કોઈ પણ વ્યાપારી અસોસિએશન કે માર્કેટ દ્વારા એ વ્યક્તિની શ્રદ્ધાંજલિ સભા યોજાય જે વ્યક્તિ એ બજાર કે એ વ્યવસાયમાં અગ્રેસર હોય, નામાંકિત હોય, પરંતુ ગઈ કાલે બીકેસીના હીરાબજારમાં એક અનોખી પુષ્પાંજલિ સભાનું આયોજન થયું હતું. ૨૦૨૦ની ૨૬ ડિસેમ્બરે રાજસ્થાનના જાલોર પાસે કાર-ઍક્સિડન્ટમાં અવસાન પામેલા ભરતભાઈ કોઠારીને શ્રદ્ધા-સુમન અર્પણ કરવા સ્મૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કર્મઠ કાર્યકર અને જીવદયાના ભેખધારી ભરતભાઈને મુંબઈ ડાયમન્ડ મર્ચન્ટ અસોસિએશન સાથે કોઈ કનેક્શન નહોતું કે ક્યારેય તેમણે અહીં કામકાજ નહોતું કર્યું. બસ, જીવદયાના તાંતણે ભરતભાઈ સાથે જોડાયેલા ડાયમન્ડ માર્કેટના વેપારીઓએ બીકેસીના કન્વેક્શન હૉલમાં ભરતભાઈ કોઠારીની શ્રદ્ધાંજલિ સભા યોજી અને તેમણે આદરેલા જીવરક્ષાના અભિયાનને વેગ મળે એ માટે તેમણે સ્થાપેલી શ્રી ડીસા રાજપુર પાંજરાપોળને એક કરોડ રૂપિયાનું ફન્ડ અર્પણ કરીને ભરતભાઈને અનોખી ટ્રિબ્યુટ આપી હતી.
મુંબઈ ડાયમન્ડ મર્ચન્ટ અસોસિએશનના કમિટી મેમ્બર પ્રકાશભાઈ સંઘવી (જીવદયા) ‘મિડ-ડે’ને કહે છે, ‘ભરતભાઈને અમારી માર્કેટ સાથેનો નાતો માત્ર અને માત્ર જીવદયા પૂરતો. અનેક વર્ષોથી તેઓએ સ્થાપેલી શ્રી ડીસા-રાજપુર પાંજરાપોળમાં હીરાબજારના વેપારી ફાળો આપે. એ નાતે તેમનાં કાર્યોનો અમને સર્વેને પરિચય. જોકે ૪૫ વર્ષથી જીવદયા પાછળ જ જેમણે પોતાનું તન-મન-ધન સમર્પિત કર્યું હતું એ ભારતભાઈને આખા ભારતના અહિંસાપ્રેમીઓ ઓળખે. ખેર, અબોલ જીવોના રાહબર એવા ભરતભાઈનું અવસાન થયું એટલે અમને વિચાર આવ્યો કે તેમણે કરેલાં સત્કાર્યોને વધાવવાં અને સુકૃત્યોને વાગોળવા માટે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરીએ એથી ગઈ કાલે બપોરે બેથી ચાર વાગ્યા દરમ્યાન અમે સ્મૃતિસભા યોજી હતી; જેમાં અતુલભાઈ દાઢી, મંગલપ્રભાત લોઢા, લક્ષ્મી ડાયમન્ડના અશોકભાઈ ગજેરા, ધાનેરા ડાયમન્ડના શૈલેશભાઈ અને વિનોદભાઈ અજબાણી વગેરે હીરાબજારના નામાંકિત મહાનુભાવો અને હજારેક જેટલા વેપારીઓ હાજર હતા.’
ભરતભાઈ કોઠારી સાથે જીવદયાના કાર્યમાં અઢી દાયકાથી સંકળાયલા રાકેશ શાહ ‘મિડ-ડે’ને કહે છે, ‘ભરતભાઈ વન મૅન આર્મી હતા. ગેરકાયદે કતલખાને લઈ જવાતાં પશુઓની ગાડીને કાનૂની કાર્યવાહી કરીને રોકવી, એ પશુઓને બચાવવાં, એને નિભાવવા ફન્ડ લાવવું જેવાં બધાં કાર્યો તેઓ એકલપંડે કરતા. ૧૯૯૨માં તેમણે શરૂ કરેલી પાંજરાપોળમાં આજે ૧૦,૦૦૦ પશુઓ દાતાઓની સહાયથી સચવાય છે.’
હીરાબજારમાં સક્રિય રાકેશભાઈ આગળ કહે છે, ‘ફક્ત જીવદયા જ નહીં, કોઈ પણ સામાજિક પ્રવૃત્તિ હોય કે સેવાની વાત હોય, ભરતભાઈ આ વિસ્તારના હજારો લોકોના રાહબર હતા.’
Palghar Mob Lynching Case: મૉબ લિન્ચિંગ કેસમાં 89 આરોપીઓને મળ્યા જામીન
16th January, 2021 17:26 ISTમુંબઈ સેન્ટ્રલ સ્ટેશનનું નામ જેમના નામ પરથી હવે ઓળખાશે એ નાના શંકરશેટ વિશે તમે શું જાણો છો?
16th January, 2021 15:43 ISTબેકારીનો સામનો કરી રહેલા ગુજરાતી પરિવારને અકસ્માત નડતાં સારવાર માટે આર્થિક કટોકટી
16th January, 2021 10:57 ISTધનંજય મુંડેની ઘાત ગઈ?
16th January, 2021 10:53 IST