મન્ડે-મંથન - રોહિત શાહ
રિસાયેલા લાઇફ-પાર્ટનરને મનાવી લેતાં ન આવડતું હોય એવી અણઘડ વ્યક્તિને મૅરેજ કરવાનો અધિકાર ન હોવો જોઈએ.
જે વ્યક્તિને પોતે ક્યારે રિસાવું અને ક્યારે માની જવું એની ગતાગમ ન પડતી હોય એ વ્યક્તિએ સ્વેચ્છાએ લગ્ન કરવાનું ટાળવું જોઈએ. જે વ્યક્તિ કદીયે પોતાના લાઇફ-પાર્ટનર કે પ્રિયજનથી રિસાઈ જ ન હોય એ વ્યક્તિનો લવ ડાઉટફુલ માનવો.
સ્ત્રીને શું ગમે?
મૅરિડ લાઇફને બે વાઇરસ વારંવાર ડિસ્ટર્બ કરે છે : ઈગો અને અણગમો.
સ્ત્રીને ખુશ રાખવાનું કામ સંસારનો કોઈ પુરુષ કરી શકતો નથી. આનો અર્થ પુરુષની ગેરલાયકાત નથી. એનો અર્થ તો એ છે કે સ્ત્રીની અપેક્ષાઓ બદલાતી રહે છે. ઓવર બિઝી પુરુષની પત્ની ફરિયાદ કરે છે કે ‘તમને મારા માટે સમય નથી. તમે બિઝનેસમાં બિઝી રહો છો અને હું ઘરમાં બેઠી-બેઠી બોર થાઉં છું.’ પુરુષ વધારે ફુરસદમાં રહેતો હશે તો પત્ની કમ્પ્લેઇન્ટ કરશે, ‘આખો દિવસ તમે ઘરમાં રહો છો એથી હું તંગ આવી ગઈ છું.’ પુરુષ જો આખો દિવસ ઘરે રહે તો બાયલો લાગે. તેને નાની-નાની વાતમાં પત્નીની ભૂલો દેખાય. એટલે કંકાસ શરૂ થાય. જગતની કોઈ પણ સ્ત્રીને પોતાની ભૂલો કોઈ પૉઇન્ટ આઉટ કરી બતાવે એવું પસંદ નથી હોતું.
પત્નીથી ડરતો પતિ
સ્ત્રીને હંમેશાં મર્દ પતિ ગમે છે, પરંતુ તેની મર્દાનગીની વ્યાખ્યા એકસમાન નથી હોતી. મોટે ભાગે તો તેને કહ્યાગરો પતિ જ ગમતો હોય છે. બહાર ભલે મર્દાનગી બતાવે, ઘરમાં તે ડાહ્યોડમરો થઈને બેસી રહે એવો પતિ સ્ત્રીને માફક આવે છે. મેં આજ સુધી એવી કોઈ પત્ની નથી જોઈ કે જેનાથી તેનો પતિ સતત ડરતો હોય છતાં એ પત્ની તેને કાયર માનતી હોય, કારણ કે એવી ‘કાયરતા’ તો સ્ત્રી ઝંખતી હોય છે. સંસારનું સનાતન સત્ય છે કે જો પુરુષ તેની પત્નીથી ડરતો ન હોય તો સંસાર આટલો રળિયામણો પણ ન હોત.
સ્ત્રી પતિથી ડરે?
સ્ત્રી કદાચ પોતાના પતિથી ડરતી હોતી નથી. તે ડરનો માત્ર ડ્રામા કરે છે. ‘પતિનો ડર’ એ કોઈ પણ સ્ત્રી માટે કરન્સી જેવું છે. પતિના ડરની કરન્સી ગમે ત્યાં વટાવીને સ્ત્રી આરામથી છટકી શકે છે. જોનાર કે સાંભળનારને એમ લાગે કે આ મૅડમ કેટલાં ખાનદાન છે કે પોતાના પતિથી ડરતાં રહે છે! ડરનો ડ્રામા સ્ત્રીને ક્યારેક પારકા પુરુષોની સહાનુભૂતિ ઉઘરાવવામાંય મદદ કરતી હોય છે. દરેક પુરુષ માટે પરાઈ સ્ત્રીનાં આંસુ અસહ્ય હોય છે. પરાઈ સ્ત્રીનાં આંસુ પહાડ જેવા પુરુષનેય પીગળાવી નાખે છે. કોઈકે કહેવું જોઈએ (એટલે કે કોઈ મહાન પુરુષે કહેવું જોઈએ) કે જે પુરુષ ઉપર પરાઈ સ્ત્રીનાં આંસુનો કોઈ પ્રભાવ ન પડતો હોય એ પુરુષ કદી કોઈથી છેતરાતો નહીં હોય.
હારે એ જ જીતે
મૅરિડ લાઇફનું મૅથેમૅટિક્સ સાવ વિચિત્ર છે. એમાં તો જે વ્યક્તિ જીતે છે એના કરતાં હારેલી વ્યક્તિ વધારે રૂપાળી લાગે છે. હારેલી પત્ની કદી કદરૂપી નથી લાગતી. હારેલો પતિ કદી બિહામણો નથી લાગતો. લગ્નજીવન એટલે હારીને જીતી જવાની ગેમ.
એક કવિએ મસ્ત પંક્તિ લખી છે :
ઇસ શર્ત પે ખેલૂંગી ઉલ્ફત કી પિયા બાજી,
જીતું તો તુમ્હેં પાઉં, હારું તો પિયા તોરી!
પ્રેમ એટલે સ્વેચ્છાએ હારતા જવાની કળા. હારવાનું ન આવડતું હોય તેણે પ્રેમ કરવાનાં ખ્વાબ જ ન જોવાં જોઈએ. કોઈ જગ્યાએ એક નાનકડી વાત વાંચી હતી. એક વખત નાની બહેન તેના મોટા ભાઈને પૂછે છે કે ભાઈ, પ્રેમ એટલે શું? ભાઈ કહે છે, મારા લંચ-બૉક્સમાંથી તું દરરોજ ચોકલેટ ખાઈ જાય છે એની મને ખબર હોવા છતાં હું દરરોજ મારા લંચ-બૉક્સમાં એક ચૉકલેટ મૂકતો રહું છું એને પ્રેમ કહેવાય. મને આ વાત જરા અધૂરી લાગી. મેં મારી રીતે એ વાત આગળ વધારી. હવે ભાઈ તેની બહેનને પૂછે છે કે ‘તું કહે, પ્રેમ કોને કહેવાય?’ બહેન કહે છે, ‘મને રોજ-રોજ એકની એક ચૉકલેટ ભાવતી ન હોવા છતાં તારી ચૉકલેટ હું ખાતી રહું છું. અજાણતાંય તારી લાગણીનો અનાદર ન થઈ જાય એ માટે જ તારા લંચ-બૉક્સમાંથી ચૉકલેટ ખાતી રહું છું એને પ્રેમ કહેવાય.’
સભાનતા જરૂરી
જોકે લાઇફમાં ક્યારેક તકદીરના એવા તમાચા પડે છે કે સતત હાર્યા કરવાનુંય માફક નથી આવતું.
લાઇફ-પાર્ટનર લાગણીહીન કે લંપટ હોય તો આપણે સ્વેચ્છાએ હારીએ એને આપણી કમજોરી સમજી બેસે છે. આપણને રિબાવવાનો તેને પરવાનો મળી ગયો હોય એમ તે નફ્ફટ થઈ જાય છે. ક્યાં હારવું, કેટલું હારવું, કેવી રીતે હારવું એની સભાનતા ન રાખીએ તો ક્યારેક જિંદગી ધૂળધાણી થઈ જાય છે. શરૂ-શરૂમાં લાઇફ-પાર્ટનર પ્રત્યે વધુપડતું ઉદાર અને સમર્પિત વલણ રાખવાથી સામેનું પાત્ર પર્મનન્ટ એવી અપેક્ષા રાખવા માંડે છે. આપણે સતત હારતાં જ રહેવું જોઈએ અને તેને જિતાડતાં રહેવું જોઈએ એવું તે માનવા લાગે છે. પ્રેમમાં હાર-જીતનાં પલાખાં ભલે ન માંડીએ, પણ લાઇફમાં તો એ પલાખાંનું ઘણું મહત્વ છે એ ન ભૂલવું જોઈએ.
બાકીની જિંદગી શા માટે બગાડવી?
અમારા એક સ્નેહીની છોકરીનાં થોડા વખત પહેલાં જ એનઆરઆઇ મુરતિયા સાથે લગ્ન થયેલાં. લગ્ન કરીને તે અમેરિકા ગયેલી. ત્યાર પછી એકાએક એક સમારોહમાં તે મળી ગઈ. મેં પૂછ્યું, ‘તું તો અમેરિકા હતી, ક્યારે આવી?’ તેણે કહ્યું, ‘બસ, ન ફાવ્યું એટલે આવી ગઈ. જેના માટે મેં મારા સ્વજનો, અહીંની મારી કરીઅર અને ઇવન મારો દેશ પણ મેં છોડ્યો તે મારા માટે કશુંય છોડવા તૈયાર નહોતો. એવી વ્યક્તિ સાથે રહીને મને મારી બાકીની જિંદગી બગાડવાનું આવશ્યક ન લાગ્યું. સમાજના ભયથી મારે મારી અંગત લાઇફને શા માટે ખતમ કરવી?’
હવે આવી સમજનો સામો છેડો પણ લોકો સ્વીકારતા થયા છે. સમાજથી ડરીને પોતાની લાઇફને ભસ્મીભૂત કરવી એમાં વળી કયું શાણપણ છે?
અવઢવ હોય ત્યારે શું કરવું?
એક તરફ પડ્યું પાનું નિભાવી લેવાનો કૉન્સેપ્ટ છે તો બીજી તરફ પોતાની લાઇફને શા માટે બળબળતી આગમાં હોમી દેવી એવો સવાલ છે. આમ તો આપણે ડગલે ને પગલે કહીએ છીએ કે પોતાની ભૂલ સુધારી લેવી જોઈએ, પરંતુ જ્યારે લગ્નજીવનની વાત આવે છે ત્યારે એમ કહેવામાં આવે છે કે જે ભૂલ કરી બેઠાં છો એનાં ફળ ભોગવ્યા કરો. જે સહન કરે છે તે જ સુખ પામે છે. નવી જનરેશનને કદાચ માત્ર સુખ જોઈએ છે; સહન કરવા, સમાધાન કરવા તે તૈયાર નથી. પોતાનો કશોય વાંક ન હોય તોય ક્યારેક લાઇફ-પાર્ટનર આપણું ઇન્સલ્ટ કર્યા કરે, આપણી ઉપેક્ષા કર્યા કરે, તે પોતે કશું કૉમ્પ્રોમાઇઝ ન કરે અને આપણે જ સતત નમતાં રહેવું જોઈએ એવો દુરાગ્રહ રાખે ત્યારે શું કરવું? સમાજમાં આબરૂ જવાના ભયને પંપાળ્યાં કરવો કે પછી પોતાના અંગત સુખને મહત્વ આપવું? આવી દ્વિધા માણસને ભીતરથી પીંખી નાખે છે. આવા સંજોગોમાં માણસે પોતાની દિશા પોતે જ નક્કી કરવી પડે. એમાં ઉધારનું અને ઉછીનું ગાઇડન્સ ન ચાલે.
જુવાની પાછી આવે એવી કોઈ દવા ખરી?
22nd January, 2021 08:06 ISTપ્રાણાયામમાં જેને ગ્લુકોન ડીની ઉપમા આપી શકાય એવું કોણ?
21st January, 2021 20:47 ISTકોઈ હૉર્મોન ટ્રીટમેન્ટ લેવાય? એનાથી આડઅસર થવાની સંભાવના કેટલી?
21st January, 2021 07:47 IST30 મિનિટની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝથી હાઇ બીપીમાં મળશે આરામ
18th January, 2021 17:37 IST