વડા પ્રધાનના રાજીનામાની માંગ સાથે ઉત્તર પ્રદેશમાં યુવકની આત્મહત્યા

Published: 13th December, 2012 02:50 IST

ત્રણ બાળકોના પિતાએ ૧૨.૧૨.૧૨ના દિવસે બપોરે ૧૨ વાગ્યાને ૧૨ મિનિટે ટાંકી પરથી કૂદી પડવાની આપેલી ધમકી પાળી બતાવી

ગઈ કાલે યાદગાર ૧૨.૧૨.૧૨ તારીખે દુનિયાભરમાં અનેક લોકોએ મૅરેજનું કે બાળકને જન્મ આપવાનું પ્લાનિંગ કર્યું હતું, પણ ઉત્તર પ્રદેશમાં કરપ્શનથી ત્રસ્ત એક માણસે આ તારીખ સુસાઇડ કરવા માટે પસંદ કરી હતી. કૃષ્ણપાલ નામના આ માણસે ભ્રષ્ટાચાર રોકવામાં વડા પ્રધાન નિષ્ફળ નીવડ્યા હોવાનો આરોપ મૂકીને તેમના રાજીનામાની ડિમાન્ડ સાથે પાણીની ટાંકી પરથી કૂદીને સુસાઇડ કરી લીધું હતું. આ ઘટના ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના વિજયનગરની છે. ૪૨ વર્ષનો કૃષ્ણપાલ ગઈ કાલે સવારે આઠ વાગ્યાની આસપાસ ઈંટ, પથ્થર અને પેટ્રોલ ભરેલી બૉટલ સાથે પાણીની ટાંકી પર ચડી ગયો હતો. તેણે એવી ધમકી આપી હતી કે જો વડા પ્રધાન રાજીનામું નહીં આપે તો તે ૧૨મા મહિનાની ૧૨ તારીખે બરાબર ૧૨ વાગ્યાને ૧૨ મિનિટે સુસાઇડ કરી લેશે. કોઈને કલ્પના પણ નહીં હોય કે આ માણસ ધમકી પાળી બતાવશે. કૃષ્ણપાલે પોતાની પાસે એક ફાંસીનો ફંદો પણ રાખ્યો હતો. બાદમાં કેટલાક લોકો તેને ઉતારવા માટે પાણીની ટાંકી પર ચડ્યા ત્યારે કૃષ્ણપાલે ઈંટ-પથ્થર મારીને તેમને ઊતરવાની ફરજ પાડી હતી. એ પછી ફરી જ્યારે કેટલાક લોકો ટાંકી પર ચડવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તે ટાંકી પરથી કૂદી પડ્યો હતો. નજરે જોનારા લોકોના જણાવ્યા પ્રમાણે કૃષ્ણપાલ ગળામાં ફાંસીનો ફંદો પહેરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે એક યુવક તેની નજીક પહોંચી જતાં તે ટાંકી પરથી કૂદી પડ્યો હતો. બાદમાં તેને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્રણ બાળકોનો પિતા કૃષ્ણપાલ ઘણાં વર્ષોથી વિજયનગરમાં નર્સરી ચલાવતો હતો.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK