ટ્રમ્પ અને મોદીઃ વ્યાપર હૈ, પ્યાર નહીં જો ભગવાન ભરોસે ચલે

Published: Feb 19, 2020, 13:15 IST | Chirantana Bhatt

ટ્રમ્પે પોતે કબુલ કર્યું છે કે તેમને પોતાને નરેન્દ્ર મોદી ગમે છે પણ કોઇ 'બીગ ડીલ' તો નથી થવાની એવી સ્પષ્ટતા પણ કરી દીધી છે.

ભારતને આશા હતી કે યુએસએ સાથે મોટો વ્યાપારી સોદો થશે પણ આજે યુએસએનાં પ્રેસિડન્ટે ટિપ્પણી કરી છે કે કોઇ મોટી ટ્રેડ ડીલ થાય તો એ અમેરિકાની ચૂંટણી પહેલા થશે બાકી આ મુલાકાતમાં કોઇ મોટો વ્યાપારી સોદો થાય તેવી કોઇ શક્યતા નથી. અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમમાં એક લાખથી વધુ લોકોને 24મી તારીખે ટ્રમ્પ સંબોધવાના છે અને નમસ્તે ટ્રમ્પ નામના આ કાર્યક્રમને લઇને ઘણી ચર્ચા ચાલી છે. ટ્રમ્પ અને મોદીની દોસ્તીને લઇને વારંવાર વાતો થયા કરી છે. ટ્રમ્પે પોતે કબુલ પણ કર્યું છે કે તેમને પોતાને નરેન્દ્ર મોદી ગમે છે પણ કોઇ 'બીગ ડીલ' તો નથી થવાની એવી સ્પષ્ટતા પણ કરી દીધી છે.

 

ટ્રમ્પની પધારમણીને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે કેવી રીતે આ આ પ્રસંગને જોવો જોઇએ તેનું વિશ્લેષણ કરવું જોઇએ.અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પૉપ્યુલારિટી અત્યારે ૪૯ ટકા અપ્રુવલ રેટિંગ સાથે સૌથી વધુ છે, ઇમ્પિચમેન્ટ વાળી વાત હવે જૂની થઇ ગઇ છે તો રિપબ્લિકન્સ એની સાથે છે અને ડેમોક્રેટ્સની તરફે બધું અવ્યવસ્થિત છે. અમેરિકાની આવી રહેલી ચૂંટણીમાં ટ્રમ્પ આશાસ્પદ ઉમેદવાર મોખરે છે ત્યારે તે ભારતની મુલાકાતે આવે એ વ્યૂહાત્મક રીતે બહુ મોટી વાત છે.

NRGને રિઝવવા જરૂરી છે

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાનાં પ્રેસિડન્ટ બન્યા તેને ચાર વર્ષ પુરા થવામાં છે અને એ આગલી ટર્મની ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. જો કોઇને ય એવી ખાંડ ખાવી હોય કે એ તો મોદી સાથે બહુ જ પાક્કી દોસ્તી છે એમાં એ અહીંયા પધારી રહ્યા છે તો તમારે વૈશ્વિક રાજકારણનાં જ્ઞાનની ધાર કાઢવાની જરૂર છે. આ કવાયત અમેરિકામાં મોટી સંખ્યામાં વસતા ગુજરાતીઓને ખુશ કરવા માટે છે. આમ તો ત્યાં રહેતા ગુજરાતીઓ ડેમોક્રેટ્સની તરફેણ કરનારા હોય છે અને માટે જ રિપબ્લિકન પાર્ટીનાં સેકન્ડ ટાઇમ કેન્ડિડેટ ટ્રમ્પ માટે ગુજરાતીઓને રિઝવવા બહુ જરૂરી છે. આ આખી કસરતનું પહેલું પગલું ટૅક્સાસમાં થયેલા હાઉડી મોદી કાર્યક્રમમાં ભરવામાં આવ્યું હતું. મોદીએ ત્યાં આવેલા બધા ગુજરાતીઓને ટ્રમ્પને વોટ આપવાની અપીલ કરી હતી.

કોને કોને મેસેજ આપવાનો પ્રયાસ?

આ ટ્રીપમાં સંદેશો ચીન અને પાકિસ્તાનને માટે પણ હશે તો એનઆરજીઝ માટે પણ હશે. ભારત અને અમેરિકાનાં સંબંધો મજબુત થાય તે વૈશ્વક સ્તરે ઘણી બાબતોને અસર કરશે. દિવસે દિવસે વધુ આક્રમક બની રહેલા ચીન સાથે એક યોગ્ય સંતુલન સાધવા, પૂર્વિય એશિયામાં નિયમાધિન વ્યવસ્થા લાગુ કરવા તો અમેરિકા-યુએસએનાં સંબંધો અગત્યનાં છે જ પણ ટ્રમ્પે જે રીતે ઇસ્લામાબાદને આતંકીઓ પાળવા બદલ આડા હાથે લીધું છે તે આપણી કેન્દ્ર સરકારને ગોઠ્યું છે કારણકે અમેરિકા પાકિસ્તાનનો કાન આમળે એ માટે દાયકાથી પ્રયાસ થઇ રહ્યા હતા. ઇરાન સિવાયની ઘણી બાબતે ભારત અને અમેરિકા એક સમાન દૃષ્ટિકોણ ધરાવે છે. ઇરાનને મામલે અમેરિકાને એવી અપેક્ષા છે કે ભારત મધ્યસ્થી તરીકે ઇરાનને ન્યુક્લિયર ડીલને મામલે પુનઃ ચર્ચા કરવા તૈયાર કરે.

ટ્રમ્પનો યક્ષ પ્રશ્નઃ મોદી સાથે દોસ્તી સાચવવી કે હાઉસ ઑફ કોંગ્રેસનાં મોદી વિરોધીઓને સાચવવા?

કાશ્મીર, એનઆરસી, કેબ જેવા મુદ્દાઓને કારણે અમેરિકાનાં હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સનાં કેટલાક સેનેટર્સ અને કાયદા ઘડનારા કેટલાક અગ્રણીઓનો ભારત તરફનો દૃષ્ટિકોણ બદલાયો છે અને તે હકારાત્મક નથી. આમાંથી ઘણાએ એવો અવાજ ઉઠાવ્યો છે કે આ પ્રકારનાં પગલાંને કારણે ભારત એક સહિષ્ણુ અને બહુમતીવાદી લોકશાહી રાષ્ટ્રની પોતાની ઓળખાણ નહીં જાળવી શકે. હવે આવું હોય તેમાં અમેરિકામાં આવનારી ચૂંટણીને પગલે કોઇ ડેમોક્રેટ ચૂંટાઇને અમેરિકાના પ્રેસિડન્ટ બનશે તો ભારતની બધી યોજનાઓ પર મોદી ધારે છે એવી તો અસર નહીં જ પડે. જો ટ્રમ્પ જ ફરી ઓવલ ઑફિસ સંભાળે તો ય ભારત સાથેની આ મૈત્રી અંગે અમેરિકન કોંગ્રેસનું વિરોધી વલણ આ બધી દ્વી પક્ષીય ડીલ્સ પર પ્રભાવ પાડશે જ. મોદી સાથેની દોસ્તી સાચવવા ટ્રમ્પ ઘરનાં માણસોની સાથે વેર ન બાંધી શકે. મોદી અને ટ્રમ્પને ગમે તેટલી ભાઇબંધી હોય પણ વ્યૂહાત્મક યોજનાઓનો આધાર આ ભાઇબંધી માત્ર ન હોઇ શકે. ટ્રમ્પે અમેરિકન મીડિયામાં પહેલાં કરેલા એક વિધાન અનુસાર જો ‘રાઇટ ડીલ’ હશે તો ટ્રેડ ડીલ થશે. આજે તાજું વિધાન આવી પણ ગયું છે કે કોઇ મોટી 'ડીલ' નહીં કરાય

કોની શું અપેક્ષા?

બંન્ને દેશોની બાયલેટરલ ઇનવેસ્ટમેન્ટ ટ્રીટી એકબીજાથી ઘણી અલગ છે એટલે કોઇ એક પોઇન્ટ પર સંમત થવા માટે પણ ખાસ્સો સમય લાગે. આ ઉપરાંત યુએસએની મુક્ત ઇન્ડો-પેસિફિક સ્ટ્રટેજી, યુએસ-ઇરાનનાં સંબંધો, યુએસએની માંગ કે ભારત તેનાં સ્થાનિક બજાર પરનાં સુરક્ષાલક્ષી બંધનો ઉઠાવી લે, ભારતની ઇચ્છા એવી કે યુએસનાં વ્યાપાર અને રોકાણનો લાભ ભારતનાં ઉચ્ચ શિક્ષિત ઇમિગ્રન્ટ્સને મળે, ચીનને નાથવાનો કોઇ રસ્તો જડે, ક્લાઇમેટ ચેન્જ માટે ટેક્નોલોજીનો બહેતર ઉપયોગ કરવાના ઉપાયો પર કામ થાય વગેરે આ બંન્ને રાષ્ટ્રોનાં વિશ લિસ્ટમાં રહેલી બાબતો છે. યુએસએને ટેક્નોલોજી, કૃષિ અને ડેરી ઉત્પાદનો માટે વધુ મોટું બજાર મળે તેમાં રસ છે. ભારતની મેડિકલ ડિવાઇસિઝને લગતી નીતિ અને ડેટા લોકલાઇઝેશન અને ઇ-કોમર્સનાં ભારતનાં પ્રસ્તાવને યુએસએ પાછો ઠેલ્યો છે. વાટાઘાટો ક્યાં આવીને અટકે છે એ તો વખત આવ્યે જ ખબર પડશે. પરંતુ એ સ્પષ્ટ છે કે બંન્ને રાષ્ટ્રોને એકબીજા પાસેથી કંઇક જોઇએ છે. જેની ગરજ વધારે હશે તેનો હાથ વધુ દબાશે અને તેને જ જતું કરવાનું આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK