વડા પ્રધાન વારાણસીના એક ગામને દત્તક લઈને વિકસાવશે

Published: 12th October, 2014 05:12 IST

સાંસદ આદર્શ ગ્રામ યોજનાના શુભારંભ કાર્યક્રમમાં શિવસેનાનો એકેય સંસદસભ્ય ડોકાયો નહીં, પણ કૉન્ગ્રેસના ત્રણની હાજરી Narendra Modiગ્રામીણ ભારતને વિકસાવવાના હેતુસર સાંસદ આદર્શ ગ્રામ યોજનાનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે પ્રારંભ કર્યો હતો. ૨૦૧૯ સુધીમાં કમસે કમ ત્રણ ગામડાંમાં માળખાકીય તથા સંસ્થાગત સુવિધાઓ વિકસાવવાનો આગ્રહ તેમણે બન્ને ગૃહના ૮૦૦ સંસદસભ્યોને કર્યો હતો.  

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘હું મારા સંસદીય મતવિસ્તાર વારાણસીનું એક ગામ દત્તક લઈને એને વિકસાવીશ. વારાણસીના લોકો સાથે વાત કરીશ, ગામડે જઈશ અને પસંદ કરીશ કે કયું ગામ દત્તક લેવું છે.’

વડા પ્રધાન બન્યા પછી પહેલી વાર ૧૪ ઑક્ટોબરે મોદી વારાણસી જવાના છે.

લોકનાયક જયપ્રકાશ નારાયણની જયંતી પ્રસંગે શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ દરેક સંસદસભ્યે એક ગામને દત્તક લેવાનું છે, પણ એમાં શરત એ છે કે એ ગામ સંસદસભ્ય કે તેમનાં પત્નીનું ન હોવું જોઈએ કે એ ગામમાં તેમનું  સાસરું ન હોવું જોઈએ.

આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચેનું અંતર સ્પષ્ટપણે જોવા મળ્યું હતું. આ પ્રોગ્રામમાં કૉન્ગ્રેસના ત્રણ સંસદસભ્યો ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ શિવસેનાનો એકેય સંસદસભ્ય ડોકાયો નહોતો.

વડા પ્રધાને જણાવ્યું હતું કે ‘સમગ્ર દેશના પ્રવાસ બાદ હું એક વાત સમજ્યો છું કે ગામડાંનો વિકાસ માત્ર પૈસા આપીને નહીં, સ્થાનિક લોકોના સહકાર વડે જ થઈ શકે. સ્થાનિક લોકો તેમના ગામ બાબતે ગૌરવ અનુભવતા થાય એવું વાતાવરણ સર્જવું જોઈએ.’

મોદીનો આઇડિયા અને ગણતરી

વડા પ્રધાને આ પ્રસંગે કહ્યું હતું કે ‘આપણા અંદાજે ૮૦૦ સંસદસભ્યો ૨૦૧૯ના વર્ષ સુધીમાં કમસે કમ ત્રણ-ત્રણ ગામડાં વિકસાવી શકે તો આ યોજના હેઠળ આશરે ૨૫૦૦ ગામડાંનો વિકાસ થઈ શકે. રાજ્યો પણ એના વિધાનસભ્યો માટે આવી સ્કીમ અમલી બનાવે તો આગામી પાંચ વર્ષમાં ૬૭૦૦થી વધારે ગામડાંનો વિકાસ શક્ય બને.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK