Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમ : દાદા-દાદી તમને હવે શું ચિંતા?

કૉલમ : દાદા-દાદી તમને હવે શું ચિંતા?

27 March, 2019 11:23 AM IST |
પલ્લવી આચાર્ય

કૉલમ : દાદા-દાદી તમને હવે શું ચિંતા?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વડીલ વિશ્વ

તમે વરિષ્ઠ નાગરિક બનો ત્યાં સુધી સંતાનોને ભણાવવાં, પરણાવવાં અને ઠેકાણે પાડવાં જેવી જવાબદારીઓ પૂરી થઈ ગઈ હોય છે, રિટાયર્ડ હોવાથી જૉબની પણ ચિંતા ખતમ થઈ ગઈ હોય છે. આમ એક રીતે જોવા જઈએ તો તેમને ચિંતા કરવાનું કોઈ કારણ નથી હોતું. આ ઉંમરે તો હવે ખાઓ-પીઓ, પ્રભુ ભજો ને મોજ કરો એવું લોકો માને છે, પણ હકીકતમાં વડીલોને પણ ભારે સ્ટ્રેસ હોય છે. ખાસ કરીને ચાર બાબતોને લઈને તેમને સ્ટ્રેસ હોય છે; ફાઇનૅન્શિયલ, ઇમોશનલ, સોશ્યલ અને સિક્યૉરિટી.



વડીલો કેવી કેવી ચિંતાઓ કરે છે તે જુઓ...


રિટાયર્ડ થઈ ગયા, પેન્શન મળવાનું નથી ને બચત પણ ખાસ નથી અને દીકરાની પણ એટલી આવક નથી તો હવે ઘર કેવી રીતે ચાલશે?
દીકરો અમને પૈસા નહિ આપે તો ખાઈશું પીશું કેવી રીતે?
પૈસા પાસે હતા ત્યાં સુધી પાવર હતો, પણ હવે ઘરમાં પૈસા નથી આપી શકતા તો ઘરમાં કોઈ ગણતું નથી. આપણું ક્યાંય ચાલતું નથી! બાળકો આગળ મારું જ નથી ચાલતું તો પત્નીનું તો ક્યાંથી ચાલશે?
કરવું તો ઘણું છે, પણ હવે શરીર અશક્ત થઈ ગયું. શારીરિક સ્વતંત્રતા ઓછી થઈ જશે તો?
દર્પણમાં જોઈએ તો હવે પહેલાં જેવા નથી લાગતા, કરચલીઓ પડી ગઈ છે!
છોકરાંઓ ભણી-ગણી-પરણીને પોતાના અલગ માળામાં જતા રહ્યાં, ને આપણે સાવ એકલાં રહી ગયાં.
પતિને એમ થાય કે પત્ની વહેલી જતી રહેશે તો મને કોણ જોશે? અને પત્નીને એમ થતું રહે કે પતિ વહેલા જતા રહ્યા તો મને કોણ જોશે?
બુઢાપામાં જ્યારે અમે હાલી-ચાલી નહીં શકીએ ત્યારે અમને કોણ જોશે? અથવા બેમાંથી કોઈ એકલું થશે ત્યારે એની શું હાલત થશે?
અમને કોઈ ભારે બીમારી આવી જશે તો?
કોઈ મોટી બીમારી આવી જશે ને વધુ ખર્ચો આવી પડશે તો શું કરીશું?
મહિલાઓ જીવનસાથી ગુમાવે પછી બેન્કિંગ કોણ કરી આપશે અને એમાં કોઈ ગોલમાલ કરી દેશે તો?
ક્યાંય પણ જઈયે તો અમને કોઈ ગણતું જ નથી, યુવાનોની જ વાતો બધા સાંભળે છે, અમારી હવે કોઈ વૅલ્યુ નથી રહી.
રિટાયર્ડ થયા પછી આવેલા પૈસાને ક્યાં ઇન્વેસ્ટ કરવા કે જેથી તે સિક્યૉર રહે.
અમને છેતરીને કોઈ અમારા પૈસા ને પ્રૉપર્ટી લઈ લેશે તો?
ઘરમાં કોઈ ચોર-લૂંટારા ઘૂસી જશે તો?
ઘરમાં ને બહાર પણ લોકો હવે અમને ઇગ્નોર કરે છે, વાત કરવાનું ટાળે છે, અમારાથી દૂર ભાગે છે.

આ કૉમન ઉપરાંત કેટલાક ઇન્ડિવિજ્યુઅલ સ્ટ્રેસ પણ જોઈએ...


મારી પૌત્રી કે પૌત્ર આગળ જઈને શું બનશે?
સંતાનોને અમે જે કરીએ એમાં વાંધો છે; બહાર જઈએ તો કહેશે કેમ ગયાં ને ના જઈએ તો કહેશે કેમ નથી જતાં?
દીકરા-વહુને અમારી સાથે ફાવતું નથી અને જુદાં રહે એટલી સગવડ નથી.
સંતાનો ઘરમાં રાખવા ખાતર રાખે છે, પણ અમારી સાથે કોઈ વાત શૅર નથી કરતાં.
દીકરો-વહુ બાજુમાં જ રહે છે તો પણ જોવાય નથી આવતાં.
પરિવાર અને મિત્રો અમારી સાથે સંબંધો ઓછા કરતા જાય છે.

વડીલોને આવા અનેક ઇન્ડિવિજ્યુઅલ સ્ટ્રેસ હોય છે, પણ ભારતમાં એમના સ્ટ્રેસને ડૉક્ટર્સ પણ ઓળખી શકતા નથી એની વાત કરતાં વડીલો માટે કામ કરતી સંસ્થા સિલ્વર ઇનિંગ્સના શૈલેશ મિશ્રા કહે છે, ‘કોઈ બુઝુર્ગને ઊંઘ ના આવતી હોય અને ડૉક્ટર પાસે જાય તો ડૉક્ટર પણ ઊંઘની ગોળી આપીને તેમને મોકલી દે છે. વડીલોના સ્ટ્રેસને ભારતમાં નિગ્લેક્ટ કરવામાં આવે છે, તે ઇગ્નોર થાય છે. વડીલોને સ્ટ્રેસમુક્ત રાખવા માટે એલ્ડર કાઉન્સેલિંગની વ્યવસ્થા હોવી જોઈએ, જે ભારતમાં નથી. વિદેશોમાં તેમનું કાઉન્સેલિંગ થાય છે, ડે-કૅરની વ્યવસ્થા પણ હોય છે. સ્ટ્રેસની યોગ્ય ટ્રીટમેન્ટ વડીલોને મળવી જોઈએ.’

વડીલોને સ્ટ્રેસ કેમ આવે છે એનું કારણ આપતાં સાઇકિયાટ્રિસ્ટ ડો. અંજલિ છાબરિયા કહે છે, ‘વડીલો નિવૃત્ત થયા, સંતાનો પોતાની પ્રવૃત્તિમાં બિઝી થઈ ગયાં એટલે હવે એમને બાળકોનું જે કામ હતું એ જતું રહ્યું, સંતાનો અલગ રહેવા જતાં રહ્યાં એટલે ઘર ખાલી થઈ ગયું. ઘરમાં હવે પોતાનું મહત્વ ઘટી ગયું. પોતાની ઇન્ક્મ ઓછી થઈ ગઈ અને ખર્ચ વધી ગયો. આમ તેઓ જયારે ઇમોશનલ, ફાઇનૅન્શિયલ અને સોશ્યલી અપસેટ થઈ જાય છે, જે ક્યારેક તેમને આપઘાત તરફ પણ દોરી જાય છે. એક કિસ્સો કહું. મારી પાસે એક બહેન આવ્યાં, જેઓ પતિના ગયા પછી સાવ એકલાં થઈ ગયાં હતાં. તેમને મળવા પણ કોઈ નહોતું આવતું. આ એકલતાને કારણે તે એટલાં તૂટી ગયાં કે બેથી ત્રણ વાર તેમણે આપઘાતનો પ્રયત્ન કર્યો. કેટલાક વડીલોમાં એકલાપણાના કારણે આ સિચુએશન ડેવલપ થાય છે તો કેટલાકને હૉર્મોનલ ડિપ્રેશન પણ આપઘાત તરફ દોરી જાય છે.’

વડીલો માટે કામ કરતી સંસ્થા ઑલ ઇન્ડિયા સિનિયર સિટિઝન્સ કૉન્ફડરેશનના પ્રેસિડેન્ટ ડો.એસ.પી. કિંજવડેકર વડીલોની તકલીફોની વાત કરતાં કહે છે, ‘આ ઉંમરે બહુધા લોકોને આર્થિક ટેન્શન હોય છે. રિટાયર્ડ થયેલા વડીલોમાંથી ૯ ટકા વડીલોને જ પેન્શન મળે છે, ૯૧ ટકા વડીલોને નથી મળતું, એટલું જ નહીં, આમાંથી ૩૭ ટકા લોકો ગરીબી રેખાની નીચે જીવે છે. આમ તેમને આર્થિક, કુટુંબના સભ્યો સાથેના રિલેશન અને હેલ્થને લગતું ટેન્શન મુખ્ય હોય છે.’

સ્ટ્રેસની હેલ્થ પર અસર

હાઇ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, આર્થરાઇટિસ, ઑસ્ટિયો-પોરાઇસિસ, હાર્ટઅટૅક, થાઇરોઇડ, પેરાલિસિસ બ્રેઇન સ્ટ્રોક, કૅન્સર, ઓલ્ઝાઇમર્સ, માથાનો દુખાવો, ઇન્સોમ્નિયા જેવી વડીલોમાં સામાન્ય ૧૧ બીમારીઓ પાછળના કારણોમાં સ્ટ્રેસ પણ છે

આ પણ વાંચો : જ્યારે સાથ છૂટે જીવનસાથીનો

વડીલો, સ્ટ્રેસથી બચવા શું કરશો?

સૌથી પહેલાં તો એકલતાથી બચો.
ઘરમાં એકલા ના રહો. ઘરમાં પુરાયેલા ના રહો, ઘરની બહાર નીકળો. આ સમયે ઘર તમારું સૌથી મોટું દુશમન છે.
મિત્રો બનાવો અને બધા સાથે બહુ વાતો કરો.
કોઈ પણ મંડળ, કે ગ્રુપ જૉઇન કરો.
કોઈ ને કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો.
ગમતાં કામ કરો. સમાજસેવાનાં કામ પણ કરો.
શોખ પૂરા કરો. સંગીત સાંભળો, પુસ્તકો વાંચો, ગીતો ગાઓ, ગાર્ડનિંગ કરો, ફોટોગ્રાફી કરો, મોબાઈલમાં સમય પસાર કરો, ડ્રૉઇંગ અને પેઇન્ટિંગ ગમતું હોય તો કરો.
નવું નવું શીખો. નવા શોખ કેળવો. નવાં સ્થળોની મુલાકાત લો.
મિત્રો સાથે પ્રવાસે જાઓ, જંગલો, દરિયાકિનારે ફરવા જાઓ. ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લો. પિકનિક કરો.
થોડા થોડા દિવસે મિત્રોને બોલાવી પાર્ટી કરો.
તમને ભજનો ગમતાં હોય તો એ કરો. ભજનમંડળ જૉઇન કરો. ભગવાનની સેવાપૂજા કરો. ગમતું હોય તો કથાઓ અને સપ્તાહો સાંભળવા જાઓ.
ભગવાન પર ભરોસો રાખો. એ જે કરશે એ સારા માટે જ હશે એમ માનો.
તમારું થિન્કિંગ હંમેશાં પૉઝિટિવ રાખો.
યોગ, પ્રાણાયામ અને હળવી કસરતો કરો.
સાંજે અને વહેલી સવારે ચાલવા જાઓ.
કમ્પ્યુટર અને મોબાઇલ વગેરે ટેક્નોલોજી શીખો અને એના પર કામ કરો.

ટૂંકમાં વડીલો, બીજી બધી ચિંતાઓ છોડી તમને ગમતું હોય એ કરો. તમારા ગમતા શોખ પૂરા કરો. ભગવાને હવે તમને આ બધા માટે ટાઇમ આપ્યો છે તો અને ભરપૂર ઊજવો.

Whatsapp-channel Whatsapp-channel

27 March, 2019 11:23 AM IST | | પલ્લવી આચાર્ય

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK