જોઈ લો આ અતિ ઉત્સાહી પુરુષોને

Published: Oct 21, 2019, 16:22 IST | વર્ષા ચિતલિયા- મેન્સ વર્લ્ડ | મુંબઈ

રંગોળી હોય કે દીવાનું ડેકોરેશન. ગળ્યા ઘૂઘરા હોય કે તીખો ચેવડો. દિવાળીમાં લક્ષ્મીજીને આવકારવા પુરુષો પણ એટલા જ ઉમંગ અને જોરશોરથી તમામ તૈયારીઓ કરે છે. ફિલ્મની અભિનેત્રીથી કાર્ટૂન-કૅરૅક્ટર અને શ્રીજીબાવાના મુખારવિંદની રંગોળી બનાવતા આ પુરુષો ડેકોરેશન કરવ

મેન્સ વર્લ્ડ

રંગોળી, દીવા, કંદીલ અને પરંપરાગત નાસ્તા વગર દિવાળીની ઉજવણી ફિક્કી લાગે. દિવાળીના દિવસોમાં ગૃહિણીઓ ફટાફટ ઘરનાં કામ આટોપીને રંગોળી કરવા બેસી જાય. આંગણામાં ખાસ્સી જગ્યા હોય તો આડોશપાડોશની મહિલાઓ ભેગી મળીને મોટીમજાની રંગોળી બનાવે. માટીના દીવામાં તેલ પૂરીને રંગોળીની આસપાસ ગોઠવે. આવતાં-જતાં કોઈ રંગોળી બગાડી ન નાખે એનું ધ્યાન પણ રાખે. આટલી મહેનતથી બનાવી હોય તો ધ્યાન તો રાખવું જ પડેને? સામાન્ય રીતે આ બધાં કામ ગૃહલક્ષ્મીના માથે હોય છે. દિવાળીમાં મહિલાઓને તેમની આવડત અને કળાનું પ્રદર્શન કરવાની તક મળી રહે છે. જોકે કળાનું આ ક્ષેત્ર મહિલાઓ સુધી સીમિત નથી, પુરુષો પણ એટલા જ ઉત્સાહી છે. દિવાળીમાં પોતાની કળાને દાખવવાનો તેમને પણ એટલો જ શોખ છે. રંગોળી બનાવવાની હોય, માટીનાં કોડિયાંને ડેકોરેટ કરવાનાં હોય કે પછી નાસ્તો બનાવવાનો હોય તેમનો ઉમંગ અને જોશ જોવા જેવો હોય છે. ચાલો ત્યારે આજે મળીએ કેટલાક દિવાળીમય પુરુષોને.

ફીમેલ ફિગરના સ્કૅચ પર રંગોળી બનાવે છે મહેન્દ્ર શાહ
લગભગ ૪૫ વર્ષથી રંગોળીમાં ફીમેલ ફિગર બનાવું છું એમ જણાવતાં વિલે પાર્લેના ટેક્સટાઇલ પ્રોસેસિંગ એન્જિનિયર મહેન્દ્ર શાહ કહે છે, ‘છેલ્લાં પાંચેક વર્ષથી ફિલ્મની અભિનેત્રીઓના સ્કૅચ દોરીને રંગોળી બનાવું છું. ગયા વર્ષે દીપિકા-રણવીરની જોડીને આબેહૂબ રંગોળીમાં ઉતારી હતી. એ પહેલાં ઐશ્વર્યા રાય બચ્ચન અને માધુરી દીક્ષિતના સ્કૅચ પર રંગોળી બનાવી ચૂક્યો છું. કાગળ પર સ્કૅચ બનાવી ગૂંદર વડે ડ્રૉઇંગરૂમના ફ્લોરિંગ પર ચીપકાવી એના પર રંગ પૂરવાના. ચિરોળી મિક્સ કરેલા સાદા રંગો જ વાપરું છું. વર્ષો પહેલાં દિવાળી કૅલેન્ડરોમાં સુસ્વાગતમ લખેલા, હાથમાં દીવા લઈને ઊભી હોય એવી યુવતીના સ્કૅચ આવતા. કૅલેન્ડરમાંથી જોઈને ઘરની અંદર એવી જ રંગોળી બનાવવાથી શરૂઆત કરી હતી. મીરાબાઈ અને અન્ય ઐતિહાસિક ચિત્રોવાળી રંગોળી પણ બનાવતો હતો. એક વાર વિલે પાર્લે ગુજરાતી સોસાયટીમાં રંગોળીની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ભાગ લીધો અને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું ત્યારથી ઇન્ટરેસ્ટ ઑર વધી ગયો. હવે તો જાણીતા ચહેરા બનાવું છું.’
ડ્રૉઇંગરૂમ રોકાઈ જાય એટલી મોટી રંગોળી બનાવતાં મહેન્દ્રભાઈને ત્રણથી ચાર દિવસ લાગે છે. બેસતા વર્ષથી દેવદિવાળી સુધી તેઓ રંગોળી રાખી મૂકે છે. આજુબાજુના રહેવાસીઓ અને મહિલામંડળ ખાસ રંગોળી જોવા આવે. ઉત્સાહમાં આવીને તેઓ આગળ કહે છે, ‘ઘણી વાર એવું બને કે રંગોળી વિખેરવાની તૈયારી કરતા હોઈએ અને ફોન આવે કે રહેવા દેજો, અમે આવીએ છીએ. ઘરમાં સતત જાણ્યા-અજાણ્યા મહેમાનોની અવરજવર ચાલુ હોય. મારાં વાઇફ મહેમાનોને ચા-નાસ્તો કરાવીને જ મોકલે. આ તેનો સપોર્ટ. સંતાનોએ મારો વારસો જાળવી રાખ્યો છે. ડેન્ટિસ્ટ પુત્ર કૌશલ રંગોળી પૂરવામાં અને એને લાંબા સમય સુધી જાળવી રાખવામાં મદદ કરે છે. આ વર્ષે શું બનાવવું એ વિશે હજી સુધી વિચાર્યું નથી.’

ઘૂઘરા, ફરસી પૂરી અને ચેવડો તો રમેશ મિસ્ત્રીના હાથનાં જ
માવો, ડ્રાયફ્રૂટ્સ અને ટોપરાનું છીણ નાખીને બનાવેલા ઘૂઘરા, મોઢામાં મૂકતાં જ ભરભર ભૂકો થઈ જાય એવી મસ્તમજાની ફરસી પૂરી તેમ જ વધુ તીખો નહીં ને ગળ્યો પણ નહીં એવો ચેવડો. નાલાસોપારાના આર્ટિસ્ટ રમેશ મિસ્ત્રી કહે છે, ‘લક્ષ્મીજીને આવકારવા આટલી સામગ્રી તો બનવી જ જોઈએ. આ બધું હું જાતે જ બનાવું. ડબ્બા ભરીને નાસ્તા બનાવવાના હોય એટલે ઘરમાં બધા મદદ કરે, પણ મસાલા મારી રીતે જ પડે અને મારા ઇન્સ્ટ્રક્શન પ્રમાણે જ બધા નાસ્તા બનવા જોઈએ એમાં જરાય આમતેમ ન ચાલે. પરણેલી દીકરીની રસોઈ સારી બને તો સામાન્ય રીતે એનું શ્રેય માતાને મળે. અમારા કેસમાં ઊંધું છે. મારી દીકરીઓ સાસરિયાંને એમ કહેતી હોય કે અમે પપ્પા પાસેથી શીખીને આવ્યાં છીએ, આનાથી રૂડી કૉમ્પ્લીમેન્ટ્સ બીજી કઈ હોય?’
રંગોળીની તો વાત જ ન પૂછો એવો જવાબ આપતાં તેઓ કહે છે, ‘આંગણામાં જગ્યા ઓછી છે એથી લક્ષ્મીજીનાં પગલાં અને સાચાં ફૂલની રંગોળી બનાવું છું. મારી રંગોળી જોવી હોય તો હવેલીમાં પધારો. દર વર્ષે ૧૫થી ૨૦ ફુટનો એરિયા કવર કરી રંગોળી બનાવું છું. અગિયારસથી દરરોજ જુદી-જુદી રંગોળીમાં એક દિવસ શ્રીજીબાવાના મુખારવિંદની રંગોળી હોય. જોકે રોજ આટલી મોટી રંગોળીમાં રંગ પૂરવા બે-ત્રણ જણની મદદ લેવી પડે. પહેલાં રંગોળીમાં કલર ભેળવવા પડતા હતા, એમાં રંગ વધતો-ઓછો થાય તો સહેજ કલરમાં ફરક પડી જતો. હવે આ બધું સરળ થઈ ગયું છે. બીજું એ કે વર્ષોથી કુંદન અને મોતીના આર્ટવર્કની શ્રીજીબાવાની ફોટોફ્રેમ બનાવું છું એથી તેમનું સ્વરૂપ મારા મગજમાં અને હૃદયમાં એવું ગોઠવાઈ ગયું છે કે ડાયરેક્ટ જ રંગોળીમાં ઉતારી દઉં. કોઈ ડ્રૉઇંગની જરૂર નથી. રંગોળીની આસપાસ નાગરવેલનાં પાન તો ક્યારેક સાચાં ફૂલોનું ડેકોરેશન કરું. મારે મન વૈષ્ણવો દર્શન કરે એટલે દિવાળી સારી જાય.’

દીપેશ ગિરનારાના ઘરે જોવા મળશે મોટુ-પતલુ રંગોળી ને હાથથી બનાવેલાં કોડિયાં
રંગોળીની ડિઝાઇન અને કોડિયાંનું ડેકોરેશન મારા ચાર વર્ષના દીકરા દ્વિજની ડિમાન્ડ પર નિર્ભર કરે છે એમ અતિઉત્સાહમાં આવી સાંતાક્રુઝના ફૅશન-ડિઝાઇનર દીપેશ ગિરનારા કહે છે, ‘આર્ટ મારું મનગમતું ફીલ્ડ છે અને વ્યવસાય પણ ફૅશન-ડિઝાઇનિંગનું એટલે શરૂઆતથી જ ફ્રી હૅન્ડ ડ્રૉઇંગવાળી રંગોળી વધુ પસંદ છે. અત્યાર સુધી ફૂલો અને મોરની ડિઝાઇનવાળી રંગોળી બનાવતો હતો હવે દ્વિજ કહે એમ કરીએ. ગયા વર્ષે એને માટે સાડાત્રણ ફીટનો છોટા ભીમ બનાવ્યો હતો. આ વર્ષે તેની ડિમાન્ડ છે મોટુ-પતલુ કાર્ટૂન કૅરૅક્ટરવાળી રંગોળીની. માત્ર રંગોળી જ નહીં, કંદીલ અને દીવા પણ જાતે જ ડિઝાઇન કરું છું. માર્કેટમાંથી માટીનાં સાદાં કોડિયાં લાવી એને પેઇન્ટ કરી સુકાવા દેવાનાં. ત્યાર બાદ મિરર અને મોતીથી ડેકોરેટ કરું. ડેકોરેશનના
નવા-નવા આઇડિયા મગજમાં ચાલતા જ હોય. બારેમાસ મારી પાસે મટીરિયલ અવેલેબલ હોય એથી બહારથી લાવવાની જરૂર પડતી નથી. મારો શોખ દિવાળી પૂરતો નથી, નવરાત્રિમાં આરતીની થાળી પણ ડેકોરેટ કરું છું. આ વર્ષે ઊનના દોરાથી માતાજીના ચહેરાવાળી આરતીની થાળી બનાવી હતી અને સેકન્ડ પ્રાઇઝ મળ્યું હતું.’
ધનતેરસથી નવા વર્ષ સુધી દીપેશભાઈ તેમના ઘરની બહારના પૅસેજમાં રોજ જુદી-જુદી રંગોળી બનાવે છે. નિયોન કલર્સ તેમને વધુ ગમે છે. ત્રણથી ચાર ફીટની રંગોળી બનાવતાં બે કલાક લાગે. કોડિયાના ડેકોરેશનમાં પણ ખાસ્સો સમય લાગે. તેઓ કહે છે, ‘પહેલાં કલર્સમાં લિમિટેડ ચૉઇસ હતી. કુદરતી દૃશ્યોમાં જોકે એવા જ કલર સુંદર લાગે. હવે કલરમાં ઘણું વેરિયેશન આવી ગયું છે. કાર્ટૂન-કૅરૅક્ટરમાં નિયોન કલર્સ બરાબર મૅચ થઈ જાય છે. દિવાળી પહેલાં મારી વાઇફ ઘર સ્વચ્છ કરે અને દિવાળીના દિવસોમાં મારો પથારો થાય. જોકે ડેકોરેશનનું કામ પત્યા પછી ઘર ચોખ્ખું કરવાનું કામ પણ જાતે જ કરું છું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK