વાવાઝોડાને કારણે કુલ ૮૫ લાખ લોકોનાં ઘરોમાં અંધારપટ છવાયો હતો. એ પછી વીજવ્યવહાર ચાલુ કરવા યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. સૌથી વધુ અસર ન્યુ યૉર્કના લૉન્ગ આઇલૅન્ડ વિસ્તારમાં થઈ છે, જ્યાં હજી અનેક રહેણાક મકાનો, શૉપ્સ તથા ઑફિસો વીજવ્યવહારથી કપાયેલી છે.
આટલા દિવસો પછી પણ વીજવ્યવહાર ચાલુ નહીં થતાં લોકોમાં નારાજગી ફેલાઈ હતી. રવિવારે ૩૦૦થી વધારે લોકોએ લૉન્ગ આઇલૅન્ડ પાવર ઑથોરિટીની ઑફિસની બહાર દેખાવો કર્યા હતા. કેટલાક લોકોએ ફરિયાદ કરી હતી કે જ્યારે પણ રજૂઆત કરવા જઈએ ત્યારે દરરોજ જુદા-જુદા જવાબ આપવામાં આવે છે. આ તરફ વીજ કંપનીએ કહ્યું હતું કે વીજ લાઇનો ચાલુ કરવા માટે પુરજોશમાં કામ ચાલી રહ્યું છે. કંપનીના જણાવ્યા પ્રમાણે ૬૪૦૦ લાઇનમેન કામે લાગેલા છે, જ્યારે તૂટી પડેલાં વૃક્ષોને દૂર કરવા માટે ૩૭૦૦ લોકોને કામે લગાડવામાં આવ્યા છે. ન્યુ યૉર્ક અને ન્યુ જર્સીમાં ટ્રેનો ભરીને રાહત-સામગ્રી મોકલવામાં આવી છે. જોકે વીજળીના અભાવે હજારો લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.