...અને આધોઈ પર મોરબીનું આધિપત્ય જળવાયું

Published: Nov 26, 2019, 16:09 IST | Naresh Antani | Kutch

કચ્છનું અતીત - કચ્છના રાવ રાયધણજીનું અવસાન આસો સુદ ૧૧, સંવત ૧૭પ૪ના રોજ થયું. તેમના પછી યુવરાજ રવાજી ગાદીના વારસ હતા, પરંતુ રાયધણજીના અવસાનના બે દિવસ અગાઉ જ થરના સોઢા ભોજરાજજીએ આસો સુદ ૯, સંવત ૧૭પ૪ના તેમનું ખૂન કર્યું.

કચ્છના રાવ રાયધણજીનું અવસાન આસો સુદ ૧૧, સંવત ૧૭પ૪ના રોજ થયું. તેમના પછી યુવરાજ રવાજી ગાદીના વારસ હતા, પરંતુ રાયધણજીના અવસાનના બે દિવસ અગાઉ જ થરના સોઢા ભોજરાજજીએ આસો સુદ ૯, સંવત ૧૭પ૪ના તેમનું ખૂન કર્યું. આથી રવાજીના નાના ભાઈ પ્રાગમલજી પહેલા કચ્છના ગાદીપતિ બન્યા. આ સમયે રવાજીનો પુત્ર કાંયાજી કચ્છના વાગડ પંથકમાં લૂંટારુઓથી પ્રજાનું રક્ષણ કરવા કટારિયામાં હતા. ભુજમાં બનેલી ઘટનાથી વાગડના જમીનદારોએ કાંયાજીનું રક્ષણ કરવાની હૈયાધારણ આપી અને કાંયાજીને પોતાના રાજા તરીકે જાહેર કર્યા. વાગડની પ્રજાની મદદથી કાંયાજીને પોતાના પિતા સાથે થયેલ અન્યાય અને ખૂનનો બદલો લેવાની ઉત્કંઠા થઈ. આથી તેમણે વાગડના કિડિયાનગરના તેના મોસાળ પક્ષના વાઘેલા રજપૂતોની મદદથી વાગડ પાસેના મોરબીમાં રહેલા કચ્છી થાણા પર યુદ્ધ કરી કચ્છી થાણેદારને હાંકી કાઢી ઈ. સ. ૧૬૯૮માં મોરબીમાં પોતાની ગાદી સ્થાપી અને વાગડ અને મોરબીને કચ્છથી સ્વાતંત્ર્ય ઘોષિત કર્યા.

કાંયાજી મોરબી અને વાગડના કટારિયા એમ બન્ને સ્થળોએ રહેતા. કચ્છની ગાદીના હકદાર તરીકે તેમણે કચ્છ રાજ્ય સાથે વેર બાંધતાં કચ્છ અને મોરબી વચ્ચે અવારનવાર નાની-મોટી લડાઈઓ થતી રહેતી હતી.

કાંયાજીએ મોરબી અને વાગડને કચ્છથી સ્વાતંત્ર્ય ઘોષિત કરતાં કચ્છના રાવશ્રીએ સંવત ૧૭૭રમાં કટારિયામાં રહેતા કાંયાજી પર હુમલો કર્યો, પણ એમાં મોરબી રાજ્યનો વિજય થયો. આ પછી સંવત ૧૭૭૪માં પણ કચ્છ અને મોરબી વચ્ચે થયેલ લડાઈમાં પણ મોરબીનો વિજય થયો.

કચ્છના રાવ દેશળજીના સમયમાં ફરી સંવત ૧૭૮રમાં મોરબીના ઠાકોર કાંયાજીએ અમદાવાદના સુબા શેર બુલંદખાનની મદદથી માધાપર પાસે છાવણી નાખી ભુજિયા કિલ્લા પર હુમલો કર્યો. આથી કચ્છ અને મોરબી વચ્ચે તુમુલ યુદ્ધ થયું અને બન્ને પક્ષે ભારે ખાનાખરાબી થવા લાગી. આથી દુઃખી થઈ કાંયાજીના વૃદ્ધ કાકા મોડજી ગુંદાલાવાળા જે કચ્છ રાજ્ય તરફથી લડતા હતા તેમણે લવાદ થઈ બન્ને પક્ષે સુલેહ કરાવી અને યુદ્ધનો અંત આણ્યો. સુલેહમાં વાગડના બે ભાગ કરી અમુક હિસ્સો મોરબી પાસે રહે અને અમુક હિસ્સો કચ્છ પાસે રહે એવું નક્કી કરાયું.

કાંયાજીનું અવસાન

મોરબીના સ્થાપક ઠાકોર કાંયાજી સંવત ૧૭૯૦ માગશર વદ સાતમ ઈ. સ. ૧૭૩૪માં અવસાન પામ્યા. આ પછી મોરબીની ગાદી પર કાંયાજીના નાના પુત્ર અલિયાજીનો રાજ્યાભિષેક પોષ સુદ, બીજ સંવત ૧૭૯૦ના રોજ કરવામાં આવ્યો.

આધોઈનું તોરણ બંધાયું

મોરબીના ગાદીપતિ અલિયાજીએ સંવત ૧૭૯પના આધોઈ નગરનું તોરણ બાંધ્યું હતું. આ નવ સ્થાપિત આધોઈમાં અલિયાજી લાંબો સમય રહ્યા હતા. ત્યારથી ભારત દેશની આઝાદી સુધી આધોઈ મોરબી રાજ્યની હકૂમત નીચે રહેલું હતું. આધોઈ ઉપરાંત વવાણિયા બંદરની સ્થાપના પણ તેમણે કરી હતી.

આધોઈ મહાલ અંગેની કેટલીક રસપ્રદ વિગતો કે જે કચ્છના ઇતિહાસમાં નોંધાઈ નથી એ આધોઈના વતની અને હાલમાં મુંબઈ રહેતા ઇતિહાસરસિક શાંતિલાલ બોરીચાના પુસ્તક ‘આધોઈ મહાલ’માં નોંધી છે.

morbi

કચ્છ રાજ્યની માલિકીની સરહદો વચ્ચે એક બેટ સમાન આધોઈ મોરબી રાજ્યના શાસન તળે હોવા છતાં તેની માલિકી અંગે કચ્છ રાજ્ય અને મોરબી વચ્ચે અવારનવાર નાના મોટા વિવાદો ઉપસ્થિત થયા જ કરતા હતા, સ્થાનિક કોર્ટમાં આ વિવાદોનું સમાધાન ન થતાં લંડનની પ્રિવી કાઉન્સિલ સુધી આ વિવાદ પહોંચ્યો અને છેવટે તેના ૧૯૧૯ના ચુકાદા મુજબ ધરાણા, લલિયાણા અને જંગી ગામો કચ્છ રાજ્યને પરત મળ્યાં અને તેના બદલામાં વવાણિયા બંદર મોરબી હસ્તક રહ્યું. આમ છતાં આધોઈનો નિકાલ તો ન જ આવ્યો. વસ્તી, વેપાર, ખેતી અને ખનિજથી સમૃદ્ધ આધોઈ પરથી કોઈ પોતાનો અધિકાર છોડવા તૈયાર ન હતું, પરંતુ આધોઈ છેવટે મોરબીને સ્વાધિન થયું તેની પાછળ એક નાની ઘટના કારણભૂત બની હતી જેની આજે અહીં વાત કરવી છે.

મોરબીના રાજવી વાઘજી ઠાકોરના અવસાન પછી મોરબીની ગાદી પર લખધીરજીનું શાસન સ્થપાયું, તેઓ કુશળ વહીવટદાર હતા અને આધોઈ અંગેનો વિવાદ ઘરમેળે સમજાવટથી આવે તેવું તેઓ ઈચ્છતા હતા અને આ માટેના એક નાનકડા અવસરની તેમણે તક ઝડપી લીધી.

કચ્છના મહારાણી ગંગાબા લગ્નપ્રસંગે રતલામ ગયાં હતાં અને ત્યાંથી પરત ફરતાં મોરબીથી નવલખી સુધીનો પ્રવાસ મોરબી રાજ્યના ખાસ સલૂનમાં પ્રવાસ કરવાનાં હતાં ને નવલખીથી કંડલા સુધી લોંચમાં આવવાનાં હતાં. આ તકનો લાભ લખધીરજીએ ઉઠાવી લીધો. નિયત સમયે વીરમગામથી ગંગાબાની ટ્રેન મોરબી આવ્યા પછી ખાસ સલૂન નવલખી જવા રવાના થાય તે પહેલાં જ લખધીરજીએ પોતાની સૂચના ન મળે ત્યાં સુધી સલૂનને રોકી રાખવાની સૂચના આપી. ગંગાબાની ટ્રેન વીરમગામથી મોરબી આવી કે તે સાથે જ તેમનું વિશેષ રાજકીય સ્વાગત કરાયું, તોપ ફોડી સન્માન આપવામાં આવ્યું. મોરબી રાજ્યની વિશેષ બૅન્ડ પાર્ટીએ પણ મંગળ ગીતોના સાજ છેડી તેમને સત્કાર્યાં. અચાનક આવા સ્વાગતથી મોરબી અને કચ્છ રાજ્યની કડવાશથી જ્ઞાત ગંગાબા અચરજમાં મુકાઈ ગયાં. પોતાના કારભારીને આ અંગે તપાસ કરવા મૂકે તે પહેલાં જ મોરબીના મહારાણી ગંગાબાના સલૂનમાં આવ્યાં અને તેમનો જયકાર બોલાવી સ્વાગત કર્યું અને લખધીરજી બહાર પ્લૅટફૉર્મ પર તેમને સત્કારવા આતુર હોવાના સમાચાર આપતાં ગંગાબાએ તેમને સલૂનમાં આવવા કહ્યું. લખધીરજીએ ગંગાબાને વંદન કરી મોરબી અને કચ્છ એક જ કૂળના વંશજ હોઈ તે નાતે ગંગાબા તેમના વડીલ હોઈ તેમને મોરબીના પાદરમાંથી એમ જ ન જવા અને રાજ્યનું શાહી સ્વાગત સ્વીકારી ભોજનને ન્યાય આપી કચ્છ જવા વિનંતિ કરતાં ગંગાબાએ તેમના આ નિમંત્રણનો સ્વીકાર કર્યો.

મોરબીના રેલવે સ્ટેશનના પ્રતિક્ષાલયને ખાસ સજાવટ આપી રાજસ્વી ભોજન ખંડના રૂપમાં ફેરવી દેવાયો હતો તેમાં ગંગાબા અને મોરબી રાજવી પરિવારના સભ્યોએ સાથે ભોજન કર્યું. આ પછી મોરબી રાજવી પરિવારે કચ્છના રાજવી માટે ખાસ કીમતી ભેટ–સોગાદો આપી અને ગંગાબાને શાહી વિદાય આપવામાં આવી. આ વિદાય વખતે પણ લખધીરજીએ કચ્છ અને મોરબીના વિવાદને એક બાજુ મૂકી માત્ર પારિવારિક વડીલના નાતે જ આ સન્માન આપ્યું હોવાની ચોખવટ ગંગાબા પાસે કરી.

ગંગાબાએ ભુજ આવી સંપૂર્ણ ઘટનાની જાણ કચ્છના રાવને કરી. લખધીરજીના મનમાં કચ્છ પ્રત્યે કોઈ વેરઝેર ન હોવાનું કહી કચ્છ રાજ્યે પણ આવી દુશ્મનાવટ ન રાખવા કહી આધોઈ મોરબીને સ્વાધિન કરવા જણાવી તેમાં જ કચ્છ રાજ્યની મોટાઈ હોવાનો પોતાનો મત જણાવતાં અંતે કચ્છ રાજ્યે આધોઈ પરનો પોતાનો દાવો પરત ખેંચી લીધો અને છેવટે આધોઈ મોરબીને હવાલે કરાયું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK