વૅક્સિન પૉલિટિક્સ: મહામારી પણ રાજકારણ બની શકે છે એ શીખવું હોય તો ઇન્ડિયા આવો

Published: 2nd December, 2020 09:55 IST | Manoj Joshi | Mumbai

દાવાઓમાં ક્યાંક ને ક્યાંક રાજકારણની બદબૂ આવી રહી છે અને આ બદબૂ તમારા દેશના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારી છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

હા, આ સંદેશો દુનિયાભરને આપવો જોઈએ. વૅક્સિન હવે ફાઇનલ સ્ટેજમાં છે એવા સમયે હવે એનું પણ રાજકારણ શરૂ કરવામાં આવ્યું છે. તામિલનાડુમાં વૅક્સિનની સાઇડ ઇફેક્ટ્સ માટે કંપની પર દાવો માંડવામાં આવ્યો છે અને એની સામે સીરમ ઇન્સ્ટિટ્યૂટે દાવો કરનારા પર ૧૦૦ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે. આ દાવાઓમાં ક્યાંક ને ક્યાંક રાજકારણની બદબૂ આવી રહી છે અને આ બદબૂ તમારા દેશના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારી છે.

વૅક્સિનની સાઇડ ઇફેક્ટ આવતી હોય છે, પણ એ ઇફેક્ટ ભાગ્યે જ આવતી હોય છે. માણસ પર એની ટ્રાયલ શરૂ થાય એ પહેલાં અનેક પ્રકારનાં એનાં ટેસ્ટિંગ થાય અને એ ટેસ્ટિંગમાં સફળતા મળ્યા પછી જ માણસ પર એની ટ્રાયલ શરૂ થાય છે. વૅક્સિનની ટ્રાયલ હવે દેશમાં અંતિમ તબક્કામાં પહોંચી છે. હવે માનવજાતિ પર એનું પરીક્ષણ શરૂ થયું છે, પણ એક વાત યાદ રાખજો કે આ ટ્રાયલ આજકાલથી શરૂ નથી થઈ. આ ટ્રાયલ શરૂ થયાને પણ બે-ત્રણ મહિના થઈ ગયા છે અને અમુક સેન્ટર પર તો ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં જ આ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હતી. વૅક્સિનની ટ્રાયલ એક ગંભીર પ્રોસેસ છે. એ રમત નથી, એમાં રમત હોય એવું ધારી પણ ન શકાય. તામિલનાડુમાં એની ટ્રાયલ શરૂ થયા પછી એક મહાશયનું કહેવું છે કે વૅક્સિનની ટ્રાયલ લીધા પછી એ મહાશયને ન્યુરોલૉજિકલ બ્રેકડાઉન જેવી તકલીફ દેખાવાનું શરૂ થયું છે તો સાથોસાથ એ મહાશય ગળાના ભાગમાં ઇન્ફેક્શન લાગવાની પણ ફરિયાદ કરી રહ્યા છે. આ ફરિયાદ કરનારા મહાશયે નથી કોઈ ડૉક્ટરનો ઓપિનિયન લીધો કે ન તો એ ભાઈ કોઈ મેડિકલ-એક્સપર્ટને મળવા ગયા.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ સામે દાવો માંડનાર આ મહાશય કોઈને મળવા નથી ગયા કે પછી મળવા ગયા હોય તો વૅક્સિનને લીધે આ પ્રકારની આડઅસર તેનામાં જોવા મળી છે એવું પણ પુરવાર નથી થતું અને એ પછી પણ તેણે સીધો દાવો કરી દીધો છે. જો વૅક્સિનની આડઅસર હોય તો એ આડઅસર મોટી સંખ્યામાં જોવા મળે અને એ આડઅસર વચ્ચે અનેક લોકોની આવી ફરિયાદો સાંભળવા મળી હોત, પણ એ મળી નથી એ હકીકત છે અને એટલે જ આ ફરિયાદમાં ક્યાંક ને ક્યાંક રાજકારણની અસર વધારે દેખાઈ રહી છે.

રાજકારણ હોવું જોઈએ, રમવું પણ જોઈએ અને એનો ઉપયોગ પણ થવો જોઈએ, પણ એ ક્યાં અને ક્યારે ખેલાવું જોઈએ એ વાત પણ સૌકોઈએ સમજવાની જરૂર છે. તક મળે ત્યારે રમવું એનું નામ રાજકારણ બિલકુલ ન હોય. સમાજના હિતમાં કે પછી સમાજના લાભમાં લેવાતાં પગલાં વચ્ચે પણ આડખીલીરૂપ બનવું એ પણ રાજકારણ હોઈ ન શકે. રાજકારણ નિર્લજ્જ ક્યારેય નથી હોતું. લજ્જાને સ્થાન ન આપે એ રાજકારણ નથી. એ ગટરકારણ છે અને ગટરકારણને આ દેશમાં સ્થાન ન મળવું જોઈએ. વૅક્સિનની ટ્રાયલ લેનારાને શારીરિક નુકસાન થયું એ વાત માત્ર પ્રસરવાથી સેંકડો લોકોની માનસિકતામાં નકારાત્મકતાની વાવણી થઈ છે, એનું નુકસાન કઈ રાજકીય પાર્ટી ભરપાઈ કરશે એ જવાબ માગવામાં આવશે તો એની પીડા દૂર-દૂર સુધી પહોંચશે એ ભૂલવું ન જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK