પેન્ચના જંગલનું એ વેકેશન : ચલ કહીં દૂર નિકલ જાએં...

Published: Jan 10, 2020, 17:54 IST | JD majethia | Mumbai Desk

જેડી કૉલિંગ : જીવનમાં જ્યારે પણ મોકો મળે ત્યાં અને જેવો મોકો મળે એવો પણ જાનવર માટે કરી છૂટજો અને શપથ લેજો કે જાનવરની કાળજી તમારા પરિવારના સભ્યો જેવી જ લેશો. બહુ સામાન્ય કાળજી લેવાની છે આપણે.

જહાં પાંચ યાર મિલ જાએઃ રિસૉર્ટમાં અમારી વાતો અને વાતોની સાથે ચાની ચુસકીઓ અવિરત ચાલુ હતી. ફોટોમાં ક્લૉકવાઇઝ જોઈએ તો સૌથી પહેલાં હું, મારી પાછળ દેવેન ભોજાણી, એની બાજુમાં વિપુલ શાહ, વિપુલની બાજુમાં પરેશ ગણાત્રા અને પછી આતિશ કાપડિયા.
જહાં પાંચ યાર મિલ જાએઃ રિસૉર્ટમાં અમારી વાતો અને વાતોની સાથે ચાની ચુસકીઓ અવિરત ચાલુ હતી. ફોટોમાં ક્લૉકવાઇઝ જોઈએ તો સૌથી પહેલાં હું, મારી પાછળ દેવેન ભોજાણી, એની બાજુમાં વિપુલ શાહ, વિપુલની બાજુમાં પરેશ ગણાત્રા અને પછી આતિશ કાપડિયા.

પ્રાણીઓ માનવીનાં શ્રેષ્ઠ મિત્રો છે એની તમને ખબર જ હશે, પણ સાથોસાથ તમને એ પણ ખબર હશે કે ઑસ્ટ્રેલિયાનાં જંગલોમાં લાગેલી આગમાં ૫૦ કરોડથી વધુ પશુપંખીઓનાં મૃત્યુ થયાં છે, ૫૦ કરોડથી વધારે. ભારતની વસ્તીના લગભગ ૪૦થી ૪૫ ટકા અને હજી પણ આ આગ સંપૂર્ણપણે કન્ટ્રોલમાં નથી આવી. દુઃખ થાય અને તકલીફ પણ થાય, આપણે કશું કરવા માગીએ તો પણ શું કરી શકીએ એવી મૂંઝવણ પણ મનમાં આવે, પણ જો એવું બને તો યાદ રાખજો કે અત્યારે નહીં તો પણ જીવનમાં જ્યારે પણ મોકો મળે ત્યાં અને જેવો મોકો મળે એવો પણ જાનવર માટે કરી છૂટજો અને શપથ લેજો કે જાનવરની કાળજી તમારા પરિવારના સભ્યો જેવી જ લેશો. બહુ સામાન્ય કાળજી લેવાની છે આપણે.

જો ખાવાનું બચ્યું હોય તો એ ગાયને આપવું, પણ બગડી ગયેલું હોય તો ગાયને ન આપવું. આપણને એમ થાય કે જાનવરને બધું ચાલે, પણ ના. ન ચાલે. એ મૂંગા જાનવરને પેટમાં દુખે, પેટ બગડે અને તબિયત બગડે અને એ પછી એ તો બિચારા બોલી પણ ન શકે. બગડેલા ખાવાની જગ્યા છે કચરાપેટી. ખાવાનું આપતી વખતે પ્લાસ્ટિકની બૅગમાં કે બીજી કોઈ ચીજ સાથે વીંટાળીને ન આપવું, કારણ કે એમને હજી પણ ખાવાની અને ન ખાવાની વસ્તુનો ખ્યાલ નથી આવતો. આવું ધ્યાન નથી રાખતાં એટલે જ એમના પેટમાંથી પ્લાસ્ટિકની કોથળી નીકળે છે. એમની સામે થતી હિંસાને મૂંગા મોઢે જોતા ન રહેવું, એમને કારણ વગર સતાવવા નહીં અને આવી બીજી ઘણી સમજ ઈશ્વરે આપણને આપી છે એટલે આપણે એનો ઉપયોગ કરીને એમનો ખ્યાલ રાખવો, મારી સલાહની રાહ ન જોવી. આપણી પૃથ્વી પરનું સંતુલન જાળવવામાં આ જાનવરોનો બહુ મોટો ફાળો છે. ઘણાના જીવનની એકલતા દૂર કરવામાં પણ આ પેટ ડૉગ્સ, કૅટ અને બીજાં પ્રાણીઓએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.
‘ભાખરવડી’માં બિિસ્કટ નામનું કૂતરું છે જે ફૅમિલી-મેમ્બર તરીકે રહે છે. એને બધા દીકરા તરીકે ટ્રીટ કરે, એની સાથે વાતો પણ કરે. ફૅમિલીએ એને અટક પણ પોતાની આપી છે. આપણને થાય કે પ્રાણી સાથે વાત કરો તો એને શું ખબર પાડવાની, પણ એવું નથી, ઇમોશનલી તો એ આપણી સાથે કનેક્ટ હોય જ છે. સમજણ બધી જ પડતી હોય છે. ઘણા લોકો પોતાના પાળેલા જાનવરને પોતાના સંતાનથી જરા પણ ઓછાં નથી ગણતા. કદાચ વધારે પણ રાખતા હશે, કારણ કે સંતાનને પણ એ જાનવર એટલું જ વહાલું હોય છે. એમનાં ખાવા-પીવાથી લઈને દવાદારૂ, મૅટિંગ સુધીની ઝીણામાં ઝીણી કાળજી રાખે. પાળેલા જાનવરથી સામાન્ય રીતે આપણને કોઈ ભય નથી હોતો એમ જ જંગલમાં છૂટા ફરતા જાનવરથી મનુષ્યને કોઈ ડર નથી હોતો. ભય એ લોકોને હોય છે જે એમની ટેરિટરીમાં દાખલ થાય છે. એમને કોઈનાથી ભય લાગે તો એ સામેવાળા માટે ભય બને છે. તેમના કે તેમનાં સંતાનો પર કોઈ સંકટ તોળાતું દેખાય તો પ્રાણી તો શું મનુષ્ય પણ સામેવાળા પર હુમલો કરી બેસે છે. આ બધા અને આવા અનુભવો થયા, જ્યારે હું ક્રિસમસ વેકેશન પર ગયો.
હું અને મારા દોસ્તો, અમે પાંચ મિત્રો આ વખતે નામ નથી લખતો, કારણ કે મને ખાતરી જ છે કે તમને પણ હવે ખબર જ છે કે હું કયા પાંચ મિત્રોની વાત કરું છું. અમે બધા મિત્રો અને પરિવારજનો મળીને કુલ ૧૯ લોકો દર વર્ષે નાતાલની રજા માણવા માટે સાથે જ જઈએ છીએ. આ વખતે અમે નાગપુરથી અઢી કલાક દૂર આવેલા પેન્ચ ટાઇગર રિસૉર્ટ ગયા હતા.
આ દિવસો અવિસ્મરણીય હતા, દર વર્ષના હૉલિડેની જેમ. સામાન્ય રીતે ગોવા, લોનાવલા જવાનું બને, પણ આ વખતે તદ્દન વિપરીત સ્થળે ગયા. મનમાં એમ કે બાળકોને આ પ્રકારની જગ્યા નહીં ગમે, પણ આજની આ યંગ જનરેશન એટલીબધી સેન્સિટિવ અને સમજદાર છે કે અમને બધાને જલસો પડી ગયો. નક્કી પણ કરી લીધું છે કે બહુ જલદી આવાં જ ઍડ્વેન્ચર્સ સફારી હૉલિડે પર ફરી જવું. અમારી ટ્રિપનું શ્રેય ટૂર-સંચાલક આતિશ કાપડિયાને જાય છે. આતિશ વાઇલ્ડલાઇફનો શોખીન છે. આતિશે જ યોગેશ સેલારકા સાથે મળીને આ યાદગાર વેકેશનનું આયોજન કર્યું હતું. ૨૬ ડિસેમ્બરની સવારે અમે નાગપુરમાં ઍરપોર્ટ પર ઊતર્યા કે તરત જ અમારું સ્વાગત વરસાદે કર્યું. થોડા અમે ભીંજાયા અને થોડો સામાન પણ ભીંજાયો.
નાતાલની રજામાં વરસાદ ક્યારેય અનુભવ્યો નહોતો, પણ એને કારણે ઠંડી ઓર વધી ગઈ અને વાતાવરણ રમણીય બની ગયું. બધા મિત્રો એક ગાડીમાં, પત્નીઓ બીજી ગાડીમાં અને બચ્ચાંઓ પોતાના કૅમ્પમાં. અમે નીકળ્યાં પેન્ચ ટાઇગર રિસૉર્ટ તરફ જવા માટે. જર્નીમાં અઢળક ખૂબબધી વાતો કરી. ક્રિકેટ, બૉલીવુડ, અમારા કામની, સંતાનોની તબિયત, સંતાનોનાં ભણતર અને કરીઅરની, તકલીફોની. બીજી એક વાત કહું તમને, પૉલિટિક્સ, રિલિજિયન જેવા સબ્જેક્ટથી અમે દૂર રહ્યા.
રિસૉર્ટ પર પહોંચીને પોતપોતાના ટેન્ટમાં ગોઠવાયા અને વાતાવરણથી પરિચિત થવા લાગ્યા. ઠંડી વધવા લાગી અને સાથે અમારી ચા પણ. થોડી વાર આ ટેન્ટમાં તો થોડી વારમાં બીજાના ટેન્ટમાં. રાત ક્યાં પડી ગઈ એની ખબર જ ન પડી. બીજા દિવસે વહેલી સવારે સાડાપાંચ વાગ્યાની કડકડતી ઠંડીમાં અમારો કાફલો નીકળ્યો વાઘને અને અન્ય પ્રાણીઓને જોવા માટે પેન્ચનાં જંગલોમાં. કોઈ ગમે એટલું કહે કે ત્યાં ઠંડી નથી, પણ જ્યારે કોઈ પણ જગ્યાએ જંગલની સફારી કરો ત્યારે સવારે ફક્ત આંખ ખુલ્લી રહે અને શરીરનાં બધાં અંગ ઢંકાયેલાં રહે એવી કપડાંની એક જોડી જરૂર સાથે લેવી જ લેવી, નહીં તો બધી મજા બગડી જશે. આવી જગ્યાની સિક્યૉરિટીની વ્યવસ્થા ઇન્ડો-પાક બૉર્ડર કરતાં પણ વધારે કડક હોય છે. તમે જે નામ પહેલેથી સફારી વૅનમાં બેસવા માટે લખાવ્યાં હોય એ જ રીતે સફારીની વ્યવસ્થા હોય એ મુજબ બેસવું પડે, નહીં તો તમને અંદર જવા નહીં દે. આજકાલ સર્વમાન્ય આઇડી-પ્રૂફ સાથે રાખવું જ રાખવું, ક્યાંય પણ જરૂર પડી શકે છે. અમારે તો રોજ સાથે રાખવું પડતું, કારણ કે અહીં વાઘ કોઈને જમી જાય તો ખબર કેમ પડે? આઇડી-પ્રૂફથી.
હા... હા... હા... હતોને મસ્ત થથરી જવાય એવો જોક.
એવું કોઈની સાથે ન થાય, પણ એ માટેની માનસિક તૈયારી તમને કરાવવા માટે જોરદાર ડિસિપ્લિન જાળવવા અને કોઈ પણ સંજોગોમાં જીપમાંથી ન ઊતરવા માટે આવા કડક કાયદા લગભગ બધા સફારી રિસૉર્ટમાં બનાવ્યા છે. તમારી સુરક્ષા માટે અને જાનવરની સુરક્ષા માટે પણ. જંગલમાં બધું પાર કરીને અમે પ્રવેશ્યાં સફારીમાં.
હું, નીપા, વિપુલ શાહ, શેફાલી શાહ અને લીના પરેશ ગણાત્રા બધાં સાથે હતાં. નીપા અને શેફાલીએ હોટેલમાંથી બબ્બે ધાબળા લીધા હતા અને છતાં તેમને ઠંડી લાગતી હતી. અંદર દાખલ થયા કે તરત જ અમને સ્પોટેડ ટપકાવાળાં હરણોનું ટોળું જોવા મળ્યું. મોઢામાંથી સિગારેટ વિના ધુમાડા નીકળતા હતા. સિગારેટની વાત નીકળી છે એટલે એક ખાસ વાત, સૂકા ઘાસ પાસે ક્યારેય કોઈ પણ પ્રકારની આગ સંબંધિત પ્રવૃત્તિ ન કરવી, સિગારેટ જેવા વ્યસનને કોષો દૂર રાખવું, નહીંતર તમે લાખોના નુકસાન માટે જવાબદાર ઠરશો. ક્યારેય એટલે ક્યારેય નહીં, દીવાસળી ક્યારેય જમીન પર ન ઠારવી જેવી બાબતોનું સંપૂર્ણ ધ્યાન રાખવું.
હરણ અને લંગૂરની દોસ્તી અજીબ છે. લંગૂર ઝાડ પરથી પાંદડાં અને અમુક પ્રકારનાં ફળ તોડીને નીચે નાખે અને હરણ એની લિજ્જત માણે. ૫૦,૦૦૦ની આસપાસ અલગ-અલગ જાતનાં હરણ છે અહીં. આતિશની જેમ વિપુલનું પણ વાઇલ્ડલાઇફ માટેનું જ્ઞાન અને જાણકારી ઉત્તમ અને ઊંડાણમાં છે. મજા પડી ગઈ અમને બધાને તેમના સાથથી. અમારી પાસે બે ગાઇડ હતા, એક લોકલ ગાઇડ અને બીજા વિપુલ ગાઇડ. પેન્ચમાં વાઘ અને બીજાં હિંસક પ્રાણીઓ માટે લહાણી હોય છે. ખૂબ વિપુલ પ્રમાણમાં ખોરાક છે. ૪૦થી ૫૦ હજાર અલગ-અલગ પ્રકારનાં હરણ. આપણા જેવા વેજિટેરિયનોને એમ થાય કે આવાં હરણોને મારતાં અને મરતાં જોવાની વાતમાં શું મજા, પણ આ કુદરતની અજીબ કરામત છે. આ જાનવરોને મારે નહીં તો બધું જ ઘાસ ખાઈ જાય અને બીજાં ઝાડ-પાન કે છોડ જેવી ચીજો ખૂટી જાય અને આ જ પ્રાણીઓ ભૂખે મરે એવું ન થાય એટલે એમનું પણ કન્ટ્રોલ થાય અને વાઘ જેવાં જંગલી જાનવરોને ખોરાક મળવો જોઈએ અને એમની વસ્તી પણ અકબંધ રહેવી જોઈએ આવી વાતો થતી હતી.

આ પણ વાંચો : Happy Birthday Kalki Koechlin : જાણો અભિનેત્રીની રૅર અને બ્યૂટિફુલ તસવીરો

આવી વાત થતી હતી એ દરમ્યાન અમારા ગાઇડે કાર અટકાવડાવી. તેમણે કહ્યું કૉલિંગ છે. અમારા ફોનનાં નેટવર્ક તો જંગલમાં હતાં નહીં તો આ કયા કૉલિંગની વાત કરતો હશે? વાઘ કે કોઈ ખતરનાક પ્રાણીઓ જંગલમાં આગળ વધતાં હોય ત્યારે લંગૂર ઝાડ પરથી અને હરણ નીચેથી એક ચોક્કસ પ્રકારના અવાજ કરે છે જેનાથી બીજાં જાનવરોને ખ્યાલ આવે કે વાઘ કઈ તરફ આગળ વધે છે એની ખબર મળે અને એ લોકો સાવચેત થઈને ત્યાંથી દૂર જવા માંડે. આ બધાની વચ્ચે અમને કૉલિંગ મળવા લાગ્યું. અમે જ્યાં હતા ત્યાં આસપાસ ખૂબ બધાં હરણ થંભી ગયાં અને એમના કાન સરવા થઈ ગયા, કારણ કે એ કૉલિંગ મુજબ વાઘ અમારી દિશામાં આવતો હતો. સન્નાટો છવાઈ ગયો. આવા વખતે શ્વાસનો અવાજ પણ કન્ટ્રોલમાં રાખવો પડે. ગાડી બંધ કરીને વાઘની રાહ જોતા રહ્યા, અમે અને હરણ. 
વાઘ આવ્યો કે નહીં એ આવતા અંકે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK