કાનપુરમાં પોલીસ પર બેફામ ફાયરિંગ : 8 પોલીસ શહીદ

Published: Jul 04, 2020, 12:09 IST | Agencies | Kanpur

હિસ્ટ્રીશીટર વિકાસ દુબેને પકડવા ગયેલી ટીમ પર ગોળીબાર

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશના કાનપુરમાં ગુરુવારે મોડી રાત્રે એક વાગ્યે હિસ્ટ્રીશીટર વિકાસ દુબેને પકડવા ગયેલી પોલીસ ટીમ પર દૂબેના સાગરીતો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સર્કલ ઑફિસર અને ૩ સબ ઇન્સ્પેક્ટર સહિત ૮ પોલીસ કર્મચારીઓ શહીદ થયા છે જ્યારે ૭ પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી પ્રમાણે બિઠૂરના એક ગામમાં પોલીસ વિકાસ દુબેને પકડવા ગઈ ત્યારે છત પરથી તેના સાગરીતોએ પોલીસ પર હુમલો કર્યો હતો. આ હુમલાખોર પોલીસના હથિયારો પણ લૂંટીને જતા રહ્યા હોવાના અહેવાલ છે. બીજી તરફ પોલીસે જણાવ્યું છે કે આ અથડામણ બાદ કરવામાં આવેલા એન્કાઉન્ટરમાં વિકાસ દુબેના ત્રણ સાગરીતો ઠાર મરાયા છે.

આ અથડામણમાં બિલ્હૌરના સીઓ દેવેન્દ્ર મિશ્ર, શિવરાજપુરના એસઓ મહેશ યાદવ, ૨ સબ ઇન્સ્પેક્ટર અને ૪ કૉન્સ્ટેબલ શહીદ થઈ ગયા છે. આ સિવાય ૭ અન્ય પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે.

ઉત્તર પ્રદેશના ડીજીપી એચ. સી. અવસ્થિએ જણાવ્યું કે વિકાસ દુબે વિરુદ્ધ થોડા દિવસો પહેલાં હત્યાના પ્રયાસનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ વિકાસ દુબેની ધરપકડ કરવા ગઈ હતી. જેવો પોલીસ કાફલો ગામની બહાર પહોંચ્યો ત્યાં જેસીબી લગાવી દેવામાં આવી. જેના કારણે પોલીસની ગાડી ગામની અંદર ના જઈ શકે.

આખરે પોલીસ કર્મચારીઓ ગાડીમાંથી ઉતર્યા હતા. આ દરમ્યાન રાહ જોઈને બેઠેલા બદમાશોએ પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું. પોલીસ તરફથી પણ જવાબી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે અપરાધીઓ ઊંચાઈ પર હતા જેના કારણે પોલીસ કર્મચારીઓને ગોળી વાગવાથી ૮ જવાનો શહીદ થઈ ગયા છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK