વિવાદાસ્પદ નાગરિક સુધારા બિલને મોદી કૅબિનેટની મંજૂરી

Published: 5th December, 2019 12:45 IST | New Delhi

પાકિસ્તાન-અફઘાનિસ્તાન અને બંગલા દેશથી આવેલા બિન-મુસ્લિમ નાગરિકોને રાહત મળશે, કૅબિનેટની મંજૂરી મળતાં હવે આ બિલને સંસદના વર્તમાન સત્રમાં જ રજૂ કરાશે, પૂર્વોત્તર રાજ્યો દ્વારા વિરોધ થવાની શક્યતા, અગાઉ આ જ રાજ્યોએ વિરોધ કર્યો હતો

નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી

કેન્દ્રની બીજેપી સરકારે પોતાના ચૂંટણી વચનના પાલન માટે સંસદમાં નાગરિક સુધારા બિલને ફરીથી રજૂ કરવાનો માર્ગ મોકળો કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને આજે અત્રે મળેલી કૅબિનેટ બેઠકમાં નાગરિકત્વ સુધારા બિલ-૨૦૧૯ને મંજૂરી આપી હતી જે સંસદના વર્તમાન સત્રમાં જ રજૂ કરાશે.

આ બિલમાં મુસ્લિમ રાષ્ટ્ર બંગલા દેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં યાતના સહન કરનારા બિન-મુસ્લિમ એવા હિંદુઓ, સિખ, બૌદ્ધ, જૈન, પારસીઓ અને ખ્રિસ્તીઓને ભારતીય રાષ્ટ્રીયતા આપવા માટે નાગરિકતા અધિનિયમ ૧૯૫૫માં સુધારો કરવાની જોગવાઈ છે.

ભલે તેઓની પાસે ભારત આવવા માટેના મુસાફરીના દસ્તાવેજો પૂરતાં અને યોગ્ય ન હોય તો પણ મોદી સરકાર તેમને ભારતના કાયમી નાગરિક બનાવવા માગે છે. આ બિલને મુદ્દે સંસદમાં મુસ્લિમો સાથે ભેદભાવનો દાવો કરીને ભારે ઊહાપોહ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને પૂર્વોત્તરના રાજ્યોમાં આ બિલની સામે વિરોધ છે. કલમ ૩૭૦ બાદ આ મુદ્દે સંસદમાં ભારે હોબાળો મચી શકે છે.

સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાન, બંગલા દેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમોને ભારતનું નાગરિકત્વ આપવાના વિવાદાસ્પદ ખરડા(બિલ)ને બુધવારે કૅબિનેટની મંજૂરી મળી છે, જેમાં ચાલુ શિયાળુ સત્ર દરમ્યાન સંસદમાં તેની રજૂઆત માટેનો તબક્કો ગોઠવવામાં આવ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેન્દ્રીય પ્રધાનમંડળે બિલને મંજૂરી આપી દીધી હતી, જે શાસક બીજેપીના ૨૦૧૯ના ચૂંટણી ઢંઢેરાનો એક ભાગ હતો. જેમાં જણાવાયું હતું કે તે ‘દમનથી પીડાતા પાડોશી દેશોના ધાર્મિક લઘુમતી સમુદાયોના વ્યક્તિઓનાં રક્ષણ’ માટે કાયદા બનાવવા માટે તેમની સરકાર નિર્ણય કરશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકર દ્વારા તેની માહિતી આપવામાં આવી હતી.

તેમણે ખાતરી આપી કે આ બિલ સામે ઉત્તર-પૂર્વી રાજ્યોના કેટલાક ભાગોમાં વિરોધ પ્રદર્શિત થવા છતાં પણ તેમની સરકાર ‘તમામ હિતો, ભારતનાં હિતો’નું ધ્યાન રાખવા તત્પર છે. જાવડેકરે બિલની વિગતો આપવાનો ઇનકાર કરતાં કહ્યું કે સંસદ સમક્ષ ‘આવતી કાલે અથવા બીજા દિવસે’ તે રજૂ થશે ત્યારે સૌ કોઈ તે જાણી શકશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK