કચરામાં જનારી વધેલી ચિંદીઓમાંથી ગરીબ બાળકો માટે જાતે ગોદડી બનાવે છે આ આર્ટિસ્ટ અંકલમિશન ગોદડી

Published: 26th December, 2018 18:16 IST | ruchita shah

૩૭ વર્ષ સુધી આર્ટ-ટીચર તરીકે કામ કરનારા બોરીવલીમાં રહેતા જગજીવન જેઠવા છેલ્લાં અઢી વર્ષથી ટેલર પાસેથી આવતાં થીગડાંઓમાંથી આકર્ષક ગોદડીઓ બનાવવા ખાસ મશીન ચલાવતાં શીખ્યા.

મશીન પર જાતે ગોદડી બનાવી રહેલા જગજીવન જેઠવા. તસવીરો : નિમેશ દવે
મશીન પર જાતે ગોદડી બનાવી રહેલા જગજીવન જેઠવા. તસવીરો : નિમેશ દવે

ધન રહે ના જોબન રહે, રહે ના ગામ ના ધામ; કબીર જગ મેં જશ રહે, કર દે કિસી કા કામ. પોતાનાથી હટીને બીજાનો એક ક્ષણ માટે પણ વિચાર કરનારા દુનિયામાં પૂજાયા છે અને પૂજાતા રહેવાના છે. જોકે સેવાનાં પણ ઘણાં રૂપ છે અને સેવા કરવા માટે ધન જોઈએ જ એ જરૂરી નથી. બસ, મન જોઈએ સેવા માટેનું. બોરીવલી (ઈસ્ટ)માં રહેતા જગજીવન જેઠવા પાસે આ મન હતું અને એટલે જ તદ્દન અનોખી રીતે તેમણે પોતાની સેવાયાત્રા શરૂ કરી છે. તેમને સેવા કરવી હતી, પણ આપબળે. જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સમાંથી અપ્લાયડ આર્ટ્સનો ડિપ્લોમા કરાનારા જગજીવનભાઈએ કુલ ૩૭ વર્ષ સુધી એ.એમ.કે. પ્રીમિયર હાઈ  સ્કૂલમાં આર્ટ ટીચર તરીકે કામ કર્યું છે. રિટાયર થયા પછી તેમને સમાજ માટે કંઈ કરવાની ઇચ્છા હતી.

 

unique tailor

આર્ટિસ્ટ હોવાના નાતે જાતજાતનાં પૅઇન્ટિંગ્સ પણ બનાવે છે આ ભાઈજગજીવનભાઈ કહે છે, ‘હું જ્યાં રહું છું એની સામે જ શતાબ્દી મ્યુનિસિપલ હૉસ્પિટલ છે. ત્યાં હું અવારનવાર જતો અને બિસ્કિટનાં પૅકેટ્સ કે બાળકોનાં ઝભલાં વહેંચતો. એ સમયે મારું ધ્યાન ગયું કે ઘણાં બાળકોને મેલીઘેલી ચાદર પર સુવડાવવામાં આવતાં. મને થયું કે બાળકને આરામ મળે એવું કંઈક તેમની પાસે હોવું જોઈએ. બીજી બાજુ મારો મિત્ર ટેલર અને તેની પાસે ઘણીબધી નાની-મોટી ચિંદીઓનો કોથળો ભરાઈને ફેંકાવા જઈ રહ્યો હતો. મને થયું કે આટલાં કપડાં ફેંકાશે એના કરતાં એક કામ કરીએ કે આમાંથી જ બાળકો માટે કંઈ બનાવીએ. મિત્ર પાસે નકામું પડેલું એક મશીન મેં લીધું અને તેને મશીન ચલાવતો જોઈ મેં પણ તેના પર હાથ અજમાવ્યો. લગભગ એકાદ મહિનાના પ્રયત્નો પછી ધીમે-ધીમે કામ શરૂ થયું.’

 

unique tailor 2

આ રહી ચિંદીઓમાંથી બનાવેલી ગોદડીની એક ઝલક

 

આજે એ કામે એવું જોર પકડ્યું છે કે રોજની પાંચથી સાત અફલાતૂન ગોદડીઓ તેઓ બનાવે છે. ગોદડીઓ જોયા પછી કોઈ કહી ન શકે કે આ જૂની ચિંદીઓમાંથી બનાવવામાં આવી છે. કચરા જેવી હાલતમાં આવેલી ચિંદીઓને છૂટી પાડવાથી લઈને ડિઝાઇન અને કપડાનું મૅચિંગ કરવાનું, એક-એક ચિંદીને ઇસ્ત્રી કરીને સીધી કરવાની અને ડિઝાઇનર પીસ બનાવવાનો. એમાં જગજીવનભાઈની આર્ટિસ્ટિક સેન્સ ખૂબ કામ લાગે. તેઓ કહે છે, ‘મારે કોઈની સામે હાથ નહોતો ફેલાવવો. વગર પૈસે મારું કામ શરૂ થયું અને ખરેખર જ્યારે માતાઓને પોતાનાં બાળકો માટે ગોદડીઓનો ઉપયોગ કરતી જોઉં છું ત્યારે મને અનેરો આનંદ મળે છે.’

જગજીવનભાઈ સવારે ચારથી પાંચ કલાકમાં પાંચથી છ ગોદડીઓ બનાવે છે અને એક ઑલ્ટરનેટ દિવસે થેલીમાં ભરીને બરાબર પૅક કરીને પછી એક-એક બાળ પેશન્ટના બેડ પાસે જઈને ગોદડીનું ડિસ્ટ્રિબ્યુશન કરે છે. અત્યાર સુધીમાં લગભગ બે હજાર ગોદડીઓનું ડિસ્ટ્રિબ્યુશન તેઓ કરી ચૂક્યા છે. દરજીઓ સામેથી તેમને ગૂણોની ગૂણો ભરીને ચિંદી આપી જાય છે. તેમના કાર્ય વિશે ખબર પડ્યા પછી ઘણા લોકો તેમને ચાદરો પણ આપી જાય છે. હૉસ્પિટલના ડૉક્ટરોથી લઈને વૉર્ડબૉય, નર્સ, સિક્યૉરિટી ગાર્ડ એમ બધા જ જગજીવનભાઈને ઓળખે છે. પોતાના વિસ્તારમાં તેઓ ગોદડીવાળા કાકા તરીકે જાણીતા બની ગયા છે. તેઓ કહે છે, ‘ઘણી વાર નર્સને કે વૉર્ડબૉયને ગોદડીઓ જોઈતી હોય તો હું આપી દઉં. કેટલાક લોકો વેચાતી માગે તો તેમને વેચાતી પણ આપું અને એ જે પણ પૈસા ભેગા થાય એ પાછા હૉસ્પિટલમાં, ગૌશાળામાં કે વૃદ્ધાશ્રમમાં વાપરી નાખું. ખરું કહું તો મારે આવા પૈસાની જરૂર નથી. મારે પેન્શન આવે છે અને ઘર ચાલે છે. મારી બે દીકરીઓ પરણાવી દીધી છે, જેમાંની એક તો મારા જ બિલ્ડિંગમાં રહે છે અને ત્રીજી દીકરી દિવ્યાંગ છે અને મારી સાથે છે. અમે બન્ને રહીએ છીએ શાંતિથી. બીજુ શું જોઈએ?’

જગજીવનભાઈ ખૂબ સારા પેઇન્ટર છે અને કૅન્વસ પર પેઇન્ટિંગ પણ કરે છે. શર્ટ પર ટાંકવામાં આવતાં બટન્સથી તેમણે ગણપતિ બનાવ્યા છે જેને તેમના ફૉરેનમાં રહેતા મિત્રો લઈ ગયા હતા. સ્કૂલમાંથી રિટાયર થયા પછી થોડોક સમય તેમણે પ્રિન્ટિંગનું કામ પણ કર્યું છે. પોતાના સમાજનાં કાયોર્માં પણ તેઓ આગળ પડતા છે. કલાકાર પોતાના દરેક કાર્યમાં કલા ભરી દેતો હોય છે એ જગજીવનભાઈના સેવાકાર્યમાંથી પણ ઝળકી આવે છે.

Tags

gujarat
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK