Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કચ્છના છ તાલુકાઓમાં ભારે ઝાપટાં સાથે દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો

કચ્છના છ તાલુકાઓમાં ભારે ઝાપટાં સાથે દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો

21 September, 2019 07:20 AM IST | ભુજ
ઉત્સવ વૈદ્ય

કચ્છના છ તાલુકાઓમાં ભારે ઝાપટાં સાથે દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો

કચ્છમાં ભાર વરસાદ

કચ્છમાં ભાર વરસાદ


હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગઈ કાલે બપોર બાદ એકાએક જિલ્લાભરના વાતાવરણમાં આવેલા પરિવર્તન બાદ પ્રારંભે રાપર, ભચાઉ અને ત્યાર બાદ ભુજ, નખત્રાણા, નલિયા, ગઢશીશા સહિતના પંથકમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં.

ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. મિની વાવાઝોડા સમાન ફુંકાયેલા પવનથી પ્રથમ ધૂળની ડમરીઓ ઊડી હતી અને ત્યાર બાદ મેઘરાજાનું આગમન થયું હતું. ભચાઉ શહેર ઉપરાંત સામખિયાળી, વોંધ, જેસડા સહિતના પંથકમાં ભારે ઝાપટારૂપી મહેર વરસી હતી. સવારથી ભારે ઉકળાટ બાદ મેઘરાજાના આગમનથી વરસાદમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આગામી સપ્તાહે મેઘરાજાના આગમનથી આગાહી વ્યક્ત કરાઈ છે. એ પૂર્વે કચ્છના વાગડ વિસ્તારમાં મેઘરાજાની હાજરી જોવા મળી હતી. ગઈ કાલે સખત ગરમી વચ્ચે બપોર બાદ રાપર તાલુકાના રવ, નંદાસર, ડાવરી, બાલાસર, ગઢડા, રાસાજી સહિતનાં ગામોમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો.



ગરમીના ઉકળાટ વચ્ચે ધોળા દિવસે અંધકાર છવાઈ ગયો હતો અને જોતજોતાંમાં જોરદાર પવન સાથે વરસાદ તૂટી પડતાં રવ અને આસપાસનાં ગામોમાં પાણી-પાણી થઈ ગયું હતું. આ અંગે રવના તલાટી હિતેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ગાજવીજ સાથે વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને અડધા કલાકમાં એકથી દોઢ ઇંચ વરસાદ થતાં ગામમાંથી પાણી વહી નીકળ્યાં હતાં. તો મોટી રવ ગામે પણ જોરદાર વરસાદ પડ્યો હોવાનું તાલુકા પંચાયતના સદસ્ય રાજુભા જાડેજાએ જણાવ્યું હતું. આ વરસાદથી ગરમીમાં રાહત મળી હતી તો આ વિસ્તારમાં ચોમાસાના પાક માટે આ વરસાદ ફાયદાકારક થશે એમ ખેડૂતોએ જણાવ્યું હતું.


સોનેરી સંધ્યા ખીલ્યા બાદ જિલ્લા મથક ભુજ, માનકુવા, નખત્રાણા, ગઢશીશા, નલિયા વિસ્તારમાં પણ ભારે ગાજવીજ અને પવન સાથે ઝાપટાં વરસતાં માર્ગો પરથી જોશભેર પાણી વહી નીકળ્યું હતું.

સારા વરસાદને પગલે ખરીફ પાકના વાવેતરમાં કચ્છ પ્રથમ


રાજ્યભરમાં સારા વરસાદને પગલે ૬.૨૨ લાખ હેક્ટર ખરીફ પાકનું વાવેતર થતાં કચ્છ ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે આવ્યું હતું. જોકે થોડા દિવસો પહેલાં રાજ્યમાં વાવેતરનાં વિસ્તારમાં કચ્છ ચોથા ક્રમાંકે હતું. કચ્છમાં પાછલા ત્રણ વર્ષના દુકાળનું સાટું વાળતો હોય તેમ આ વર્ષે લગભગ ૧૦૦ ટકા વરસાદ નોંધાયો હતો. એની સીધી અસર ખરીફ પાકની વાવણીમાં જોવા મળી છે. રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં થયેલા વાવેતરમાં કચ્છ સૌથી વધુ વાવેતર સાથે મોખરે છે.

અહીં ઑગસ્ટ મહિનામાં પડેલા ધોધમાર વરસાદના પગલે વાવેતર વિસ્તારમાં ખૂબ વધારો થયો હતો અને હજી પણ એમાં વધારો થઈ રહ્યો છે. આ વર્ષે શરૂઆતના દિવસોમાં કચ્છમાં બરાબર વરસાદ પડ્યો નહોતો. ઑગસ્ટના અંતમાં ૪.૧૦ લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું, પરંતુ ત્યાર પછી એમાં સતત વધારો થતો રહ્યો છે. અત્યારે ૬.૨૨ લાખ હેક્ટર જમીનમાં વાવેતર થઈ ગયું છે.

આ પણ વાંચો : આજથી ગુજરાતમાં બાવીસમી સુધી ભારે વરસાદની આગાહી

કચ્છમાં બાજરી, મગ, મઠ, મગફળી, તલ, દિવેલા, કપાસ, ગુવાર, શાકભાજી, જુવાર, રજકો, ઘાસચારો, મીંઢી આવળ અને શેરડીના પાકો મુખ્યત્વે લેવાય છે. રોકડિયા પાક તરીકે ૧.૩૩ લાખ હેક્ટરથી વધુમાં દિવેલા અને ૫૧ હજારથી વધુ જમીનમાં પિયત કપાસનું વાવેતર કરાયું છે.

Whatsapp-channel Whatsapp-channel

21 September, 2019 07:20 AM IST | ભુજ | ઉત્સવ વૈદ્ય

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK