ઉત્તરાખંડમાં કુદરતનું તબાહીનું તાંડવ

Published: 8th February, 2021 08:11 IST | Gujarati Mid-day Correspondent | Chamoli

ચમોલી નજીક જોશી મઠમાં ગ્લેશિયર ધસી પડતાં બનેલી આ ઘટનાને કારણે ધૌલીગંગામાં પૂર આવતાં ગામડાં ખાલી કરાવાયાં; હાઇડ્રો પાવર પ્રોજેક્ટના વીસ મજૂરો ગુમ; ૭ મોત અને ૧૭૦ ગુમ

ઉત્તરાખંડના જોશીમઠ નજીક હિમશિલા તૂટી પડ્યા બાદ થયેલો બરફ અને માટીનો ધસારો, જેને કારણે ધૌલીગંગા નદીમાં ભારે પૂર આવ્યું હતું (તસવીર: પી.ટી.આઇ.)
ઉત્તરાખંડના જોશીમઠ નજીક હિમશિલા તૂટી પડ્યા બાદ થયેલો બરફ અને માટીનો ધસારો, જેને કારણે ધૌલીગંગા નદીમાં ભારે પૂર આવ્યું હતું (તસવીર: પી.ટી.આઇ.)

ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લાના રેની ગામમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ નજીક હિમશિલા ધસી જવાને કારણે ગંગાની ઉપનદી ધૌલીગંગા બે કાંઠા તોડીને વહેવા માંડી હતી. સવારે ૧૦ વાગ્યે વાદળ ફાટવાને કારણે અથવા જળાશય તૂટવાને કારણે હિમશિલા ધસી પડી હોવાનું મનાય છે. જોશી મઠથી ૨૬ કિલોમીટર દૂરના ક્ષેત્રમાં બનેલી દુર્ઘટનાને પગલે અનેક ગામો તાકીદે ખાલી કરાવાયાં હતાં. રાજ્ય સરકારે લોકોને ગંગા નદીમાં બોટમાં પ્રવાસ કે માછીમારી માટે ન નીકળવાની સૂચના આપી છે. શક્ય હોય ત્યાં સુધી ગંગાના કિનારે પણ જવાનું ટાળવાનો અનુરોધ સરકારી સૂત્રોએ કર્યો છે. 

હરિદ્વાર અને હૃષીકેશ જેવાં દૂરનાં સ્થળોએ પણ અલર્ટ જાહેર કરવામાં આવી હતી. હરિદ્વારના કલેક્ટરે સાવચેતીની કેટલીક સૂચના બહાર પાડી હતી. કુદરતી આફતને કારણે સેંકડો લોકોનાં મોતની આશંકા રાખવામાં આવે છે. ગંગા નદીના સ્રોતરૂપ ૬ પ્રવાહોમાંથી એક ધૌલીગંગાની લંબાઈ ૮૫ કિલોમીટર છે. ધૌલીગંગા જોશી મઠની તળેટીમાં વિષ્ણુપ્રયાગમાં અલકનંદા નદીમાં ભળે છે. હિમશિલા ક્ષેત્રમાં ઝાઝી માનવવસ્તી ન હોવાથી જાનહાનિ ઓછી રહેવાની શક્યતા છે, પણ પાવર પ્રોજેક્ટ્સને ઘણું નુકસાન થયું છે.

૧૭૦થી વધારે સ્થાનિક લોકો ગુમ અને સાતના મોત થયા હોવાનું સત્તાવાળાઓએ નોંધ્યું હતું. તપોવન પાવર પ્રોજેક્ટનો બંધ તૂટી પડતાં એના કર્મચારીઓ સહિત ઘણા ધસમસતા જળપ્રવાહમાં તણાઈ ગયા હોવાની શક્યતા દર્શાવાય છે. હૃષીગંગા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના કેટલાક કર્મચારીઓ પણ તણાઈ ગયા હોવાની આશંકા સત્તાવાળાઓએ વ્યક્ત કરી છે.

દુર્ઘટનાની જાણ થતાં ઇન્ડો-તિબેટન બૉર્ડર પોલીસ (આઇટીબીપી) અને સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (એસડીઆરએફ)ના જવાનોને બચાવ અને રાહત કામગીરી માટે સંબંધિત ક્ષેત્રમાં મોકલવામાં આવ્યા હતા. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવતે બચાવ અને રાહત કામગીરીની માહિતી મેળવવા સરકારી અમલદારોની ઇમર્જન્સી મીટિંગ બોલાવી હતી.

મરણ પામનારના પરિવારને બે-બે લાખ રૂપિયાની સહાય

ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં હિમશિલા ધસી પડવાની દુર્ઘટનાના સમાચાર મળતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતને ફોન કરીને પરિસ્થિતિની માહિતી મેળવી હતી. ફોન પર વાતચીત દરમ્યાન બન્ને કેન્દ્રીય નેતાઓએ દુર્ઘટનાના અનુસંધાનમાં બચાવ અને રાહત કામગીરી માટે કેન્દ્ર સરકાર તરફથી પૂર્ણ સહાયની બાંયધરી આપી હતી. ગૃહપ્રધાને ઇન્ડો-તિબેટન બૉર્ડર પોલીસના મહાનિયામક એસ. એસ. દેસવાલ સાથે પણ ફોન પર વાત કરી હતી. અમિત શાહે જણાવ્યું કે એનડીઆરએફની ટીમને હેલિકૉપ્ટરમાં દેહરાદૂન મોકલીને ત્યાંથી જોશી મઠ ભણી રવાના કરવામાં આવી છે.

Uttarakhandગંગા ઘાટ સૂમસામ: હિમશિલા ધસી પડવાને કારણે ધૌલીગંગા નદીમાં ભારે પૂર આવ્યાં છે, જેની અસર ગંગા નદી નજીક આવેલા કિનારા પર પણ પડી શકે છે. હરિદ્વારના હર કી પૌડી ઘાટ તેમ જ નજીકનાં મંદિરોને સરકારે સાવચેતીનાં પગલાંરૂપે બંધ કરી દેતાં સાવ ભેંકાર જણાય છે. (તસવીર: પી.ટી.આઇ.)

આસામના પ્રવાસ વચ્ચે ગઈ કાલે વડા પ્રધાને ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત સાથે ફોન પર વાત કર્યા પછી ટ્વિટર-હૅન્ડલ પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘ચમોલી-જોશી મઠ પાસેની દુર્ઘટનાના અસરગ્રસ્તોને શક્ય એટલી તમામ સહાય પહોંચાડવા માટે સત્તાવાળાઓ મહત્તમ પ્રયાસ કરે છે. સમગ્ર ભારત ઉત્તરાખંડના પડખે છે અને સૌ સુરક્ષિત તથા ક્ષેમકુશળ રહે એ માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે. હું કેન્દ્ર અને રાજ્યના સંબંધિત અમલદારો સાથે સતત સંપર્ક જાળવીને નૅશનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ફોર્સના જવાનો તહેનાત કરવા સહિત બચાવ અને રાહત કામગીરીની વિગતો મેળવી રહ્યો છું.કેન્દ્ર સરકારે મરણ પામનાર તમામના પરિવારને બે-બે લાખ રૂપિયાની સહાયની ઘોષણા કરી હતી’

આર્મી સાથે ઍરફૉર્સ પણ બચાવ અને રાહત માટે સક્રિય

Uttrakhand

રેસ્ક્યુ ઓપરેશનમાં વ્યસ્ત આઇટીબીપીનાં જવાનો

ઉત્તરાખંડમાં કુદરતી આફત પછી જાનમાલનું નુકસાન રોકવા અને બચાવ-રાહત કામગીરી  માટે લશ્કરનાં ભૂમિ દળ અને હવાઈ દળના જવાનો, હેલિકૉપ્ટર્સ, વિમાનો તથા સાધન-સરંજામ રવાના કરવામાં આવ્યાં હતાં. ચમોલી જિલ્લામાં જોશી મઠ પાસેના રેની ગામમાં હિમશિલા તૂટી પડવાની દુર્ઘટના પછી ૪૦૦ જેટલા સૈનિકોની ચાર ટુકડીઓ પહોંચી ગઈ હતી. એનડીઆરએફના જવાનોના ઍરલિફ્ટિંગ માટે હવાઈ દળનાં સી-૧૩૦ અને એએન-૩૨ વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આઇટીબીપીના જવાનોની હેરફેર માટે તેમ જ પૂરગ્રસ્તોને બચાવવા માટે લશ્કર તથા સલામતી દળોનાં હેલિકૉપ્ટર્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આઇટીબીપીના જવાનોએ તપોવન ટનલમાંથી ૧૬ જણને બચાવ્યા

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના રેની ગામમાં હિમશિલા ધસી પડવાને કારણે ધૌલીગંગા નદીમાં પૂર આવ્યા પછી તપોવન હાઇડ્રો-પાવર પ્રોજેક્ટ નજીકની ટનલમાં ફસાઈ ગયેલા ૧૬ જણને આઇટીબીપીના જવાનોએ બચાવી લીધા હતા. એ વિસ્તારમાં લોકો અટવાયા કે ફસાયા હોવાની માહિતી મળતાં ઇન્ડો-તિબેટ બૉર્ડર પોલીસ (આઇટીબીપી)ના જવાનોએ ત્યાં રેસ્ક્યુ ઑપરેશન હાથ ધર્યું હતું. પૂરની સ્થિતિને કારણે નૌકાદળની સાત ડાઇવિંગ  ટીમો પણ તૈયાર રાખવામાં આવી છે.

આઇટીબીપીના ડિરેક્ટર જનરલ એસ. એસ. દેસવાલે જણાવ્યું હતું કે ‘તપોવન ક્ષેત્રના નૅશનલ થર્મલ પાવર કૉર્પોરેશન (એનટીપીસી)ના પરિસરમાં લગભગ ૧૫૦ જણ હતા. તેમના સગડ મેળવવાના પ્રયત્નોમાં નજીકની નદીમાંથી નવ મૃતદેહો મળ્યા હતા. હિમશિલા તૂટી પડવાની કુદરતી આફતમાં અન્ડર કન્સ્ટ્રક્શન હાઇડ્રો પાવર પ્રોજેક્ટને નુકસાન થયું હતું. ચમોલી જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને એનટીપીસી સાથે સમન્વય જાળવીને બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા છીએ.’

Uttrakhand

પાવર પ્લાન્ટ કીચડ-કીચડ: પૂરને કારણે ધૌલીગંગા નદી પર રેની ગામ નજીક બની રહેલા હાઇડ્રો પાવર પ્રોજેક્ટને થયેલું નુકસાન. (તસવીર: પી.ટી.આઇ.)

અસરગ્રસ્ત વિસ્તારોમાં આજે કોઈ પ્રતિકૂળ અસર જોવા નહીં મળે

ગ્લૅસિયર ફાટવાની બનેલી ઘટનાથી અસરગ્રસ્ત વિસ્તારોને રાહત આપતાં હવામાન વિભાગે ગઈ કાલે જણાવ્યું હતું કે ૭ અને ૮ ફેબ્રુઆરીએ ઉત્તરાખંડમાં ચમોલી, તપોવન અને જોષીમઠમાં પ્રતિકૂળ હવામાનની કોઈ વિશેષ અસર જોઈ શકાશે નહીં. ભારતીય હવામાન વિભાગના એડિશનલ ડિરેક્ટર જનરલ આનંદ શર્માએ કહ્યું હતું કે આ બે દિવસ દરમ્યાન ચમોલી, તપોવન અને જોષીમઠમાં હવામાન સૂકું રહેશે.

ઉત્તરાખંડ રાજ્ય માટે હવામાનની વિશેષ અૅડ્વાઇઝરીમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે ૭ અને ૮ ફેબ્રુઆરીએ હિમવર્ષા કે વરસાદ નહીં પડે. જોકે ચમોલી જિલ્લાના ઉત્તરીય ભાગમાં ૯ અને ૧૦ ફેબ્રુઆરીએ હળવો વરસાદ કે બરફવર્ષા થવાની શક્યતા છે.

Uttrakhandહિમશિલા ધસી પડવાને કારણે થયેલા નુકસાનની ચકાસણી કરવા આવેલા ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવત 

થૅન્ક યુ ઉપરવાલે

Uttrakhand

ઉપરવાલા દેતા હૈ છપ્પર ફાડકેની આ વાત સાચી છે આફતની બાબતમાં પણ. ઉત્તરાખંડમાં ગઈ કાલે ફરી કુદરતે તબાહીનું તાંડવ આચર્યું હતું. હિમશિલા કે ગ્લૅસિયર ધસી જવાને કારણે ધૌલીગંગા નદીએ હાહાકાર મચાવ્યો હતો. જોકે ચમોલી જિલ્લાની તપોવન ટનલમાંની આ વ્યક્તિ સહિત ઘણા નસીબદાર હતા કે સૈન્યના જવાનોએ તેમને ટનલમાંથી ભારે જદ્દોજહદ પછી સુખરૂપ બચાવી લીધા હતા. નવજીવન મળ્યાની ખુશીમાં આ માણસ ઈશ્વરનો આભાર માનવાનું ચૂક્યો નહોતો.

ફસાયેલા પ્રવાસીઓ માટે અમદાવાદ અને નવસારીએ હેલ્પલાઇન-નંબર જાહેર કર્યા

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન સાથે ટેલીફોનિક વાતચીત કરીને ઉત્તરાખંડના ચમોલી તપોવન ખાતે સર્જાયેલી કુદરતી હોનારતમાં ફસાયેલા ગુજરાતના યાત્રિકોને તત્કાલ મદદ અને બચાવ રાહત તેમ જ ઈજાગ્રસ્તોને સારવારનો પ્રબંધ કરવાની વ્યવસ્થા માટે સહાયરૂપ થવા વિનંતી કરી છે. વિજય રૂપાણીએ આ સંદર્ભમાં ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમને ઉત્તરાખંડ પ્રશાસન સાથે સંપર્ક કરી ત્વરાએ કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી.

ઉત્તરાખંડના ચમોલીમાં ગઈ કાલે બનેલી હોનારત બાદ અમદાવાદ તેમ જ નવસારી જિલ્લા તંત્રએ હેલ્પલાઇન-નંબર જાહેર કર્યા છે. આ જિલ્લાઓના રહેવાસીઓ ત્યાં ફરવા ગયા હોય કે ફસાયેલા હોય તો તેમની માહિતી હેલ્પલાઇન-નંબર પર આપવા જણાવ્યું છે. અમદાવાદ અને નવસારી જિલ્લા દ્વારા ઉત્તરાખંડ ફરવા ગયેલા નાગરિકોની માહિતી એકઠી કરવા પ્રયત્નો હાથ ધર્યા છે.

અમદાવાદ જિલ્લા કલેક્ટર કન્ટ્રોલ રૂમ-નંબર

૦૭૯-૨૭૫૬૦૫૧૧

નવસારી જિલ્લા કલેક્ટર કન્ટ્રોલ રૂમ-નંબર

૦૨૬૩૭-૨૩૩૦૦૨

૦૨૩૭-૨૫૯૪૦૧

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK