અમેરિકાની ૧૧૫ વર્ષની મહિલા વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ

Published: 8th December, 2012 06:59 IST

અમેરિકાની ૧૧૫ વર્ષની મહિલાને વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ જાહેર કરવામાં આવી છે.




આ પહેલાં અમેરિકાની જ ૧૧૬ વર્ષની મહિલા આ સિદ્ધિ ધરાવતી હતી, પણ હમણાં જ તેમનું અવસાન થતાં હવે ૧૧૫ વર્ષ અને ૨૪૫ દિવસની ઉંમર ધરાવતાં દીના મૅનફ્રેદિની નામની મહિલાને વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ ઘોષિત કરવામાં આવી છે. આ મહિલા અમેરિકાના આયોવા સ્ટેટમાં આવેલા ડી મૉઇન નામના ટાઉનમાં રહે છે. ચાર સંતાનોની માતા દીનાનો જન્મ ૧૮૯૭ની ચોથી એપ્રિલના દિવસે ઇટલીમાં થયો હતો. તેઓ ૨૩ વર્ષનાં હતાં ત્યારે ૧૯૨૦માં પતિ સાથે અમેરિકા આવ્યાં હતાં. આટલી ઉંમર છતાં અત્યારે પણ તેઓ કામ કરવાનું પસંદ કરે છે.

‘ન્યુ યૉર્ક ડેઇલી’ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે હું વૃદ્ધ મહિલા છું પણ મને સખત કામ કરવાનું ગમે છે. બીજા વિશ્વયુદ્ધ વખતે તેમણે શસ્ત્રો બનાવતી કંપનીમાં વિસ્ફોટકો બનાવવાનું કામ પણ કર્યું હતું. ૯૦ વર્ષની ઉંમર સુધી તેઓ જાતે ઘરની સાફસફાઈ કરતાં હતાં. અત્યારે તેમને થોડું ઓછું સંભળાય છે, પણ હજી પણ તેઓ વૉકરની મદદથી ચાલી શકે છે. અમેરિકી અખબારના જણાવ્યા પ્રમાણે દુનિયાભરમાં ૧૧૦ વર્ષથી વધુ ઉંમર થઈ ગઈ હોય એવી ૭૦ વ્યક્તિઓ નોંધાયેલી છે.

અત્યાર સુધીમાં સૌથી લાંબું જીવવાનો રેકૉર્ડ ફ્રાન્સની જેની કૅલમેન્ટ નામની મહિલાને નામે છે. ૧૨૨ વર્ષ લાંબી આવરદા બાદ ઑગસ્ટ ૧૯૯૭માં તેમનું અવસાન થયું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK