Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ઇટ હૅપન્સ ઓન્લી ઇન ઇન્ડિયા: ટ્રમ્પને કોણે અને કેમ બોલાવ્યા એની ખબર નથી!

ઇટ હૅપન્સ ઓન્લી ઇન ઇન્ડિયા: ટ્રમ્પને કોણે અને કેમ બોલાવ્યા એની ખબર નથી!

22 February, 2020 11:17 AM IST | Gandhinagar

ઇટ હૅપન્સ ઓન્લી ઇન ઇન્ડિયા: ટ્રમ્પને કોણે અને કેમ બોલાવ્યા એની ખબર નથી!

ઇટ હૅપન્સ ઓન્લી ઇન ઇન્ડિયા: ટ્રમ્પને કોણે અને કેમ બોલાવ્યા એની ખબર નથી!


૨૪મીએ સોમવારે ગુજરાતની મુલાકાતે આવી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે ગુજરાતી અને હિન્દી સહિત અંગ્રેજી ભાષામાં પણ સેંકડોની સંખ્યામાં પોસ્ટર-બૅનર અને હોર્ડિંગ્સ બનાવવામાં આવ્યાં છે. અમદાવાદ અને ગાંધીનગરના રસ્તા પર ઠેર-ઠેર લગાવવામાં આવેલાં આ બૅનર્સમાં ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો છે તો કેટલાકમાં શ્રીમતી ટ્રમ્પના ફોટો અને નીચે ‘નમસ્તે ટ્રમ્પ...’ લખેલું જોવા મળે છે, પરંતુ નિમંત્રક કે અન્ય કોઈનો નામોલ્લેખ નથી. એને લઈને રાજકીય ક્ષેત્રે ચર્ચા છે કે જો આ બેનર-પોસ્ટરમાં નિમંત્રકનું નામ કેમ નથી?! એ ઉપરાંત એમાં દોસ્તી મજબૂત કરવાની વાત છે તો કોની સાથે, ભારત સાથે કે મોદી સાથે?

રાજકીય સૂત્રોએ કહ્યું કે સામાન્ય રીતે આવા પ્રસંગે લગાવાતાં પોસ્ટર-બૅનરોમાં નિમંત્રક કે આમંત્રિત સંસ્થા કે સરકાર કે એજન્સીનું નામ જોવા મળે છે, પરંતુ દુનિયાના સૌથી પાવરફુલ દેશ અમેરિકાના સુપરપાવર રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ભારત અને ગુજરાત આવતા હોય ત્યારે તેઓ કોના આમંત્રણથી પધારી રહ્યા છે એનું નામ જાણવામાં લોકોને રસ હોય. પોસ્ટર-બૅનરોમાં નિમંત્રકનું નામ ન હોવાથી સવાલ એ થઈ રહ્યો છે કે આવડા મોટા દેશના રાષ્ટ્રપતિ કોના કહેવાથી આવી રહ્યા છે. દેખીતી રીતે જ ભારત સરકારનું નામ આપવામાં આવી શકે, પરંતુ પોસ્ટરમાં ક્યાંય પણ કોઈ સરકારનું નામ નથી કે કોઈ સંસ્થા કે સેવાભાવી સમિતિ વગેરે. કોઈનું નામ દર્શાવવામાં આવ્યું નથી અને એ કોઈ ભૂલ છે કે જાણીજોઈને નામ ટાળવામાં આવ્યું છે એની પણ ચર્ચા છે.



સૂત્રોએ કહ્યું કે કેટલાંક પોસ્ટર-બૅનરોમાં અંગ્રેજીમાં બે જણની દોસ્તીને મજબૂત કરવાનો ઉલ્લેખ છે. ફોટોમાં ભારત કે અમેરિકાનો નકશો નથી. માત્ર બે મહાનુભાવોના ફોટો છે ત્યારે તેઓ પોતાની દોસ્તીને મજબૂત કરવા માટે કાર્યક્રમ યોજી રહ્યા છે કે કેમ એવો સવાલ પણ પુછાઈ રહ્યો છે.


અબકી બાર તો પૂરા ટ્રમ્પ પરિવાર: ટ્રમ્પની દીકરી ઇવાન્કા અને જમાઈ પણ ભારત આવશે

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ ૨૪-૨૫ ફેબ્રુઆરીએ ભારતપ્રવાસે આવી રહ્યા છે. હવે તેમના ભારતના પ્રવાસ દરમ્યાન તેમની દીકરી ઇવાન્કા પણ આવી શકે છે એવા અહેવાલ આવી રહ્યા છે. ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલાનિયાની સાથે તેમની દીકરી ઇવાન્કા પણ ભારત આવી શકે છે. આ ઇવાન્કાનો બીજો ભારતપ્રવાસ હશે. આ પહેલાં ઇવાન્કા ૨૦૧૭માં હૈદરાબાદમાં યોજાયેલા ગ્લોબલ બિઝનેસ સમિટમાં ભાગ લેવા આવી હતી.


અમેરિકન પ્રતિનિધિમંડળમાં કોણ-કોણ થશે સામેલ...
૧. ડોનલ્ડ ટ્રમ્પ, રાષ્ટ્રપતિ
૨. મેલાનિયા ટ્રમ્પ, અમેરિકાનાં ફર્સ્ટ લેડી
૩. ઇવાન્કા ટ્રમ્પ, રાષ્ટ્રપતિની પુત્રી અને સલાહકાર
૪. જેરેડ કુશનર, જમાઈ અને રાષ્ટ્રપતિના સલાહકાર
૫. રૉબર્ટ લાઇથીઝર, વેપાર પ્રતિનિધિ
૬. રૉબર્ટ ઓબ્રાયન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર
૭. સ્ટીવ મ્નુચિન, ટ્રેઝર સેક્રેટરી
૮. વિલ્બર રૉસ, વાણિજ્ય સચિવ
૯. મિક મ્યુલેનેવી, બજેટ-મૅનેજમેન્ટ સેક્રેટરી

Whatsapp-channel Whatsapp-channel

22 February, 2020 11:17 AM IST | Gandhinagar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK