વૅક્સિન અને મતમતાંતર: મેડિકલ એક્સપર્ટ્સ પણ હજી અવઢવમાં હોય એ ગેરવાજબી છે

Published: 19th January, 2021 10:34 IST | Manoj Joshi | Mumbai

ફ્રન્ટલાઇન વૉરિયર્સ ગણાવવામાં આવ્યા એ મેડિકલ `એક્સપર્ટ્સના મગજમાં રહેલી અવઢવ દૂર થાય એ ખૂબ જરૂરી છે અને એનું કારણ પણ છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

હા, વૅક્સિન આવી ગઈ અને ફ્રન્ટલાઇન વૉરિયર્સને એ આપવાની શરૂ પણ થઈ ગઈ અને એ પછી પણ હજી ઘણા મતમતાંતર ચાલી રહ્યા છે. આ મતમતાંતર દૂર થવા અન‌િવાર્ય છે. ફ્રન્ટલાઇન વૉરિયર્સ ગણાવવામાં આવ્યા એ મેડિકલ `એક્સપર્ટ્સના મગજમાં રહેલી અવઢવ દૂર થાય એ ખૂબ જરૂરી છે અને એનું કારણ પણ છે. આ જે ફ્રન્ટલાઇન વૉરિયર્સ કે પછી મેડિકલ એક્સપર્ટ્સ છે એ જ તમારા વૅક્સિન માટે`ના સ્પોક્સપર્સન છે, એ જ વૅક્સિનનો પ્રચાર પણ કરશે અને જો તેમના મનમાં વૅક્સિન માટે શંકા-લઘુશંકા હશે તો એ ચોક્કસપણે એ વૅક્સિન માટે ગેરવાજબી કહેવાય એવો દુષ્પ્રચાર પણ કરશે. અફકોર્સ છાનાખૂણે, ખાનગીમાં કે પછી પોતાના અંગત હશે તેમની સામે પણ એ થશે એ નક્કી છે અને આવું જોવા મળ્યું છે.

અનેક એક્સપર્ટ્સ એવા છે જેના મનમાં હજી પણ આ વૅક્સિન માટે આશંકા છે. વૅક્સિન જ નહીં, તેમને મન તો આજે પણ આ કોરોના સામે આશંકાઓ છે. એક્સપર્ટ્સ જ નહીં, અનેક એવા એજ્યુકેટેડ લોકો છે જેની પાસે એવી દલીલ ચાલ્યા કરે છે કે આ કોરોના એ કોઈ આંતરરાષ્ટ્રીય ષડ્‍યંત્ર છે, જેનો લાભ વૅક્સિન-માર્કેટ માટે લેવાઈ રહ્યો છે. વૅક્સિનનું માર્કેટ ખાસ્સું મોટું છે. એવું મોટું જેની તમે કલ્પના પણ ન કરી શકો અને એમ છતાં ધારો કે તમારે કલ્પના કરવી હોય તો જગતના આ વૅક્સિન-માર્કેટની આવક એ કદની છે જેમાં ભારત જેવા દેશોનું પાંચેક વર્ષનું બજેટ સચવાઈ રહે કે પછી કહો કે ભારતનું દેવું ઊતરી જાય. ભલું થજો ભારતના વૈજ્ઞાનિકોનું કે તેમણે ટાઇમ સામે લાગેલી રેસ વચ્ચે પણ વૅક્સિનની માર્કેટમાં પોતાની વૅક્સિન બનાવીને મૂકી દીધી. જરા વિચારો કે જો આપણી વૅક્સિન તૈયાર ન થઈ હોત, માર્કેટમાં ન આવી હોત તો આપણું કેટલું હૂંડિયામણ વિદેશી વૅક્સિન ખરીદવામાં ગયું હોત. આજે પણ દેશમાં જે વૅક્સિન આપવામાં આવી રહી છે એમાંથી ૯૮ ટકા વૅક્સિન વિદેશી કંપનીઓ દ્વારા જ શોધવામાં આવી છે. અંગ્રેજો ગયા ત્યારે આપણી પાસે શિક્ષણ પણ નહોતું અને શિક્ષણ નહોતું એટલે જ્ઞાનનો પણ અભાવ હતો પણ હવે એ અફસોસ રહ્યો નથી અને એટલે જ કહેવાનું મન થાય કે ખોટી આશંકાઓ મનમાં રાખવાને બદલે કુદરત પર ભરોસો રાખીને આગળ વધો અને વૅક્સિન વિશે કે પછી કોરોના વિશે ગડમથલમાં રહ્યા વિના સકારાત્મક ભાવના સાથે નવા વિશ્વને જોવાની તૈયારી કરો. કેટલાક ડૉક્ટર ફ્રેન્ડ્સને મળ્યા પછી જ આ વાત દેખાય છે અને એટલે જ અત્યારે આ ટોપિક પર આપણે ચર્ચા કરીએ છીએ. આ જે ફ્રેન્ડ્સ છે એ હજી પણ અવઢવમાં છે કે હર્ડ-ઇમ્યુનિટી આપોઆપ ડેવલપ થઈ રહી છે ત્યારે શું કામ વૅક્સિન લેવાની? વાત ખોટી નથી, પણ સાથોસાથ એ પણ એટલું જ સાચું કે વાજબી નથી. કોવિડ વાઇરસની સૌથી ખરાબ વાત જો કોઈ હોય તો એની સ્પ્રેડ થવાની ગતિવિધિ. આવા સમયે કોવિડની વૅક્સિન લઈને સુરક્ષિત થવું સૌથી વધારે ઉચિત છે, હર્ડ-ઇમ્યુનિટીની આધારવિહીન વાતને આધાર બનાવવાની ભૂલ કર્યા વિના. જો તમે કે તમારી આજુબાજુમાં કોઈ એવું હોય જે આ પ્રકારની અર્થહીન વાતો ફેલાવીને નકારાત્મકતા ફેલાવવાનું કામ કરતું હોય તો પ્લીઝ, તેની વાતોમાં આવવું નહીં અને એવી વાતોને આગળ પણ વધારવી નહીં. હર્ડ-ઇમ્યુનિટીનો આ સમય નથી, એ સમય સપ્ટેમ્બર-નવેમ્બરમાં હતો, પણ આજનો સમય વૅક્સિનનો છે અને વાત રહી કોરોનાની, તો સાહેબ, કહેવાનું માત્ર એટલું જ કે એક વખત બ્રિટન જોઈ લો. સમજાશે કોરોનાની તાકાત કેવી હોય છે!

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK