Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકા બન્યું વુહાન : એક જ દિવસમાં 10,000 કેસ નોંધાયા

અમેરિકા બન્યું વુહાન : એક જ દિવસમાં 10,000 કેસ નોંધાયા

26 March, 2020 02:57 PM IST | America
Agencies

અમેરિકા બન્યું વુહાન : એક જ દિવસમાં 10,000 કેસ નોંધાયા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આખી દુનિયાને મુશ્કેલીમાં મૂકનાર ભયાનક કોરોના વાઇરસ કોવિડ-૧૯ની સામે ઝઝૂમી રહેલા ભારતે જો વહીવટી તંત્ર પહોંચી ન વળે તો આર્મીની મદદ લેવાની તૈયારી રાખી હોવાના અહેવાલ વચ્ચે અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાના ૧૦,૦૦૦ પૉઝિટિવ કેસો બહાર આવતાં હાહાકાર મચી ગયો છે. અમેરિકાએ પણ કોરોનાનો સામનો કરવા પોતાની આર્મીની મદદ લીધી છે. ભારતે પણ જરૂર પડે તો આર્મીને કેટલીક કામગીરી સોંપવાની વિચારણા વચ્ચે સીડીએસ બિપિન રાવત દ્વારા એવું સૂચક નિવેદન આવ્યું છે કે કોરોનાનો સામનો કરવા આર્મી સુસજ્જ છે.

જીવલેણ કોરોના વાઇરસથી લોકોને બચાવવા મોદી સરકાર દ્વારા ૧૩૦ કરોડની વસ્તી ધરાવતા ભારતમાં દુનિયાના સૌથી મોટા ૨૧ દિવસના લૉકડાઉનનો પ્રારંભ થઈ ગયો છે. ૧૪ એપ્રિલ સુધી ચાલનારા આ લૉકડાઉનનો આજે પહેલો દિવસ હતો. આજે પૉઝિટિવ કેસોની સંખ્યા વધીને ૫૮૮ પર પહોંચી છે. વધુ એક મોત સાથે કોરોનાથી મરનારાઓની સંખ્યા ૧૧ પર પહોંચી છે. સૌથી વધારે કેસો મહારાષ્ટ્રમાં ૧૦૦ કરતાં વધારે નોંધાયા છે. રોગથી બચાવવા લોકોને એકબીજાથી દૂર રાખવા માટેનો લૉકડાઉન કરફ્યુ સમાન જ છે એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે રાત્રે કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં વારંવાર કહેવા છતાં હજી જે લોકો એનો ભંગ કરીને બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળે છે તેમની સામે કડકાઈથી કામ લેવા પોલીસને સૂચના અપાતાં ઘણાં સ્થળોએ ડંડાવાળીના બનાવો બન્યા છે. કોરોનાના ચક્રને તોડવા માટે ૨૧ દિવસ સુધી સામાજિક દૂરી અનિવાર્ય હોવાથી એનું પૂરેપૂરું પાલન કરવા સરકાર અને સેલિબ્રિટી સહિત સૌ લોકોની અપીલને માન આપીને પોતાના જીવનને બચાવવા માટે પણ લોકો લૉકડાઉનનો પોતાની જાતે જ અમલ કરીને બીજાને પણ બચાવે એવી એક સર્વસામાન્ય અને સર્વવ્યાપી લાગણી પ્રવર્તી રહી છે. તેલંગણ સરકારે જો લોકો લૉકડાઉનનો ભંગ કરશે તો દેખો ત્યાં ઠારના હુકમો આપવાની ચીમકી આપી છે. એને પણ જનહિતમાં લોકો દ્વારા આજની ઘડીએ સમયનો તકાજો સમજીને સમર્થન મળી રહ્યું છે. કોરોના સામે લડવા જરૂર પડે તો ભારતની સેના પણ સુસજ્જ હોવાની ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ અને ભૂતપૂર્વ સેના અધ્યક્ષ જનરલ બિપિન રાવતની જાહેરાતને સૂચક માનવામાં આવી રહી છે. બની શકે કે જો વહીવટી તંત્ર પહોંચી ન વળે તો સેના મોરચો સંભાળી શકે. અમેરિકામાં એવું બન્યું છે. તો બીજી તરફ જીવનજરૂરી ચીજવસ્તુઓ મેળવવામાં લોકોને મુશ્કેલી પડી રહી હોવાના પણ અહેવાલો છે.



આખી દુનિયાને પોતાના ભરડામાં લેનાર ચીનના કોરોના વાઇરસથી ભારત પણ બાકાત રહ્યું નથી અને કેન્દ્ર સરકારે રાજ્યોના સહકારથી એનો સામનો કરવા કમર કસી છે. જનતા કરફ્યુ બાદ હવે ૨૧ દિવસ સુધી લોકોને એકબીજાના સંપર્કથી દૂર રાખવા આરોગ્ય નિષ્ણાતોની સલાહથી સરકારે ૨૧ દિવસનો લૉકડાઉન અમલમાં મૂક્યો છે. આમ તો સરકારની જાહેરાતના પગલે જ મંગળવાર રાતથી જ લોકોએ ફફડાટમાં આવીને જરૂરી ચીજવસ્તી ખરીદી માટે પડાપડી કરી હતી. જોકે સરકારો અને સ્થાનિક સ્તરેથી લોકોને જરૂરી સામાન મળશે એવી ખાતરી આપતાં કંઈક રાહત મળી છે.


china-health

કોરોના હીરોઝને સલામ : ચીનના વુહાનમાં કોરોના કટોકટી દરમિયાન ચીનના ફુજિઆન પ્રાંતમાંથી વુહાન મોકલવામાં આવેલા મેડિકલ વર્કર્સની ઇમેજિસ આ જ પ્રાંતના ફુઝૌ શહેરના હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ પર પ્રદર્શિત કરીને તેમનું અભિવાદન કરાયું હતું. તસવીર : એ.એફ.પી.


દેશનાં ૨૪ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ કોરોના સંક્રમણના સંકજામાં આવી ગયાં છે. કોરોનાગ્રસ્તોની સંખ્યા ગઈ કાલે બુધવારે સવાર સુધી ૫૮૯ થઈ ગઈ છે અને ૧૧ લોકો એના શિકાર બન્યા છે. તામિલનાડુના મદુરૈમાં ગઈ કાલે સવારે ૫૪ વર્ષના સંક્રમિત દરદીનું સારવાર દરમિયાન મોત થયું છે. કોરોનાના સૌથી વધારે ૧૧૨ કેસ મહારાષ્ટ્રમાં છે, જ્યારે કેરળ ૧૦૯ કેસ સાથે બીજા નંબરે છે. તેલંગણના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે ચેતવણી આપતાં કહ્યું છે કે ‘લોકો લૉકડાઉનનું ઉલ્લંઘન ન કરે. અમેરિકામાં એના અમલ માટે સેના બોલાવવી પડી હતી. જો આપણા અહીં સ્થિતિ નિયંત્રણમાં નહીં આવે તો ગોળી મારવાના આદેશ આપવા માટે મજબૂર થવું પડશે.’

કોરોનાના સંક્રમણના કારણે છેલ્લા ૧૫ દિવસમાં ૧૧ લોકોનાં મોત થયાં છે. બુધવારે સવારે મદુરૈમાં ૫૪ વર્ષના કોરોના સંક્રમિત દરદીનું મોત થઈ ગયું છે. તામિલનાડુના સ્વાસ્થ્ય પ્રધાન સી વિજય ભાસ્કરે કહ્યું કે દરદીને લાંબા સમયથી ડાયાબિટીઝ અને બ્લડ પ્રેશરની સમસ્યા હતી. રાજસ્થાનમાં ચાર નવા કેસ કોરોના પૉઝિટિવ મળી આવ્યા છે જેમાંથી બે વ્યક્તિ ભીલવાડાના મેડિકલ સ્ટાફના છે. હવે રાજ્યમાં સંક્રમિતોનો આંકડો ૩૬એ પહોંચ્યો છે.

ડરીને ખરીદી ન કરશો, જરૂરિયાતવાળી વસ્તુઓ જ લેશો એવી અપીલ સાથે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે કોરોનાને હરાવવા માટે આપણે બધાએ ઘરે રહેવું જોઈએ. ગભરાવાની જરૂર નથી. વડા પ્રધાન મોદીના ભાષણ બાદ મંગળવારે લોકોએ જરૂરી ચીજો ખરીદવા માટે દુકાનો પર ભીડ જમાવી હતી. હું ફરી લોકોને અપીલ કરીશ કે તેઓ ગભરાઈને ખરીદી ન કરે. હું લોકોને આશ્વાસન આપું છું કે એવી વસ્તુઓમાં કોઈ ઘટાડો નહીં થાય. જરૂરી સેવાઓ આપનારા લોકો પાસે આઇ કાર્ડ નથી, સરકાર તેમને આપશે.

ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન કાર્યાલયે કહ્યું કે લૉકડાઉનમાં રાજ્યમાં તમામ જરૂરી સામાનની દુકાનો સવારે ૭થી ૧૦ વાગ્યા સુધી ખૂલી રહેશે. તો છત્તીસગઢમાં સરકારે તમામ ગરીબ પરિવારને એપ્રિલ અને મે મહિનામાં સાર્વજનિક વિતરણ પ્રણાલી (રૅશન) હેઠળ મફત ચોખા આપવાની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશ-દિલ્હી બૉર્ડર પર પોલીસની બૅરિકેડિંગ ચાલુ છે. પોલીસ માત્ર જરૂરી સામાનવાળી ગાડીઓને જવાની મંજૂરી આપી રહી છે.

મહારાષ્ટ્રના સાંગલીમાં એક જ પરિવારની પાંચ વ્યક્તિઓ કોરોના સંક્રમણનો ભોગ બની. આ સાથે મહારાષ્ટ્રમાં કોરોના પૉઝિટિવની સંખ્યા ૧૧૨ પર પહોંચી ગઈ છે. મધ્ય પ્રદેશના ઇન્દોરમાં ૬ લોકોમાં કોરોના પૉઝિટિવ મળી આવ્યા છે જેમાંથી પાંચ લોકો ઇન્દોરના અને એક ઉજ્જૈનનો રહેવાસી છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રાજ્ય અને જિલ્લા સ્તરે ૨૪ કલાક કામ કરવાવાળો કન્ટ્રોલ રૂમ બનાવવા માટે કહ્યું છે.

નોંધનીય છે કે દુનિયાના ૧૯૫ દેશોમાં વાઇરસ ફેલાયો છે જેમાં ૧૮,૯૦૫ લોકોનાં મોત થઈ ચૂકયાં છે. અત્યાર સુધીમાં ૪.૨૨ લાખ લોકો કોરોના પૉઝિટિવ છે જેમાંથી ૧.૨૯ લાખ લોકો સ્વસ્થ થયા છે. સૌથી ઝડપી કોરોના અમેરિકામાં વધી રહ્યો છે. અમેરિકામાં કોરોના વાઇરસનું સંક્રમણ ખૂબ જ ઝડપી ગતિએ વધુ રહ્યું છે. દેશમાં પ્રથમ કેસ ૨૧ જાન્યુઆરીએ સામે આવ્યો હતો અને અત્યાર સુધીમાં ૭૮૨ લોકોનાં મોત થયાં છે અને કુલ ૫૪,૮૬૭ કેસ પૉઝિટિવ છે. સીએનએનના રિપોર્ટ મુજબ ૪ માર્ચથી સંક્રમણના કેસ ૨૩ ટકાના દરે વધ્યા છે. ૧૮થી ૧૯ માર્ચ સુધી અમેરિકામાં સંક્રમણના કેસમાં એક દિવસમાં ૫૧ ટકાની વૃદ્ધિ થઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

26 March, 2020 02:57 PM IST | America | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK