ફ્રેન્ડ્લી હોય તો ડેકોરેશન પણ એવું જ જોઈએને! આ વખતે અમે રામાયણની થીમ ઊભી કરી છે. વીસ ઇંચની મૂર્તિની બરાબર પાછળ સેન્ટરમાં અયોધ્યા નગરી બનાવી છે. એક તરફ રામેશ્વર અને લંકાદહનનાં દૃશ્યો છે તો બીજી તરફ સીતાજીને રાખ્યાં હતાં એ અશોકવાટિકાનાં દૃશ્યો છે. સમસ્ત ડેકોરેશન માટે પૂંઠાંનો ઉપયોગ કર્યો છે. આ પહેલાં ગિરિરાજજી, મહાપ્રભુજીની ચોર્યાસી બેઠકજી, જ્યોતિર્લિંગ અને હિમાલયની થીમ બનાવી ચૂક્યા છીએ. ૨૦૦૭થી દર વર્ષે પૂંઠાં, રદ્દી પેપર અને કાપડનો જ ઉપયોગ કર્યો છે.’

આ પણ વાંચો : 90s નોસ્ટાલજિયાઃ યાદ છે તમને એ સમયની આ સીરિયલ અને તેમના પાત્રો?

અમારા ઘરે ૩૫ વર્ષથી બાપ્પાની પધરામણી થાય છે એમ જણાવતાં દીપ કહે છે, ‘મારા દાદા અને પપ્પા શરૂઆતમાં માટીની મૂર્તિ જ લાવતા. દસ દિવસ સુધી બાપ્પા અમારા ઘરમાં બિરાજતા. પછી નાના ઘરમાં સમાવેશ થતો નહોતો એટલે ૨૦૦૩થી દોઢ દિવસના ગણપતિ લાવીએ છીએ. અમારી જનરેશનને પીઓપીની ડેકોરેટિવ બ્રાઇટ મૂર્તિનો ક્રેઝ થયો અને ઇકો-ફ્રેન્ડ્લીમાં ચૉઇસ ઓછી હોય એટલે વચ્ચેનાં ચાર વર્ષ પીઓપીની મૂર્તિ લાવ્યા હતા પણ મન ન માન્યું એટલે ફરી ઇકો-ફ્રેન્ડ્લી તરફ વળ્યા. જોકે આજે પણ ચૉઇસ ઓછી જ છે, પરંતુ અમારો વેન્ડર દર વર્ષે નવો ઉમેરો કરે છે તેથી અમે ખુશ છીએ. ગિરિરાજજી અને વૃન્દાવનની થીમ વખતે અમને કૃષ્ણ સ્વરૂપની બાપ્પાની મૂર્તિ બનાવી આપી હતી. ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિ થોડી મોંઘી આવે છે, પણ તહેવારની મજાની સજા પાણીમાં રહેતા નિર્દોષ જીવને ભોગવવી ન પડે એ માટે થોડા વધુ પૈસા ખર્ચાય એમાં વાંધો નથી એ બાબતને ધ્યાનમાં રાખી અમે કાંદીવલીના વિલેજમાં આવેલા તળાવ અથવા સોસાયટીમાં બનાવવામાં આવેલા આર્ટિફિશ્યલ પોન્ડમાં જ પધરાવીએ છીએ.’

Whatsapp-channel Whatsapp-channel

31 August, 2019 12:28 PM IST | મુંબઈ ડેસ્ક | વર્ષા ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK