મિત્રોમાં રોફ જમાવવા સગીર ટીનેજરો ચડ્યા ચોરીના રવાડે

Published: 14th January, 2021 13:55 IST | Mumbai correspondent | Mumbai

પોલીસે તેમને મંગળવારે ચોરેલી રિક્ષા સાથે ઝડપી લીધા હતા. તેમને તો સમજાવીને તેમના પરિવારને પાછા સોંપવામાં આવ્યા છે પણ તેમની પાસેથી ચોરેલાં વાહન પાણીના ભાવે ખરીદનાર ચાર જણની ધરપકડ કરાઈ છે.

પોલીસે જબ્ત કરેલી રિક્ષા, સાઇકલ અને બાઈક.
પોલીસે જબ્ત કરેલી રિક્ષા, સાઇકલ અને બાઈક.

મિત્રો સામે રોફ પાડવા અને ખાઈ-પીને જલસા કરવા મલાડ માલવણીના બે સગીર વયના ટીનેજરો ચોરીના રવાડે ચડી ગયા હતા અને આવું કરવામાં તેઓ મોટરસાઇકલ, રિક્ષા અને સ્પોર્ટ્સ સાઇકલ ચોરતા થઈ ગયા હતા. જોકે પોલીસે તેમને મંગળવારે ચોરેલી રિક્ષા સાથે ઝડપી લીધા હતા. તેમને તો સમજાવીને તેમના પરિવારને પાછા સોંપવામાં આવ્યા છે પણ તેમની પાસેથી ચોરેલાં વાહન પાણીના ભાવે ખરીદનાર ચાર જણની ધરપકડ કરાઈ છે.
દહિસર પોલીસ સ્ટેશનના એએસઆઇ ડૉ. ચંદ્રકાંત ઘાર્ગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે મંગળવારે નૅશનલ પાર્ક પાસે પૅટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે એક રિક્ષામાં બે જણ શંકાસ્પદ રીતે ફરી રહ્યા હોવાનું જણાઈ આવતાં અમે તેમને રોકવાની કોશિશ કરી તો રિક્ષા તેમણે ભગાવી દીધી હતી. અમે તેમને બે કિલોમીટર પીછો કરી આખરે ઝડપી લીધા હતા. બન્નેની પૂછપરછ કરતાં તેમણે એ રિક્ષા ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. એ બન્ને સગીર વયના કિશોર હતા. વધુ તપાસ કરતાં તેમણે મોટરસાઇકલ, રિક્ષા અને સ્પોર્ટ્સ સાઇકલ ચોરતા હોવાનું કબૂલ્યું હતું. તે બન્ને મલાડ માલવણીના સ્લમ વિસ્તારમાં રહે છે. મિત્રો પર પૈસા ઉડાડી રોફ જમાવવા તેઓ ચોરી કરતા થયા હતા. સાઇકલો મિત્રોને, ત્યાંના છોકરાઓને મફતમાં જ આપી દેતા કે જાઓ ચલાવો, જ્યારે મોટરસાઇકલ અને રિક્ષા એ જ વિસ્તારના ચાર જણને વેચી દેતા. ચોરીની એ રિક્ષા અને મોટરસાઇકલ ખરીદનારા ૫૦-૬૦ હજારની બાઇક હોવા છતાં માંડ ૧૦થી ૧૫,૦૦૦ આપતા. જોકે આટલા પૈસા તેમને તો ઉડાવવા માટે ઘણા થઈ પડતા એટલે તેઓ વેચી નાખતા હતા. અમે એ ચોરીનાં વાહનો ખરીદનાર ૪ જણની ધરપકડ કરી છે એટલું જ નહીં; તેમની પાસેથી ચોરાયેલી ૧૦ ઑટોરિક્ષા, ૧૭ મોટરસાઇકલ અને ૨૦ સાઇકલ હસ્તગત કરી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK