Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તમને કોનો સાથ ગમે, શબ્દોનો કે મૌનનો?

તમને કોનો સાથ ગમે, શબ્દોનો કે મૌનનો?

30 July, 2020 06:14 PM IST | Mumbai
Jayesh Chitalia

તમને કોનો સાથ ગમે, શબ્દોનો કે મૌનનો?

મૌન રહેવાનું શીખવું કોની પાસે? જો એવો સવાલ થતો હોય તો આપણે કુદરતને જોવી જોઈએ

મૌન રહેવાનું શીખવું કોની પાસે? જો એવો સવાલ થતો હોય તો આપણે કુદરતને જોવી જોઈએ


આપણે દિવસભર કેટલુંબધું બોલતા હોઈએ છીએ, રાતે સૂતા પહેલાં એનો હિસાબ કરવો જોઈએ. શબ્દોનો અતિરેક ખુદ શબ્દોને, બોલનારને અને સાંભળનારને પણ થકવી દે છે જ્યારે કેવળ મૌન જ એવું છે જે એનો થાક ઉતારીને શાંતિ આપી શકે છે. આજે થોડાક શબ્દોમાં મૌનના મહત્ત્વને સમજીએ

શું પરમાત્મા તમારા વૉટ્સઍપ પર છે? જો છે તો તમારી તેની સાથે મેસેજની આપ-લે થાય છે? તમે કહેશો, આજે અમે તમને કેવા સવાલ કરી રહ્યા છીએ? તમને ભલે એવું લાગે કે અમે આજે કંઈક ભળતી જ વાત કરી રહ્યા છીએ, પરંતુ આ વાતોમાં આગળ વધશો અને એને સમજવાનો પ્રયાસ કરશો તો અમારી વાત સાથે સહમત થઈ જશો.
પહેલી વાત તો પરમાત્મા આપણી સાથે માત્ર વૉટ્સઍપ પર જ નહીં, ઘણી બધી રીતે કનેક્ટેડ છે (માનો યા ન માનો). પરંતુ પરમની ભાષા મૌનની છે. તેના મૌનને સમજવું પડે. તેના મૌનને સમજવાનો અર્થ એ થાય કે આપણે આપણા મૌનને સમજવું પડે. મૌનને સમજવા માટે આપણે મૌન રહેવું પડે. યાદ રહે, મૌનનો અર્થ માત્ર ન બોલવું કે ચૂપ રહેવું એટલો જ થતો નથી બલકે મૌન એટલે ભીતરનું મૌન, વિચારોનું પણ મૌન.
મૌન રહેવાનું શીખવું કોની પાસે? જો એવો સવાલ થતો હોય તો આપણે કુદરતને જોવી જોઈએ. કુદરત સતત મૌન હોય છે. સાગર, નદી, તળાવ, પહાડો-પર્વતો, વૃક્ષો, જંગલો, ઝરણાં વગેરે ક્યારેય બોલતા સાંભળવા મળશે નહીં. પણ હા, જો તમે ખરેખર તેમને સાંભળવા ઉત્સુક છો તો આ દરેક જણ બોલે છે, પણ તેની ભાષા-બોલી આપણે સમજવી પડે. આ કુદરતની ભાષાને સમજવા માટે આપણે પોતે મૌનનો આશરો લેવો પડે. આ માટે આજે
આપણે શબ્દો અને મૌનની વાતો કરી એ બન્નેને સાથે રાખી પરમને સમજવાનો પ્રયાસ કરીશું.
પરમ સાથે પહેલી વાત માંડીએ.
હેલો, અવાજ આવે છે?
નેટવર્કની સમસ્યા લાગે છે
ચાલ જવા દે, મળીશ ત્યારે વાત કરીશ
વાતનીય ક્યાં જરૂર?
તું એક જ તો છે, જે બોલ્યા વિના પણ સમજી જાય છે
જીવનમાં ઘણી વાર આપણને એવું થતું હોય છે કે બહુ બધું બોલવું છે અને ક્યારેક થાય સાવ જ મૌન પાળવું છે. આ સાથે પછી એ પણ સમજાય કે બહુ બોલવાનો અર્થ નથી અને બહુ મૌન પાળવું પણ સાર્થક નથી. ક્યારેક થાય હવે ક્યારે બોલવું, કેટલું બોલવું, ક્યારે મૌન રહેવું, ક્યારે મૌન ન રહેવું એ સમજવાના ક્લાસ ભરવાની આપણને જરૂર છે જેમાં વિદ્યાર્થી આપણે પોતે અને શિક્ષક પણ આપણે જ. આમ પણ જાત સિવાય આપણને કોણ વધુ શીખવી અને સમજાવી શકે છે?
ખુદની સાથે વાત કરીએ
આપણે રોજ ખુદની સાથે ખૂબ વાતો કરીએ છીએ, પણ શું આપણે ખુદને સાંભળીએ છીએ ખરા? જો સાંભળીએ છીએ તો સમજીએ છીએ ખરા? જો સમજીએ છીએ તો જીવનમાં ઉતારીએ છીએ ખરા? હવેથી વાતો કર્યા પછી ખુદને પૂછવાનું પણ રાખીએ. ખુદ પાસે જવાબ પણ માગીએ. ખુદા પૂછે એ પહેલાં તૈયારી તો કરીએ. તે ગમે ત્યારે બોલાવીને પૂછી લે, આપણે પણ તેના બંદા છીએ, ખુદને કાયમ હાજર‍જવાબી રાખીએ.
અર્થ માટે ઊંડા જવું પડે
ક્યારેક થાય કે શબ્દોને ઊંડાણથી ખોદીએ તો ખરા અર્થ મળે છે, બાકી ઘણા અમસ્તા જ વ્યર્થ મળે છે, સૂતા રહે છે તેને રાત મળે છે અને જાગે તેને સવાર મળે છે. પરંતુ જાગીને પરમમય થઈ જઈએ તો કોઈ ફિકર નથી રહેતી, પછી એ સવાલ જ ગૌણ થઈ જાય છે કે તે મળે યા ન મળે. પરમને ઘણી વાર કહેવાનું દિલ થાય છે. તું બોલે છે, પણ અમે ક્યાં સમજીએ છીએ? છતાં તું બોલ, અમારે સમજવું છે. તું મળે છે, પણ અમે ક્યાં મળીએ છીએ? છતાં તું મળ, અમારે મળવું છે. તું તો તું જ છે, પણ અમે ક્યાં અમે છીએ? છતાં અમારે અમે બનવું છે, તું જ કંઈક કર પરમ, જીવન તને જ તો પરત કરવું છે.
પરમ સાથે વાત થાય ત્યારે
આપણા દિલમાંથી કંઈક આવા શબ્દો પણ નીકળે છે.
હું શબ્દ છું, તું અર્થ છે
તારી અને મારી વચ્ચે બહુ ફરક છે છતાં
તારો જ તો અંશ છું હું
તેથી મારો અર્થ પણ તું જ છે
શાહમૃગને જોઈ શીખી ગયો
તને શોધું નહીં બહાર
તું બધે જ છે ને તું જ મારી ભીતર છે
આપણે સતત દૃષ્ટા બનવાનો પ્રયાસ કરીએ અને જાતની સાથે વાત કરતા રહીએ તો ક્યારેક શબ્દો આપણને થાકીને કહી દેતા હોય છે, મને હવે આરામની જરૂર છે. ત્યારે બાજુમાં બેઠેલું મૌન તરત કહે છે, અહીં બેસી જા, હું છુંને! ત્યારે શબ્દો બોલી ઊઠે છે, આભાર! તું જ તો મારો ખરો સહારો છે. આપણે રોજ રાતે સૂતા પહેલાં જાત સાથે વાત કરવી જોઈએ, ભલે એ વાતમાં ક્યાંક પંચાત લાગે તો પંચાત પણ કરવી જોઈએ. આખા દિવસના બોલવાનો અને ચૂપ રહેવાનો‍ ખરો અર્થ આપણને ત્યારે જ સમજાશે. એ સમજાશે કે આપણે દિવસભર કેટલું ન બોલવા જેવું યા અર્થહીન (બકવાસ) બોલતા હોઈએ છીએ.
મૌન ક્યાંથી મળે?
હવે આ શબ્દોથી થાકીને યા એના અતિરેકને ટાળવા મૌન તરફ જવું હોય તો કરવું શું? મૌનને શોધવા રોજ શબ્દોનાં ટોળાંને મોકલીએ તો આ ટોળાં રોજ સાંજે પાછાં ફરીને એ જ કહે, મૌન મળતું નથી, પણ મૌનને શોધવું હોય તો બહાર નહીં; ભીતર જવું પડે. તેથી જ ભીતરથી મૌનનો અવાજ સંભળાય છે, હું ભીતર જ છું, પરંતુ આપણે શબ્દોના શોરમાં એવા ડૂબેલા હોઈએ છીએ કે તેમને મૌનનો અવાજ સંભળાતો નથી ને તેઓ વળી રોજ નીકળી પડે છે. આપણને શબ્દોને સમજાવવું પડે છે, બહાર નહીં; ભીતર છે. મૌનને સમજાવવું પડે છે કે તું કંઈક શબ્દોમાં કહે. આમ આપણે કાયમ શબ્દો અને મૌનની વચ્ચે અટવાતા રહીએ છીએ. પરંતુ એક દિવસ શબ્દોમાંથી મૌન પ્રગટે છે અને મૌનમાંથી શબ્દો પ્રગટે છે ત્યારે આ બન્નેને પામી જવાય છે.
આખરે મૌનને સમજવા માટે જાતને નીચે મુજબ પૂછવું પડે છે અને કહેવું પડે છે,
તમે ક્યારેય તમારા મૌનને સાંભળ્યું છે?નહીંને!
તમે ચૂપ રહો તો એ સંભળાયને!
મૌનને સાંભળીને જુઓ એક વાર
શબ્દો બધા ખોવાઈ જશે, શાંતિ કોને કહેવાય મૌનને પૂછો
મૌન ચૂપચાપ બધું સમજાવી દેશે
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)



રોજ અમુક સમય મૌન રહેવાનો પ્રયોગ કરવા જેવો


ખરા બોલવાના સમયે મૌન રહેવું એ અપરાધ છે એમ મૌન રહેવાના સમયે બોલબોલ કરવું એ પણ ગુનો ગણાય. શબ્દો અને મૌન બન્નેનું મહત્ત્વ છે, પરંતુ શબ્દોની મર્યાદા છે; જ્યારે મૌન અસીમ અને વિરાટ છે. શબ્દો બહુ-બહુ તો છબછબિયા કરે, જ્યારે મૌન ઊંડાણમાં લઈ જાય છે. શબ્દો લોકો સાથેનો વાર્તાલાપ અને એક બાહ્ય યાત્રા છે. મૌન જાત સાથેની વાત અને અંતરયાત્રા છે. જીવનમાં શાંતિ ભીતરના મૌનથી આવે છે. માનવી જેમ–જેમ જ્ઞાન તરફ આગળ વધે છે તેમ એના શબ્દો ઓછા થતા જાય છે અને મૌન તરફની યાત્રા આગળ વધતી જાય છે. માનવીએ દિવસમાં જેટલી પણ મિનિટ પાળી શકાય એટલી મિનિટ મૌન પાળવાની કોશિશ કરવી જોઈએ. યાદ રહે, શરૂઆત માત્ર ચૂપ રહેવાના મૌન સાથે થશે, પરંતુ પછી એ ભીતરના મૌન તરફ લઈ જશે જ્યાં પરમ શાંતિ અને પરમાનંદની અનુભૂતિની ઝલક મળવાની શરૂ થશે. પછી જુઓ દોસ્તો, જીવન કેવું અદ્ભુત બની જાય છે.


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2020 06:14 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK