આવી ગઈ તહેવારોની નવી ગાઇડલાઇન: મૂર્તિને અડવાની, નાચવા-ગાવાની મનાઈ

Published: 6th October, 2020 19:44 IST | Gujarati Mid-day Online Correspondent | New Delhi

કન્ટેનમેન્ટ ઝોનની અંદર કોઈ પણ પ્રકારના તહેવારના કાર્યક્રમો આયોજિત નહીં કરી શકાય

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

કોરોના મહામારીને ધ્યાનમાં રાખી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તહેવારોની સિઝનમાં સાવધાની રાખવા માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. નવી ગાઈડલાઈન અંતર્ગત નવરાત્રી, દિવાળી જેવા તહેવારોમાં કઈ પ્રકારની સાવધાની રાખવી તે મામલે જાણકારી આપવામાં આવી છે. નવી ગાઈડલાઈન હેઠળ કન્ટેનમેન્ટ ઝોનની અંદર કોઈ પણ પ્રકારના તહેવારના કાર્યક્રમો આયોજિત નહીં કરી શકાય. સાથે જ પૂજા, રેલીઓ, પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમોને લઈને પણ વિશેષ નિર્દેશ આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ટુંક સમયમાં નવરાત્રી અને દુર્ગા પુજા શરૂ થવાની છે અને આ દરમિયાન દેશભરમાં પંડાલ લગાવવામાં આવે છે. તે સિવાય પણ કેટલાક પ્રકારના મેળા અને કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. ગાઈડલાઈન્સ અનુસાર, ધાર્મિક કાર્યક્રમો માટે પૂરી પ્લાનિંગ એડવાન્સમાં કરવી પડશે. ભીડ-ભાડ અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું પડશે. ફિઝિકલ ડિસ્ટસિંગ માટે જમીન પર માર્કિંગ બનાવવાના રહેશે. જેથી લોકો વચ્ચે છ ફૂટનું અંતર રહે. કાર્યક્રમના વ્યવસ્થાપકોએ સેનેટાઈઝર અને થર્મલ ગન પર્યાપ્ત માત્રામાં રાખવી પડશે. સાથે જ જે જગ્યા પર કાર્યક્રમ કરવામાં આવશે ત્યાં સીસીટીવી કેમેરા ફરજિયાત રાખવા પડશે. જેથી સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરી શકાય.

ધાર્મિક કાર્યક્રમો દરમિયાન ફિઝિકલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ફરજિયાત અને વધારે મહત્વપૂર્ણ થઈ જશે. આ સિવાય ધાર્મિક રેલીઓમાં રૂટ પ્લાનિંગ પણ પહેલાથી કરવામાં આવશે. મૂર્તિ વિસર્જનની જગ્યાઓ પણ પૂર્વ નિર્ધારિત રહેશે. આ દરમિયાન પણ લોકોની હાજરી ખુબ ઓછી સંખ્યામાં રાખવામાં આવશે.

ધાર્મિક સંસ્થાનો, પંડાલોમાં મૂર્તિને અડવાની મનાઈ હશે. કોરોના સંક્રમણને જોતા સામુહિક ધાર્મિક ગાવા-વગાડવાના ધાર્મિક કાર્યક્રમોની મનાઈ હશે. આ જગ્યા પર રેકોર્ડેડ ધાર્મિક સંગીત વગાડી શકાશે. કમ્યુનિટી કિચન, લંગરોમાં સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવું પડશે. કમ્યુનિટી કિચન ચલાવનાર લોકોએ સાફ-સફાઈનું પુરૂ ધ્યાન રાખવું પડશે.

આ સિવાય પણ કાર્યક્રમ સ્થળની સફાઈથી માંડીને બુટ-ચપ્પલ ઉતારવા સુધીની પ્રક્રિયા બતાવવામાં આવી છે. નિર્દેશમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, તહેવારની સિઝનમાં કોરોના નિયમોનું પાલન કરવાનું પહેલું જરૂરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK