૨૦૧૯માં નીતિન ગડકરી માટે વડાપ્રધાન બનવાના ઊજળા સંજોગો છે અને સંઘે એવી તૈયારી શરૂ કરી છે

Published: 26th December, 2018 19:32 IST | Ramesh Oza

જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે એમ-એમ રાજકારણનાં રૂપરંગ ઝડપથી બદલાતાં રહેશે. કેન્દ્રના ટ્રાન્સર્પોટ ખાતાના પ્રધાન અને ભાજપના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરી આજકાલ બીજા કોઈ પણ નેતા કરતાં વધુ બોલે છે

શું નીતિન ગડકરી હશે વડાપ્રધાન પદના ઉમેદવાર ?
શું નીતિન ગડકરી હશે વડાપ્રધાન પદના ઉમેદવાર ?

જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે એમ-એમ રાજકારણનાં રૂપરંગ ઝડપથી બદલાતાં રહેશે. કેન્દ્રના ટ્રાન્સર્પોટ ખાતાના પ્રધાન અને ભાજપના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરી આજકાલ બીજા કોઈ પણ નેતા કરતાં વધુ બોલે છે અને એ રીતે સરકારને મૂંઝવણમાં મૂકે છે. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે સફળતાનું શ્રેય લેવા બધા આગળ આવે છે, પરંતુ નિષ્ફળતા મળે ત્યારે બીજા નાના માણસોને દોષી ઠેરવવામાં આવે છે અને શ્રેય લેનારાઓ મોઢું ફેરવી લે છે. તેમણે સંસ્થાઓમાં યશ-અપયશના ચાલતા રાજકારણની વાત કરતાં નરેન્દ્ર મોદી-અમિત શાહ તરફ ઇશારો કર્યો હતો. એ પહેલાં વિજય માલ્યાનો તેમણે જાહેરમાં બચાવ કર્યો હતો. કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીએ માલ્યાને ભાગેડુ ચોર તરીકે ઓળખાવ્યો એના બીજા જ દિવસે ગડકરીએ કહ્યું હતું કે જે માણસ ચાર દાયકાથી બૅન્કો પાસેથી ધિરાણ લેતો આવ્યો છે, મુદ્દલ અને વ્યાજ ચૂકવતો આવ્યો છે તેને એક વાર ધંધામાં નિષ્ફળતા મળી અને ધિરાણ અને વ્યાજ ચૂકવવામાં નિષ્ફળ નીવડ્યો એનો અર્થ એવો ન થાય કે તે જન્મજાત ચોર છે. રોજગારી વિશે બોલતાં તેમણે સામેથી સવાલ કર્યો હતો કે રાજગારી છે જ ક્યાં કે સરકાર આપી શકે? આ રીતે તેમણે સરકારના દાવાઓને અધ્ધર અને તકલાદી ગણાવ્યા હતા.

અહીં તેમની રાજકીય સક્રિયતાનાં માત્ર બે જ ઉદાહરણો આપ્યાં છે, પરંતુ તેઓ અત્યંત સક્રિયપણે સરકારને મૂંઝવણમાં મૂકી રહ્યા છે અને તમે નોંધ્યું હશે કે અરુણ જેટલી અને રવિશંકર પ્રસાદ જેવા છાશવારે સરકારની વહારે દોડી જનારાઓ અને ભિન્ન મત વ્યક્ત કરનારાઓને ચેતવનારાઓ નીતિન ગડકરીનો પ્રતિવાદ કરતા નથી. નીતિન ગડકરીને ૨૦૧૯માં નરેન્દ્ર મોદીના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યા છે. ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં જ્યારે ભાજપનો બીજી વાર (એ પહેલાં ૨૦૦૪માં) પરાજય થયો અને પક્ષમાં રાજકીય સંકટ પેદા થયું ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે હસ્તક્ષેપ કરીને ગડકરીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા હતા. એ સમયે નીતિન ગડકરી ભાજપમાં પ્રમાણમાં જુનિયર નેતા હતા, પરંતુ તેઓ નાગપુરના હોવાથી અને બે પેઢીથી સંઘમાં હોવાથી સંઘના નેતાઓની નજીક છે.

આ નીતિન ગડકરી પર નજર રાખજો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે બે મહિના પહેલાં દિલ્હીમાં ત્રણ વ્યાખ્યાન આપ્યાં ત્યારે તેમણે જે રાગ આલાપ્યો હતો ત્યારે આ કૉલમમાં મેં ગડકરીના સંભવિત નેતૃત્વ વિશે લખ્યું હતું. એમ માનવામાં આવે છે કે ૨૦૧૯માં ભાજપને જો બહુમતી ન મળે તો નીતિન ગડકરીને વડા પ્રધાન બનાવવા, કારણ કે તેઓ બધાને સાથે લઈને ચાલવાની આવડત ધરાવે છે. નીતિન ગડકરીને ભાજપના શરદ પવાર તરીકે ઓળખાવવામાં આવે છે. ખાસ કરીને પાંચ રાજ્યોની અને એમાં પણ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામો પછી સંઘપરિવારને સમજાઈ ગયું છે કે ભાજપ કદાચ એકલા હાથે સંઘને કાશી સુધી નહીં પહોંચાડી શકે. ઉત્તરનાં ત્રણ રાજ્યોમાં જોવા મળ્યું એમ પચાસ ટકાનો માર પડે તો પણ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભાજપને મળેલી કુલ ૨૪૦ બેઠકોમાંથી અડધી બેઠકો ઘટી જાય. આ સાથે મિઝોરમ અને તેલંગણનાં પરિણામો બતાવે છે કે પૂવર્‍ અને દક્ષિણ ભારતમાં ભાજપ મોટા પાયે પ્રવેશી શકે એમ નથી.

ટૂંકમાં, ગ્થ્ભ્નો રથ ૧૨૫ કે ૧૫૦ની વચ્ચે અટકી પડે (અને એવી શક્યતા ઘણી મોટી છે) તો એવા સંજોગોમાં નીતિન ગડકરીને આગળ કરી શકાય. એક તો નીતિન ગડકરી ભારતીય રાજકારણમાં ચારે બાજુ મિત્ર ધરાવે છે અને બીજું, સત્તાના રાજકારણમાં હુકમનું પાનું હાથ લાગ્યા પછી ફ્Dખ્ના સાથી પક્ષો નરેન્દ્ર મોદીને સ્વીકારે નહીં. નરેન્દ્ર મોદીને પણ તેમનો એકાધિકારશાહીવાળો સ્વભાવ જોતાં પટાવી-ફોસલાવીને રાજ કરતાં ફાવે નહીં. તો ૨૦૧૯માં નીતિન ગડકરી માટે વડા પ્રધાન બનવાના ઊજળા સંજોગો છે અને સંઘના નેતાઓએ એવી તૈયારી શરૂ કરી દીધી છે.

કોમી ધ્રુવીકરણ અને રામમંદિર કેટલો ચૂંટણીકીય ફાયદો કરાવી આપશે એ વિશે ગ્થ્ભ્માં અને સંઘપરિવારમાં અસમંજસ છે. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ચૂંટણીમાં માર પડવાનો છે એ એક હકીકત છે. જો કોમી રાજકારણને હજી વધુ જલદ બનાવવામાં આવે તો દક્ષિણ અને પૂવર્‍ ભારતમાં પ્રવેશવામાં મુશ્કેલી પડે. આમ કોમી ધ્રુવીકરણનો માર્ગ ત્યારે જ અપનાવાય જ્યારે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં એનો નિશ્ચિત લાભ મળવાનો હોય અને એવી કોઈ ખાતરી નજરે પડતી નથી. ખાસ કરીને સંઘપરિવારની ધર્મસંસદ અને એ પછીની યાત્રાઓને જે મોળો પ્રતિસાદ સાંપડ્યો છે એ પછીથી કોમી ધ્રુવીકરણની પ્રક્રિયા મંદ કરવામાં આવી છે. ગયા અઠવાડિયે ભાજપના સંસદીય પક્ષની બેઠકમાં નરેન્દ્ર મોદી અને અમિત સાહ હાજર રહ્યા નહોતા અને રાજનાથ સિંહે સુકાન સંભાળ્યું હતું. ત્રણ કલાકની બેઠકમાં છેક છેલ્લે દસ મિનિટ માટે અયોધ્યાનો પ્રfન કાઢવામાં આવ્યો હતો અને રાજનાથ સિંહે ઉભડક જવાબ આપીને એને ટાળ્યો હતો.

બિહારમાં ઉપેન્દ્ર કુશવાહાએ NDAને રામરામ કર્યા એ પછી રામવિલાસ પાસવાને અને તેમના પુત્રે NDA છોડવાની ધમકી આપી હતી. ભાજપના અધ્યક્ષ અમિત શાહે અને નાણાપ્રધાન અરુણ જેટલીએ પાસવાનને ઠંડા પાડવા અને સમજૂતી ટકાવી રાખવા પટના જવું પડ્યું હતું. ૨૦૧૪માં બાવીસ બેઠકો જીતનાર ભાજપ આ વખતે ૪૦માંથી ૧૭ બેઠકો લડવાની છે. વાત અહીંથી પતતી નથી. બિહારના સાથી પક્ષોએ આગ્રહ રાખ્યો છે કે રામમંદિરનું રાજકારણ નહીં કરવાનું અને એને એનડીએનો મુદ્દો નહીં બનાવવાનો. આ બાજુ મહારાષ્ટ્રમાં શિવસેના સતાવે છે. સેનાના નેતા ઉદ્ધવ ઠાકરે કહે છે કે જો નરેન્દ્ર મોદીની સરકાર રામમંદિર બાંધવા માટે રસ્તો સાફ કરશે તો જ તે ભાજપ સાથે ચૂંટણી-સમજૂતી કરશે. એ સિવાય પહેલી વાર ઉદ્ધવે ચોકીદાર ચોરનો રાહુલ ગાંધીનો શબ્દપ્રયોગ વાપર્યો છે. આમ ઉદ્ધવ ઠાકરે ભાજપની કફોડી સ્થિતિમાં ભાજપને સતાવવામાં કંઈ બાકી રાખતા નથી.

આ સ્થિતિમાં નીતિન ગડકરી આજકાલ સૌથી વધુ જાહેરમાં દેખા દે છે, પ્રગટ ચિંતન કરે છે, સ્પક્ટ બોલે છે અને મુખ્યત્વે શાસન અને વિકાસ વિશે જ બોલે છે. નરેન્દ્ર મોદી હવે વિકાસ વિશે બોલી શકે એમ નથી અને બોલે તો લોકો ભરોસો કરે એમ નથી એ સંજોગોમાં નીતિન ગડકરી એક એવો ફ્રેશ ચહેરો છે જે વિકાસ વિશે બોલી શકે અને બોલે તો લોકો સાંભળે અને થોડો ભરોસો પણ કરે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK