Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમઃમજા પડી જાય એવાં છે મુંબઈનાં મ્યુઝિયમ

કૉલમઃમજા પડી જાય એવાં છે મુંબઈનાં મ્યુઝિયમ

18 May, 2019 10:51 AM IST | મુંબઈ
વર્ષા ચિતલિયા

કૉલમઃમજા પડી જાય એવાં છે મુંબઈનાં મ્યુઝિયમ

છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય

છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય


મ્યુઝિયમ એક એવી જગ્યા છે જ્યાં પ્રાચીન કળાકૃતિઓ સંગ્રહાયેલી હોય છે. સંગ્રહાલયની મુલાકાત લઈને આપણે દેશનો ઇતિહાસ, સંસ્કૃતિ, કળા, ઉદ્યોગો વગેરે વિશે ઘણી જાણકારી પ્રાપ્ત કરી શકીએ છીએ. મ્યુઝિયમની મુલાકાત હંમેશાં અનન્ય અનુભવ બની રહે છે, કારણ કે દરેક સંગ્રહાલયની પોતાની વિશિષ્ટ લાક્ષણિકતાઓ હોય છે. આ રસપ્રદ સ્થળ પુરાતત્વવાદીઓ, પર્યાવરણવાદીઓ, ઇતિહાસવિદ્દો અને વિદ્યાર્થીઓ માટે શિક્ષણની ગરજ સારે છે. મુંબઈનાં સંગ્રહાલયો શહેરના સાંસ્કૃતિક વારસા, ઇતિહાસ અને કળાનું સચોટ ચિત્રણ છે. આજે ઇન્ટરનૅશનલ મ્યુઝિયમ ડેના અવસરે આપણે મુંબઈનાં ચાર લોકપ્રિય અને અદ્ભુત સંગ્રહાલયનો પ્રવાસ કરીએ. સત્તરમી સદીના પહાડી આર્ટિસ્ટ નૈનસુખનાં પેઇન્ટિંગ્સનું આવું કલેક્શન બીજે ક્યાંય જોવા નહીં મળે.

નામ : છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય
સ્થળ : મહાત્મા ગાંધી રોડ, ફૉર્ટ



ઇતિહાસ : અગાઉ પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ તરીકે ઓળખાતું છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય માત્ર મુંબઈનો જ નહીં, દેશનો ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો ધરાવે છે. ૧૯૦૦ની શરૂઆતનાં વર્ષોમાં સ્થાપિત આ મ્યુઝિયમની ઇમારત ઇન્ડો-સેરેસેનિક સ્ટાઇલ ઑફ આર્કિટેક્ચરનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. પ્રિન્સ ઑફ વેલ્સ (જ્યૉર્જ પાંચમા)ની ભારતની મુલાકાતની યાદમાં મ્યુઝિયમના રૂપમાં એક સ્મારક ઊભું કરવાના ઉદ્દેશ્યથી ૧૪ ઑગસ્ટ, ૧૯૦૫માં બૉમ્બેના વિકાસમાં મહkવપૂર્ણ યોગદાન આપનારા સર ફિરોઝશા મહેતા, ન્યાયમૂર્તિ બદરુદ્દીન તૈયબજી, નરોત્તમદાસ ગોકુલદાસ, જસ્ટિસ ચંદાવકર, સસુન ડેવિડ જેવા પ્રતિષ્ઠિત મહાનુભાવોની બેઠકમાં લેવાયેલા નર્ણિય બાદ ૧૧મી નવેમ્બર, ૧૯૦૫ના રોજ મ્યુઝિયમના ફાઉન્ડેશનનો પાયો નખાયો હતો.


ઇમારતના નર્મિાણ માટે સર્વસંમતિએ ઇન્ડો-સેરેસેનિક શૈલીના સ્થાપત્ય માટે જાણીતા આર્કિટેક્ચર જ્યૉર્જ વિટેટેની નિમણૂક કરવામાં આવી હતી. ઇમારતના નર્મિાણનું કાર્ય ૧૯૧૪માં પૂર્ણ થયું હતું, પરંતુ જાહેર જનતા માટે આ સ્મારકને છેક ૧૦ જાન્યુઆરી, ૧૯૨૨માં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ઇન્ડિયન પિલાર્ડ હૉલ, કમાનવાળા પૅવિલિયન, જ્યોમેટ્રિકલ પૅટર્નવાળા ગુંબજ ઇન્ડો-સેરેસેનિક શૈલીની લાક્ષણિકતા છે. આગ્રાના તાજમહલ અને બિજાપુરના ગોલ ગુંબજ પરથી પ્રેરણા લઈ ગુંબજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. ઇમારતની ભવ્યતામાં પ્રકાશ અને પવનની અવરજવર માટે નાની જાળીઓ બેસાડવામાં આવી છે. ઇમારતની આસપાસ પથરાયેલાં ફૂલોના બગીચાઓ અને પામનાં વૃક્ષો શોભામાં વધારો કરે છે.

વર્ષ ૧૯૯૮માં મરાઠા યોદ્ધા શિવાજી મહારાજના નામ પરથી આ મ્યુઝિયમનું નામ બદલી છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય રાખવામાં આવ્યું છે. આજે આ ઇમારત ગ્રેડ આઇ હેરિટેજ બિલ્ડિંગની સૂચિમાં સમાવિષ્ટ છે. સાંસ્કૃતિક હેરિટેજ સંરક્ષણ સમિતિ દ્વારા ઇમારતને ‘૨૦૧૦ યુનેસ્કો એશિયા-પૅસિફિક હેરિટેજ અવૉર્ડ’ એનાયત કરવામાં આવ્યો છે.


વિશિષ્ટતા: પ્રાચીન ભારતીય કળાનું પ્રતિનિધિત્વ કરતા આ મ્યુઝિયમમાં શ્રેષ્ઠ સંગ્રહ છે. સસુન ડેવિડે ઇમારતના નર્મિાણ દરમ્યાન જ પ્રિન્સ જ્યૉર્જની પ્રતિમા દાનમાં આપી હતી. ઇમારતનું બાંધકામ પૂર્ણ થયા બાદ શેઠ પુરુષોતમ માવજી પાસેથી ઇન્ડિયન મિનિયેચર અને પ્રાચીન કળાકૃતિઓ હસ્તગત કરવામાં આવી હતી. ૧૯૧૯માં મીરપોખર્સ (હાલમાં પાકિસ્તાનમાં છે)માં ખોદકામમાંથી મળી આવેલા બૌદ્ધ સ્તૂપો મ્યુઝિયમમાં લાવવામાં આવ્યા હતા. ૧૯૨૨થી ૧૯૩૩ દરમ્યાન તાતા બ્રધર્સે પરિવારની વારસાગત કળાકૃતિઓ મ્યુઝિયમને ભેટમાં આપી હતી. છેલ્લે ૧૯૯૫માં કાર્લ અને મેહરબાઈ ખંડાલાવાલા ટ્રસ્ટ તરફથી મૂલ્યવાન સંગ્રહ ઉમેરવામાં આવ્યો હતો. સમયાંતરે દાનમાં મળેલી અને હસ્તગત કરવામાં આવેલી પ્રાચીન કળાકૃતિઓ આ મ્યુઝિયમની વિશિષ્ટતા છે.

ટેરાકોટા, બ્રોન્ઝ, હડપ્પન સાઇટ્સ પર ખોદકામમાંથી પ્રાપ્ત કરવામાં આવેલાં આર્ટફેક્ટ્સ, ઇન્ડિયન મિનિયેચર પેઇન્ટિંગ્સ, ફૅબ્રિક્સ આટ્ર્સ, હાથીદાંત અને લાકડામાંથી બનાવવામાં આવેલી વસ્તુઓ, યુરોપિયન પેઇન્ટિંગ્સ, ભારતીય શાસ્ત્રો વગેરે મળીને હાલમાં આ મ્યુઝિયમમાં અંદાજે ૫ચાસ હજારથી વધુ કળાકૃતિઓ છે.

મુખ્ય આકર્ષણ : રતન તાતા અને દોરાબજી તાતાએ યુરોપ, જપાન અને ચીનમાંથી ખરીદેલાં એક્સપેન્સિવ કલેક્શન ભેટમાં આપ્યાં હતાં એ મુખ્ય આકર્ષણ છે એમ જણાવતાં છત્રપતિ શિવાજી મહારાજ મ્યુઝિયમના ડિરેક્ટર જનરલ સબ્યસાચી મુખરજી કહે છે, ‘તાતા બ્રધર્સે દાનમાં આપેલા વર્લ્ડ આર્ટ તેમ જ સત્તરમી સદીના મહાન કલાકાર નૈનસુખનાં પેઇન્ટિંગ્સનું વિશાળ કલેક્શન ફક્ત અમારી પાસે જ છે. હૈદરાબાદના ગોલકોન્ડા, સેન્ટ્રલ ઇન્ડિયા, પહાડી ડકની અને રાજસ્થાનના મિનિયેચર પેઇન્ટિંગ્સની વિશાળ શ્રેણી તેમ જ બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મની પ્રતિમાઓ મળીને સાઠ હજાર વસ્તુઓનો સંગ્રહ છે.’

થોડા સમય પહેલાં સ્થાપિત મુંબઈના પ્રથમ ચિલ્ડ્રન મ્યુઝિયમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે એમ જણાવતાં સબ્યસાચી આગળ કહે છે, ‘બાળકોના દૃષ્ટિકોણ અને ઇતિહાસના સંયોજન સાથે ‘ફૂટ સ્ટેપ્સ ટુ બેટર ફ્યુચર’ ટાઇટલ સાથે શિક્ષણ વિભાગનું વિસ્તરણ કરવામાં આવતા વિદ્યાર્થીઓ માટે અભ્યાસના દરવાજા ખૂલી ગયા છે. સાઉથ ઈસ્ટ એશિયા સાથે સંયુક્ત સહયોગ ધરાવતી કન્ઝર્વેશન લૅબ પણ અત્યંત મહkવની છે. મ્યુઝિયમની મુખ્ય હેરિટેજ ઇમારતને આવતાં બે વર્ષમાં સો વર્ષ પૂરાં થશે એ દરેક ભારતીય માટે ગર્વની વાત છે.’
હાથથી પેઇન્ટ કરેલા પોસ્ટરની ઝલક જોવી હોય કે શોમૅન રાજ કપૂર સાથે ફોટો પડાવવો હોય તો પહોંચી જાઓ સિને મ્યુઝિયમ

NATIIOANAL MUSEUM OF INDIAN CINEMA

નામ : નૅશનલ મ્યુઝિયમ ઑફ ઇન્ડિયન સિનેમા

સ્થળ : ગુલશન મહલ, પેડર રોડ

ઇતિહાસ : ૧૦૦ વર્ષના ફિલ્મી ઇતિહાસની ઝાંખી કરાવતું આ મ્યુઝિયમ હાલમાં જ બન્યું છે. જાન્યુઆરી મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે ખુલ્લું મૂકવામાં આવેલું નૅશનલ મ્યુઝિયમ ઑફ ઇન્ડિયન સિનેમા ભારતનું પ્રથમ સિને મ્યુઝિયમ બનવાનું જશ ખાટી ગયું છે. પેડર રોડ વિસ્તારમાં આશરે ૧૨ હજાર ચો.મી.માં પથરાયેલા ગુલશન મહલ અને એની નજીક બનાવવામાં આવેલી પાંચ માળની અત્યાધુનિક કાચની ઇમારતમાં નર્મિાણ પામેલા સિને મ્યુઝિયમ પાછળ રૂ. ૧૫૦ કરોડનો ખર્ચ થયો હોવાનું અંદાજવામાં આવે છે.

૧૮૦૦ની સાલમાં કચ્છથી મુંબઈ વેપાર માટે આવેલા ખોજા મુસ્લિમ સમાજના વેપારી પીરભોય ખલકદીનાએ અરબી સમુદ્ર નજીક ગુલશન મહલ નામનો વિશાળ બંગલો બનાવ્યો હતો. બે પેઢી અને ભારત-પાકિસ્તાન ભાગલા બાદ આ બંગલાને ખાલી મિલકત તરીકે જાહેર કરવામાં આવી હતી. ત્યારથી સરકાર દ્વારા વિવિધ હેતુ માટે એનો ઉપયોગ કરવામાં આવતો હતો. (મુન્નાભાઈ એમબીબીએસ સહિત અનેક ફિલ્મોનાં શૂટિંગ અહીં થયાં છે.) નૅશનલ કાઉન્સિલ ઑફ સાયન્સ મ્યુઝિયમ વિભાગે ૧૯૯૭ના વર્ષમાં દેશની ફિલ્મી રાજધાની મુંબઈમાં સિને મ્યુઝિયમની પરિકલ્પના કરી ત્યારે વિક્ટોરિયન શૈલીના આ ભવ્ય બંગલાને મ્યુઝિયમમાં ફેરવવાનું નક્કી થયું હતું, પણ કેટલાક કારણસર આ પ્રોજેક્ટ ખોરંભે ચડી ગયો હતો. ૨૦૦૬માં ફરીથી વિચાર અમલમાં મુકાતાં કાર્ય શરૂ થયું હતું. છ વર્ષની જહેમત બાદ ગુલશન મહલ પ્રદર્શની માટે તૈયાર થયું હતું. જોકે, સરકારે નવી ઇમારતનું બાંધકામ નક્કી કરતાં ઉદ્ઘાટનમાં વિલંબ થયો હતો.

નૅશનલ મ્યુઝિયમ ઑફ ઇન્ડિયન સિનેમાને હેરિટેજ બંગલો અને નવી ઇમારત એમ બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. બ્લૅક ઍન્ડ વાઇટથી કલર ફિલ્મના જમાનાની સચિત્ર રજૂઆત માટે ત્રણ ડઝનથી વધુ ઇન્ટરઍક્ટિવ ગૅલેરી બનાવવામાં આવી છે. મૂંગી ફિલ્મોથી ટૉકીઝ અને સ્ટુડિયો સુધીની ઝલક દર્શાવતા આ ફિલ્મ હબને વૈશ્વિક સ્તરે ભારતની કળાત્મક અને સર્જનાત્મક અભિવ્યક્તિ તરીકે જોવામાં આવી રહ્યું છે. મૂવી પ્રીવ્યુ, સોશ્યલ ઇવેન્ટ્સ, કૉન્ફરન્સ, સેમિનાર, કલ્ચરલ પ્રોગ્રામ જેવી અનેક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મ્યુઝિયમના થ્રીડી માળખાને ઇકો-ફ્રેન્ડલી બનાવવામાં આવ્યું છે. નૅશનલ મ્યુઝિયમ ઑફ ઇન્ડિયન સિનેમાની ઍડવાઇઝરી કમિટીનું નેતૃત્વ પીઢ નર્મિાતા-નર્દિેશક શ્યામ બેનેગલ અને માહિતી પ્રસારણ મંત્રાલય દ્વારા સર્પોટેડ છે.

NATIIOANAL MUSEUM OF INDIAN CINEMA

વિશિષ્ટતા : ગુલશન મહલ ભારતીય સિનેમાનો પ્રારંભિક ઇતિહાસ રજૂ કરે છે. ૧૯૧૩માં બનેલી પ્રથમ ભારતીય ફિલ્મ ‘રાજા હરિશચંદ્ર’થી સ્પેશ્યલ ઇફેક્ટ સુધીની ઝલક જોઈ શકાય છે. આ મ્યુઝિયમમાં હાથેથી ચરખાની જેમ ફેરવવામાં આવતી ફિલ્મની રીલ, વિન્ટેજ કૅમેરા, પ્રોજેક્ટર, લાઇટ્સ, એડિટિંગ અને રેકૉર્ડિંગ માટે વપરાતાં નવાં તેમ જ જૂનાં સાધનો, કૉસ્ચ્યુમ, ફોટોગ્રાફ્સ સહિત અનેક વસ્તુઓ કાળક્રમાનુસાર ડિસપ્લે કરવામાં આવી છે. અનેક યાદગાર ફિલ્મના સેટ્સ, પ્રોપ્સ, ફિલ્મ ટેપ, સાઉન્ડ ટ્રૅક, ટ્રેલર અને ફિલ્મને લગતાં પુસ્તકોનો સંગ્રહ છે. અહીં હિન્દી ફિલ્મના પ્રથમ સુપરસ્ટાર તરીકે ઓળખાતા સૈગલના રેકૉર્ડિંગ્સ પણ સાંભળી શકાય છે. આ ઉપરાંત હાથેથી પેઇન્ટ કરેલાં ફિલ્મનાં પોસ્ટર અને આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાયેલી ફિલ્મ-દિગ્દર્શક સત્યજિત રેની હિટ ફિલ્મ ‘પાથેર પાંચાલી’નો પણ સમાવેશ થાય છે. શોમૅન રાજ કપૂરની પ્રતિમા પાસે ઊભા રહી સેલ્ફી પણ લઈ શકાય છે.

નવી ઇમારતમાં મહાત્મા ગાંધીના ૧૫૦મા જન્મજયંતી વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખી ગાંધી ઍન્ડ સિનેમા વિભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં ચિલ્ડ્રન સ્ટુડિયો, ડિજિટલ ટેક્નૉલૉજી અને ઍનિમેશન ફિલ્મ માટે વપરાતાં ઉપકરણો મૂકવામાં આવ્યાં છે. આ મ્યુઝિયમ માત્ર ફિલ્મરસિકો જ નહીં, દેશ-વિદેશના ફિલ્મનર્મિાતાઓ, વિદ્યાર્થીઓ, પ્રશંસકો, વિવેચકો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

મુખ્ય આકર્ષણ : ભારતીય સિનેમાને સમર્પિત આખા દેશમાં બીજે ક્યાંય આવું મ્યુઝિયમ નથી એ જ એની વિશેષતા છે એમ ગર્વભેર જણાવતાં ફિલ્મ્સ ડિવિઝનના જનરલ ડિરેક્ટર પ્રશાંત પાઠરાબે કહે છે, ‘માત્ર ભારતના જ નહીં, સમસ્ત વિશ્વના સિનેરસિકો માટે આ મ્યુઝિયમનું અદકેરું મહત્વ છે. એ સમયની ક્લાસિક ફિલ્મો સુધી પહોંચવાનો માર્ગ આ મ્યુઝિયમે ખોલી આપ્યો છે. આજે જૂની ફિલ્મોના પ્રસારણ વિશે વિચારી ન શકાય, પરંતુ એની જાળવણી શક્ય છે. ફિલ્મના ચાહકો હંમેશાથી ઇચ્છતા હતા કે સો વર્ષની ફિલ્મી સફરની ભવ્ય ઉજવણી કરી શકાય એવું કોઈ સ્થળ હોવું જોઈએ. નૅશનલ મ્યુઝિયમ ઑફ સિનેમાએ ચાહકોનાં આ સપનાંને સાકાર કર્યા છે.’

અહીં ન જોવા જેવું કશું નથી એવો જવાબ આપતાં તેઓ કહે છે, ‘મૂંગી ફિલ્મો, બ્લૅક ઍન્ડ વાઇટ પોસ્ટરો, ફોટોગ્રાફ્સ, હાથેથી દોરેલાં રંગીન ચિત્રો, ગીતો, ફિલ્મના વિડિયો, ફિલ્મ બનાવવા માટે વાપરવામાં આવેલાં સાધનો, કલાકારોની પ્રતિમાઓ સહિત તમામ વસ્તુને કાયમી ધોરણે સાચવી શકાય એવી કાયમી સુવિધા આ મ્યુઝિયમે ઊભી કરી આપી છે. બસો વર્ષ જૂના ગુલશન મહલમાં બનાવવામાં આવેલા આ મ્યુઝિયમમાં સિનેમાના ચાહકો વારંવાર આવવાનું પસંદ કરે છે.’

૧૮૫૧માં છેક લંડનમાં મુંબઈના આ મ્યુઝિયમની પરિકલ્પના થઈ હતી

DR BHAU DAJI LAD MUSEUM

નામ : ડૉ. ભાઉ દાજી લાડ મ્યુઝિયમ
સ્થળ : ભાયખલા (ઈસ્ટ)

ઇતિહાસ : અગાઉ વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ તરીકે જાણીતું ડૉ. ભાઉ દાજી લાડ મ્યુઝિયમ શહેરનું સૌથી જૂનું મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમની ઇમારતની સ્થાપના ૧૮૫૭માં થઈ હતી. દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓને વિશ્વ સમક્ષ રજૂ કરવાના હેતુથી બાંધવામાં આવેલી આ ઇમારત શહેરના મહkવનાં ઐતિહાસિક સ્થળોમાંની એક છે. ૧૮૫૧માં લંડનસ્થિત ક્રિસ્ટલ પૅલેસમાં આયોજિત ગ્રેટ એક્ઝિબિશન ઑફ વક્ર્સ ઑફ ઇન્ડસ્ટ્રી ઑફ ઑલ નૅશન્સના કાર્યક્રમમાં પ્રિન્સ આલ્બર્ટ અને રાણી વિક્ટોરિયાને બ્રિટનના ઔદ્યોગિક આટ્ર્સ અને હસ્તકળાને વિfવ સમક્ષ રજૂ કરવા તેમ જ વેપારને પ્રોત્સાહિત કરવાના હેતુથી મુંબઈમાં એક સંસ્થા ખોલવાનો વિચાર આવ્યો હતો.

૧૮૫૫ની સાલમાં નૅચરલ હિસ્ટ્રી, ઇકૉનૉમી, જિઓલૉજી અને ઇન્ડસ્ટ્રી ઑફ આટ્ર્સ તરીકે આ ઇમારત આકાર પામી હતી. ૧૮૫૭માં બૉમ્બેમાં બાંધવામાં આવેલી આ પ્રથમ મહત્વની સંસ્થાને મ્યુઝિયમના સ્વરૂપમાં જાહેર જનતા માટે ખુલ્લી મૂકવા ભંડોળ એકત્ર કરવા મુંબઈના એ વખતના અગ્રણી વેપારી જગન્નાથ શંકરસેટની અધ્યક્ષતા હેઠળ બેઠક બોલાવવામાં આવી હતી. ભારતના મૅન્યુફૅક્ચર્સના શ્રેષ્ઠ સંગ્રહનો સમાવેશ કરવા જનતાને અનુદાન આપવાની અપીલ કરવામાં આવી હતી. ડૉ. ભાઉ દાજીની પ્રેરણાથી દરેક સમુદાયના લોકોએ ઉદાર હાથે દાન આપ્યું હતું.

૧૯૭૫માં મુંબઈના પ્રથમ ભારતીય શેરીફ, પરોપકારી, ર્દીઘદ્રષ્ટા, ઇતિહાસકાર, ચિકિત્સક અને મ્યુઝિયમ સમિતિના સેક્રેટરી રહી ચૂકેલા ડૉ. ભાઉ દાજી લાડના સન્માનમાં આ મ્યુઝિયમનું નામ બદલવામાં આવ્યું હતું. જોકે ૧૯૯૭માં ઇમારત જર્જરિત બનતાં એના રિસ્ટોરેશનની ફરજ પડતાં પબ્લિક માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. ફેબ્રુઆરી, ૨૦૦૩માં મ્યુનિસિપલ કૉર્પોરેશન ઑફ ગ્રેટર મુંબઈ (એમસીજીએમ), જમનાલાલ બજાજ ફાઉન્ડેશન અને ઇન્ડિયન નૅશનલ ટ્રસ્ટ ફૉર આટ્ર્સ ઍન્ડ કલ્ચર હેરિટેજ વચ્ચે ત્રિપક્ષીય કરાર કરવામાં આવ્યા બાદ મ્યુઝિયમના પુનરુદ્ધારનું કાર્ય શરૂ થયું હતું. પાંચ વર્ષ બાદ ૨૦૦૮માં ફરીથી એને જાહર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

વિશિષ્ટતા: ૧૮મી સદીથી ૨૦મી સદીની શરૂઆતમાં મુંબઈના લોકોનું જીવન અને શહેરના ઇતિહાસનું વર્ણન કરતાં લઘુ ચિત્રો, મૉડર્ન આર્ટ, ડાયોરામા, નકશા, લિથોગ્રાફ્સ, ફોટોગ્રાફ્સ, દુર્લભ પુસ્તકો, માટીનાં મૉડેલ અને ૧૯મી સદીના ફાઇન અને ડેકોરેટિવ આટ્ર્સનો આવો કાયમી સંગ્રહ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. ૨૦૦૩માં મ્યુઝિયમ ટ્રસ્ટની સ્થાપના બાદ ૧૯મી સદીની સમકાલીન કળા સહિત શહેરની આર્ટ, સંસ્કૃતિ અને વાણિજ્યને ઉજાગર કરતા નવા સંગ્રહનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ઇન્ડસ્ટ્રીયલ આર્ટ ગૅલેરી, કમલનયન બજાજ મુંબઈ ગૅલેરી, ફાઉન્ડર્સ ગૅલેરી, ૧૯મી સદીનાં પેઇન્ટિંગ્સ અને સ્પેશ્યલ એક્ઝિબિશન ગૅલેરી એમ વિવિધ વિભાગમાં રાખવામાં આવેલા સંગ્રહો શહેરના વેપારઉદ્યોગ, ગ્રામ્યજીવન અને અન્ય સ્થળેથી મુંબઈમાં સ્થળાંતર કરીને આવેલા જુદા જુદા સમુદાયની લાઇફસ્ટાઇલનું ચિત્રણ રજૂ કરે છે. અહીંની લાઇબ્રેરીમાં ૧૭મી સદીનાં પુસ્તકોનો સંગ્રહ જોવા મળે છે. પુસ્તકોની જાળવણી માટે એને ડિજિટલાઇઝડ કરવાની પ્રક્રિયા ચાલે છે.

મુખ્ય આકર્ષણ : મુંબઈ સાત દ્વીપની વચ્ચે આવેલું છે એવો શહેરનો ઇતિહાસ દર્શાવતા સપ્તદ્વીપનાં પેઇન્ટિંગ્સ મુખ્ય આકર્ષણ છે. અહીંના રિસર્ચ સેન્ટર અને લાઇબ્રેરી પણ મુલાકાતીઓમાં પૉપ્યુલર છે.
તમે ઇચ્છો તો મુંબઈમાંથી ડાયરેક્ટ સ્પેસ પર પહોંચી શકોઅને પૃથ્વીના ગોળાને અધ્ધર પણ રાખી શકો

નામ : નેહરુ સાયન્સ સેન્ટર

સ્થળ : મહાલક્ષ્મી રેસર્કોસ, વરલી

ઇતિહાસ : મુંબઈસ્થિત નેહરુ સાયન્સ સેન્ટર ભારતનું સૌથી મોટું ઇન્ટરઍક્ટિવ સાયન્સ સેન્ટર છે. વિજ્ઞાન અને ટેક્નૉલૉજીનાં વિવિધ પાસાંને રસપ્રદ અને માહિતીસભર બનાવવાની પહેલ રૂપે એનું નર્મિાણ થયું છે. આ સંસ્થા દેશભરમાં ૨૫ સાયન્સ સેન્ટર ધરાવતા નૅશનલ કાઉન્સિલ ઑફ સાયન્સ મ્યુઝિયમની વહીવટી સંસ્થાનો જ એક ભાગ છે.

વર્ષ ૧૯૭૭માં અહીં લાઇટ ઍન્ડ સાઇટ એક્ઝિબિશનનું આયોજન થયું એ પહેલાં એની ગણના સાયન્સ અને ટેક્નૉલૉજી મ્યુઝિયમ તરીકે થતી હતી. ૧૯૭૯માં આ સ્થળે વૈãfવક કક્ષાનું બાળ વિજ્ઞાન કેન્દ્ર બનાવવાની પરિકલ્પના કરવામાં આવ્યા બાદ સાયન્સ પાર્ક બાંધવાના કાર્યને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું. ૧૯૮૫ની ૧૧ નવેમ્બરે ભારતના તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીના હસ્તક એને બાળ વિજ્ઞાન કેન્દ્ર તરીકે જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

આ સેન્ટરના આઠ એકરમાં વૃક્ષો, છોડ અને ઝાડીઓની અનેક જાતિઓ પ્રસ્થાપિત કરવામાં આવી છે. પાર્કમાં ઊર્જા, ધ્વનિ, ગતિશાસ્ત્ર, મેકૅનિક્સ, પરિવહન સહિત પાંચસોથી વધુ વૈજ્ઞાનિક પ્રદર્શનો કાયમી ધોરણે મૂકવામાં આવ્યાં છે. મ્યુઝિયમની ઇમારત એના અનન્ય આર્કિટેક્ચર (અલગ આકાર) અને શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પૉપ્યુલર છે. ઉચ્ચ ગુણવત્તાના વૈજ્ઞાનિક પ્રદર્શનના આયોજન, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ માટે અહીં ખાસ ગૅલેરીઓ બનાવવામાં આવી છે. આ ઉપરાંત પ્રયોગશાળા અને તાલીમકેન્દ્ર પણ બનાવ્યાં છે.

આ પણ વાંચોઃ અમદાવાદથી માત્ર 5 કલાક દૂર આવેલું છે આ કુદરતનું ઘર, થઈ જશો ખુશખુશાલ

વિશિષ્ટતા : વિજ્ઞાન અને ટેક્નૉલૉજીની ઉત્પત્તિ અને વિવિધ પાસાંઓને લગતા ઐતિહાસિક આર્ટફેક્ટ્સ નેહરુ સાયન્સ સેન્ટરની વિશિષ્ટતા છે. વૈજ્ઞાનિક સિદ્ધિઓને દર્શકો સમક્ષ રચનાત્મક અને મનોરંજક રીતે પ્રસ્તુત કરવા મૉન્સ્ટર ઑફ ધ ડીપ, હ્યુમન ઍનૅટૉમી, સાયન્સ ઓડિસી અને તારામંડળના થ્રીડી શો યોજાય છે.

સ્કૂલના વિદ્યાર્થીઓ માટે નિયમિતપણે સાયન્સ ફિલ્મ સ્ક્રીનિંગ સહિત અનેક કાર્યક્રમો ચાલતા હોય છે.

એનર્જી મૉડેલ, હેડ ઑન અ પ્લેટર, પિન સ્ક્રીન, નેઇલ શીટ, વચ્યુર્અલ હાર્ટ, ધ જાયન્ટ હાર્ટનો રોલર કોસ્ટર જેવો રોમાંચક અનુભવ નાના-મોટા સૌને આકર્ષે છે. ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયની વિશેષ પહેલ હેઠળ આર્થિક રીતે નબળા પરિવારના બે હજાર વિદ્યાર્થીઓને નેહરુ સાયન્સ સેન્ટરમાં મફતમાં પ્રવેશ તેમ જ તેમની વૈજ્ઞાનિક સિદ્ધિઓના પ્રદર્શન માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

મુખ્ય આકર્ષણ : અહીં તમને સ્ટેટિક ઑબ્જેક્ટ નહીં, રિયલ ટાઇમ ઇમેજીસ જોવા મળશે એમ જણાવતાં નેહરુ સાયન્સ સેન્ટરના એજ્યુકેશનલ હેડ ઉમેશકુમાર કહે છે, ‘સામાન્ય રીતે મ્યુઝિયમમાં તમે વર્ષોવર્ષથી સંગ્રહી રાખેલી વસ્તુને માત્ર દૂરથી જોઈ શકો, પણ ટચ ન કરી શકો, જ્યારે અમારું સેન્ટર ઇન્ટરએક્ટિવ છે. અહીં બધુ લાઇવ છે. એને તમે ટચ કરી શકો છો, અનુભવી શકો છો. તમને મન પડે કે આ બટન દબાવવું છે તો એમ કરો. તમારે હવામાં ઊડવું છે કે પૃથ્વીના ગોળાને અધ્ધર રાખવો છે તો એમ કરો. ફલાણી જગ્યાએ આવેલા વાવાઝોડાંનો અનુભવ લેવો છે તો બટન દબાઓ અને જુઓ કે ચોવીસ કલાક પહેલાં ત્યાં કેવું તોફાન આવ્યું હતું. આ કલ્ચરલ અને એજ્યુકેશનલ હબની મુલાકાત લઈ તમે સ્પેસની યાત્રાનો અનુભવ પણ લઈ શકો છો એ જ અમારી યુએસપી છે.’

આ પણ વાંચોઃ કૉલમ : સાઇબર બુલિંગનો શિકાર તો નથી ને તમારું સંતાન?

મુંબઈમાં રહીને સ્પેસની યાત્રાનો અનુભવ કઈ રીતે લઈ શકાય એ વિશે માહિતી આપતાં તેઓ કહે છે, ‘અહીં સાયન્સ ઑન સ્પિયર વચ્ચે ગોઠવવામાં આવેલો ૧.૮ ડાયામીટરનો ગ્લોબ મુખ્ય આકર્ષણ છે. આ જગ્યાએ તમે સ્પેસમાંથી પૃથ્વીનો ગોળો કેવો દેખાય છે એ જોઈ શકો છો. પૃથ્વી હવામાં તરતી હોય એવું લાગશે. અન્ય ગ્રહોની સફરનો આનંદ પણ લઈ શકો છો. અલગ અલગ ડાઇમેન્શનથી જોતાં તમે એ સ્થળ પર હાજર હોવ એવી ફીલિંગ્સ આવે છે. આ ઉપરાંત મશીન ટુ થિન્ક (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સી) અને ૩૬૦ ડિગ્રી વચ્યુર્અલ ગૅલેરી પણ પૉપ્યુલર છે. સાયન્સ અને ટેક્નૉલૉજીના યુગમાં તમારી જાતને અપગ્રેડ રાખવા આ સ્થળની નિયમિત મુલાકાત લેતા રહો.’

Whatsapp-channel Whatsapp-channel

18 May, 2019 10:51 AM IST | મુંબઈ | વર્ષા ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK